Gurjareshwar Kumarpal - 4 in Gujarati Fiction Stories by Dhumketu books and stories PDF | ગુર્જરેશ્વર કુમારપાલ - ભાગ 4

Featured Books
  • خواہش

    محبت کی چادر جوان کلیاں محبت کی چادر میں لپٹی ہوئی نکلی ہیں۔...

  • Akhir Kun

                  Hello dear readers please follow me on Instagr...

  • وقت

    وقت برف کا گھنا بادل جلد ہی منتشر ہو جائے گا۔ سورج یہاں نہیں...

  • افسوس باب 1

    افسوسپیش لفظ:زندگی کے سفر میں بعض لمحے ایسے آتے ہیں جو ایک پ...

  • کیا آپ جھانک رہے ہیں؟

    مجھے نہیں معلوم کیوں   پتہ نہیں ان دنوں حکومت کیوں پریش...

Categories
Share

ગુર્જરેશ્વર કુમારપાલ - ભાગ 4

પત્તો લાગ્યો!

વૌસરિ સરસ્વતીકાંઠે પહોંચ્યો ત્યારે ભોંભાંખળું થવા આવ્યું હતું. નૌકાઓનો વ્યવહાર ચાલુ થઇ ગયો હતો. રોજના નિયમ પ્રમાણે પાટણના દરવાજા ઊઘડવાની તૈયારી હતી. માણસોની મેદની ત્યાં પહોંચવા માટે તલપાપડ થઇ રહી હતી. વૌસરિ ત્યાં સાધુબાવાની ધૂણીઓ પાસે ફરવા મંડ્યો. એણે એક આશ્ચર્ય થતું હતું: પેલા બે ઘોડેસવાર સરસ્વતીને આ કાંઠે દેખાતા જ નહતા એ શું? ઊડીને અંદર ગયા કે પછી તેઓ અહીં આવ્યા જ ન હોય, કે બીજે રસ્તેથી ગયા હોય કે શું થયું હોય? પગપાળા તો પહોંચ્યા નહિ હોય? પણ કોઈને પૂછવું એ શંકા નોતરવા જેવું હતું, એટલે એ ત્યાં ફરતો જ રહ્યો.

થોડી વાર થઇ અને એક નૌકા પેલે કાંઠેથી આ બાજુ આવતી જણાઈ. સામે કાંઠે ત્યાં દરવાજામાં પણ કેટલાંક માણસો ભેગા થયેલા જણાતા હતા. વૌસરિને લાગ્યું કે કોઈ રાજમાન્ય પુરુષ બહારથી આવવાનો લાગે છે.

તેણે નૌકાને આ કાંઠે થોભતી જોઈ. એ થોભી એટલે એમાં બેસવા સારુ એક સુંદર તેજસ્વી જુવાન આગળ વધ્યો. તેની આગળ-પાછળ સાત-આઠ સૈનિકો ચાલી રહ્યા હતા. તેમાંથી એક જણાએ એના માથા ઉપર છત્ર ધર્યું હતું. જુવાન નૌકામાં બેસવા જતો હતો, ત્યાં એક દબાયેલા જેવો અવાજ ‘મહારાજ...ની...’ કરીને નીકળ્યો-ન-નીકળ્યો, પણ નૌકામાંના કોઈની ઈશારતે રૂંધાતો તરત શાંત થઇ ગયો.

વૌસરિ આ ઘટનાને આશ્ચર્યથી જોઈ રહ્યો. બે પળ થઇ ને નૌકા પાણીમાં ચાલતી થઇ ગઈ. એને સત્કારવા માટે ને એને આવતી જોઇને આનંદ પામ્યા હોય તેમ સામે કાંઠે કેટલાંક આવકારદાયક રીતે હાથ ઊંચા કરી રહ્યા હોય તેમ આંહીંથી જણાતું હતું. 

વૌસરિને આમાં કાંઈ સમજણ પડી નહિ. એનું મન શંકામાં પડી ગયું.

પોતે રાત્રે પ્રપામા જે સમર્થ તરુણ જોયો હતો તે દિવસે આટલો બધો બદલાઈ જાય એ તો પોતાની આંખને ઠગવા જેવું લાગતું હતું. વળી આ તો એકલો હતો, પેલાં બે જણા હતા. ત્યારે આ બીજો અત્યારે નૌકામાં કોણ બેઠો એની એણે ખબર પડી નહિ. કાન ઉઘાડા રાખીને એ ત્યાં ફરવા મંડ્યો. પડખે જ કોઈ બે માણસો કાન કરડી રહ્યા હતા. સોરઠ બાજુના લાગ્યા.

‘આપણે તો ગાદીને સલામ, બીજું શું? પણ કહે છે કે પ્રભાસના કુલસદગુરુનાં પુત્રી પણ આજે જ આવી પહોંચ્યાં છે. હક્ક આ કુમારતિલક ત્યાગભટ્ટનો છે. કુમારપાલ માટે તો મહારાજે પોતે જ ના પડી છે અને કુમારપાલ પણ ડાહ્યો છે – હમણાં દેખાતો નથી. મહારાજની અંતિમ પળની આજ્ઞા, એમને ગળે હાથ મૂક્યા પછી, આ કોઈ ન માને તો-તો થઇ રહ્યું! પછી આ દુનિયામાં કોણ કોનો વિશ્વાસ કરે?’

‘પણ માનશે નહિ કેમ? માનશે માનશે. તમે ન જોયું હમણાં જ? એની હમણાં જ જય બોલાઈ જાત. પણ સેનાપતિ કેશવે જરાક નિશાની કરી દીધી એટલે રહી ગયું.’

‘પેલો નૌકામાં હતો એ?’

‘હા, એ જ કેશવ સેનાપતિ! અને આવ્યા તે...’ પણ બોલનારે ચારે તરફ નજર કરી, વૌસરિને સાંભળતો દીઠો એટલે તે વાક્ય ચોરી ગયો. વૌસરિ ‘ભિક્ષાં દેહિ’ કરતો આગળ વધી ગયો.

પણ એને ખબર પડી ગઈ. આવ્યો તે ત્યાગભટ્ટ હોવો જોઈએ. પ્રતાપદેવી પણ આવી જણાય છે. હવે બે-ચાર દિવસમાં કાંઈ ને કાંઈ નવો રંગ પ્રગટ થાય તો ના નહિ. એણે દરેક પળ કીમતી લાગી. હજી સુધી પેલાં બે કોણ હતા એનો કાંઈ પત્તો મળ્યો ન હતો. 

અનેક માણસો સાથે એક ખીચોખીચ ભરેલી હોડીમાં એણે જગ્યા લીધી. એ પણ સૌની સાથે દરવાજે પહોંચ્યો. 

દરવાજે જે-જે માણસ નગરમાં અંદર જતા હતા તેમની ઉપર એક દ્રષ્ટિપાત થઇ જતો હતો. દરવાજા પાસે જ એક તરફ કરડો, સત્તાવાહી, કોઈની શરમ ન રાખે તેવો. ઊંચો, પડછંદ સશસ્ત્ર આદમી ઊભોઊભો જનાર તમામને નિહાળી રહ્યો હતો. એની દ્રષ્ટિ ગમે તેવાં ઢોંગીને કે દાંડને એક પળમાં ઉઘાડા પાડી દે તેવી સોંસરવી જનારી જણાતી હતી. એની આંખમાંથી જાણે કેમ વીજળી વરસી રહી હોય.

તેણે વૌસરિને પેસતાં દીઠો અને એક સત્તાવાહી અવાજે કહ્યું: ‘મહારાજજી! થોભો જરા!’

વૌસરિ સાથેના ઘણા જનારાઓએ એના તરફ દ્રષ્ટિ કરી. એટલામાં તો એક સૈનિક વૌસરિ નજીક આવી પહોંચ્યો. ‘દુર્ગપાલજી તમને બોલાવે છે, ચાલો!’

‘દુર્ગપાલજી મને બોલાવે છે? કોણ – ?’

‘દુર્ગપાલ ત્રિલોચનપાલજી. જુઓ, ત્યાં તમારી રાહ જુએ.’

વૌસરિ ઘણી વખત આ પ્રમાણે નગરમાં આવતો-જતો હતો. આજે પ્રતિબંધ વધારે કડક થયો હોય તેમ લાગ્યું. તે શાંતિથી સૈનિક સાથે ગયો. ત્રિલોચનપાલ પાસે ઊભાંઊભાં એણે પણ સૌને નિહાળવાનો લાભ મળ્યો.  યોદ્ધાઓ, વેપારીઓ, જાત્રાળુઓ, સોદાગરો, સામંતો, નાગરિકો – અનેક જણ આવી રહ્યા હતા. વૌસરિને હજી પણ ગડભાંગ થતી હતી – પેલાં રાતવાળા બે કેમ દેખાયા નહિ? ક્યાં અદ્રશ્ય થઇ ગયા? કે પછી પાછા ફર્યા?

પણ એટલામાં ત્રિલોચનપાળે એણે પગથી માથાં સુધી નીરખવા માંડ્યો. અચાનક જ એણે પૂછ્યું: ‘ક્યાંથી આવો છો?’

‘એ શોધ તો જિંદગીભર મેં કરી; હજી તો એનો પત્તો નથી લાગ્યો. જેને એ પત્તો લાગ્યો હોય એનો પણ પત્તો નથી.’

‘મહારાજજી!’ ત્રિલોચનપાલે જરા કરડાઈથી કહ્યું, ‘તમને ખબર છે, આંહીં અત્યારે કોઈ વિદેશી આવી શકતો નથી?’

‘પણ કોણ કહે છે કે હું આંહીં નો નથી? બીજા ઘણા મારા પ્રમાણમાં વિદેશી કહેવાય તેમ છે!’

‘તમે આંહીં શું કરો છો?’

‘હું?...’ વૌસરિએ નાળિયેરનું કાચલું આગળ ધર્યું: ‘આ!’

‘રહો છો ક્યાં?’

‘વડવાળી પ્રપા!’ વૌસરિએ શંકા ઉડાડી દેવા માટે એકદમ જવાબ વાળવા માંડ્યા.

‘પાછા ક્યારે જવાના?’

‘કરભંક (રાબ) મળી જાય તો હમણાં. મોડો મળે તો મોડો. તમે આંહીં જ ભિક્ષા આપી દો તો અહીંથી જ પાછો ફરું! મારે રખડવું મટ્યું.’

ત્રિલોચનપાલે એણે જવાની નિશાની કરી કહ્યું: ‘પધારો ત્યારે!’

વૌસરિ છુટકારાનો દમ લેતો આગળ વધ્યો. કુમારપાલને આજે ધરાઈને કહી શકાય એટલી વાતો અત્યારમાં જ એની પાસે ભેગી થઇ ગઈ હતી. પણ એણે બીક પેસી ગઈ: ‘હવે પ્રપા પણ સહીસલામત નહોતી. ત્યાંથી આજ રાતે ભીખના હાંલ્લાં ફેરવી કાઢવાં જોઈએ.’ 

ત્રિલોચનપાલ હજી વૌસરિને જતો જોઈ રહ્યો હતો. એના અંતરમાં એક જ વાત બેઠી હતી: મહાઅમાત્યની આજ્ઞા. પાટણના દુર્ગ વિષે એણે મનમાં એક પ્રકારનું અભિમાન હતું. એ પોતે બેઠો હોય ત્યાં સુધી પાટણમાં ક્યાંય કોઈ આંતરિક ઘર્ષણ ઉત્પન્ન થઇ જ ન શકે, એનો એવો દ્રઢ વિશ્વાસ હતો. તે માટે એ રાત-દિવસ ખડેપગે રહેતો. એણે એક સૈનિકને નિશાની કરી બોલાવ્યો ને વૌસરિને જતો બતાવ્યો: ‘પેલો જોયો? એ આજ ક્યાં-ક્યાં ફરે છે એ તું જોતો રહે. સાંજે મને ખબર આપજે. અને જો ક્યાંય કાંઈ ઘર્ષણ થાય એવું કરતો લાગે તો તુરંગાધ્યક્ષને તરત ખબર દેવી. જા!’

સૈનિક નમીને વૌસરિને નજરમાં રાખતો પાછળ ચાલ્યો. 

વૌસરિ પાટણના વણિકવાડામા પહોંચ્યો. એનું નાળિયેરનું કાચલું ને એનો વેશ આ વાડામાં એમે બહુ સત્કાર અપાવે તેવાં ન હતા.

એ ધીમેધીમે ચાલ્યો જતો હતો. એક જગ્યાએ કોઈ શ્રેષ્ઠીને ઘરઆંગણે પાટ ઉપર બેસી દ્રમ્મ ગણતો દીઠો. વૌસરિ તેની પાસે જઈને ઊભો. મોટેથી પેલો સાંભળે તેમ બોલ્યો: ‘હોહી કુમ્મર નરિંદો...’

‘અરે! કેવા છો મા’રાજ?’ શ્રેષ્ઠીએ દ્રમ્મ ગણવાનું છોડી તેની સામે જોયું. 

વૌસરિએ ચારે તરફ ઉતાવળી દ્રષ્ટિ કરી અને તેની પાસે સરીને ધીમેથી કહ્યું: ‘ઉદા મેતાનો વાડો, એ ક્યાં આવ્યો?’

‘ડાબે હાથે, સીધા ચાલ્યા જાઓ. લો!’ શ્રેષ્ઠીએ એક સોનાનો દ્રમ્મ તેના હાથમાં મૂક્યો. એ પોતે પણ ગણગણી રહ્યો હતો: ‘હોહી કુમ્મર નરિંદો... વરિસાણ નવ નવાઈ અહીએ... આંહીં તો આ ગાથા સૌ કોઈ જાણે છે મહારાજજી! પંડિતોને શીખવાડવા જેવી છે.’

વૌસરિને પોતાનું અનુમાન સચોટ જણાયું. એણે ધાર્યું હતું તે પ્રમાણે જ હતું. સઘળે એક પ્રકારની હવા ઊભી થતી જતી હતી. આ એ જ વરસ, માસ, દિવસ, મુહૂર્ત, ઘડી ને પળ હતા, જયારે કુમારપાલ રાજા થાય! કુમારપાલ રાજા થાય ને વિક્રમ જેવો થાય – ગાથા વડે એક હવા ઊભી કરાતી હતી!

એણે ઉતાવળે-ઉતાવળે ઉદયન મહેતાના વાડા તરફનો રસ્તો લીધો. પણ રસ્તા ઉપર દૂર ઊભેલો કોઈ માણસ, એની જ પ્રતીક્ષા કરતો હોય એવું એણે જણાયું. તેને શંકા પડી ગઈ – ત્રિલોચનપાલે એની પાછળ એણે મૂકેલો હોવો જોઈએ. તેણે તરત જ દિશા ફેરવી, ‘જય શંકર! જય ભોળા!’ કરતો પોતાનું કાચલું ફેરવવા મંડ્યો. 

વૌસરિને ગમે તે રીતે આજે તુરંગાધ્યક્ષ કૃષ્ણદેવને મળવું હતું. કુમારપાલ આંહીં આવી ગયો છે એ સમાચાર એને દેવા માગતો હતો. તે પહેલાં ઉદયન મંત્રીને મળી લેવાનું જરૂરી હતું. કુમારપાલે એના વિશે ઘણી વાતો એણે કહી હતી. પણ હવે સંભાળવાનું હતું. શંકા ન પડે તેમ ધીમેધીમે તેણે પોતાનું ભિક્ષાપર્યટન ચાલુ રાખ્યું.

એટલામાં સામેના એક વિશાળ મહાલયની રોનક એણે જોઈ. એટલામાં સૌ મકાનોથી એ જુદી પડી જતી હતી. કેટલાય જૈન સાધુઓ ત્યાં આવતા-જતા દેખાયા. એમના સામસામે નમસ્કાર થતાં હતા. બહારના ભાગમાં પાલખીઓની, સુખાસનોની, ઘોડાઓની ને ઘોડાગાડીઓની કતાર ઊભી હતી. વૌસરિને લાગ્યું કે આ જ ઉદયનનું રહેઠાણ હોવું જોઈએ. તેણે બારીક નજરે પોતાની આસપાસ દ્રષ્ટિ ફેરવી. કોઈ પાછળ જણાયું નહિ.

એટલે વૌસરિ પણ એ ભીડમાંથી પોતાનો રસ્તો કાઢતો આગળ વધ્યો. મંત્રીશ્વરના મહાલયમા પ્રવેશ મળી જાય એની પ્રતીક્ષા કરતો એ ત્યાં બહાર ઊભો રહ્યો.

પણ આવનારની ભીડ આજે વધારે હતી. એક પછી એક અનેક જણા આવી જ રહ્યા હતા. આમાં પોતાનો ગજ આજે વાગે તેમ નથી – અને આજે પોતાના ઉપર તો નજર પણ વધારે હોવાની – એટલે પહેલાં કૃષ્ણદેવના આવાસ તરફ જઈને ભિક્ષાટન કરતાં જે કાંઈ મળે તે લઇ પ્રપામા વહેલા જવામાં સલામતી હતી. તે પાછા ફરવાનો વિચાર જ કરતો હતો, એટલામાં એના ખભા ઉપર કોઈકનો હાથ પડ્યો. વૌસરિના મોંમાં આવેલી ગાથા મોંમાં જ પાછી જઈ પડી. 

કોણ છે એ જોવા વૌસરિએ ડોકું ફેરવ્યું, ત્યાં એના કાનમાં અવાજ આવ્યો. ‘બોલ્યા વિના મારી પાછળ ચાલો; મંત્રીશ્વર તમને યાદ કરે છે.’

મંત્રીશ્વર પોતાને યાદ કરે એ વૌસરિને મન નવાઈ જેવું લાગ્યું. એક વખત દેશાટનમા ફરતાંફરતાં એ કુમારપાલની સાથે સ્તંભતીર્થ ગયો હતો એ ખરું અને ત્યારે થોડી વાર એણે મંત્રીશ્વરને જોયેલો એ પણ ખરું, પરંતુ એટલા થોડા પરિચય આવા ટોળામાંથી પોતાને શોધી કાઢનાર ઉદયનની વેધક દ્રષ્ટિ વિષે એ વિસ્મય પામી ગયો. એક ઘડીભર એણે એમ થયું કે પોતાને કોઈ સપડાવતું તો નહિ હોય?

પણ વૌસરિ જેની પાછળ જઈ રહ્યો હતો તે માણસ ઘણો બુદ્ધિશાળી અને ચપળ લાગ્યો. મંત્રીશ્વરના ઘરનો ભોમિયો હોય તેમ કોઈ પ્રકારથી તેણે પ્રવેશ કરવી દીધો અને ત્યાં તે બે પળ બહાર નજર કરતો થોભ્યો. પછી પાસે ઊભેલા એક વિશ્વાસુ અનુચરને મળવા બોલાવ્યો: ‘આ મહારાજજીને અગત્યનું કામ છે. મંત્રીશ્વરને મળવા આવેલ છે. વાગ્ભટજી અંદર છે કે બહાર ગયા છે?’ તેણે એને પૂછ્યું.

‘વાગ્ભટજી તો બહાર છે ને મંત્રીશ્વર કામમાં છે!’  

વૌસરિના આશ્ચર્યનો પાર રહ્યો નહિ. પોતાને મંત્રીશ્વર બોલાવે છે એમ કહીને એણે આંહીં લાવનાર માણસ સામે તે જોઈ રહ્યો. ઊંચા પ્રકારની ખમીરવંતી એની મુખમુદ્રામા કોઈ રાજ્યાધિકારીની સત્તા એણે દીઠી. તેનામાં બોલ્યા વિના ઘણું કરવાની શક્તિ દેખાતી હતી. તેની દ્રષ્ટિ તીક્ષ્ણ, વેધક ને માપ લઇ લે તેવી હતી. જે પળે જે મળે તે હાથ પડ્યું હથિયાર વાપરી કાઢવાની એનામાં અદ્ભુત ચાલાકી હશે એમ એની તત્પરતા ઉપરથી જ જણાતું હતું.

વૌસરિ અનુમાન કરે કે આ કોણ છે ને આવી રીતે પોતાની વાતને શી રીતે એ આમ કળી ગયો, તે પહેલાં તેણે જ પોતાના ખભા ઉપર હાથ મૂક્યો ને તેની આંખમાં કાંઈક જોઈ રહ્યો, પછી તે મીઠું હસ્યો: ‘મંત્રીશ્વરને તમે મળો તો સારું. એટલા માટે હું તમને આંહીં લાવ્યો. તમે લાટના છો, કાં?’

વૌસરિ ચમકી ગયો. પોતે લાટનો હતો – પણ લાટ છોડીને કુમારપાલ ભેગા રખડતાં એને વર્ષો થઇ ગયાં હતા – ને આ માણસ તો પોતાને જાણતો હોય તેમ વાત કરી રહ્યો હતો. આ કોણ હશે?

પણ એ કોણ છે એ જાણવા એને બહુ વાર થોભવું પડ્યું નહિ. અંદરથી એક અનુચર દોડતો આવતો હતો: ‘ભટ્ટરાજ! કક્ક્લભટ્ટજી! મંત્રીશ્વર તમને યાદ કરી રહ્યા છે!’

‘મને? તમે થોભજો, આ આવ્યો.’ એટલું વૌસરિને કહીને કાકભટ્ટે ઉતાવળે ચાલતી પકડી. વૌસરિ તો આભો થઇ ગયો. હવે એણે ખબર પડી – પોતે જેની સાથે આવ્યો હતો તે તો લાટનો દંડનાયક કાકભટ્ટ હતો.

વૌસરિ ત્યાં એકલો પડ્યો. એના મનમાં એનેક વિચાર આવવા લાગ્યા. હજી સુધી પેલાં પ્રપાવાળા બે જણનો એને પત્તો લાગ્યો ન હતો. પોતે હવે અહીં આવી પહોંચ્યો – ત્યારે વાતનો તાગ લઈને જવા માગતો હતો. પણ એના મનમાં એક કુશંકા આવતી હતી. પોતે જશે ત્યાં કુમારપાલને કાંઈક અનિષ્ટ આવી પડ્યું હશે તો? કુમારપાલ વિશે આંહીં ઘણી જ તપાસ થઇ રહી હતી. એ આજના પ્રસંગો ઉપરથી જ એ જાણી ગયો હતો.

એની અધીરાઈ વધતી ગઈ, વખત ઘણો જતો જણાયો, એટલામાં પેલો અનુચર પાછો આવતો જણાયો: ‘તમે આંહીં આમ ઊભા રહો તે ઠીક નહિ – ભટ્ટરાજ કાકે કહેવરાવ્યું છે. આહીંથી હજાર માણસ નીકળે ને હજાર જણાને વહેમ આવે એના કરતાં આ નિસરણીની નીચે ભોંયરામાં તમે થોભો. તમને પછી બોલાવશે. વાત તો થઇ ગઈ છે. મારે જરા બહાર જવાનું છે. તમને બોલાવનારો આવીને તાળી પાડશે. શું તમારું નામ?   

‘માધવેશ્વર’

‘ત્યારે, માધવેશ્વરજી! આજે મળવા અવનારાઓનો રાફડો ફાડ્યો છે, એટલે વાર થશે. તમારે જરા ખોટી થવું પડશે.’

વૌસરિ નિસરણી નીચેના ભાગમાં એક બાજુ થઈને ઊભો રહ્યો. બહારના મેદાન ઉપર દ્રષ્ટિ પડે તેમ એક ગોખલો ત્યાં કોઈએ ઇરાદાપૂર્વક ગોઠવ્યો હતો. વૌસરિને વખત ગાળવાનું આ ઠીક સાધન મળી ગયું. તેણે બહાર આવનાર જનાર ઉપર દ્રષ્ટિ કરીને આનંદ લેવા માંડ્યો. આવનારાઓનો ખરેખર રાફડો ફાટ્યો હતો – કે પછી આજે કાંઈ નવાજૂની હતી? પણ એ બે પળ એમ ત્યાં થોભ્યો હશે, ત્યાં કોઈકના પગલાં નીચે આવતા સંભળાયાં.

કોણ છે એ જોવા માટે તેણે પાછળ નજર કરી.  પેલો અનુચર જ દોડતો આવી રહ્યો હતો: ‘મહારાજજી!’ તે આવતાંવેંત ઉતાવળે બોલ્યો, ‘જરાક જોવા જેવું છે. કૃષ્ણદેવજી સાથે આવે છે ને, જુઓ તો... ત્યાં!’

વૌસરિએ બહાર દ્રષ્ટિ કરી ને તે ચમકી ગયો: ‘અરે!...’ પેલા પ્રપાવાળા રાતના એના બંને અતિથી જ કૃષ્ણદેવની સાથે આવી રહ્યા હતા! કૃષ્ણદેવની એક બાજુ એક ને બીજી બાજુ બીજો અતિથી હતો. પેલાં અનુચારને એમનામાં કુતૂહલરસ જાગ્યો હોય તેમ જણાયું. તે વૌસરિને બતાવવા માંડ્યો: ‘કૃષ્ણદેવજીની સાથે આ જમણે પડખે ચાલે છે એ જુઓ ને એનું શરીર! જાણે સ્વર્ગમાંથી ઈન્દ્રદેવ પોતે આવ્યા હોય, એવું છે નાં?’

પ્રપાવાળા બંને જણાને આમ આંહીં પહોંચી ગયેલા જોઇને વૌસરિ ઊંચોનીચો થઇ ગયો, ‘પણ એ છે કોણ?’ તેણે પૂછ્યું. અનુચરને નવાઈ લાગી, ‘નથી ઓળખતા? દુનિયા આખી તો ઓળખે છે. એ જ ધાર પરમાર કહે છે તે – આબુરાજ, પરમાર ધારાવર્ષદેવ, ભગવાન રામચંદ્રે જેમ સાત તાડને એક તીરે વિંધ્યા હતા, તેમ એમણે ત્રણ પાડાને એક તીરે વીંધીને બાણવિદ્યાની અવધિ આ જમાનામાં બતાવી દીધી છે એ જ આ ધાર પરમાર. ઓહોહો! કાંઈ શરીર છે!’ અનુચારને ધાર પરમારની દંતકથામા રસ હોય તેમ જણાયું.

વૌસરિ પણ પરમાર ધારાવર્ષદેવને નિહાળી રહ્યો. સામર્થ્ય તો એણે એનું અનુભવ્યું હતું, પણ એને માટે તો એ પ્રપાની વાત આંહીં કરશે કે કેમ, તે વિચારવાની વસ્તુ થઇ પડી. પેલાં અનુચર ઉપર ધાર પરમારની ગજબની અસર લાગી. તે વાતરસિયો પણ લાગ્યો.

‘આવું સામર્થ્ય આ કળજુગમાં ત્રણ જણા પાસે કહેવાય છે.’ તે બોલી રહ્યો હતો: ‘એક તો મહારાજ જયસિંહદેવ મહારાજ, એ તો કોઈ દેવ હતા. બીજા આ પરમાર ધારાવર્ષદેવ... અને ત્રીજા...’  

‘અને ત્રીજું કોણ?’ વૌસરિએ ઉતાવળે પૂછ્યું. 

એટલામાં અંદરથી અનુચરને બોલાવનારી એક તાળી પડી. અનુચર દોડતો ઉપર ગયો. 

‘ત્રીજું કોણ? એ ત્રીજું કોણ? કહેતા જાઓ...’ વૌસરિએ ઉતાવળ કરી: ‘એ વિના તો વાત અધૂરી રહી જાશે.’

‘ત્રીજું... ત્રીજું કહું...’ અનુચર જરાક થોભી જઈને ધીમેથી ગણગણ્યો “होहो कुम्मर नरिंदो” – અને એ દોડ્યો ગયો. 

વૌસરિ સાંભળી રહ્યો. એણે પોતાની અનુમાનવાતનો હવે સોએ સો ટકા વિશ્વાસ આવ્યો. 

હવામાં ને હવામાં વાત ફેલાવીને ઉદયને લોકમાનસ તૈયાર કરવા માંડ્યું હતું એ ચોક્કસ. એની આવી શક્તિને એ મનમાં ને મનમાં પ્રશંસી રહ્યો. કુમારપાલના વિજયનો એને વધુ વિશ્વાસ બેઠો. પણ એને આહીંથી હવે જલદી પ્રપામાં પહોંચી જવાની તાલાવેલી લાગી હતી.

વૌસરિની ધીરજની ઠીક કસોટી થઇ. એને મોટામાં મોટી ચિંતા એની હતી કે ક્યાંક આ પરમાર ગમે ત્યાં વાત કરી દેશે તો? ને કાકભટ્ટ પણ કોના તરફથી રમતો હોય, એની પોતાને શી ખબર? મંત્રીશ્વરની પાસે તો એને કોઈએ પહોંચાડ્યો ન હતો. એણે અવિશ્વાસ પણ આવવા માંડ્યો. પ્રપામા કુમારપાલજીનો કોઈને પત્તો મળી જાય તો થઇ રહ્યું. જોકે પરમારને ઝૂંપડીમા વાત મેળવવાનો વખત રહ્યો ન હતો – ને જાણતો હોય એ સંભવિત ન હતું – છતાં અત્યારે તો જરાક ભૂલ થાય, ને જિંદગીનો દાવ હારી બેસે એવી વાત હતી. કૃષ્ણદેવને તો હજી મળવાનું એણે માટે બાકી જ રહ્યું હતું. આજે હવે આંહીંથી વાત લીધા વિના કે દીધા વિના જવું એ પણ ઠીક ન હતું. એક દિવસનું મોડું તે હંમેશનું મોડું થાય તેમ હતું. 

શાંતિથી પોતાને બોલાવવા આવનારની પ્રતીક્ષા કરતો એ ત્યાં ઊભો રહ્યો. પણ આજ એણે શુકન બરાબર જોયાં નહિ હોય. થોડી વારમાં બીજો અનુચર આવ્યો. એ કાકભટ્ટનો સંદેશો લાવ્યો હતો. માધવેશ્વર મહારાજને થોભવાનું હતું. એમનો ભોજનપ્રબંધ અહીં જ થવાનો હતો. 

‘અરે, ભોજનપ્રબંધ તો ઠીક... પણ મારે તો મળવું હતું...’

‘મહારાજજી! મળવું હોય તો થોભો. કંઈ તમારા માટે મંત્રીશ્વર રાજસભામાં જવાનું છોડી દેશે?’

‘પણ મારે અગત્યનું કામ છે.... મારે પાછું જવાનું છે...’

‘તો જાઓ...’ અનુચરે જવાબ દીધો. વૌસરિને એની તોછડાઈ આકરી લાગી. ‘કાક ભટ્ટરાજ એટલા માટે તો તમને આંહીં ઊભા રાખી ગયા હતા. પણ આ પાલખીઓ રાજદરબારે ઊપડી છે. પરમારજી મહાઅમાત્યને મળવા જાય છે. ભટ્ટરાજ પણ ત્યાં જવાનાં. મંત્રીશ્વર પણ સાથે હશે. એટલે તમે આંહીં નિરાંતે લંબાવો. ભોજન કર્યા પછી હવે વાત.

વૌસરિને લાગ્યું કે હવે ઉતાવળ કરવી એ નકામું છે. પ્રપાવાળી વાત ધાર પરમાર ત્યાં કરે તો? પણ મંત્રીશ્વરની રાહ જોવા સિવાય હવે બીજો કોઈ ઉપાય ન રહ્યો. પોતાની બધી રખડપટ્ટીનો નકશો મનમાં ને મનમાં દોરતો એ ત્યાં ગુપચુપ પડ્યો રહ્યો.