Ghadar 2 in Gujarati Film Reviews by Rakesh Thakkar books and stories PDF | ગદર 2

Featured Books
  • ओ मेरे हमसफर - 12

    (रिया अपनी बहन प्रिया को उसका प्रेम—कुणाल—देने के लिए त्याग...

  • Chetak: The King's Shadow - 1

    अरावली की पहाड़ियों पर वह सुबह कुछ अलग थी। हलकी गुलाबी धूप ध...

  • त्रिशा... - 8

    "अच्छा????" मैनें उसे देखकर मुस्कुराते हुए कहा। "हां तो अब ब...

  • Kurbaan Hua - Chapter 42

    खोई हुई संजना और लवली के खयालसंजना के अचानक गायब हो जाने से...

  • श्री गुरु नानक देव जी - 7

    इस यात्रा का पहला पड़ाव उन्होंने सैदपुर, जिसे अब ऐमनाबाद कहा...

Categories
Share

ગદર 2

ગદર 2

- રાકેશ ઠક્કર

જો તમે સની દેઓલના ફેન હોય તો ફિલ્મ ગદર 2 મોટા પડદા પર જોઈ શકાય એમ છે. ગદર 2 ની એક દમદાર ફિલ્મ તરીકે હર કોઈ રાહ જોતું હતું પણ એમાં પાકિસ્તાનનો વિરોધ, હિન્દુ -મુસ્લિમ ભાઈચારો અને દેશપ્રેમની વાત હોવા છતાં માત્ર એક મનોરંજક ફિલ્મ તરીકે ઊભરી આવી છે. સમીક્ષકોએ બહુ સ્પષ્ટ અભિપ્રાય આપ્યો હતો કે એમાં વાર્તા, અભિનય કે વિષય જેવું ખાસ કંઇ નથી. ઘણા દ્રશ્યોમાં લોજીક પણ શોધતા રહી જઈએ એમ છીએ. એ વાત સાચી પડી કે ફિલ્મનો પબ્લિકમાં જે ક્રેઝ હતો અને એના માટે લોકોમાં જે ઇમોશન રહ્યા છે એ કમાણી કરાવી જશે. 15 ઓગસ્ટે એ ઉત્સવનો માહોલ જ ફિલ્મ માટે લાભકારક રહ્યો છે. નિર્દેશક અનિલ શર્માને લોકોનો એની સાથેનો 22 વર્ષ જૂનો સંબંધ જ કામ આવ્યો છે. ખરાબ રીવ્યુ એના ધંધાને અસર કરી શક્યા નથી. એક વખત ફિલ્મ જોવા જેવી લાગશે પણ દર્શક દિલથી એમ જરૂર વિચારશે કે ફિલ્મમાં ગદર શબ્દનો ઉપયોગ કરીને એમણે છેતરવા જોઈતા ન હતા.

ગદર થી આગળ વધતી ગદર 2 ની વાર્તા એવી છે કે તારા સિંહ (સની દેઓલ) આજે પણ એક ટ્રક ડ્રાઈવર છે અને પત્ની સકીના (અમીષા પટેલ) ને પ્રેમ કરવા સાથે ગીતો ગાય છે. તારા સિંહ ભારતીય આર્મીના પંજાબ પાસેના વિસ્તારમાં કામ કરે છે. તારાનો પુત્ર જીતે એટલે કે ચરણજીત (ઉત્કર્ષ) મોટો થઈ ગયો છે અને કોલેજમાં ભણી રહ્યો છે. એને મુંબઈ જઈને અભિનેતા બનવું છે. બીજી તરફ પાકિસ્તાનમાં જનરલ હામીદ ઇકબાલ તારા સિંહ સામે વેર લેવાના મનસૂબા બનાવી રહ્યો છે. તારા સિંહ સકીનાને છોડાવીને લઈ ગયો હતો અને 40 જવાનોને મારી નાખ્યા હતા એનો બદલો લેવા માગે છે. તે તારાને શોધીને ખતમ કરવા માગે છે. દરમ્યાનમાં પિતાને બંધક બનાવ્યા હોવાનું જાણ્યા પછી પુત્ર જીતે પાકિસ્તાન પહોંચી જાય છે. તારા ઘરે આવી જાય છે અને જીતેને પાકિસ્તાની સેના પકડી લે છે. હવે જીતેને લેવા તારાએ ફરી પાકિસ્તાન જવું પડે છે. જ્યાં હામીદ એની રાહ જોઈને બેઠો છે. પાકિસ્તાનમાં તારા સિંહ ગદર મચાવી દે છે.

ફિલ્મની શરૂઆત બહુ ધીમી થાય છે. એમાં અગાઉની વાર્તા બતાવવામાં સમય લીધો છે. પહેલો ભાગ વાર્તા જ નહીં અભિનયની રીતે પણ નબળો લાગે છે. ઇન્ટરવલ વખતે એમ લાગે છે કે ફિલ્મ હવે શરૂ થઈ છે. અને ત્યારે એવો અહેસાસ થાય છે કે ગદર જોઈ રહ્યા છે. સનીએ એક્શન દ્રશ્યોમાં કમાલ કર્યો હોવા છતાં ગદર જેવા હાથપગથી લડાઈના નેચરલ દ્રશ્યો નથી. નવા જમાના પ્રમાણે એનિમેશન અને વીએફએક્સનો સહારો વધારે લીધો છે. હથોડા સિવાય એક્શન નિર્દેશક ટીનૂ વર્મા સની પાસે કંઇ નવું કરાવી શક્યા નથી.

ફિલ્મ વિશે જેટલી અને જેવી અપેક્ષા હતી એમાંથી બહુ ઓછી પૂરી થઈ છે. સની દેઓલ વચ્ચે પડદા પરથી અડધો કલાક ગાયબ થઈ જાય છે છતાં એ જ છેલ્લે તારે છે. લોકો સનીની સંવાદ બોલવાની અદાથી ગદર ના ચાહકો બન્યા હતા. આ વખતે એ સંવાદના નામ પર માત્ર ચિલ્લાઈને વધારે બોલતો લાગે છે. બેચાર હાર્ડ હીટિંગને બાદ કરતાં બે જણ વચ્ચેના સંવાદો પણ એટલા સામાન્ય છે કે કંટાળો આવે છે.

ફિલ્મ જોયા પછી એ સાબિત થયું કે અનિલ શર્માનો ઇરાદો સીકવલ બનાવવા કરતાં પોતાના પુત્ર ઉત્કર્ષનો હીરો તરીકે ઉધ્ધાર કરવાનો વધારે રહ્યો છે. એને સનીને સમાંતર ભૂમિકા આપી છે. એ સનીની જેમ ચિલ્લાઈને સંવાદ બોલ્યો છે પણ એ ફિલ્મી લાગે છે. પહેલા ભાગમાં ઉત્કર્ષને જ મહત્વ આપ્યું છે. એની સાથે સિમરત કૌર પ્રભાવિત કરી શકતી નથી.

જો સનીને ફિલ્મમાંથી હટાવી દેવામાં આવે તો બાકી કલાકારોની ઓવર એક્ટિંગ કેટલી છે એનો ખ્યાલ વધારે આવશે. કેટલાક પાત્રોને જબરદસ્તી રાખવામાં આવ્યા હોય એમ લાગશે. એક સમીક્ષકે તો કહ્યું છે કે જો તમે માત્ર સનીના નામ પર ફિલ્મ જોવા ગયા હોય તો અડધા પૈસા નિર્દેશક પાસે પાછા માગવાનો હક્ક બને છે. સની એ બધું જ કરતો દેખાય છે જેના માટે દર્શકો ફિલ્મ જોવા જતા હોય છે. અમીષા પટેલની ભૂમિકા એવી અને એટલી છે કે ફિલ્મમાં એ હોય કે ના હોય એનાથી જાણે કોઈ ફરક જ પડતો નથી. શરૂઆતમાં દેખાયા બાદ લગભગ ગાયબ જ થઈ જાય છે.

નિર્દેશક અમરીશ પુરીનો વિકલ્પ શોધી શક્યા નથી. અને વિલનનું પાત્રાલેખન કોમેડી સાથે એવું છે કે જાણે એ પોતાની જ મજાક ઉડાવી રહ્યો છે. મનીષ વાધવા સનીની બરાબરીનો વિલન લાગતો જ નથી. એણે પોતાની શક્તિ મુજબ કામ કર્યું છે. ઉત્કર્ષ શર્માનું કામ ઠીક જ છે.

ફિલ્મમાં અગાઉના ગીતો ઉડ જા કાલે કાવા અને મેં નીકલા ગડ્ડી લે કે જ સારા લાગે છે. એ જ દર્શકોને ફિલ્મ સાથે જોડી શક્યા છે. કેમકે સંગીતકાર મિથુને એમાં કોઈ ફેરફાર કર્યો નથી. બાકી નવા ગીતોમાં ખૈરિયત કે ચલ તેરે ઈશ્ક મેં યાદ રહે એવા નથી. આ ગીતો લંબાઈ વધારવાનું કામ કરે છે. આમપણ કેટલાક બિનજરૂરી દ્રશ્યોને લીધે લંબાઈ વધારે જ છે. પહેલા ભાગમાં એક્શન દ્રશ્યો ન હોવાથી પણ લાંબો લાગે છે. ફિલ્મની નિષ્ફળતા એ છે કે એ દર્શકને કંઇ નવું આપતી નથી. ફિલ્મનો ત્રીજો ભાગ બનશે પણ બીજા ભાગે અપેક્ષા પૂરી કરી ન હોવાથી ખાસ અપેક્ષા રહેશે નહીં. કેમકે જીતે પર જ વધુ કેન્દ્રિત રહે એવો સંકેત નિર્દેશકે આપ્યો છે.

ફિલ્મનો ક્લાઇમેક્સ અને એમાં સનીનું અસલ તારા સિંહ નું દમદાર પરફોર્મન્સ દર્શકને એવું આશ્વાસન આપે છે કે એના પૈસા બરબાદ થતાં બચી ગયા છે!

***