Gurjareshwar Kumarpal - 24 in Gujarati Fiction Stories by Dhumketu books and stories PDF | ગુર્જરેશ્વર કુમારપાલ - ભાગ 24

Featured Books
  • خواہش

    محبت کی چادر جوان کلیاں محبت کی چادر میں لپٹی ہوئی نکلی ہیں۔...

  • Akhir Kun

                  Hello dear readers please follow me on Instagr...

  • وقت

    وقت برف کا گھنا بادل جلد ہی منتشر ہو جائے گا۔ سورج یہاں نہیں...

  • افسوس باب 1

    افسوسپیش لفظ:زندگی کے سفر میں بعض لمحے ایسے آتے ہیں جو ایک پ...

  • کیا آپ جھانک رہے ہیں؟

    مجھے نہیں معلوم کیوں   پتہ نہیں ان دنوں حکومت کیوں پریش...

Categories
Share

ગુર્જરેશ્વર કુમારપાલ - ભાગ 24

૨૪

શાકંભરીનો અર્ણોરાજ

વિધિ માત્ર માણસ સાથે રમે એમ નથી, ઘણી વખત એ અદ્રશ્ય રીતે બનાવો સાથે પણ રમતી હોય છે. કેટલીક વખત એ માણસને રમાડે છે. તો કોઈ વખત માણસ પણ એને રમાડી જાય છે. પાટણના રાજમહાલયમાં કૃષ્ણદેવને જનોઈવઢ ઘા પડ્યો એ એક જ ઘટનાએ તમામની ગર્વમૂર્છા ઉડાડી દીધી. સત્તા કોની હોઈ શકે એનો નિર્ણય આપી દીધો. પણ પાટણના રાજમહાલયમા જે વખતે આ શોણિતધારા ભાવિનો નિર્ણય આપી રહી હતી, બરાબર એ જ સમયે શાકંભરીના રાજમહાલયમાં એક જુદી જ ઘટના ઊભી થઇ રહી હતી. કુમારપાલના ભાવિ સાથે એનો ગાઢ સંબંધ હતો. ત્યાં શાકંભરીરાજ અર્ણોરાજનો મહાલય બરાબર એ વખતે સેંકડો નાનીમોટી દીપપંક્તિઓથી ઝળાંહળાં થતો શોભી રહ્યો હતો. આજે ક્રીડાભવનમાં ચોપાટ મંડાણી હતી.

આરસ્તંભી ધવલ મહાલયમાં લાખો તારાઓ જાણે રમવા ઊતર્યા હોય તેમ એક અદ્બભુત પ્રકાશ ફેલાઈ રહ્યો હતો. સ્તંભતીર્થના હીરા જેવા પારદર્શક અકીક મહોરાં ત્યાં આવી ગયાં હતાં. રાજગાદીઓ પથરાઈ ગઈ હતી. ચારે તરફ ભવનમાં સુગંધી તેલના દીપકો પ્રકાશી ઊઠ્યા હતા. મહારાજ અર્ણોરાજ અને રાણી દેવલદેવી ચોપાટ ખેલવા આવવાનાં હતાં. દાસદાસીઓ ઉતાવળમાં આમતેમ ઘૂમી રહ્યાં હતાં.

થોડી વાર થઇ અને એક ઉત્તુંગ ગજરાજ આવીને મેદાનમાં ઊભો રહ્યો. એના ઉપરથી એક પ્રૌઢ જેવો પણ બળવાન, કડક, તેજસ્વી, કરડી આંખ ફેરવતાં આખી સેનાને ડારી દે તેવો એક જોદ્ધો ઊતર્યો. એ શાકંભરીનાથ અર્ણોરાજ હતો. ‘ક્યાં છે દેવીજી? ગોવિંદરાજ! આવ્યાં છે કે ડરી ગયા?’ તેણે આવતાંવેંત ત્યાં દ્વાર ઉપર ઊભા રહેલા પોતાના સુભટ સામંતને પૂછ્યું. એના અવાજમાં વિનોદ ને રસિક મશ્કરી હતા. ગોવિંદરાજે જાણે એ પોતાને સમજવા માટે ન હોય તેમ જવાબ વાળ્યો: ‘ના-ના,પ્રભુ! એમ તો શું ડરે? હમણાં આવ્યાં બતાવું!’

એટલામાં તો એક સોનેરી મંડપિકા આવતી દેખાણી. ભોઈઓના રૂપેરી ઘૂઘરીઓના અવાજ સંભળાયા. મંડપિકા પણ ત્યાં જ આવીને થોભી. પડદામાંથી એક ગોરું નમણું મોં બહાર દેખાયું. ગજરાજને ત્યાં ઊભેલો દીઠો અને તેણે તરત મીઠો ટહુકો કર્યો: ‘ક્યાં છે મહારાજ? ગોવિદરાજજી! આવ્યા છે પોતે કે ડરી ગયા?’

‘નથી ડર્યો નથી, રાણીજી! હું તો આંહીં તમારી રાહ જોઈ રહ્યો છું!’

‘વખત છે, મહારાજ! પાસા સ્તંભતીર્થના રહ્યા એટલે ડરી ગયા હો તો!’

મંડપિકામાંથી નીચે પગ માંડતી નાનકડી સુંદર નારીના કંઠલહેકામાંથી રસની જાણે નદી પ્રગટતી હતી. એવો એની ગજબનો મીઠો ટહુકો હતો અને ગજબનો તીખો પણ હતો. એની મધુર મોટી આંખમાંથી રસામૃતની જાણે અખંડ ઝરણી વહેતી હોય એવી મીઠાશ ભરી દેખાતી હતી. પણ ઉપરથી નજર નાકની દાંડી ઉપર જાય, ત્યાં છાતી બેસી જાય એટલી સ્વમાની, ઉગ્ર તેજસ્વિતા ઊભી થતી. એની નાક-ટોચ ઉપર એક સહેજ નાનો તલ બેઠો હતો. પણ એ તલે તો એના રૂપની ઉપર મોહક સ્વાભિમાનની જાણે ઘટાટોપ છાયા કરી દીધી હતી! તે ત્યાં અર્ણોરાજ સામે ઊભી રહી અને  કોઈ ભૂલી પડેલી સ્વર્ગની અપ્સરા હોય તેવી શોભી ઊઠી. એની શૃંગારકોટી સાડીમાંથી ઊઠતી સુગંધની લહેરીએ ત્યાં બધાનાં નેણ નીચે નમી ગયા. ‘કેમ બોલ્યા નહિ, ગોવિંદરાજજી!’ રાણીએ ગોવિંદરાજ તરફ દ્રષ્ટિ કરી. રાણીનો એ વિશ્વાસુ માનીતો માણસ હતો. 

‘એ ક્યાંથી બોલે? એ જાણે નાં કે ગુજરાતણ તમામ ભારે અભિમાની અને એમાં હમણાં તો તમારા ભાઈને રાજ મળ્યું છે, એટલે ગોવિંદરાજ તમારો ભરોસો પણ ન કરે. જાણે નાં, તમારાથી દેવનાગણીનો ફૂંફાડો પણ હેઠો? ગુજરાત, ગુજરાત, ગુજરાત! ઓહોહો! કાંઈ ગુજરાતનું ઘેલું લાગ્યું છે! એ નથી જાણતાં કે અર્બુદ-શાકંભરીના રખવાળાં હોય નહિ ને ગુજરાત જીવે નહિ! તમારું ગુજરાત કેવડુંક છે, રાણીજી?’

‘લ્યો હવે, હાલો-હાલો મહારાજ!’ રાણીએ લાડમાં કહ્યું. ‘અમારું ગુજરાત કેવડુંક છે એ દેખાડવાવાળા હવે દેખાડશે!’

‘કોણ દેખાડશે?’

‘ઓહોહો! નહિતર તો મહારાજ જાણે કિકલા! જાણતા નહિ હોય! કુમારપાલ ગુર્જરેશ્વરને દુનિયા આખી હવે ઓળખે – એક મહારાજ હજી ન ઓળખે!”

‘અરે! દેવલરાણીજી! મહારાણીજી આંહીં હોત તો તમને જવાબ દેત, હું શો જવાબ દઉં? એ તમને કહેત કે રાજ તો નડૂલના કૃષ્ણદેવનું છે; છત્ર કુમારપાલજીનું ખરું. હું તમને શું કહું? હું કહું તો  મફતનાં તમે છંછેડાઈ જાઓ – અને બીજું કાંઈ દખ નથી, છંછેડાઓ છો ત્યારે તમારું રૂપ એટલું રેલાય છે કે એ બધુંય મારાથી પિવાતું નથી, ને નથી પિવાતું એ બધું ધરતીમાં ઢળે છે!’

‘લ્યો, રાખો-રાખો મહારાજ! તમને પણ માલવનું ચેટક લાગ્યું જણાય છે! બોલો, રમવું છે કે નથી રમવું?’

‘રમવા માટે તો તમને બોલાવ્યા છે. ત્યાં ચોપાટ મંડાણી છે, પાસા મુકાયા છે.’

‘તો ચાલો ત્યારે...’

‘ચાલો...’

અર્ણોરાજ ને રાણી દેવલદેવી બંને રમવા બેઠાં ચારે તરફ પ્રગટાવેલી દીપાવલીનો પ્રકાશ ત્યાં રાણીના મણીમુક્તતાના હાર ઉપર પડ્યો અને એનું રૂપ જાણે સાગર સમી ભરતીએ ચડ્યું. અર્ણોરાજ એ જોઈ રહ્યો. અર્ણોરાજે પાસા હાથમાં લીધા: ‘બોલો, તમે શું હોડમાં મૂકો છો?’

‘મારી પાસે શું છે, મહારાજ! જાત હતી તે તો તમને સોંપી દીધી. હવે તો મારું કહેવાય એવું શું છે?’

‘છે નહિ કેમ? છે ને!’

‘શું છે?’

‘આ જુઓ તો ખરાં, આ શું છે...?’ અર્ણોરાજે તેના ચહેરા ઉપર એક પ્રેમભરેલી દ્રષ્ટિ નાખી. દેવલદેવી સહેજ હસીને નીચે જોઈ ગઈ ને બોલી:

‘તમે શાકંભરીના બધાંય નફ્ફટ જેવા – શરમ મળે નહિ!’

‘શરમ તમારા ગુજરાતને સોંપી છે, રાણીજી! એ “કેવી” કહેવાય છે નાં! નારીજાતિ રહી, માટે નારીને શરમ વધુ!’

‘લ્યો, મહારાજ! પાસા નાખો!’

અર્ણોરાજે ત્રણ દાણા લીધા. કાંકરી બેઠી નહિ. તે દેવલ સામે જોઈ રહ્યો: ‘લ્યો, હવે તમે નાખો.’

‘અરે, આંહીં તો ધાર્યા દાવ! જુઓ, આ ત્રીસ, એક કાંકરી બેઠી. આ અગિયાર!’ દેવલ બોલી: અને એની બીજી બેઠી, ‘આ પચીસ, ત્રીજી બેઠી ને આ બીજા અગિયાર!’ છેલ્લો દાવ નાખીને દેવલ સોનેરી ઘંટડી જેવું હાસ્ય હસી પડી, ‘મહારાજ! આનું નામ ધાર્યા દાવ!’

‘આટલા બધા ધાર્યા દાવ? રાણીજી! આ તો કાંઈક તમારી કરામત લાગે છે!’ 

‘કરામત હોય તો તમે ક્યાં સામે બેઠા નથી, મહારાજ! લ્યો, હવે પાસા નાખો!’

રાણી અને રાજા વચ્ચે ચોપાટનો રંગ જામતો ગયો. રાત વધતી ચાલી. વિનોદ-ટહુકા, મશ્કરી, રસહેલી ને પ્રેમભરી રમત થતી જ ગઈ. એમના પાસા ઉપર – બેમાંથી એકેને ખબર નહોતી પણ પેલી વિધિની સત્તા ચાલી રહી હતી!

થોડી વારમાં રમત ચગી ગઈ. રાણીની જીત નક્કી હતી. એટલે અચાનક બાજીનો રંગ પલટી નાખવા રાજાએ કાંકરી ગાંડી કરી!

‘મહારાજ! હવે મારી બાજી જીત ઉપર છે, એટલે આ ગાંડી કરી, એમ નાં?’

‘કેમ ન કરીએ? અમે તો જાનન્યોછાવરી – દ્યૂતમાં ને જુદ્ધમાં – પહેલેથી કરતા જ આવ્યા છીએ. આ ગાંડી કાં તો તમારાં તમામ ડાહ્યલાંઓને ઉપાડી લે છે!’

‘ઓહોહો! મહારાજે એક ગાંડી કરી તેમાં તો કહી દેખાડ્યું! લ્યો તમારે ગાંડા સામે અમારી પણ ગાંડી!’ રાણીએ પાસા નાંખ્યા, ધાર્યો દાવ આવ્યો, એણે પણ સામે મેદાનમાં ગાંડી સોગઠી ઉતારી. 

અચાનક અર્ણોરાજ બોલ્યો: ‘રાણીજી! દાવ આમ ધાર્યા પડે છે, તે કોઈ જૈન જતિડાને સાધ્યો તો નથી નાં? તમારે ગુજરાતમાં જતિડાનું જોર ભારે!’

દેવલદેવી કાંઈ બોલી નહિ. તેણે દાણા નાખ્યા. ધાર્યો દાવ પડ્યો. 

‘ગુજરાતમાં જોર છે જતિડાનું, રાણીજી! તમે કોઈક સાધ્યો લાગે છે. એ ચોકસ. નહિ તો આમ કંઇ ધાર્યા દા ઊતરે? પણ જોજો હો, આ વખતે તમારી કાંકરી ઊડી સમજો!’

આનકરાજે દાવ નાખ્યો. ધાર્યો દાવ પડ્યો. રાણીની કાંકરી મરતી હતી. તેણે કચકચાવીને રાણીની કાંકરીને બરાબર મૂંડતો હોય તેમ ઘા લગાવ્યો: ‘આ મૂંડિયાના મુલકને મૂંડ્યો! આ ગુજરાતને શાકંભરીએ મૂંડ્યું! ચાલો, રાણીજી!’

‘મારે હવે નથી રમવું, મહારાજ! તમે ગુજરાત દેશનું ઘસાતું બોલો છો એ મારાથી સહ્યું જતું નથી. મહારાજને પોતાને સિદ્ધરાજદેવનું શરણું માગવું પડ્યું હતું – યાદ છે કે ભૂલી ગયા છો? એ ગુજરાત હજી એનું એ છે હો! તમે માલવ રણક્ષેત્રથી ભાગ્યા’તા એ યાદ છે કે ભૂલી ગયા?’

‘ભૂલ્યો કાંઈ નથી, રાણીજી!’ અર્ણોરાજે કરડાકીથી કહ્યું, ‘ બધું મને આંહીં બેઠું છે!’ અર્ણોરાજે છાતીએ હાથ મૂક્યો: ‘એકે વાત એમાંથી ગઈ નથી. બધી વાતનો હિસાબ નોંધેલો પડ્યો છે એમ સમજો ને! આજ આ કાંકરીને જેમ મૂંડી નાખી નાં, બરાબર એમ જ ગુજરાતને મૂંડવું છે મારે!’

‘મહારાજ! પણ હવે જોઈ-વિચારીને બોલજો હો! ગુજરાત રેઢું નથી. ત્યાં હવે મહારાજ કુમારપાલ જેવા બેઠા છે!’

અર્ણોરાજને પગથી માથા સુધી ચડી ગઈ. એને માલવાનું રણક્ષેત્ર સાંભર્યું. ત્યાંથી રણભદ્રી ઉપર ભાગવું પડ્યું હતું તે નજરે આવ્યું. સોમેશ્વરનો અધિકાર પટ્ટણીઓએ કબૂલ રાખ્યો ન હતો એ યાદ આવ્યું. ઉદયનનાં આ કામ હતાં, એનો ડંખ લાગ્યો. તેણે કાંઈક તોરમાં કહ્યું: ‘રાણીજી! કુમારપાલજી તમારા ભાઈ છે, એટલે હું બોલતો નથી, પણ એ દોસ્ત કોના? જૈન જતિડાના. ને વાણિયાના ગુજરાતમાં જોર જતિડાનું છે. એને ગાદી અપાવનાર ઉદયન મંત્રી એ જતિડાનો જ ચેલકો કાં? તમારા ભાઈ રાજા થયા છે, પણ એ આ ઉદા મહેતાની ગુલામી કરીને! ભલું હશે તો મુલક ઉદાનો. સત્તા કૃષ્ણદેવની ને રાજા પોતે, એમ વેતરણ હશે. એ તે કાંઈ રાજા કહેવાય? હજી તો કૃષ્ણદેવની મુરલીએ એ ઘૂઘરા નચવે છે! આવો રાજા કુમારપાલ, ત્યાં ગુજરાતમાં બેઠો હોય ને ગુજરાત રેઢું નથી એમ તો તમે માનો! અમે તો આંહીં બેઠા સમજીએ છીએ કે ગુજરાત તો બોડી બામણીનું ખેતર છે. જેને જે સીમાડેથી પેસવું હોય તે ભલે ને પેસી જાય! આ નવસારિકાને દબાવતાં કોંકણી આવતા નથી? ગુજરાતમાંથી કોઈ ફરક્યું જાણ્યું? રાંડીરાંડ જેવી ગુજરાત! એ બિચારીને આંહીંની ચારે તરફની રખેવાળી છે ત્યારે તો  માંડ ટકે છે!’

દેવલના પાસા હાથમાં રહી ગયા: ‘મહારાજ!...’ તેના અવાજમાં થોડીક ઉગ્રતા આવી: ‘હવે હસવામાંથી ખસવું થશે હો!’

‘હવે થયું ખસવું!’ અર્ણોરાજે જવાબ વાળ્યો. એણે કુમારપાલ ગાદી ઉપર આવી ગયો ને કાંચનદેવી સોમેશ્વરને લઇ ગઈ ને વાત ખાતી રહી ગઈ હતી એ જ ગમ્યું ન હતું. સહન કરેલો એ અન્યાય એને વધારે ઉગ્ર બનાવી ગયો. ‘રાજા ગુજરાતનો – કોઈ મુલક ઉપર રાજા કોઢિયો જોયો છે? કોઈ દેશ એવો રાજા રહેવા દે? આ તે કોઈ દેશ છે? જ્યાં કોઢિયો તો રાજા! દેશ કોઢિયા જેવો હોય એ કોઢિયો રાજા લાવે!’

દેવલદેવીએ પાસા મૂકી દીધા. તેણે બાજી ઉડાડી મૂકી તે ઊભી થઇ ગઈ. છંછેડાયેલી નાગણ જેવો એનો ઉગ્ર ઘટાટોપ ચહેરા ઉપર છવાઈ ગયો: ‘મહારાજ! ગુજરાત દેશની વાત હવે સંભાળીને કરજો હો! મારા દેશની હીણી વાત મારી પાસે કરતાં મહારાજ સંભાળે!’

‘નહિતર?...’ આનકરાજે પણ પાસા ફેંકી દીધા, ‘નહિતર શું થશે?’

‘નહિતર થશે જોવા જેવી, રાજાજી!’ દેવલદેવીનો સીનો ફરી ગયો. અવાજ બદલાઈ ગયો. પેલો નાકટોચ ઉપરનો તળ હલાહલ ઝેરનું રૂપ ધારી રહ્યો.

‘હવે તારાથી થાય તે કરી લેજે ને! ગુજરાત મુલક છે રાંડીરાંડોનો, મૂંડિયાઓનો ને ગાંડિયાઓનો, હવે કહેવું છે કંઈ?’  

‘હા, કહેવું છે. મહારાજ મૂલરાજે શાકંભરીને ભોંભેગું કર્યું હતું. મહારાજ સિદ્ધરાજ પાસે તો આ તમારી મૂંડકીએ જ તરણું લીધું હતું એ નહિ હોય? હવે એ તરણું મહારાજ કુમારપાલ પાસે લેવાનો વારો આવશે.’

‘હવે આવ્યા-આવ્યા વારો!’ અર્ણોરાજ પણ ઊભો થઇ ગયો. તેણે પાટુ ઉગામી.

‘શાકંભરીપતિ! રાજાજી! સંભાળજો હોં...’ દેવલદેવીએ કરડાકીથી કહ્યું, ‘એ તમારાં ચરણને મેં પૂજ્યાં છે. એનો ઘા એક વખત કરી નાખશો પછી ફૂટી બે બદામની કિંમત રહેવાની નથી એની! પછી પાટણની ભરબજારમાં શાકંભરીની જો આબરુની હરરાજી ન બોલવું, તો હું બહેન કુમારપાલની નહિ!’

‘કોણ તું શાકંભરીની આબરૂ વેચવા વાળી? પહેલાં તારી તો સંભાળ? વારાંગનાના છોકરાના છોકરાની છોકરી એ તું એ કે બીજું કોઈ? કુમારપાલની મા કોણ? અને તેના બાપના બાપની મા તો આ શાકંભરીના બજારની નર્તિકા હતી! તું શું મોટી શાકંભરીની આબરૂ લૂંટાવવાવાળી થઇ છો! લે...’ અર્ણોરાજે એક જોસભર્યું પાટુ લગાવ્યું. એટલે એણે બમણા રોષથી દોડીને એક અડબોથ લગાવી દીધી. 

‘બસ, રાજાજી! હવે બસ કરજો...’ દેવલદેવી ખસી ગઈ. ‘હું જાઉં છું.’ તે સડેડાટ ત્યાંથી પાછી ફરી ગઈ, ‘હવે તો આવીશ, શાકંભરી-વિજેતાની બહેન તરીકે...’

તે એકદમ જ નીચે આવી. ગોવિંદરાજ ત્યાં ઊભો હતો. તે એની સામે જોતાં જ ધ્રૂજી ઊઠ્યો. એને લાગ્યું કે રાજા-રાણીને કોઈ ચડભડાટ થયો હશે. એટલામાં પાછળ દોડતા અર્ણોરાજનો અવાજ કાને આવ્યો: ‘પણ સાંભળ ત્યારે...’

‘મારે સાંભળવું ન...’

‘તો અત્યારે ને અત્યારે...’

‘અત્યારે શું, સાંભરનાથ! આ ઘડીએ જ હું ઊપડી. શાકંભરીનું પાણી આ પળથી હરામ છે! ગોવિંદરાજ! સાંઢણી લાવો. મારે પાટણ જવું છે!’

‘પણ, બા!’

‘ગોવિંદરાજ! મારે કોઈનું સાંભળવું નથી. કાં સાંઢણી લાવો ને કાં મારું મડદું ઉપાડો...’

‘ગોવિંદરાજ! આપણે એનું કામ નથી. મૂકી આવો કોઢિયાને ત્યાં. તમે જ જાઓ...’ અર્ણોરાજે મહાલય ઉપરથી અવાજ આપ્યો. 

ગોવિંદરાજે અર્ણોરાજને ખોળવા દ્રષ્ટિ કરી, પણ તે પાછો ફરી ગયો હતો.   

‘કોની રાહ જુઓ છો, ગોવિંદરાજ!’ દેવલે કહ્યું, ‘હું કહું છું કે સાંઢણી લાવો. પેલી રણભદ્રીની જુદ્ધભદ્રી લાવો. તમે ભેગા આવજો. સાંઢણી પછી આંહીં ફરી જશે. ઉતાવળ કરો. મારે બે પળમાં શાકંભરી છોડી દેવું છે. આંહીંનું અન્નજળ હવે મારે હરામ છે!’