Avantinath Jaysinh Siddhraj - 15 in Gujarati Fiction Stories by Dhumketu books and stories PDF | અવંતીનાથ જયસિંહ સિદ્ધરાજ - 15

Featured Books
  • خواہش

    محبت کی چادر جوان کلیاں محبت کی چادر میں لپٹی ہوئی نکلی ہیں۔...

  • Akhir Kun

                  Hello dear readers please follow me on Instagr...

  • وقت

    وقت برف کا گھنا بادل جلد ہی منتشر ہو جائے گا۔ سورج یہاں نہیں...

  • افسوس باب 1

    افسوسپیش لفظ:زندگی کے سفر میں بعض لمحے ایسے آتے ہیں جو ایک پ...

  • کیا آپ جھانک رہے ہیں؟

    مجھے نہیں معلوم کیوں   پتہ نہیں ان دنوں حکومت کیوں پریش...

Categories
Share

અવંતીનાથ જયસિંહ સિદ્ધરાજ - 15

૧૫

પહેલો પાસો

મલ્હારભટ્ટ મનમાં ને મનમાં મલકાતો હતો. એણે ખંભાતના રાજાને પોતાનો સાથી બનાવી દીધો હતો. આજે એના મહત્વનો પાર ન હતો. એને રાજા જયસિંહદેવે ઘણું જ ગુપ્ત રાજકાર્ય સોંપ્યું હતું. એના મનથી એ ઉદયનને સાથે લઇ જતો હતો. 

એની પડખે ચાલી રહેલો ઉદયન એની ગમ્મત ઉડાવી રહ્યો હતો: ‘ભટ્ટજી! તમે એક મને માથાના મળ્યા હો! હું તો તમારી આ હોંશિયારી ઉપર છક્ક થઇ ગયો છું. તમારા જેવા જો થોડાક ભટ્ટરાજ આ મોરચે મહારાજ પાસે હોત!’

મલ્હારભટ્ટ હસી પડ્યો: ‘પણ બરાબર તમારું ઉપાડ્યું નાં?’

‘અરે, બરાબર ભટ્ટજી! બરાબર! હવે મને વિશ્વાસ બેઠો કે તમે સોમાં સોંસરવા નીકળો! તમે ભેગા ન હોત તો આ રસ્તે આમ અજાણ્યા વાણિયા વેપારી થઈને આપણે ન જઈએ. બે-પાંચ તીરવાળા ભેટી જાય નાં તો કામ કામને ઠેકાણે રહી જાય.’

‘એકલો હોઉં તો હું સો સૈનિકો વિના આ રસ્તે ન નીકળું! આ રસ્તો છે એવો! ને આપણું કામ છે ત્વરાનું!’

‘પણ આપણે તો માથે કામ એવું લીધું છે. તે બીજો તો કોણ કાકો એવો બે માથાનો મર્યો છે તે મલ્હારભટ્ટ સામે આવે!’

ઉદયને કૃષ્ણદેવ મારફત હઠીલા સાથે સંકેત કરી લીધો હતો. એણે નિશાની આપી હતી. જ્યાં ડુંગરડાની ટોચ ઉપર, આઠ-દસ પથ્થરની દેરડી દેખાય ત્યાં જરાક થોભજો. એવી કોઈ દેરડી જોવા માટે એ ચારે તરફ દ્રષ્ટિ કરી રહ્યો હતો. પણ હજી નિશાની દેખાતી ન હતી. 

‘મારા બેટાં ભીલડાં! એને કોઈ ન પહોંચે હો ભટ્ટજી! મહારાજ જેવાનો માર્ગ રૂંધ્યો હતો ને ગોધ્રક પંથમાં! ખબર છે! જો સરખા ઊતર્યા તો તમારા દાસના દાસ. ને જો આડા ફળ્યા તો પછી પેલી કહેવત નથી? ડુંગરે ચડ્યો ભીલ!’

‘પણ આપણું કોઈ નામ ન લ્યે, તમતમારે ચાલ્યા આવો ને! હમણાં આ ડુંગરડા પાર કરી જાશું!’

મલ્હારભટ્ટને મુરબ્બીપદ ધારણ કરતો જોઈ ઉદયને પોતાનો હોઠ કરડ્યો: ‘બામણા! તું જિંદગીભર ખો ભૂલી જાશે, ઘોડો ઉપાડવાની. કાંઈક નિશાની આવવા દે, પછી હું તને પહોંચું!’ એટલામાં સામેની એક નાનકડી ટેકરી ઉપર દસ-બાર પથરાને ઉપરાઉપરી મૂકી કોઈએ રચેલી દેરડી એની નજરે પડી એણે પોતાનો ઘોડો  જરાક ધીમો પાડ્યો. 

‘કેમ! તમારું થાક્યું લાગે છે કે શું?’

‘થાકે તો શું? જરાક ભોં અજાણી ખરી નાં? આંહીં પાછો ઢાળ છે!’

ઉદયને એટલામાં દેરડી સ્પષ્ટ થતી દીઠી. ત્યાં રસ્તામાં પડખે એક ઝરણું વહી રહ્યું હતું. એ બાજુ જવાનો ઢાળવાળો મારગ દેખાતો હતો. ‘ભટ્ટજી! આંહીં પતાવવું છે કે આગળ? આગળ પાણીનું પછી કોને ખબર છે મળ્યું ન મળ્યું!’

‘આંહીં જ પતાવીએ.’

તરત મલ્હારભટ્ટે ઘોડો આગળ હાંક્યો. એને ઢાળવાળે માર્ગે થઇ ઝરણા તરફ જવાનું હતું. તે ધીમો પડ્યો. થોડેક ગયો, ત્યાં પડખેથી ને ચારે તરફથી મોટો અવાજ ઊઠ્યો.

‘ભટ્ટજી!’ ઉદયને પાછળથી બૂમ મારી. 

પણ એટલામાં તો ભટ્ટજીને ઘેરીને પચાસેક ભીલડાં ઊભાં રહી ગયાં હતાં. એમાંના દરેકના હાથમાં તીરકામઠું હતું. કેટલાંકે ધારિયા રાખ્યાં હતાં. ચાર-પાંચ જણે મલ્હારભટ્ટનો ઘોડો પકડી રાખ્યો હતો: ‘ઊતરો શેઠ! કાઢો પાસે જે હોય તે! પછી જાઓ!’

‘અરે! એ! કોણ છે ખબર છે? આંહીં શેઠ કેવા? મહારાજ જયસિંહદેવનું નામ સાંભળ્યું છે? અમે બંને એના સુભટ્ટ છીએ. આઘા ખસો.’ ઉદયને બૂમ પાડી.

‘નહિ તો?’ ભીલડામાંથી એક જણાએ ઉદયન સામે જરાક આંખ મચકોરતાં કહ્યું.

‘નહિ તો થાશે જોવા જેવી. આઘો ખસ...’ ઉદયન ઘોડા ઉપરથી કૂદી પડ્યો. ઉઘાડી તલવારે એ ટોળા તરફ ધસ્યો.

પણ એ બે જ ડગલાં ગયો કે તરત જ એને પણ દસ-પંદર જણા વીંટાઈ વળ્યા. ‘શેઠજી! કાઢો, જે હોય તે કાઢી નાખો! ને પછી જાઓ.’

‘અમારી પાસે કાંઈ નથી, અમે તો મહારાજને કામે જઈએ છીએ!’ ઉદયને કહ્યું. 

‘ક્યાં?’

‘ક્યાં તે ત્યાં.’ મલ્હારભટ્ટે કહ્યું, ‘તારે શું કામ છે જાણવાનું!’

‘એમ?... અલ્યા ભંડારિયા! આને તો જરાક આપણો મશાલો ચખાડજે!’

ઉદયને એક સિંહગર્જના કરી: ‘ખબરદાર અલ્યા! જો હાથ ઉપાડ્યો તો!’

પણ નાટકનો પાઠ પેલાં ભીલડાં બરાબર શીખ્યા હોય તેમ લાગ્યું. એમાંનાં સાત-આઠે મલ્હારભટ્ટને દોરડે જ બાંધી દીધો. ‘સીધા સીધા આગળ ચાલો શેઠજી!’ નાયક જેવો હતો તેણે કહ્યું.

‘ક્યાં?’

‘ક્યાં તે ત્યાં. બાનના દ્રમ્મ આપી જાશે, તારો કાકો... પછી હવે છૂટકો થાશે!’

‘હવે જા જા, બાનવાળી!’ મલ્હારભટ્ટે કડવો જવાબ વાળ્યો, ‘હું કોણ છું તને ખબર છે?’

‘અરે, તું ભલે પાટણનો રાજા હો, જંગલ તો અમારું છે ને!’

ઉદયનને બીજે જ રસ્તે ટોળાએ ઉપાડ્યો. ઉદયને બૂમ પાડી: ‘અલ્યા એ! ભટ્ટજીને છૂટા મૂકો. એમના વિના મહારાજનું કામ રખડી પડશે!’

‘હવે જા, જા, કામ રખડાવવાવાળી!’

મલ્હારભટ્ટને ટોળાએ એક દિશામાં ઉપાડ્યો: ઉદયનને બીજી જ દિશામાં ખેંચ્યો.

થોડેક ગયા પછી એક ભીલ ઉદયનની પાસે એકલો આવ્યો. એણે બુકાની છોડી નાખી. ઉદયનને પગે હાથ નાખીને એ ઊભો રહ્યો:

‘પ્રભુ!’

‘હઠીલા! ઉતાર્યું તો બરાબર! પણ આપણે હવે આંહીંથી જ પાછા ફરી જઈએ. કોઈ દેખે નહિ એવો રસ્તો પકડો. ભટ્ટજીને કેટલો આઠ પ્રહરનો ઉપવાસ કરાવવો છે કે સોળ પ્રહરનો?’

‘એમને તો સોળ, બત્રીશ, ચોસઠ જે થાય તે. પછી એને રસ્તે એ મોકળા!’

ઉદયન હસી પડ્યો: ‘અરે! બિચારા ભટ્ટજી! એ જાતને કેવી મોટી ગણી રહ્યા હતા ત્યાં જ તમે એને પકડ્યા!’ 

છાવણી તરફ પાછો ફરતો ઉદયન, મલ્હારભટ્ટની રાત્રિ કેવી આકરી જશે એ વિચારે મનમાં હસી રહ્યો હતો.