Sapnana Vavetar - 11 in Gujarati Short Stories by Ashwin Rawal books and stories PDF | સપનાનાં વાવેતર - 11

Featured Books
  • فطرت

    خزاں   خزاں میں مرجھائے ہوئے پھولوں کے کھلنے کی توقع نہ...

  • زندگی ایک کھلونا ہے

    زندگی ایک کھلونا ہے ایک لمحے میں ہنس کر روؤں گا نیکی کی راہ...

  • سدا بہار جشن

    میرے اپنے لوگ میرے وجود کی نشانی مانگتے ہیں۔ مجھ سے میری پرا...

  • دکھوں کی سرگوشیاں

        دکھوں کی سرگوشیاںتحریر  شے امین فون کے الارم کی کرخت اور...

  • نیا راگ

    والدین کا سایہ ہمیشہ بچوں کے ساتھ رہتا ہے۔ اس کی برکت سے زند...

Categories
Share

સપનાનાં વાવેતર - 11

સપનાનાં વાવેતર પ્રકરણ 11

"તું આરામથી સૂઈ જા હવે. મને હવે તારામાં કોઈ જ ઇન્ટરેસ્ટ નથી. સ્વર્ગ અને નર્કનો અનુભવ આજે જ કરી લીધો. મિત્રોને છૂટછાટ લેવા દેનારી અને લગ્ન પહેલાં જ કોઈની સાથે શારીરિક સંબંધ બાંધનારી કૃતિ સાથે હું કોઈ જ સંબંધ રાખવા માગતો નથી. કાલે જ આપણા ડીવોર્સ પેપર તૈયાર કરાવી દઉં છું. કાલે ને કાલે તું તારા પપ્પાના ઘરે ચાલી જજે. કાલે કોઈ રિસેપ્શન પણ નહીં થાય" અનિકેત ઠંડા કલેજે બોલ્યો.

કૃતિ અનિકેતની વાત સાંભળીને ધ્રુજી ગઈ !!

"અનિકેત તમે મને આવું કઈ રીતે કહી શકો ? તમને પોતાના માનીને મેં મારા ભૂતકાળની બધી વાત તમને કરી. દરેકનો એક પાસ્ટ હોય છે. અને તમે કયા જમાનામાં જીવો છો અનિકેત ? રિલેશનશિપ તો આજકાલ સાવ કોમન ગણાય છે. "કૃતિ બોલી.

"કૃતિ રિલેશનશિપ હોઈ શકે છે. પણ એ રિલેશનશિપ એની મર્યાદામાં હોય તો જ સ્વીકાર્ય હોય છે. કોઈ કુંવારી કન્યા લગ્ન પહેલાં કોઈ સાથે શારીરિક સંબંધ પણ બાંધે તો એવી કન્યા મને મંજૂર નથી. તારી આ વાત હું દાદાને કરું તો કેવું રિએક્શન આવે ? તારા પરિવાર માટે અને તારા માટે એમને કેટલું માન છે ? " અનિકેત બોલતો હતો.

" અને માત્ર હું જ નહીં દરેક પુરુષ વર્જિન કન્યાને જ પસંદ કરતો હોય છે. કૌમાર્યભંગ થયેલી કન્યાને હું મારી પત્ની બનાવવા માગતો નથી. તારા માટે તો આજની રાતનું કોઈ મહત્વ જ ના રહ્યું ને ? કારણ કે એ આનંદ તો તું અનુભવી ચૂકી છે. હું તારી સાથે હવે ના રહી શકું કૃતિ." અનિકેત સહેજ ગુસ્સાથી બોલ્યો.

"આ તમે શું બોલો છો અનિકેત ? મેં મારા બોયફ્રેન્ડ સાથે સંબંધ બાંધ્યો હતો અને એ વખતે અમે લગ્નનું પણ વિચારતાં હતાં. હું કોઈ આવારા છોકરી નથી. તમે ડિવોર્સની વાત કેવી રીતે કરી શકો ?" કૃતિ થોડી અપસેટ થઈને બોલી રહી હતી.

"ડાર્લિંગ એ મારો પાસ્ટ હતો. આજે મારા જીવનમાં કોઈ જ નથી. માત્ર હું અને તમે ! તમને હું દિલથી પ્રેમ કરું છું અને એ તમે પણ અનુભવ્યું હશે. હું લગ્નનું મહત્વ પણ સમજી છું. મારા તરફથી તમને ક્યારે કોઈ ફરિયાદ નહિ મળે. તમે જેમ ચાહો એમ હું જીવન જીવવા તૈયાર છું. મને તમારી જરૂર છે અનિકેત" કૃતિ અનિકેતનો હાથ હાથમાં લઈને એની આંખોમાં આંખો પરોવીને બોલી.

કૃતિને હવે રડવું આવી ગયું. એને પોતાના ભૂતકાળની કરેલી વાતો ઉપર ખૂબ પસ્તાવો થયો. અનિકેતનો કોઈ વાંક નહોતો. આ બધી વાતો લગ્ન પહેલાં એક મિટિંગ કરીને કરવા જેવી હતી. તે દિવસે અભિષેકભાઈની સાથે અનિકેત આવ્યા ત્યારે હોટલમાં પણ આ વાત કહી શકી હોત ! લગ્ન પછી આવી વાત કોઈપણ પતિ સહન ના કરી શકે.

"અનિકેત મને માફ કરી દો ડાર્લિંગ. એ મારી ૨૧ ૨૨ વર્ષની નાદાન ઉંમરની નાદાની હતી. હું કોલેજના દિવસોમાં ભટકી ગઈ હતી. પ્લીઝ ડિવોર્સની વાત ના કરો. મારા દાદાને મોટો આઘાત લાગશે. હું પણ આ આઘાત પચાવી નહી શકું. મને માફ કરી દો અનિકેત." અને કૃતિ અનિકેતના ખોળામાં માથું નાખીને રડી પડી.

થોડીવાર કોઈ કંઈ બોલ્યું નહીં . અનિકેતને પણ કૃતિની લાગણી અને સચ્ચાઈ સ્પર્શી ગયાં. એ એને દુઃખી કરવા તો માગતો જ નહોતો.

એણે કૃતિના માથા પર હાથ ફેરવ્યો. એને પ્રેમથી બેઠી કરી.

" જો કૃતિ હું તને દુઃખી કરવા માગતો નથી અને તને રડતી જોઈ પણ શકતો નથી. ચાલો હું તને ડિવોર્સ નહી આપું પણ સામે મારી એક શરત છે. અને એ શરત તારે પાળવી જ પડશે. તને જો મંજુર હોય તો જ આપણું લગ્નજીવન ટકી જશે " અનિકેત બોલ્યો.

કૃતિ માટે બીજો કોઈ વિકલ્પ બચ્યો ન હતો. એણે તરત જ અનિકેતનો હાથ ફરી હાથમાં લઇને વચન આપ્યું.

"આઈ પ્રોમિસ અનિકેત. તમારી કોઈ પણ શરત મને મંજુર છે. મારે મારું લગ્નજીવન તૂટવા દેવું નથી. મારે મારા દાદાને આઘાત આપવો નથી. હું હવે તમારા ઘરે ખરેખર ઠરીઠામ થવા માગું છું . પ્લીઝ મને તમે સંભાળી લો " અને ફરી કૃતિની આંખોમાં આંસુ આવી ગયાં.

"રિલેક્સ. તું રડીશ નહીં. મારી માત્ર એક જ શરત છે કે આપણા બંને વચ્ચે હવે શારીરિક સંબંધ ક્યારે પણ નહી થાય. તું આ બાબતે ક્યારે પણ મને ફોર્સ નહીં કરે. આપણે પતિ પત્નીની જેમ જ જીવન જીવીશું. ઘરમાં પણ કોઈને ખબર નહિ પડે. આ મર્યાદા આપણે હંમેશને માટે સાચવવી જ પડશે. " અનિકેત દ્રઢ નિશ્ચયથી બોલ્યો.

કૃતિ માટે આ વાત ખૂબ જ આઘાત જનક હતી પણ એણે વચન આપ્યું હતું. એણે અનિકેતની સામે જોયું.

" હા કૃતિ. આઈ મીન ઈટ... આ લક્ષ્મણરેખા તારે સ્વીકારવી જ પડશે. તેં કોઈની સાથે શારીરિક સુખ ભોગવી જ લીધુ છે. બસ આજથી પૂર્ણવિરામ !" અનિકેત બોલ્યો.

કૃતિ કંઈ પણ બોલી નહીં. બસ સાંભળતી જ રહી.

"હું તને ભરપૂર પ્રેમ કરીશ કૃતિ. મારા ઘરમાં પણ તને ખૂબ જ લાડ-પ્યાર મળશે. પૈસાની કોઈ તકલીફ નથી. તું લાઈફને ભરપૂર એન્જોય કર. આપણાં લગ્ન પહેલાં આપણી વચ્ચે જેવો પ્રેમ હતો એવો જ પ્રેમ રહેશે. બસ બેડરૂમમાં આપણી વચ્ચે આ લક્ષ્મણરેખા કાયમ રહેશે. મારો મારા મન ઉપર ઘણો કાબુ છે. " અનિકેત બોલ્યો.

" અનિકેત તમે મને આવી સજા કેમ આપો છો ? હું હજી ૨૫ વર્ષની ભરયુવાન કન્યા છું. તમે ૨૭ વર્ષના યુવાન છો. આપણી સામે આખી જિંદગી પડી છે. જિંદગીનો સર્વશ્રેષ્ઠ આનંદ હું તમને આપવા માંગું છું તો શા માટે આવી શરત રાખો છો ? મને માફ કરી દો. મને એક તક આપો. હું સંપૂર્ણપણે તમને સમર્પિત છું. પ્લીઝ ફરી એકવાર વિચાર કરી જુઓ. " કૃતિ લગભગ કરગરતી હતી.

" ના કૃતિ હું એકવાર નિર્ણય લઉં પછી ઈશ્વર પણ તેને બદલી શકતો નથી. મારો આ નિર્ણય અફર છે. શારીરિક સુખની કોઈ અપેક્ષા તું મારી પાસેથી રાખતી નહીં. આ લક્ષ્મણરેખા મારી મુખ્ય શરત છે. શારીરિક સુખ વગર પણ આપણું લગ્ન જીવન ખૂબ જ મધુર હશે. ઘરમાં કોઈને ખબર નહીં પડે." અનિકેત બોલ્યો.

"પણ શા માટે આવો નિર્ણય ? તમે તમારી જાતને આવી સજા શા માટે આપો છો ? આપણે બંને યુવાન છીએ. મારા સૌંદર્યની ચારે બાજુ ચર્ચા થાય છે અને તમે મારા પતિ થઈને મારાથી દૂર રહેવા માંગો છો ?" કૃતિ બોલી.

અનિકેત કંઈ બોલ્યો નહીં. થોડીવાર ખામોશી છવાઈ ગઈ. થોડી મિનિટો પછી કૃતિ ઉભી થઈ. એ હજુ નવવધૂ ના ડ્રેસમાં જ હતી. પોતાની બેગમાંથી બદલવા માટે થોડાં કપડાં કાઢ્યાં. એ વોશરૂમમાં ગઈ અને દસેક મિનિટમાં એ શોર્ટ્સ અને બ્લાઉઝ પહેરીને મેનકા સ્વરૂપમાં ઉન્મત્ત બનીને બહાર આવી. એક વાગવામાં પાંચ મિનિટ બાકી હતી.

"ચાલો અનિકેત આજથી હું માત્ર તમારી છું. કમ ઓન ડાર્લિંગ !! ફરગેટ એવરીથીંગ. તમે પણ યાદ કરશો કે કૃતિ શું ચીજ છે !! સ્વર્ગને પણ ભૂલી જશો " કહીને કૃતિ સીધી બેડ ઉપર ચડી ગઈ અને તકિયાનો ટેકો લઈને શરીર પરનાં બધાં જ ઘરેણાં ઉતારવા લાગી.

અનિકેત એની સામે જોઈ રહ્યો. કૃતિ ખૂબ જ અદભુત લાગતી હતી પરંતુ કોઈ અકળ કારણોસર એનામાં કોઈ જ આવેશ આવતો ન હતો. સામે કોઈ સૌંદર્યવતી કન્યા એને આમંત્રણ આપી રહી હતી અને એ પથ્થરની જેમ બેઠો હતો. એના મન ઉપર પણ જબરદસ્ત સંયમ હતો !

"કૃતિ તારો નાઈટ ડ્રેસ પહેરી લે. મારા નિર્ણયમાં કોઈ જ ફેરફાર થવાનો નથી. બે મિત્રોની જેમ જ આપણે જીવન જીવીશું. આઇ લવ યુ બટ નોટ યોર બોડી !! " અનિકેત ઠંડા કલેજે બોલ્યો.

કૃતિનો આવેશ હવે ધીમે ધીમે ઉતરવા લાગ્યો. એણે એ પછી અનિકેતને એક શબ્દ પણ કહ્યો નહીં. એ ઊભી થઈ. બેગમાંથી નાઈટ ડ્રેસ કાઢ્યો અને ફરી બાથરૂમમાં જઈને નાઈટ ડ્રેસ પહેરીને એ બહાર આવી અને બેડ ઉપર જઈને સૂઈ ગઈ. એને લાગ્યું કે અનિકેતનો ભારે મંગળ પ્રથમ દિવસથી જ પોતાનો રંગ બતાવી રહ્યો હતો !

પરંતુ ત્યારે એ બંનેમાંથી કોઈને પણ ખબર ન હતી કે એ રાત્રે હનુમાનજીની સ્પેશિયલ પૂજા કરીને રાજકોટમાં બેઠેલા દીવાકર ગુરુજી આ બંનેને શારીરિક સંબંધથી દૂર રાખી રહ્યા હતા ! હનુમાનજીને પ્રાર્થના કરીને અનિકેત બ્રહ્મચર્ય પાળે એના માટે કોશિશ કરી રહ્યા હતા.

રાજકોટથી આવેલો ધવલ જાડેજાનો ફોન પણ એક ભ્રમણા જ હતી ! હકીકતમાં અસલી ધવલ જાડેજાએ કોઈ ફોન કર્યો ન હતો !! ગુરુજી પોતાની શક્તિઓથી કૃતિનો ભૂતકાળ જાણી ગયા હતા એટલે એમણે આ માયાજાળ રચી હતી.

ધીરુભાઈએ ગુરુજીને કંકોત્રી મોકલી હતી એટલે લગ્નની તારીખ એમને યાદ હતી.

ગુરુજીની પ્રેરણાથી જ કૃતિએ પોતાનો ભૂતકાળ આજે વધુ પડતો ખુલ્લો કરી દીધો હતો. જ્યાં સુધી શારીરિક સંબંધ ના થાય ત્યાં સુધી કૃતિના શરીરમાં રહેલો બદલાની ભાવનાવાળો આત્મા જાગૃત નહીં થાય એ ગુરુજી બરાબર જાણતા હતા !

અનિકેત કંઈ પણ બોલ્યા વગર કૃતિથી એક અંતર રાખીને સૂઈ ગયો. એ સાથે જ રાજકોટમાં ગુરુજીએ પોતાની પૂજા પણ પૂરી કરી.

કૃતિ વહેલી સવારે છ વાગે ઉઠી ગઈ. અનિકેત ત્યારે સૂતો હતો. આટલો હેન્ડસમ પતિ મળ્યો હતો છતાં એને સ્પર્શ કરવાનો પણ મોકો ના મળ્યો. આ તે કેવું નસીબ !! ઘડીભર તો એને થયું કે અનિકેતને જઈને વળગી પડું પરંતુ એણે વચન આપ્યું હતું એટલે એણે પોતાના મન ઉપર કાબુ લઈ લીધો.

બંને શાસ્ત્રીજી સાચું જ કહેતા હતા કે લગ્ન થશે એટલે મંગળ પોતાનો ભાગ તો ભજવશે જ. એમણે સંતાન જન્મ માટે ના પાડી હતી પરંતુ શારીરિક સુખ ભોગવવાની મનાઈ નહોતી કરી છતાં ત્યાં પણ પહેલી રાત્રે જ બ્રેક વાગી ગઈ !

કૃતિ ઊભી થઈ અને વોશરૂમમાં ગઈ. બ્રશ પતાવીને ફ્રેશ થઈ ગઈ અને ગરમ પાણીથી નાહી લીધું. કારણ કે માગશર મહિનાની ઠંડી શરૂ થઈ ગઈ હતી.

સાસરિયામાં આજે પહેલો જ દિવસ હતો એટલે એણે સાડી પહેરવાનું જ પસંદ કર્યું. બોટલ ગ્રીન કલરની લહેરિયા જેવી સાડી એના ગોરા શરીર ઉપર ખૂબ જ શોભતી હતી. એ પછી એણે માથું ઓળી લીધું.

એ તૈયાર થઈને ફરી પાછી બેડ ઉપર આવી ગઈ. પ્રેમથી એણે અનિકેતના માથા ઉપર હાથ ફેરવ્યો. અનિકેત જાગી ગયો.

" ઉઠવું નથી ? પોણા સાત વાગી ગયા છે. નાહી ધોઈને નીચે આવો. હું જાઉં છું. " કૃતિ પ્રેમથી બોલી.

તૈયાર થયેલી કૃતિને જોઈને અનિકેત આકર્ષાઈ ગયો. ઘડીભર તો એને થયું કે કૃતિને પોતાની તરફ ખેંચી લે. પરંતુ એને ગઈ રાતની બધી ઘટના યાદ આવી ગઈ એટલે એણે મન ઉપર સંયમ રાખ્યો. કેવી કરુણતા ! છતાં એને કૃતિ વ્હાલી લાગી અને એણે ઊભા થઈને કૃતિને પ્રેમથી કીસ કરી.

"આટલા વહેલા ઊઠવાની તારે ક્યાં જરૂર હતી કૃતિ ? ઘરમાં રસોઈયો છે નોકર છે. ચા પાણી તો મહારાજ બનાવે જ છે. તારે તો કોઈ કામ કરવાનું જ નથી. આટલી વહેલી નીચે જઈને તું શું કરીશ ? એના કરતાં થોડો આરામ કરી લે." અનિકેત વહાલથી બોલ્યો.

" ના ડાર્લિંગ હું સવારે છ વાગ્યે તો આમ પણ ઊભી થઈ જાઉં છું. નીચે જઈને મમ્મી પપ્પાને દાદાને પગે લાગુ. એ જાગતા હોય તો એમની સાથે વાતો કરીશ. તમે પણ ફ્રેશ થઈને નીચે આવી જાઓ. આજે તો રિસેપ્શન છે એટલે સવારથી દોડાદોડી રહેશે. બપોર પછી શ્વેતાબેન મને બ્યુટી પાર્લર પણ લઈ જવાનાં છે. " કૃતિ બોલી.

"અને તમે જરા પણ ચિંતા ના કરશો. લક્ષ્મણરેખાની વાત મને બરાબર યાદ છે અને મારા વ્યવહાર વર્તનથી ઘરમાં હું કોઈને પણ એની ખબર નહીં પડવા દઉં. " કૃતિ જતાં જતાં બોલી.

બેડરૂમની બહાર જઈ એણે બેડરૂમ બંધ કર્યો અને એ નીચે ઉતરી.

અનિકેત પોતાની આ ભરયુવાન પત્નીને જતી જોઈ રહ્યો. કૃતિ તેં લગ્ન પહેલાં આવું કેમ કર્યું ? આટલી બધી આઝાદ કેમ બની ગઈ ? ચારિત્ર્ય તો દરેક યુવતીની મૂડી હોય છે. હું તને કેટલો બધો પ્રેમ કરતો હતો ? કારણ વગર તારે ને મારે છેટું પડી ગયું !

કૃતિ નીચે ઉતરી ત્યારે ડ્રોઈંગ રૂમમાં દાદા ધીરુભાઈ અને દાદી સુશીલાબેન જાગતાં બેઠાં હતાં. કૃતિએ બંનેની પાસે જઈને એમના ચરણસ્પર્શ કર્યા.

"અખંડ સૌભાગ્યવતી રહો બેટા. તારે આટલા વહેલા ઉઠી જવાની ક્યાં જરૂર હતી ? તારે અહીં કંઈ કરવાનું તો છે નહીં. " ધીરુભાઈ બોલ્યા.

"હું આમ પણ ઘરે છ વાગે ઉઠી જ જાઉં છું દાદાજી. ગમે એટલો ઉજાગરો હોય તો પણ આંખ ખુલી જાય છે. " એમ કહીને એણે દાદા દાદીને ઈશારો કરી દીધો કે રાત્રે એણે સુહાગરાતનો ઉજાગરો કરેલો જ છે !

"તને મારા ઘરે લાવીને મને ખૂબ જ સંતોષ થયો છે. બસ તમારું લગ્ન જીવન ખૂબ જ સુખી રહો એ જ અમારા આશીર્વાદ છે. હજુ તો ઘરમાં બધા જ સૂતા છે. મહેમાનો પણ સૂતા છે. માટે તું પણ થોડીવાર આરામ કરી લે. સાડા સાત વાગ્યા પછી ચા બનશે એટલે હું તને બોલાવી લઈશ. ત્યાં સુધીમાં બધા ઉઠી જશે. " ધીરુભાઈ બોલ્યા.

કૃતિ ફરી પાછી પોતાના બેડરૂમમાં ગઈ અને ગુરુજીની આજ્ઞા પ્રમાણે મનમાં હનુમાન ચાલીસાનો પાઠ કરી દીધો. અનિકેત એ વખતે વોશરૂમમાં હતો.

આજે રિસેપ્શન હતું અને એમાં હાજરી આપવા માટે બહારગામથી અને વિદેશથી પણ ઘણા મહેમાનો આવ્યા હતા જેમને હોટલમાં ઉતારો આપ્યો હતો.

સવારે ધીરુભાઈ અને એમના બંને દીકરા જે તે હોટલોમાં પહોંચી ગયા અને તમામ મહેમાનોને મળી લીધું. સુખરૂપે લગ્ન થઈ ગયાં એના પણ સમાચાર આપ્યા. બધા માટે ચા પાણીની વ્યવસ્થા પણ કરી આપી.

જો કે બપોરનું ભોજન તમામ મહેમાનો માટે એક હોલમાં રાખ્યું હતું. એટલે ત્યાંના રસોડામાં પણ મનીષ જઈ આવ્યો.

રસોઈ માટે મારવાડી રસોઈયાને કેટરિંગ કોન્ટ્રાક્ટર આપ્યો હતો. સાંજે રિસેપ્શન પછી ભવ્ય જમણવારનો પ્રોગ્રામ હતો એટલે અત્યારે બપોરે હોલમાં માત્ર શિખંડ પૂરી છોલે ચણા અને કઢી ભાતનું ફિક્સ ભોજન હતું. સાથે થોડો કંસાર પણ બનાવ્યો હતો. જો કે મારવાડીએ રસોઈ બહુ જ સરસ બનાવી હતી.

વર કન્યા પણ ધીરુભાઈના પરિવાર સાથે જમવા માટે આવ્યાં હતાં અને તમામ મહેમાનો કન્યાનું રૂપ જોઈને ખૂબ જ પ્રભાવિત થઈ ગયા હતા કે ગમે તેમ પણ ધીરુભાઈએ શ્રેષ્ઠ કન્યાની પસંદગી કરી છે.

જમ્યા પછી અનિકેતની બહેન શ્વેતા ભાભીને લઈને થાણાના ખૂબ જ જાણીતા બ્યુટી પાર્લરમાં ગઈ હતી. એ બંને છેક સાંજે તૈયાર થઈને ઘરે આવ્યાં હતાં. તૈયાર થયા પછી કૃતિ કોઈની પણ નજર લાગે એટલી સુંદર દેખાતી હતી !

સાંજે એક વિશાળ પાર્ટી પ્લોટમાં ભવ્ય રિસેપ્શનનો પ્રોગ્રામ રાખ્યો હતો હતો. ઇવેન્ટ મેનેજમેન્ટવાળાને કહીને પાર્ટી પ્લોટને ખૂબ જ ઝગમગતો સજાવ્યો હતો અને મંદ મંદ સુરમાં વાગતું શહનાઈનું સંગીત મનને પ્રસન્ન કરી દેતું હતું !

જાણીતા તમામ સ્થાનિક બિલ્ડરોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. વિદેશી મહેમાનો અને મુંબઈ તથા મુંબઈની બહાર રહેતાં બધાં સગાં વહાલાં પણ રિસેપ્શનમાં હાજર હતાં. આમંત્રિત મહેમાનોની કુલ સંખ્યા લગભગ ૫૦૦૦ ને પહોંચી ગઈ હતી !

તમામ મહેમાનોએ રિસેપ્શન સ્ટેજ ઉપર ઉભેલાં વરકન્યાને આશીર્વાદ આપી પોતપોતાની રીતે અસંખ્ય ગિફ્ટો આપી. શ્રીમંત પરિવારોએ સોનાના વિવિધ દાગીનાની ગિફ્ટ પણ આપી. અમુક આમંત્રિતોએ ઘરમાં વાપરવાની કિંમતી વસ્તુઓ આપી. એક મહેમાને તો બંનેને આઈફોન ગિફ્ટ આપ્યા. મોટાભાગના મહેમાનોએ બંધ કવર આપ્યાં. આખો પ્રોગ્રામ લાઈવ વિડિયો શૂટિંગનો હતો. જ્યારે સ્ટીલ ફોટોગ્રાફી પણ ગોઠવી હતી.

રિસેપ્શનની સાથેને સાથે જ ત્રણ અલગ અલગ વિભાગમાં બુફેની વ્યવસ્થા કરી હતી. પંજાબી કાઉન્ટર અલગ હતું. ગુજરાતી થાળી અલગ હતી. જ્યારે જમતાં પહેલાં સ્ટાર્ટર અને ચાટની વ્યવસ્થા પણ અલગ હતી. જેમાં ત્રણ પ્રકારના સૂપ, પાસ્તા, વેજીટેબલ રોલ, સેવપૂરી, દહીંવડાં, ઢોસા, લાઈવ ઢોકળાં વગેરેનો સમાવેશ થતો હતો.

પુત્ર અને પુત્રવધૂના આ રિસેપ્શનમાં ધીરુભાઈએ દિલથી પૈસા ખર્ચ્યા હતા. રસોઈ પણ અદભુત બની હતી. વિદેશી મહેમાનો માટે ડ્રિંક્સની પણ અલગ જગ્યાએ વ્યવસ્થા કરી હતી. તમામ મહેમાનોએ ધીરુભાઈ આગળ કૃતિનાં ખૂબ જ વખાણ કર્યાં અને આટલી સુંદર પુત્રવધૂ શોધવા માટે અભિનંદન પણ આપ્યાં.

રિસેપ્શન પ્રોગ્રામ રાતના પોણા બાર વાગ્યા સુધી ચાલ્યો. પરિવાર ઘરે ગયો ત્યારે રાતનો એક વાગી ગયો હતો. એક આખી ગાડી તો લગભગ ભેટ સોગાદોથી જ ભરાઈ ગઈ હતી.

ઘરે આવ્યા પછી અનિકેત અને કૃતિ ફરી પાછાં બેડરૂમમાં ભેગાં થયાં. જો કે કૃતિએ પોતાની જાત ઉપર કાબુ મેળવી લીધો હતો એટલે આજે એણે એ બાબતની કોઈ જ ચર્ચા કરી નહીં.

" આજે તું રિસેપ્શનમાં ખરેખર બહુ જ અદભુત લાગતી હતી ! બધાંની નજર તારા ઉપર જ હતી. " અનિકેત હસીને બોલ્યો.

" હા પણ એ બધી નજરો શું કામની અનિકેત ? જેમની નજર માટે હું તરસી રહી છું એ તો મારાથી જોજનો દૂર છે ! " કૃતિ નિઃસાસો નાખીને બોલી.
ક્રમશઃઅશ્વિન રાવલ (અમદાવાદ)