Sapnana Vavetar - 32 in Gujarati Short Stories by Ashwin Rawal books and stories PDF | સપનાનાં વાવેતર - 32

Featured Books
  • فطرت

    خزاں   خزاں میں مرجھائے ہوئے پھولوں کے کھلنے کی توقع نہ...

  • زندگی ایک کھلونا ہے

    زندگی ایک کھلونا ہے ایک لمحے میں ہنس کر روؤں گا نیکی کی راہ...

  • سدا بہار جشن

    میرے اپنے لوگ میرے وجود کی نشانی مانگتے ہیں۔ مجھ سے میری پرا...

  • دکھوں کی سرگوشیاں

        دکھوں کی سرگوشیاںتحریر  شے امین فون کے الارم کی کرخت اور...

  • نیا راگ

    والدین کا سایہ ہمیشہ بچوں کے ساتھ رہتا ہے۔ اس کی برکت سے زند...

Categories
Share

સપનાનાં વાવેતર - 32

સપનાનાં વાવેતર પ્રકરણ 32

ગંગાનાં દર્શન કરીને અનિકેત હરિદ્વાર સ્ટેશન ઉપર પાછો આવી ગયો. ટ્રેઈન હરિદ્વારથી જ ઉપડતી હતી એટલે પ્લેટફોર્મ ઉપર ઉભી જ હતી. એણે રસ્તામાં પીવા માટે પાણીની બોટલ ખરીદી લીધી અને પોતાના કોચ વિશે કુલીને પૂછ્યું.

થ્રી ટાયર એસીનો કોચ પાછળના ભાગમાં હતો એટલે અનિકેત ચાલતો ચાલતો પાછળ ગયો અને કોચમાં ચડી ગયો. અત્યારે પણ એને વિન્ડો પાસે સીટ મળી પરંતુ સાઈડ લોઅર બર્થ નહોતી.

૧૦ મિનિટ પછી ટ્રેઈન ઉપડી. હરિદ્વાર પાછળ છૂટતું ગયું. આ કોચમાં તો ઓઢવા પાથરવાની અને તકિયાની પણ વ્યવસ્થા હતી. વિન્ડો સીટ મળી હતી પરંતુ શિયાળાના કારણે એક કલાકમાં તો રાત પણ પડી ગઈ એટલે બારીની બહાર કંઈ જ દેખાતું ન હતું.

સાડાસાત વાગે પેન્ટ્રી કારનો માણસ ઓર્ડર લખવા માટે આવ્યો ત્યારે અનિકેતે પણ પોતાનો સીટ નંબર લખાવી દીધો. રાત્રે ૮ વાગે મેરઠ આવ્યું એ પછી જમવાનું આવ્યું. હરિદ્વાર જતી વખતે જેવું જમવાનું હતું એવું જ હતું. માત્ર શાક અલગ હતું.

જમ્યા પછી ફોનમાં એણે પોતાના પરિવાર સાથે વાતચીત કરી લીધી.
દસ વાગ્યા પછી તમામ પેસેન્જરોએ સૂવાની તૈયારી કરી. વચ્ચેની બર્થ ઊંચી કરીને અનિકેત નીચેની બર્થ ઉપર સૂઈ ગયો.

અનિકેત પોતાની આદત મુજબ સવારે છ વાગે જાગી ગયો અને બ્રશ વગેરે નિત્યક્રમ પતાવી દીધો. એ પછી નીચેની બર્થ ઉપર સૂતાં સૂતાં જ આંગળીના વેઢાથી પાંચ માળા પૂરી કરી. હવે એ છ મિનિટમાં એક માળા કરી શકતો હતો.

સવાર સવારમાં ચા પીવાની ઘણી ઈચ્છા થઈ હતી પરંતુ ૮ વાગ્યા પહેલાં કોઈ સ્ટેશન આવવાનું ન હતું. એ એક કલાક શાંતિથી સૂતો રહ્યો.

બરાબર ૮ વાગે ભોપાલ સ્ટેશન આવ્યું. ત્યાં સુધીમાં કંપાર્ટમેન્ટના તમામ મુસાફરો જાગી ગયા હતા એટલે અનિકેતે વચ્ચેની બર્થ સીધી કરી દીધી જેથી વ્યવસ્થિત બેસી શકાય. એ પછી એ નીચે ઉતર્યો.

અહીં ટ્રેઈન ૧૦ મિનિટ ઉભી રહેતી હતી. નાસ્તામાં પોહા એટલે કે ગરમ ગરમ બટેટાપૌંઆ મળતા હતા એ એણે ખાઈ લીધા. એ પછી ઉપરા ઉપરી બે કપ ચા પી લીધી. ઠંડીના વાતાવરણમાં ચા પીવાથી એને સારો એવો ગરમાવો આવી ગયો. હવે એ એકદમ ફ્રેશ થઈ ગયો.

બપોરે ૧૨:૩૦ વાગે ખંડવા જંકશન આવ્યું. અહીં પણ એ નીચે ઉતર્યો અને પ્લેટફોર્મ ઉપર થોડું ચાલીને પગ છૂટા કર્યા. એણે જમવાનું નોંધાવેલું હોવાથી ટ્રેઈન ઉપડ્યા પછી તરત જ જમવાની ડીશ આવી ગઈ.

ટ્રેઈનમાં જમવાનું લગભગ એક સરખું જ આવતું હતું. ખાલી શાક બદલાતું હતું. એણે ધરાઈને જમી લીધું. એ પછી એણે કૃતિ સાથે થોડી વાતો કરી.

ઉપરની બર્થ ખાલી હતી એટલે જમ્યા પછી એ ઉપર જઈને સૂઈ ગયો અને છેક ચાર વાગે ઉઠ્યો. ચા વેચવાવાળો વેન્ડર આવ્યો એટલે એણે એક કપ ચા પી લીધી. જતી વખતે સ્લીપર ક્લાસમાં એને સારી કંપની મળી હતી. પરંતુ આ ઉચ્ચ વર્ગમાં સૌ પોતપોતાની દુનિયામાં મસ્ત હતા. ટાઈમપાસ થતો ન હતો.

છેવટે રાત્રે સાડા આઠ વાગે કલ્યાણ સ્ટેશન આવ્યું ત્યાં એ ઉતરી ગયો. એણે ઘરે વાત કરેલી જ હતી એટલે દેવજી ગાડી લઈને આવી ગયો હતો. કલ્યાણથી થાણા ખૂબ જ નજીક હતું. અડધા પોણા કલાકમાં તો એ ઘરે પહોંચી ગયો.

પાંચ દિવસ પછી અનિકેત ઘરે આવ્યો હતો. પરિવારના તમામ સભ્યો એની પાસે આવીને બેસી ગયા.

" ભાઈ કેવી રહી તમારી ઋષિકેશની યાત્રા ?" સૌથી પહેલો સવાલ શ્વેતાએ કર્યો.

" શું વાત છે આજે તો શ્વેતા પૂછી રહી છે !" અનિકેત હસીને બોલ્યો. "એકદમ મસ્ત. હિમાલય આજે પણ એટલો જ રળિયામણો છે. બહુ જ મજા આવી." અનિકેત બોલ્યો.

"હવે એને થોડીવાર બેસવા તો દો. લાંબી મુસાફરીથી થાકેલો છે. હજુ એનું જમવાનું પણ બાકી છે. " ધીરુભાઈ બોલ્યા.

" ના ના હું ફ્રેશ છું. મારી યાત્રા ખૂબ જ સુખદ રહી દાદા. આખી યાત્રા દરમિયાન મોટા દાદાએ મારું સારું ધ્યાન રાખ્યું. " અનિકેત બોલ્યો.

ધીરુભાઈને સિદ્ધિ વિશે પૂછવાનું બહુ મન હતું પરંતુ જાહેરમાં એમણે એ ચર્ચા ટાળી.

"દાદા તમને ખબર છે ? ટ્રેઈનમાં નાસિક રોડ સ્ટેશને મારી બેગ ચોરાઈ ગઈ હતી. " અનિકેત બોલ્યો.

" તારી બેગ ચોરાઈ ગઈ હતી ? પણ બેગ તો તું લઈને આવ્યો છે. " પપ્પા બોલ્યા.

" એ એક લાંબી સ્ટોરી છે. મારી બેગ ચોરાઈ ગઈ હતી. હું ઋષિકેશ જવા નીકળ્યો એની આગલી રાત્રે સપનામાં આવીને મોટા દાદાએ મને અકિંચન સાધુની જેમ યાત્રા કરવાની સૂચના આપી હતી. રસ્તામાં મારે એક પણ રૂપિયો વાપરવાનો ન હતો. છતાં હું બેગમાં નાસ્તો લઈ ગયો હતો એટલે બેગ જ ચોરાઈ ગઈ અને પૈસા વગર હું પેન્ટ્રી કારમાંથી પણ જમવાનું મંગાવી શકતો ન હતો. " અનિકેત કહી રહ્યો હતો.

" મોટા દાદાની એટલી બધી કૃપા હતી કે મારી સામેની બર્થ ઉપર મુલુંડના જ એક અંકલ અને આન્ટી બેઠાં હતાં. એમણે ૩ ટાઈમ મારા જમવાની જવાબદારી લઈ લીધી. મારી સામે એક સરદારજી બેઠા હતા. એમની પોતાની ઋષિકેશમાં હોટેલ છે. એમણે મારા રહેવાની પણ વ્યવસ્થા કરી દીધી. ના જમવાની તકલીફ પડી ના ત્યાં રહેવાની." અનિકેત બોલ્યો.

"આ તો ખરેખર નવાઈ લાગે એવું છે." ધીરુભાઈ બોલ્યા.

" નવાઈની વાત તો હવે આવે છે. હું સરદારજીની હોટેલમાં ઉતર્યો તો હોટેલના એ રૂમમાં મારી બેગ પહોંચી ગઈ હતી. અને જોવાની ખૂબી એ છે કે બેગમાંથી જમવા માટે નાસ્તો બહાર કાઢ્યો તો બટેટાની સૂકીભાજી પણ એકદમ તાજી અને ગરમ હતી. " અનિકેત બોલ્યો.

" ખરેખર આ બધી ચમત્કારીક ઘટનાઓ છે જે આપણે ક્યારે પણ માની ના શકીએ. સિદ્ધ પુરુષો માટે આ બધું જ શક્ય છે. તું ખૂબ જ નસીબદાર છે કે તને નાની ઉંમરમાં આવા બધા અનુભવો થયા. " દાદા ધીરુભાઈ બોલ્યા.

" ચાલ હવે હાથ મ્હોં ધોઈને જમી લે. કૃતિ પણ હજુ જમી નથી. તારી રાહ જોઈને બેઠી છે." મમ્મી હંસાબેન બોલ્યાં.

અનિકેતે વોશ બેસિન પાસે જઈ હાથ ધોઈ લીધા અને સીધો ડાઇનિંગ ટેબલ ઉપર ગયો.

"તમે ટ્રેઈનમાં હતા ત્યારે તો મને એમ કહેતા હતા કે તારા હાથની બટેટાની સૂકીભાજી બહુ જ સરસ બની છે. નાસ્તાની બેગ જ ચોરાઈ ગઈ હતી તો પછી ખોટું ખોટું મને કહેવાની શું જરૂર હતી ? " જમતી વખતે કૃતિ બોલી.

"તું ચિંતા ના કરે એટલા માટે. ક્યારેક ક્યારેક ખોટું પણ બોલવું પડે છે કૃતિ. પરંતુ ગુરુજીની કૃપાથી તારી બનાવેલી સૂકી ભાજી મેં ધરાઈને ખાધી છે અને ખરેખર એ સરસ બની હતી. એટલે મેં એ વખતે જે પણ કહ્યું હતું તે આમ તો સાચું જ ઠર્યું છે. " અનિકેત હસીને બોલ્યો.

"રહેવા દો હવે. હું તમારી પત્ની છું. મારાથી કંઈ છાનું ના રખાય. " કૃતિ બોલી.

અને પાંચ છ દિવસના અંતરાલ પછી એ રાત્રે અનિકેત અને કૃતિ કલાકો સુધી ફરી એકબીજામાં ખોવાઈ ગયાં.

" મને એવું લાગે છે કે આપણા સંબંધો શરૂ થયા પછી મને હવે તારી આદત પડી ગઈ છે. વ્યસનીને વ્યસન વગર ના ચાલે એવી મારી હાલત થતી જાય છે. તું એટલી સુંદર છે કે હું મારા મન ઉપર કાબુ રાખી શકતો નથી. " અનિકેત બોલ્યો.

" તો એમાં ખોટું શું છે ? હું તમારી પત્ની છું. આપણે હજુ યુવાન છીએ. આપણા લગ્નને હજુ એક જ વર્ષ થયું છે. અને દરેક પત્નીની એવી ઈચ્છા હોય કે પોતાનો પતિ એની પત્ની તરફ આકર્ષાયેલો જ રહે. " કૃતિ બોલી.

બીજા દિવસે અનિકેત પોતાની ઓફિસે ગયો અને પોતાના મેનેજર કિરણ પાસેથી પાંચ દિવસનો બધો પ્રોગ્રેસ જાણી લીધો.

ધીરુભાઈ શેઠને અનિકેત સાથે વાત કરવાની ખૂબ જ અધીરાઈ હતી. અનિકેત સાથે ઋષિકેશમાં શું થયું, એ સમાધિમાં કઈ રીતે ગયો, સૂક્ષ્મ જગતમાં કેવી રીતે પહોંચી ગયો, એને કઈ કઈ સિદ્ધિઓ મળી.... એ બધું જાણવાની એમને ખૂબ જ જિજ્ઞાસા હતી પરંતુ દિવસે મોકો મળતો ન હતો.

છેવટે રાત્રે જમી લીધા પછી એમણે અનિકેતને પોતાના રૂમમાં મળી જવાનું કહ્યું.

" મારે તારી સાથે ગઈકાલે જ વાત કરવી હતી પરંતુ આ વાત એવી હતી કે પરિવારની વચ્ચે ચર્ચા કરી શકાય તેમ ન હતું. હવે મને વિગતવાર તું વાત કર. ઋષિકેશ ગયા પછી શું થયું ? આપણા ગુરુજી સમાધિ અને સૂક્ષ્મ જગતની કંઈક વાતો કરતા હતા તો તને એવો કોઈ અનુભવ થયો ? અને તને કઈ સિદ્ધિ મળી ? " દાદા બોલ્યા.

" હા દાદા. મને ઋષિકેશમાં એક સંત મહાત્માનાં દર્શન થયાં હતાં. એમની ઉંમર ૨૦૦ વર્ષથી પણ વધારે છે અને એ હિમાલયમાં જ રહે છે. ગંગા સ્નાન કરાવીને એ મને એમની સાથે જંગલમાં લઈ ગયા હતા. ત્યાં એમણે મને સ્પર્શ કરીને સમાધિનો અનુભવ કરાવ્યો અને સમાધિ અવસ્થામાંથી એ મને સૂક્ષ્મ જગતમાં લઈ ગયા." અનિકેત વર્ણન કરી રહ્યો હતો અને ધીરુભાઈ શેઠ ધ્યાનથી બધું સાંભળતા હતા.

" દાદા સૂક્ષ્મ જગતનું વર્ણન તો કરી શકાય એમ જ નથી. ત્યાં સવારના જેવો સૂર્યપ્રકાશ ૨૪ કલાક રહે છે. ત્યાં દિવસ કે રાત જેવું કંઈ હોતું નથી ત્યાં ભૂખ કે તરસ પણ લાગતી નથી. ત્યાં પણ સુંદર બગીચાઓ, રંગબેરંગી વૃક્ષો, ઝરણાં વગેરે હોય છે. ત્યાં તમે જે ઈચ્છા કરો એ વસ્તુ મળી જાય છે અને જ્યાં જવા માગો ત્યાં એક જ ક્ષણમાં પહોંચી જવાય છે. ત્યાં આપણી જેમ મંદિરો મસ્જિદો અને ચર્ચો પણ છે. ત્યાં ગાયત્રી મંદિરમાં ગાયત્રી માતાની જીવંત મૂર્તિ મેં જોઈ. મોટા દાદાએ મને કોઈ સિદ્ધિ પણ આપી છે." અનિકેત બોલ્યો.

"તારી વાતો બધી નવાઈ ભરેલી લાગે છે. તારા મોટા દાદા આ ઉંમરે તને આવો અનુભવ કરાવશે એની મને કલ્પના પણ ન હતી ! સારુ હવે તું મને એ કહે કે તને કઈ સિદ્ધિ મળી છે ?" ધીરુભાઈ બોલ્યા. એમને સિદ્ધિ વિશે જાણવામાં વધારે રસ હતો.

" દાદા એ તો મને પણ ખબર નથી. મોટા દાદાએ મને એક સિદ્ધિ આપી અને કહ્યું કે આ સિદ્ધિ તારી રક્ષા કરશે અને આપોઆપ એ કામ કરશે. પરંતુ એ સિદ્ધિ કઈ છે અને શું કામ કરશે એની મને કંઈ જ ખબર નથી. અને મેં એમને પૂછ્યું પણ નથી. ચમત્કારો થાય એવી તો કોઈ સિદ્ધિ મને લાગતી નથી. " અનિકેત બોલ્યો.

" અરે પણ તને તારા મોટા દાદાએ સૂક્ષ્મ જગતમાં બોલાવીને તને આટલી મોટી સિદ્ધિ આપી તો તારે પૂછવું તો જોઈએ ને ? તારી પાસે કઈ સિદ્ધિ છે એને તને ખબર જ ના હોય તો એ સિદ્ધિ શું કામની ? તું એનો ઉપયોગ કઈ રીતે કરી શકે ? " ધીરુભાઈ નિરાશ થઈને બોલ્યા.

" મોટા દાદાએ મને કહ્યું છે કે આ સિદ્ધિનો મારે કોઈ ઉપયોગ કરવાનો નથી. એ સિદ્ધિ એની મેળે જ કામ કરશે. એટલે મેં પછી કંઈ વધારે પૂછ્યું નહીં. " અનિકેત બોલ્યો.

"હવે મારે તને શું કહેવું ? આ તો હીરો ઘોઘે જઈ આવ્યો જેવી વાત થઈ ! જોઈએ હવે તારી સિદ્ધિ કઈ રીતે કામ કરે છે !! " ધીરુભાઈ બોલ્યા.

"હા દાદા. મને કોઈ અનુભવ થશે તો હું તમને જણાવીશ. " કહીને અનિકેત બહાર નીકળી ગયો.

બે દિવસ પછી અનિકેતને વિચાર આવ્યો કે ટ્રેનમાં જે રજનીકાંત દેસાઈ મળ્યા હતા અને એના માટે ભોજનની વ્યવસ્થા કરી આપી હતી એમને જઈને એકવાર મળી આવું. એમની દુકાન 'રજની રેડીમેટ ગારમેન્ટ્સ' કાલિદાસ હોલની પાસેના એક કોમ્પ્લેક્સમાં હતી. એણે કાર્ડ સાચવી રાખ્યું હતું.

સાંજના ચારેક વાગે એ ઓફિસથી નીકળીને પોતાની સાઇટ ઉપર ગયો અને પછી ત્યાંથી વીઝીટીંગ કાર્ડમાં લખેલા કોમ્પ્લેક્સમાં ગયો.

કાર્ડમાં શોપનો જે નંબર લખ્યો હતો એ નંબરની દુકાન તો કોઈ જ્વેલર્સની હતી. અને આજુબાજુ એ જ કોમ્પ્લેક્સમાં બીજી દુકાનોનાં બોર્ડ પણ વાંચી લીધાં. પરંતુ ક્યાંય પણ 'રજની રેડીમેટ ગારમેન્ટ્સ' નામનું કોઈ બોર્ડ ન હતું.

આખું કોમ્પ્લેક્સ ફરીને એ જ્વેલર્સની દુકાન પાસે આવ્યો. એણે વીઝીટીંગ કાર્ડ જ્વેલર્સ શોરૂમ વાળાને બતાવ્યું.

"અહીંયાં 'રજની રેડીમેન્ટ ગારમેન્ટ'ની કોઈ શોપ કેમ દેખાતી નથી ? આ કાર્ડમાં નંબર તો તમારી શોપનો જ આપેલો છે. " અનિકેતે પૂછ્યું.

" હા સાહેબ. પાંચ વર્ષ પહેલાં અહીંયાં રેડીમેડ ગારમેન્ટની જ શોપ હતી. રજનીભાઈના ગુજરી ગયા પછી આ શોપ અમે ખરીદી લીધી છે. " જ્વેલર્સની શોપવાળા ભાઈએ કહ્યું.

" રજનીકાંતભાઈ ગુજરી ગયા છે ?" અનિકેતે પૂછ્યું.

" હા. પાંચ વર્ષ પહેલાં એ હરિદ્વારની યાત્રાએ ગયા હતા અને ત્યાં જ એમને હાર્ટએટેક આવેલો. " પેલા ભાઈ બોલ્યા.

અનિકેત માટે આ ખૂબ જ આશ્ચર્યની વાત હતી. કોઈ વ્યક્તિ ગુજરી ગઈ હોય એ કેવી રીતે સજીવન બનીને આ રીતે ટ્રેઈનમાં મુસાફરી કરે ? અને એ પણ પોતાના પરિવાર સાથે ! એ લોકો નાસ્તો બનાવીને લાવ્યા હતા. મને ત્રણ વાર જમાડ્યો. શું આ બધું એક ભ્રમ હતો ? સ્વામીજીની રચેલી માયાજાળ જ હતી ?

અને શું એમનાં પત્ની કોકીલા આન્ટી એણે ટ્રેઈનમાં જોયાં હતાં એવાં જ હશે ? એમનું એડ્રેસ મળી જાય તો એકવાર એમને નજરે જોઈ લઉં.

" તમારી પાસે એમનું એડ્રેસ હશે ? " અનિકેત બોલ્યો.

"મને અત્યારે યાદ નથી. આ દુકાનનો સોદો કર્યો ત્યારે જે દસ્તાવેજ બનાવેલો એમાં કદાચ લખેલું હશે. પણ એ બધું મારે શોધવું પડે ભાઈ." જ્વેલર્સની શોપવાળા ભાઈ બોલ્યા.

"ઠીક છે જવા દો. હું તો ખાલી રજનીકાંતભાઈને ઓળખતો હતો." અનિકેત બોલ્યો અને ત્યાંથી નીકળી ગયો.

અનિકેતના જીવનમાં આજકાલ અજીબોગરીબ ઘટનાઓ બની રહી હતી. જ્યારથી એ ઋષિકેશ જવા નીકળ્યો ત્યારથી ચમત્કારો જ બનતા જતા હતા. એની ઈચ્છા દીવાકર ગુરુજી સાથે આ બાબતની ચર્ચા કરવાની હતી. પરંતુ ફોન ઉપર આ બધી વાતો થઈ શકે નહીં. એના માટે તો રાજકોટ જઈને શાંતિથી ગુરુજી પાસે બેસવું પડે.

" કૃતિ મારી ઈચ્છા રાજકોટ જવાની છે. ઋષિકેશ જઈ આવ્યા પછી મારે કેટલીક ચર્ચા ગુરુજી સાથે કરવી છે. જો તારે તારાં મમ્મી પપ્પાને મળવાની ઈચ્છા હોય તો મારી સાથે આવી શકે છે. " રાત્રે અનિકેત બોલ્યો.

" પિયર જવાની ઈચ્છા કોને ના હોય સ્વામીજી ? આ ભાર્યા પણ તમારી સાથે જ આવશે. " કૃતિ નાટકીય ઢબે બોલી. રાજકોટ જવાની વાતથી જ એ ખુશ હતી.

" ઠીક છે તો પછી. આજે બુધવાર થયો. આવતા શનિવારે સવારે ૧૧ ના ફ્લાઈટમાં આપણે જઈએ. રવિવારે સવારે ત્યાંથી રિટર્ન થઈ જઈશું." અનિકેત બોલ્યો.

અનિકેતે નિર્ણય તો લઈ લીધો પરંતુ દાદાજીની પરમિશન વગર રાજકોટ ગુરુજીને મળવા જવાનું શક્ય ન હતું. અનિકેતના ઘરમાં કોઈપણ નિર્ણય દાદાજીની સંમતિ પછી જ લેવાતો ! ટિકિટ બુક કરાવતાં પહેલાં દાદાજીને મળવું જરૂરી હતું.

અનિકેતે બીજા દિવસે સવારે જ દાદા ધીરુભાઈ શેઠને વાત કરી.

" દાદા ગુરુજીની આજ્ઞાથી જ હું ઋષિકેશ ગયો હતો અને એમના કહેવા પ્રમાણે સૂક્ષ્મ જગતમાં જઈને મોટા દાદાને પણ મળ્યો હતો. મારી એવી ઈચ્છા છે કે હું રાજકોટ જઈને ગુરુજીને મળી આવું અને એમને મારી યાત્રાની બધી વાત કરી આવું. કારણ કે ઋષિકેશનો આખો પ્રવાસ એમના આદેશથી જ થયો હતો. " અનિકેત બોલ્યો.

"વિચાર તો તારો સારો છે. એમના કહેવાથી જ તું ઋષિકેશ ગયો હતો એટલે યાત્રા કરી આવ્યા પછી એમને તારે જણાવવું તો જોઈએ જ. પરંતુ ફોન ઉપર પણ તું એમની સાથે વાત કરી શકે છે. " દાદા બોલ્યા.

"મારા પ્રવાસની બધી ચર્ચા ફોન ઉપર ના થઈ શકે દાદા. રૂબરૂમાં હું એમની સાથે જે ચર્ચા કરી શકું અને સિદ્ધિ વિશે પણ પૂછી શકું એ બધી વાતો ફોન ઉપર ના થાય. મારે તો સિદ્ધિ વિશે ખાસ એમની સાથે ચર્ચા કરવી છે. " અનિકેત બોલ્યો.

સિદ્ધિની વાત સાંભળીને ધીરુભાઈ શેઠે તરત જ સંમતિ આપી દીધી.

" હા એ તારી વાત સાચી છે. સિદ્ધિ વિશે જાણવામાં મને પણ રસ છે કે તારા મોટા દાદાએ તને કઈ સિદ્ધિ આપી છે કે જેનો તારે ઉપયોગ કરવાનો નથી અને જે આપોઆપ કામ કરે છે ! તું જઈને રૂબરૂ જ ચર્ચા કરી આવ ." ધીરુભાઈ શેઠ બોલ્યા.

" હા દાદા આપણા ગુરુજી આવી સિદ્ધિ વિશે બધું જાણતા જ હોય. અને હું રાજકોટ જવાનો છું એટલે કૃતિ પણ મારી સાથે આવશે. એને હું એના મમ્મી પપ્પાના ઘરે મૂકી આવીશ અને પછી ગુરુજીની પાસે જઈશ." અનિકેત બોલ્યો.

"હા એને એના ઘરે મૂકી આવજે. એ એના મમ્મી પપ્પાને મળી લેશે. એ સિદ્ધિ વિશે કંઈ જાણતી નથી એટલે ગુરુજી પાસે એને ના લઈ જતો. આ બધી ચર્ચા તું એકલો જ કરજે. " દાદા બોલ્યા.

જો કે અનિકેત માટે તો રાજકોટ જવા માટે દાદાની પરમિશન મળી ગઈ એ જ આજની મોટી સિદ્ધિ હતી !
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)