Guhilot Dynasty and Maharana Pratap in Indian History - 62 in Gujarati Short Stories by Sisodiya Ranjitsinh S. books and stories PDF | ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 62

Featured Books
  • فطرت

    خزاں   خزاں میں مرجھائے ہوئے پھولوں کے کھلنے کی توقع نہ...

  • زندگی ایک کھلونا ہے

    زندگی ایک کھلونا ہے ایک لمحے میں ہنس کر روؤں گا نیکی کی راہ...

  • سدا بہار جشن

    میرے اپنے لوگ میرے وجود کی نشانی مانگتے ہیں۔ مجھ سے میری پرا...

  • دکھوں کی سرگوشیاں

        دکھوں کی سرگوشیاںتحریر  شے امین فون کے الارم کی کرخت اور...

  • نیا راگ

    والدین کا سایہ ہمیشہ بچوں کے ساتھ رہتا ہے۔ اس کی برکت سے زند...

Categories
Share

ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 62

(૬૨) હલદીઘાટીનું યુદ્ધ

 

          હલદીઘાટી અને ખમણોરની વચ્ચે ઉંચી, નીચી જગ્યાએ યુદ્ધ શરૂ થયું. એનો એક છેડો બનાસનદીના કિનારે પહોંચતો હતો. આ ભૂમિ કઠોર, દુર્ગમ, પથરાળી, કાંટાળી ઝાડીથી વીંટળાયેલી છે. બંને સેનાની આગલી હરોળની સાઠમારી અહીં થઈ.

બાકીનું યુદ્ધ ખમણોરની દક્ષિણ-પશ્ચિમે આવેલા મેદાનમાં થયું.

રાજા માનસિંહ મેદાની યુદ્ધ ઇચ્છતા હતા જ્યારે મહારાણા પ્રતાપ મોગલસેનાને પર્વતીય ખીણમાં યુદ્ધ આપવા માંગતા હતા. હાય વિધાતા! રણઘેલાં મેવાડી રાજપૂતો મહારાણાની એ વ્યૂહરચનાને સમજી શક્યા નહીં. ઉતાવળા બન્યા. યુદ્ધ મેદાનમાં અપાયું.

યુદ્ધની દ્રષ્ટિએ સમૃદ્ધ, સુરક્ષિત અને સુવિધાજનક લોહસિંગ લોખંડ જેવી મજબૂતી ધરાવે છે. આ સ્થળની કરેલી પસંદગી મહારાણાજીજી અને તેમના સલાહકારોની રણચાતુરી અને દક્ષતા દર્શાવે છે.

કુંવર માનસિંહ હલદીઘાટીમાં પ્રવેશવા માંગતા ન હતા. આથી જ તેઓ માંજરા આવીને અટકી ગયા હતા.

મહારાણા વિચારતા હતા. “ અહીંથી જ મોટા મોટા પહાડો ચારે બાજુ ફેલાઇ ગયા છે. કુંવર માનસિંહ આગળ  વધત તો મારા સૈનિકો અને ભીલો મોગલસેનાને એવો પાઠ ભણાવત કે, તેઓ જિંદગીમાં ક્યારેય ભૂલી ન શકત.”

મહારાણા પ્રતાપે પોતાની સેનાનો વ્યૂહ ગોઠવ્યો. ગ્વાલિયરના રાજા રામસિંહ તંવર, એમના ત્રણ પુત્રો શાલીવાહન, ભવાનસિંહ અને પ્રતાપસિંહ એક બાજુ , બીજી બાજુ ભામાશાહ, તેમના લઘુબંધુ તારાચંદને મૂક્યા. એક બાજુ બડી સાદડીના રાજવી મન્નાસિંહ ઝાલા, જેતસિંહ સજાવત, બિલાજી ઝાલા, માનસિંહજી સોનગિરા ડાબી તરફ ગોઠવાયા. એક હરોળમાં ભીમસિંહ દોડિયા, રાવત કૃષ્ણદાસ, ચૂડાવતજી, રાવત સાંગા ઉર્ફે સંગ્રામસિંહજી રામસિંહ રાઠોડ અને મેડતાના પઠાણ શાસક હકીમખાન સૂરી એની પાછળ, ભીલોના સરદાર મેરપુરના રાજા પૂંજાજી ભીલ, પુરોહિત ગોપીનાથ, કલ્યાણસિંહ પઢિયાર, બછાવત મહેતા, જયમલ મહેતા, મહેતા રતનચંદ, ખેમાવત  કર્ણસિંહ, મેવાડ રાજ્યના પ્રધાન મહારાણી, જગન્નાથજી, જૈસા ચારણ તથા કેશવદેવ સોંઢા જેવા નામાંકિત યોદ્ધા હત. મહારાણાની એક બાજુએ કાળ-યવન-શો કાળુસિંહ અને બીજી બાજુએ વીરભદ્ર-શો ગુલાબસિંહ શોભતા હતા.

કુંવર માનસિંહે પણ પોતાની મોગલ સેનાનો વ્યૂહ ગોઠવ્યો હતો. ડાબી બાજુએ બારહના સૈયદ અને જમણી બાજુએ ગાજીખાં બક્ષી અને રાય લુણકરણ આગળની હરોળમાં પોતાના ભાઇ જગન્નાથ કછવાહા, ખ્વાજા ગયાસુદીન અલી અને આસિફખાન, પાછલી હરોળમાં માધવસિંહ અને બીજા સરદારોને ગોઠવ્યા મહેતરખાનને થોડી અનામત સેના સાથે ચંદવાલ રવાના કરી દીધો. જે સમય આવ્યે સહાયક સેના તરીકે આવી પહોંચે. બહલોકખાન લોદી કે જે “રાજા મસ્જીદ” ના નામે ઓળખાતો હતો. તેને પાછલી હરોળમાં રહ્યો. મોગલ સેનાનો તે પ્રચંડકાય યોદ્ધા હતો.

૧૮મી જુન, ૧૫૭૬ ના દિવસે પ્રથમ પહોર વીતી ગયો અને હલદીઘાટીનું યુદ્ધ શરૂ થઈ ગયું. એક બાજુથી પ્રચંડ સ્વરે “જય એકલિંગજી, હર હર મહાદેવ”ના નારા ગૂંજતા હતા. તો બીજી બાજુથી “અલ્લા હો અકબર” ના નાદ સંભળાતા હતા. ગગનભેદી અવાજો વચ્ચે બંને સેનાના વીરો યુદ્ધને દોસ્ત અને જિંદગીને દુશ્મન માનતા હતા. એકબીજાને વાઢવા કાપવાની હરીફાઇમાં ઊતર્યા હતા, આન સામે શાન તુચ્છ છે એવું માનનારા રાજપૂતો, પ્રાણને તુચ્છ સમજી મોગલસેના પર ભૂખ્યા સિંહની માફક તૂટી પડ્યા હતા. ડાબી બાજુથી મહારાણાની સેના જમણી બાજુની મોગલસેના પર તૂટી પડી. મહારાણા તરફથી વેગીલું આક્રમણ શરૂ થયું. મેવાડી સેના એટલા વેગથી લડી રહી હતી કે, મોગલ સેના ભારે ખુવારી સાથે આમતેમ વિખરાઈ ગઈ. યુદ્ધના મેદાનમાં માત્ર રક્ષણાત્મક યુદ્ધ કરવા લાગ્યા. સ્વયં સેનાના નાયકો આમતેમ ભાગતા હતા. રાય લૂણકર્ણ ભાગીને સેનાના ડાબા ભાગમાં ભરાઈ ગયો. શેખજાદા સીકરીવાળા પણ ભાગી છૂટ્યા. મહારાણાનું તીર શેખ મન્સૂરના થાપા પર વાગ્યું. કાજીખાં બહાદુરીથી સામે આવ્યો પરંતુ આંગળીઓ કપાઇ જવાથી ભાગી ગયો. પાંચ છ કોશ સુધી મોગલસેના ભાગતી રહી.

બરાબર આ જ સમયે, ચંદવાલથી સહયક સેના લઈને મોગલ સેનાપતિ મિહિતરખાન આવી પહોંચ્યો. તેને સેનાની તબાહીનો ખ્યાલ આવી ગયો. એણે વિચાર્યુ સેનામાં જુસ્સો લાવવા કાંઇક કરવું જોઇએ.

રાજા માનસિંહ પણ બરાડા પાડતા હતા પરંતુ ભાગતી સેના માટે કશો અર્થ ન હતો. પરંતુ બુલંદ અવાજે જ્યારે મહતરખાને સંબોધન કરતાં કહ્યું કે, “સાથીઓ, ગભરાશો નહી, અમે તાજી સેના સાથે તમારી કુમકે આવી પહોચ્યા છીએ અને જહે-નસીબ બાદ્શાહ જલાલુદીન અકબર સ્વયં મોટી સેના સાથે અજમેરથી ક્યારનાય આપણી સહાય માટે રવાના થઈ ચૂક્યા છે. ભાગશો નહિ. સ્વયં બાદશાહ આવી રહ્યા છે.”

         આની જાદુઈ અસર થઈ. આ ઐલાન જાદુઇ નીવડ્યો. બાદશાહ સ્વયં આવતા હોય તો મૈદાને- જંગમાંથી કેમ ભાગી જવાય? પ્રાણ તો નાસી જવાથી પણ જવાના જ, લડવાથી પણ જશે. સિપાહી માટે લડતા લડતા મરવું એ ગૌરવયુક્ત છે. લાંછિત મૃત્યુ શા માટે વહોરી લેવું? મોગલ સિપાહીઓ પાછા ફર્યા.

ફરીથી મોરચો વ્યવસ્થિત થવા માંડ્યો.

અને હવે આક્રમણનો બીજો તબક્કો શરૂ થયો.

આ યુદ્ધમાં બંને પક્ષે ગજસેના પણ હતી.

મહારાણાના પક્ષે ગજ સૈન્ય લૂણા રાણા દોરતા હતા. જ્યારે મોગલો તરફે કમાલખાન ફોજદારના તાબામાં ગજસેના હતી. હાથીઓની ચિંઘાડથી યુદ્ધક્ષેત્ર ગાજી ઉઠ્યું.

ગજસેનામાં મેવાડીસેનાના મુખ્ય ગજ “રામપ્રસાદ” અને મોગલસેનાના “ગજમુક્તા” હાથીનું ભયંકર યુદ્ધ શરૂ થયું. શાહીસેનાના “ગજમુક્તા” હાથીના મહાવતને તીર વાગ્યું. અને તે મ્રુત્યુ પામ્યો. હવે શાહેસેનાનો બીજો હાથી લઈ સ્વયં જમાલખાન ફોજદાર મેદાનમાં આવ્યો.

બંને પક્ષના ગજરાજો, બે કાળા પહાડની માફક ટકરાયા. જોનારા સૌ દંગ થઈ ગયા.

“રામપ્રસાદ” હાથીને મહારાણા પ્રતાપનો ખાસ માનીતો મહાવત પ્રતાપ દોરી રહ્યો હતો. મોગલસેના પાસે હળવા પ્રકારનું તોપખાનું પણ હતું. જેના કારણે મહાવત પ્રતાપ ઘાયલ થયો અને માર્યો ગયો. આથી રામપ્રસાદ હાથી મોઘલોના હાથમં પકડાયો.

મહારાણાના પક્ષે રાઠોડવીર જયમલના પુત્ર રામદાસ યુદ્ધ કરી રાહ્યા હતા. તેઓ પ્રચંડ પરાક્ર્મ દાખવી દુશ્મનોને ખતમ કરી રહ્યા હતા. એક તબક્કે તેઓ કુંવર માનસિંહ કછવાહાના નાનભાઇ જગન્નાથ કછવાહાની સામે આવી ગયા. બંને એકબીજાની સામે અંગારા ફેંકવા માંડ્યા. બે મહારથીઓ વચ્ચે શ્વાસ થંભાવી દે એવી તલવારની પટ્ટા બાજી શરૂ થઈ. રાઠોડ વીર રામદાસની પ્રચંડ અસિ ઉછળી. જગન્નાથ કછવાહાની ગરદન હમણાં કપાઈ એવું લાગ્યું. પરંતુ ચાલાક જગન્નાથે પળમાં બચાવ કરી લીધો. હવે કછવાહા-વીર જગન્નાથ પણ ક્રોધમાં આવી ગયો. તેણે એક પ્રચંડ ઘા સફળ નીવડ્યો. રાઠોડવીર રામદાસ રણમાં ધરાશાયી બની ગયા. બિદાજી પણ યુદ્ધમાં લડતા લડતા કામ આવી ગયા.

મેડતાનો હકીમખાન સૂરી જાતે પઠાણ હતો. પરંતુ એની સ્વામી-ભક્તિ જ્વલંત હતી. મહારાણાનો એક વિશ્વાસુ મિત્ર અને મેવાડીસેનનો સેનાપતિ હતો. તે પ્રચંડ વેગથી, પોતાની અસિથી માંગલોને કાપતો. દુશ્મન સેનાની વ્યૂહરચનાને ભેદતો પોતાના દળ સાથે મોગલસેનામાં તરખાટ મચાવી રહ્યો હતો.

ખરો જંગ તો ગ્વાલિયરના રાજા તુંવર રામશાહ ખેલી રહ્યા હતા. તેમના ત્રણે પુત્રો શાલીવાહન, ભવાનસિંહ અને પ્રતાપસિંહની શમશેરે મોગલસેનાને જેમ કોઇ ઘાસ વાઢે તેમ વાઢી રહ્યા હતા. આ ચારે મહાવીરો જે ગતિથી મોગલસેનાનો કચ્ચરઘાણ વાળી રહ્યા હતા તે જોઇને મોગલ સેનાપતિઓ પણ ચિંતિત થઈ ગયા. રાજા માનસિંહ, શાહબાઝખાન, આસફખાન, રાજા મસ્જીદ, રહીમખાન સૌ વ્યૂહ ગોઠવી ત્યાં પહોંચી ગયા. હવે બધાનું લક્ષ્ય આ તુંવર વીરો જ હતા. તુંવર વીરોએ રંગ રાખ્યો. ભારે ટક્કર લીધી. જંગમાં એકેએક તુંવર ખપી ગયો પછી જ આ ચારે વીરો દુશ્મનોની ભારે ભીંસમાં લડતા લડતા વીરગતિ પામ્યા.

જ્યારે ચારે તુંવર વીરો વીરગતિ પામ્યા ત્યારે મેવાડી સેનામાં સોપો પડી ગયો જ્યારે મોગલ સેના હર્ષનાદ કરી ઉત્સાહમાં આવી ગઈ.

બીજી જ પળે, યુદ્ધના મેદાનમાં સ્તબ્ધતા છવાઈ ગઈ. મહારાણા પ્રતાપ અને પ્રચંડ કાયા ધરાવતા બહલોલ ખાન લોદી સામસામે આવી ગઈ.  બહલોલખાને શમશેર ઉઠાવી અને સૌના શ્વાસ અધ્ધર થઈ ગયા. મેવાડી સૂર્ય આથમી ગયો. પરંતુ પળમાં મહારાણાએ ઘા ચૂકવી દીધો એટલું જ નહિ બીજી જ ક્ષણે એમની શમંદરે બહલોલખાન લોદીને લોહબખ્તર સહિત, તેમના અશ્વ સાથે શરીરના(બંનેના) બે ટુકડા કરી નાખ્યા.

સૌ નવાઈ પામ્યા. મહારાણાના એક જ બહુની પ્રચંડ તાકાતનો આ પરચો પ્રત્યક્ષ જોઇને સૌ મોંમાં આંગળા નાખી ગયા.

હવે, મોગલસેનામાં સોપો પડી ગયો. મેવાડી સેના હર્ષનાદ કરવા લાગી. મહારાણા પ્રતાપસિંહની જય હો.”

મહારાણા ગર્જી ઉઠ્યા. “જય એકલિંગજી.”

મોગલસેના હતાશ થઈ ગઈ. પરંતુ સૈયદ જાતિના મોગલોએ મેવાડીઓનો જોરદાર મુકાબલો કર્યો.

હવે હલદીઘાટીના યુદ્ધનો આખરી અને ત્રીજો તબક્કો શરૂ થયો.

જુન મહિનો ચાલતો હતો. પ્રચંડ ગરમી પડતી હતી. તેમાંયે હલદીઘાટીની ગરમી જેનાથી ટેવાયેલું ન હતું તેવું મોગલદળ પાણી માટે વલખાં મારી ઉઠ્યું. એમની કપરી કસોટી હતી. લૂ થી લમણા તપતા હતા. મોગલ સૈનિકોમાંથી લડવાનો ઉમંગ ઓસરી ગયો હતો. તેઓ યંત્રવત્ લડતા હતા. આથી તેઓની ભારી ખુવારી થતી હતી.

સંગ્રામમાં જિંદગી સસ્તી હતી જ્યારે સમ્માનની ભારે કિંમત ચુકવવી પડતી હતી. હવે મોગલ સેનાધિપતિ શાહીસેનાના મધ્યમાં ગયા.

તેઓ હાથીપર બિરાજીને યુદ્ધનો રંગ જોઇ રહ્યા હતા. તે તરફ મહારાણાની દ્રષ્ટિ પડી. તેમણે ચેતકને એડ લગાવી.

મોગલ સેનાનો એક સરદાર અને જાણીતો ઇતિહાસ લેખક બદાયુની પણ આ યુદ્ધમાં આવ્યો હતો રાજપૂતો બંને પક્ષે હતા. કયો રાજપૂત કયા પક્ષનો છે એ સમાન પોશકના કારણે કળવું મુશ્કેલ થઈ  પડ્યું. એ મુંઝાવા લાગ્યો. એણે મોગલ સિપેહસાલારને કહ્યું.

“આપણે મેવાડી રાણા કીકાના અને આપણાં પક્ષના રાજપૂતોને કેવી રીતે ઓળખવા? તીર કોની પર ચલાવવું?”

આસફખાને ખંધુ હાસ્ય વેરતા કહ્યું, “ બદાયુનીજી, આપ હમારા ઉસૂલ નહીં જાનતે. તમે ફિકર કર્યા વિના તીર ચલાવો. ગમે તે પક્ષનો રાજપૂત મરશે તો પણ ઇસ્લામને તો ફાયદો જ થવાનો છે.”

હવે બદાયુનીએ તીર ચલાવવા માંડ્યા. ખુદ બદાયુની વિચારવા લાગ્યો. “હું તીરોનો મારો ચલાવ્યે જ રાખું. ભીડ એટલી બધી છે કે, મારું કોઇ તીર ખાલી જશે જ નહી.”

પછી તે કટ્ટર દરબારીના મનમાં વિચાર આવ્યો.

“શત્રુ કે મિત્રનો વિચાર કર્યા વિન રાજપૂતોને સંહારવાથી હિંદુઓ વિરૂદ્ધ લડવાનું જે પુણ્ય મળે છે તે મને મળશે જ.”

મહારાણા પ્રતાપની બંને બાજુ બે શમશેર રહેતી. ભારે ભાલો હાથમાં યમદંડ-શો- શોભતો. ચેતક અશ્વ કદાવર હતો. ચેતકના મુખ પર જ્યારે જ્યારે મહારાણા યુદ્ધાના મેદાનમાં જતા ત્યારે ત્યારે હાથીનું ‘મુખોટું’ બાંધતા જેથી દુશ્મન દળના અશ્વોને કે હાથીને ચેતક હાથી હોવાનો ભાસ થતો.

હલદીઘાટીના મેદાનમાં ચેતક વિદ્યુતગતિથી ચારે તરફ પોતાના સવારને લઈને ઘૂમતો હતો. જેની છાતીમાં મહારાણાનો ભાલો ઘૂસતો, સીધો જ યમસદન પહોંચી જતો. દક્ષ પ્રજપતિના યજ્ઞનો નાશ કરવા ક્રોધિત થયેલા વીરભદ્ર જેવા જ મહારાણા લાગતા હતા. ચેતક પળે પળે સ્થળ બદલતો. દુશ્મન તલવાર કે ભાલો ઉગામે એટલી પળમાં તો ચેતક મહારાણા સાથે વિરૂદ્ધ દિશામાં ક્યાંનો ક્યાં હોય. સૌ ચેતકની ગતિ પર મુગ્ધ હતા. ઘણીવાર તો  મહારાણાનું યુદ્ધ જોવા દુશ્મનો પણ થંભી જતા.

પોતાના સ્વામીનો ઇશારો ચેતક સમજી ગયો. મોગલ સેનાની મધ્યમાં જવા માટે સેનાને ચીરીને ચેતક કુંવર માનસિંહના હાથી સામે આવી ઉભો રહ્યો. સામે જ કુંવર મનસિંહને જોઇને મહારાણા પ્રતાપની આંખો લાલધૂમ થઈ ગઈ. પોતાના અંગત સ્વાર્થ માટે આ માણસે રાજપૂત્તોના ભાગલા કરાવ્યા. રાજપૂત રાજ્યોને ગુલામીની જંજીરોમાં જકડીને બાદશાહની તહેનાતમાં મુકી દીધા. માતૃભૂમિના ભોગે પોતાના ભોગ બુલંદ કરનાર માનવી જાનવર કરતાં બદતર છે. આણે જ મારા ભાઇઓને આશરો આપી દિલ્હી- દરબારના ગુલામ બનાવ્યા. ઘોરનિનાદ કરતાં કુંવર માનસિંહને કહ્યું, “માન, સંભલ જા, તુ અગર મોગલોં કા સિપેહસાલાર હૈ તો યહ ભાલા ભગવાન કા સુદર્શન હૈ, તારો કાળ આવી પહોંચ્યો છે. હાથી પર શું બેસી રહ્યો છે? તારે સ્વાગત જોઇતું હતું ને? આજે હું એ માટે જ આવી પહોંચ્યો છું. આવ, હું તારો કાળ બનીને આવ્યો છું. આ માનવસાગરમાં હું તને જ શોધતો હતો. હવે થઈ જા તૈયાર. કાળદેવતાને ચરણે જવા.”

મહારાણાની ભવ્ય મૂર્તિ જોઇને કુંવર માનસિંહમાં ભયની કંપારી છૂટી. તેઓ કશું જ બોલી ન શક્યા.

મહારાણા ગર્જી ઉઠ્યા, “ મેવાડને યજ્ઞની આહુતિમાં હોમાવીને તું મોગલોન અશ્વમેઘ યજ્ઞને પૂર્ણ કરાવવા ઇચ્છતો હોઇશ પરંતુ ભગવાન એકલિંગજીની સાખે હું કહું છું કે, જ્યાં સુધી મારા શરીરમાં શ્વાસ હશે ત્યાં સુધી તારા એ અરમાન પૂરા નહિ થવા દઉં. તારો આનંદ હવે થોડી ક્ષણોમાં જ શોકમાં પલટાઇ જશે.”

ફરી મહારાણાએ એડી લગાવીને ચેતકને સાવધ કર્યો. ચપળ ચેતકે એક છલાંગ લગાવી હાથીનીં ગંડસ્થળ પર પોતાના પગ ટેકવી દીધા. તે જ ક્ષણે મહારાણા પ્રતાપે પોતાના ભાલો ઉઠાવ્યો. સમસ્ત બળ બાહુઓમાં ભેગું કર્યુ. એ ભાલો કાળદેવતાની લબલબતી જિહ્‍વા જેવો લાગતો હતો. તાકીને કુંવર માનસિંહ પર ફેંક્યો. કુંવર માનસિંહ તત્ક્ષણ મોતથી ડરી ગયા. તેઓ હાથીની અંબાડી તળે છપાઈ ગયા. ભાલો હાથીના માહાવતનો સીનો ચીરીને, અંબાડીના પાછલા ભાગ સાથે જડાઇ ગયો. આ ભાલો એવો તો જડાઇ હયો હતો કે, કુંવર માનસિંહ ડરી ગયા. જો આ ભાલો મારા સીનામાં પરોવાઈ ગયો હોત તો? સાચે જ મેવાડના મહારાણા રૂદ્રનો અવતાર છે. આ ભાલો અને ભાલાનો ફેંકનાર જીવનભર મને યાદ રહી જશે.

ચેતકે જ્યારે હાથીના ગંડસ્થળ પર પગ મૂક્યા ત્યારે જ હાથીની સૂંઢમાં મુકેલી તલવારે ચેતકના પગમાં ઘા કર્યો. આથી ચેતકનો એ પગ ઘાયલ થઈ ગયો. અપાર દર્દ થવા માડ્યું. વેદના અસહ્ય બની પરંતુ ચેતક એ ચેતક હતો. એણે પોતાના સ્વામીને એ કળાવા ન દીધું.

મહારાણાની શમશેર મોતનો સંદેશો લઈને ઘૂમતી હતી. એ શમશેર કાળભૈરવની જિહ્‍વા બની ગઈ. શત્રુસેનાના છક્કા છૂટી ગયા.

હવે મોગલસેનાનું, એના સેનાપતિઓનું લક્ષ્યસ્થાન મહારાણા બની ગયા. સમસ્ત બળ મહારાણા તરફ ઠલવાવા લાગ્યું. વર્ષાના નીર વહેતા વહેતા અંતે સરોવરમાં ભરાય તેમ તમામ મોગલ વીરો મહારાણાને સંહારવા તેમની નિકટ આવવા લાગ્યા.

બડીસાદડીના પડછંદ કાયાવાળા માનસિંહ ઝાલા દૂર, મોગલોના એક દળ સાથે પોતાની ટુકડી સાથે ઘોર સંગ્રામ કરતા હતા. તેમણે શમશેર ઉગામી સામેના ઘોડેસવારની ગરદન ઉડાવી દીધી. દૂર સામે તેમની દ્રષ્ટિ પડી. તેઓએ જોયુ કે મહારાણા મોગલસેનામાં ઘેરાઇ ગયા છે. તેઓ ભયંકર સંકટમાં છે. મહારાણા જો ખતમ થઈ જાય તો આ જંગ કેવી રીતે ચાલે? આ પળે હું મારા સ્વામીના કામ નહિ આવું તો ક્યારે આવીશ?”

“ચાલો  મહારાણાજી, મોગલોથી ઘેરાઈ ગયા છે.”

પોતાના દળને અવાજ કરી તેઓએ અશ્વ દોડાવી મૂક્યો. પ્રાણની પરવા કર્યા વિના બડીસાદડીના ઝાલાઓ મોગલસેનામાં ઘૂસી ગયા. શત્રુઓના શિર વાઢતો વાઢતો માનસિંહ ઝાલા મહારાણાની લગોલગ આવી પહોંચ્યો.

“મહારાણાજી, મારી તમન્નાને અંકુર આવ્યા છે.”

“માન, યુદ્ધમાં એક જ તમન્ના હોય, મૃત્યુને વરણ કે વિજેતાનો તાજ”

“મહારાણાજી, મારે મેવાડનાં સરતાજ બનવું છે, આજના દિવસ માટે.

દુનિયામાં મારે કીર્તિનો મહેલ ચણવો છે. રાજચિન્હ મને આપો.”

“માન, પ્રતાપ પ્રાણના ભયે ભાગશે એ તેં કેમ ધારી લીધું?”

“મહારાણાજી, વિવાદ માટે સમય નથી. આપ હશો તો જંગ ચાલશે. મારું કામ મને કરવા દો.”

“પરંતુ યુદ્ધના મેદાનમાંથી હું ભાગું એ.......”

“મહારાણાજી, સમયની માંગ આજ છે. રણ તો ભગવાને પણ છોડ્યું હતું.”

શીઘ્ર મહારાણાનો તાજ એણે પહેરી લીધો.

“શમશેરસિંહ, થોડા સૈનિકો સાથે રાણાજીને ખસેડી લેજો.”

ચેતકને મન્નાજીએ ઇશારો કર્યો.  ચાલાક ચેતક સમજી ગયો. યુદ્ધ સ્થળ છોડીને જવા માટે એણે દોટ મુકી. હવે તો મહારાણા પણ લાચાર બની ગયા.

સૌ મન્નાસિંહ ઝાલાને જ મહારાણા પ્રતાપ સમજી રહ્યા. ઘોર યુદ્ધ થયું. ઝાલા પણ મહાબળવાન યોદ્ધા હતા. તેમણે ઘણી ટક્કર લીધી. અંતે જેમ મહાભારતના સગ્રામમાં અનેક મહારથીઓથી ઘેરાઈને વીર અભિમન્યુ મૃત્યુની ગોદમાં સૂઇ ગયો હતો તેમ મન્નાસિંહ ઝાલા રણમાં બલિ થઈ ગયા.

ક્ષણવાર તો મોગલસેનામાં મહાહર્ષનાદ થયો.

“મહારાણા હણાયા.” પરંતુ જાણકાર રાજપૂત સિપાહી, જે મોગલસેનામાં હતો તેણે કહ્યું, “આ તો બડીસાદડીના રાજા મન્નાસિંહ ઝાલા શહીદ થયા.” ત્યારે સ્વયં  માનસિંહ હતાશ થઈ ગયા.

મન્નાસિંહ ઝાલાના મૃત્યુ અને મહારાણાના પ્રસ્થાનની ઘટના બની એટલે સંકેત મુજબ મેવાડી વીરો ગાયબ થઈ ગયા. ભીલો ઘાટીમાંથી બહાર આવી ઘાયલોને લઈને જંગલોમાં ઓગળી ગયા.

હવે ઘાયલોને બચાવવાની તેમની કામગીરી શરૂ થઈ.

હલદીઘાટીના યુદ્ધમાં એટલો બધો રક્તપાત થયો હતો કે, બનાસનદીનું પાણી લાલ લાલ થઈ ગયું હતું.

 

“રાજમુકુટ રાજ્ય ભોગવવા માટે છીનવામાં આવે છે પરંતુ મન્નાસિંહ ઝાલાએ તો મેવાડનું સર્વોત્તમ બલિદાન આપવા માટે રાજમુકુટ છીનવી લીધો. ઝાલાનું સાચું મુલ્ય ભાવિનો કોઇ ઇતિહાસકાર કરશે ત્યારે ખરું.” વીર ગુલાબસિંહ વિચારી રહ્યા.

મોગલસેનામાં પીછો કરવાની હામ ન હતી. જુન મહિનાનો વિકરાળ તાપ સહન કરીને સૈનિકો માંડ માંડ લડી રહ્યા હતા. જ્યારે મેવાડીઓ વિખરાયા ત્યારે સૈનિકોમાં ડગ માંડવાની યે તાકાત ન હતી. જો તેઓએ પીછો કર્યો હોત તો ઘાટીમાં ભીલો તીર કામઠાં સાથે તૈયાર જ હતા પરંતુ એવું ન બન્યું.

હલદીઘાટીનું આ યુદ્ધ મહારાણા ધર્મયુદ્ધ તરીકે લડ્યા હતા. મહાભારતના યુદ્ધમાં કર્ણનો વધ, રામાયણમાં વાલીનો વધ, દ્રોણાચાર્યનો વધ, ભીષ્મ પિતામહ પર સ્વયં શ્રી કૃષ્ણનું ચક્ર ઉગામવું, શિખંડીને આગળ કરી વધ કરાવવો, કર્ણને અર્જુનના પિતાએ બ્રાહમણના વેશમાં આવીને, કવચકુંડળ વિહીન કરવા, આવું કાંઇ જ મહારાણા પક્ષે થયું ન હતું.

આમ, મહારાણા પ્રતાપે, ધર્મ, ન્યાય અને સત્વ સહિત પોતાની સેનાથી પાંચગણી સેનાને પ્રચંડ મુકાબલો આપ્યો. આથી મહારાણાની કીર્તિ સમસ્ત ભારતવર્ષમાં ફેલાઇ ગઈ. રાજપૂતોમાં નવું જોમ આવ્યું. પોતાની સુષુપ્ત શક્તિઓનું ભાન થયું. રાહ ભટકેલાઓને નવી કેડી સાંપડી.