HUN ANE AME - 27 in Gujarati Love Stories by Rupesh Sutariya books and stories PDF | હું અને અમે - પ્રકરણ 27

Featured Books
  • One Step Away

    One Step AwayHe was the kind of boy everyone noticed—not for...

  • Nia - 1

    Amsterdam.The cobbled streets, the smell of roasted nuts, an...

  • Autumn Love

    She willed herself to not to check her phone to see if he ha...

  • Tehran ufo incident

    September 18, 1976 – Tehran, IranMajor Parviz Jafari had jus...

  • Disturbed - 36

    Disturbed (An investigative, romantic and psychological thri...

Categories
Share

હું અને અમે - પ્રકરણ 27

રાધિકાને મનાવવાનાં પ્રયત્ન કરી છેવટે મયુર પાછો રાકેશના ઘેર ગયો. દરેક લોકો હાજર હતા. સાફ-સફાઈ પછી રાકેશના ઘરનો નજારો ફરી ગયો અને એમાં પણ આજે ઘરને વિવિધ ફૂલ અને લાઈટોના ઠાઠથી શણગારવામાં આવેલું. તેનો નજારો જ અલગ હતો. રાકેશના નવા ઘરમાં વધારે ભિન્નતા નહોતી. સામે રાકેશનું કે હાલ મયુરનું અને તેની સામે રાકેશનું ઘર એક સરખા જ લગતા હતા. જે અલગ હતું તે એટલું જ કે એકને તેણે પોતાના વિચારોથી બનાવેલું, પોતાની લાગણી અને પોતાના પરિવારના વિચારોને ધ્યાનમાં લઈને આકાર આપેલો જેમાં આજે રાધિકા રહે છે. ને બીજું તેણે માત્ર પોતાનું કહેવા માટે બનાવેલું. છતાં તેનું ભવ્ય ઘર જેની સામે લોકો દયાની નજરે જોતા ને ક્હેતા કે 'આટલો ખર્ચો કરી, આવું મકાન બનાવ્યું. પણ રહેવાવાળું કોઈ ન મળે.' એ જ બધા આજે તેની શોભાના વખાણ કરતા થાકતા ન્હોતા.


પોતાના પહેલા મકાન કરતાં નવા મકાનમાં રાકેશે વધારે મોર્ડનતાને માન આપેલું. પોતાની બારીમાંથી એની સામે જોઈને રોજે રાધિકા વિચારતી કે કોઈ દિવસ રાકેશ પાછો આવે અને તે આ ઘરમાં પોતાની પૂછેલી વાતને ફરી પૂછવા જાય. આજે રાકેશ પાછો આવી ગયો પણ રાધિકા માટે પરિસ્થિતિ બદલાઈ ગઈ. રાકેશની સાથે આવેલી એ છોકરીએ રાધિકાને મન ઊંડો ઘા બેસારી દીધો. તેણે મયુરને સાંજે સાથે આવવાની હા તો કહી દીધી પણ તેનો આ ઘા તેને રોકી રહ્યો હતો.


માઠો લાગતો છતાં થોડો સાજ-શણગાર કરી રાધિકા એકલી પોતાના બેઠક ખંડમાં બેઠી હતી. સાત વર્ષ પહેલા રાકેશની કહેલી વાત તેને યાદ આવી જ્યારે તેણે કહેલું કે તે તેને ભૂલી જાય અને મયુરને પોતાનું સર્વસ્વ માનીલે. મન ઉદાસ તો હતું, સાથે તેને રાકેશની સાથે આવેલ અજાણ વ્યક્તિની ઓળખ કરવાની તડપ પણ એટલી જ લાગેલી. એક ક્ષણ એમ કહેતી કે દોડીને રાકેશના ઘેર જતી રહે અને બીજી જ ક્ષણ વિચાર લઈને આવતી કે રહેવા દે, હવે તેની સાથે કોઈ બીજું છે. આવા વિચારોમાં તેનું મન હાલક-ડોલક થતું હતું. એટલામાં સામેના દરવાજામાંથી મોહને પ્રવેશ કરતા કહ્યું, "લે, બેનબા! તમે હજુ ગયા નથી? સામે રાકેશભાઈના ઘરમાં બધા મહેમાન આવી ગયા છે."


રાધિકાનું ધ્યાન તૂટ્યું અને તેણે મોહનને કહ્યું, "હા, બસ જઈએ છીએ."


ઉપરની રૂમમાંથી મયુર તૈય્યાર થઈને આવ્યો અને રાધિકાના ખભા પર હાથ મુકતા બોલ્યો, "ચાલ રાધિકા!" અને તે ઉભી થઈને તેની સાથે ધ્રુજતા પગે ચાલવા લાગી.


પોતાના નવા કે જુના પાડોશી કે પછી પોતાનાં માલિક એવા અનેક ઉપકારો વાળા રાકેશના ઘરમાં પ્રવેશવા રાધિકાના પગ ભારે થઈ રહ્યા હતા. પણ તેના વિશે જાણવા અને તેના વર્તમાનને ખોળવા તે મક્કમ મનથી ડગલાં ભરી રહી હતી. અંદર જતા જ દરવાજા તરફ મોં રાખીને બેઠેલા પલ્લવી અને અહમે તેને સૌથી પહેલા જોયા.


પલ્લવી ઉભી થઈ, તેને આવકારતા બોલી, "અરે રાધિકા ભાભી! આવો આવો.... અમે ક્યારના તમારી રાહ જોઈએ છીએ."


ઘરમાં ચાલી રહેલી વાતો એકાએક બંધ થઈ ગઈ અને બધાનું ધ્યાન તેના તરફ ગયું, તો શ્વેતાએ પણ કહ્યું, "અરે! દૂર રહેવા વાળા અમે વહેલા આવી ગયા અને સૌથી નજીક રહેવા વાળા તમે સૌથી છેલ્લે?"


"સોરી સોરી, મારે લીધે અમે બંને થોડાં લેટ થઈ ગયા છીએ." મયુરે કહ્યું.


રાકેશ બોલ્યો, "કંઈ નહિ, તમે લોકો સમયસર જ આવ્યા છો."


"પણ રાધિકા! તું સવારે કેમ ન્હોતી આવી?" શ્વેતાએ પૂછ્યું.


રાકેશ બોલ્યો, "અરે તેઓને અંદર તો આવવા દે, શ્વેતા."


તેઓ બધાની વચ્ચે આવીને બેસી ગયા. રાધિકાએ ચારેય તરફ નજર કરી પણ પેલી છોકરી ન્હોતી દેખાતી. તેની સામે જોઈ શ્વેતા બોલી, "શું થયું? શું જુએ છે?"


"ના કંઈ નહીં," રાધિકાએ જવાબ આપ્યો.


એટલામાં પાછળથી મોહને આવતા કહ્યું, "લાગે છે બેનબા સવારે હાજર ન્હોતા એટલે અત્યારે ઘર જુએ છે."


"લે મોહનભાઈ! તમે અહિંયા?" રાધિકાએ પૂછ્યું તો મયુર કહે, "મેં બોલાવ્યા છે તેમને."


"કેમ?"


"શું છે, સવારે રાકેશ સર મને કહેતા હતા કે કોઈ કામવાળું મળે તો બોલાવી લેજે. હવે તેઓને તો જોઈશે ને? એટલે મેં કહ્યું કે મોહનભાઈને અહીં સેટ કરી દઈએ. તેઓ જાણીતા પણ છે અને રાકેશ સરની દરેક વાત પણ માને છે."


"પણ તમને કોઈ તકલીફ તો નય પડેને?" રાકેશે પૂછ્યું.


"અરે ના યાર, એમાં શું? આમેય શારદાકાકી એકલા હાથે બધું કામ કરીલે છે. ક્યારેક કશું હશે તો સમજી લઈશું."


મોહન ઘરના કામ કરતાં બહારના કામ વધારે કરતો. એટલે મયુરે તેને રાકેશને સોંપી દીધો. આમેય તેને કામ પર રાખવાવાળો રાકેશ જ હતો. જોકે તેને રાકેશે બંને ઘરના કામ કરવા માટે કહી દીધું. એણે પણ પોતાની મરજીથી આ રીતે કામ કરવાનું સ્વીકાર કરી લીઘું. તેઓની આ વાતો ચાલી જ રહી હતી કે એમના અવાજોને છુપાવે તેવા ઝાંઝરના ઝણકારા સંભળાવા લાગ્યા. રાધિકાના કાન ચમક્યા. તેણે રસોડા તરફથી આવતા આ અવાજ તરફ નજર કરી.


કોઈને મન અપ્સરાના રૂપમાત્રની કલ્પના હોય તેવી સ્વરૂપવાન, પાતળી કમર અને મૃગલીને શરમાવતી ચાલ વાળી. સફેદ કાયાના શરીરમાં હોઠ પર લગાવેલા લાલ લિપસ્ટિક અને માથાનો લાલ ચાંદલો તેના રૂપને વધારે નિખારી રહ્યા હતા. લાંબા કાળા ભમ્મર વાંકડિયા વાળની છૂટી છટાઓ અને તેજ ભરેલી કૃષ્ણા-નીડર આંખો તેની અંદરની મસ્તીને જાણે પ્રગટ કરી રહેતી હોય. એના અવાજની તીણાંશ એની કોમળતા ના દર્શન કરાવતી હતી. ઝણણણ ઝણણણ ઝણણણ ના ઝંકાર સાથે સર્પિણી ચાલથી તે બધાની સામે આવી.


તેણે આવીને બધાની વચ્ચે ટિપાઈ પર સૂપનું બાઉલ ભરેલી ટ્રે મૂકી. દરેકની સામે હસી અને સૂપ સર્વ કરવાની શરૂઆત કરી. મોહને આવીને તેને મદદ કરી પણ રાધિકાને આ ના ગમ્યું. સૂપ લેવાની ઈચ્છા તો ન્હોતી. છતાં તેણે પોતાના હાથેથી એક વાટી ભરી રાધિકા સામે હાથ કરતા મધુર સ્વરમાં સૂપ લેવા કહ્યું તો કોણ જાણે કેમ? રાધિકા ના ન પાડી શકી. એ દરેકને આપતી જાય અને મોઢું મલકાવતી જાય. ઘડીવાર તો રાધિકાને પણ તેની સામે પોતે પોતાને જ હલકી લાગવા લાગી. સૌને પસંદ આવતું સૂપ રાધિકાને કડવું લાગ્યું. પણ શું કરવું? આખરે સૌથી અલગ તો ના થવાયને! આમેય, એવું લાગતું હતું કે તે રાકેશને બતાવા માંગતી હતી કે તેને પણ હવે કોઈ ફેર નથી પડતો.


"બધાની સેવા જ કરવાની છે કે તારે પણ લેવાનું છે?" શ્વેતાએ સવાલ કર્યો.


"હું પણ પછી લઈ લઈશ, પહેલા તમને આપી દઉં." તેણે કહ્યું.


રાકેશે કહ્યું, "બાઈ દી વે, આજે સવારે અમને આવતા લેટ થઈ ગયું અને આવીને સીધી પૂજા ચાલુ કરી દીધી. એટલે તમને લોકોને પરિચય આપવાનો બાકી રહી ગયો. અહીંયા આવ..." રાકેશે તેને પોતાની બાજુમાં બેસવા બોલાવી અને તે જઈને તેની બાજુમાં બેસી ગઈ.


"મીટ હર, આનું નામ અવની છે. આ સૂપ એણે જ બનાવ્યું છે. કેવું લાગ્યું?"


પલ્લવી બોલી, "સાચેજ હા, ડોન્ટ માઈન્ડ રાકેશભાઈ, પણ હું ખાવાની અને રસોઈ બનાવની બહુ શોખીન છું, પણ આવું સૂપ મારાથી ક્યારેય નથી બન્યું."


"હમ, ચાપલુસી શરુ. મને તો ગળા નીચે નથી ઉતારતું." રાધિકા મનમાં ઈર્ષ્યા કરતા બોલી.


રાકેશ બોલ્યો, " પલ્લવી! તે તો હજુ સૂપ જ પીધું છે, આજની રસોઈ એણે પોતાના હાથે જ બનાવી છે. એ પણ તારી જેમ રસોઈની શોખીન છે."


પલ્લવી કહે, "ઓહોહ... મારો નવો સથવારો!"


"હમમ.."


શ્વેતાએ કહ્યું, "પણ રાકેશ આ છે કોણ? અમે સવારના જોઈએ છીએ, પણ ઓળખાણ નથી થઈ."


આ સાંભળી રાધિકા તેના ચેહરા તરફ તલ્લીન થઈ ગઈ અને એકીટશે જોવા લાગી. તેને વિશ્વાસ હતો કે રાકેશ કોઈ સંબંધથી તેને લઈને આવ્યો છે. આ વાત તેના મુખે તે સાંભળવા અધીરી હતી.


અહમે પણ પૂછ્યું, "હા સર, હું ને શ્વેતા મેડમ તો રોજે તમારી સાથે કોન્ફ્રન્સમાં રહેતા. હું તો અવાર-નવાર મુંબઈ પણ આવતો. તમે કોઈ દિવસ વાત જ નથી કરી."


"તું છેલ્લે ક્યારે આવેલો?" રાકેશે પૂછ્યું.


યાદ કરતા અહમ બોલ્યો, "અં... લગભગ ત્રણેક મહિના પહેલા આપણી મિટિંગ માટે હું આવેલો. પછી તો મને યાદ નથી કે હું ક્યારેય મુંબઈ આવ્યો હોય."


"બસ, ..." રાકેશે જવાબ આપતા કહ્યું, "... તું જ્યારે આપણી અસેમ્બલીની મિટિંગ પતાવીને પાછો આવ્યો... તે રાત્રે જ મારી અને અવનીની મુલાકાત થયેલી. હું ઘેર જતો હતો એ સમયે સૂમસાન રોડ પર એક્સીડેન્ટ થયેલી હાલતમાં તે પડેલી હતી. અમુક લોકો તે જોઈ ભેગા થઈ ગયેલા. ડ્રાઈવરે ગાડી રોકી કહ્યું કોઈનું એક્સીડેન્ટ થયેલું લાગે છે. તો કોઈએ આવીને કહ્યું, "એક સ્ત્રી છે, બેભાન થઈ ગયેલી અને ગંભીર છે. એને તમારી ગાડીમાં હોસ્પિટલ પહોંચાડી દો." અમે તેને હોસ્પિટલ લઈ ગયા અને સવારે મોડેથી તે ભાનમાં આવી."


વાત આગળ વધારતા અવની બોલી, " તે સમયે અમારી પહેલીવાર મુલાકાત થઈ. વાતોમાં મેં કહ્યું કે મારે મુંબઈમાં ઘર નથી અને હું એકલી છું. કોઈ ભાડાનું મકાન મળી જાય તો ગોતવા નીકળેલી અને એ સમયે મારું એક્સીડેન્ટ થયું. એક પણ મિનિટનું મોડું કર્યા વગર રાકેશભાઈએ મને પોતાની બહેન બનાવી લીધી."


રાધિકા અચાનક વચ્ચે બોલી પડી, "એટલે તમે બન્ને ભાઈ-બહેન છો?"


સવારથી રાધિકાના મનની ઈર્ષ્યા જોઈ રહેલા રાકેશે મનમાં હસીને તેને કહ્યું, "હા, અવની મારી માનેલી બહેન છે... રાધિકા!"


અવનીએ કહ્યું, "ભાઈએ મને કહ્યું હું પણ એકલો છું. તારે કશેય જવાની જરૂર નથી. મારી સાથે મારી બહેન બનીને રહેજે. મારે કોઈ બહેન નથીને, આજે એની પૂરતી થઈ જશે. મને પણ સથવારો મળી જશે. વધારે ઇજા ન્હોતી થઈ એટલે તે દિવસે જ રાકેશભાઈ મને એના ઘેર લઈ ગયા."


શ્વેતા બોલી, "વૉઉં, અવની તું લક્કી છે કે તને આવો ભાઈ મળ્યો."


રાકેશે કહ્યું, "અવની ઘરમાં આખો દિવસ એકલી રહેતી અને હું ઓફિસમાં. માટે જ્યારે મારે અહીં કામથી આવવાનું થયું ત્યારે અવનીએ મને કહ્યું કે હું પણ તમારી સાથે આવીશ. મારે ભૂલથી બોલાય ગયું કે અહીં પોતાનું ઘર છે. ને તેણે જીદ્દ પકડી કે હવે અહીં જ પાછા સેટ થઈ જઈએ. એટલે અવનીને લઈને હું અહીં પાછો આવતો રહ્યો."


"વેલ ડન બોસ, અમે પણ ઇચ્છતા હતા કે તમે અમારી લોકોની સાથે રહેવા આવો." અહમે કહ્યું.


"હા, મારી અવનીને લીધે તમારી ઈચ્છા પણ પુરી થઈ જશે. અવનીનો પરિચય કરાવવા જ મેં ખાસ તમને લોકોને સાથે ડિનર લેવા બોલાવ્યા છે."


અહમ ઉભો થઈને બોલવા લાગ્યો, "હું બધાની ઓળખ આપી દઉં, હું અહમ છું. સરનો મેનેજર, સેક્રેટરી પ્લસ દોસ્ત અને આ મારી વાઈફ પલ્લવી. હાઉસ વાઈફ છે પણ ખાવા-પીવાની અને જાત-જાતની રસોઈ બનાવાની શોખીન જેવું તેણે કહ્યું. તમારી જમણી બાજુ જે બેઠા છે તે વાઈટ કપડાવાળા શ્વેતા મેડમ છે, એસ. એમ. ડિજીટલના માલિક, રાકેશ સરના પાર્ટનર અને એની બાજુમાં જે બેઠા છે તે મયુર સર છે. એ પણ અમારી કમ્પનીમાં બિઝનેસ પાર્ટનર છે અને સરના સારા એવા ફ્રેન્ડ પણ બની ગયા છે. મારી વાઇફની બાજુમાં જે બેઠા છે તે રાધિકા ભાભી છે. મયુર સરના વાઈફ અને તમારા લોકોના પાડોશી. .... હાશ, માંડ પત્યું."


તેઓની વાતો પત્યા પછી સૌ સાથે ડિનર પર બેઠા. મયુરે ધ્યાન કર્યું કે રાધિકાનું મન લાગી ગયું છે. તે બધાની સાથે હસી-ખુશીથી વાતો કરવા લાગી અને પલ્લવી અને શ્વેતાની સાથે મન લગાડી દીધું. મયુરને પણ શાંતિ થઈ. તેને અવનીના હાથનું સૂપ કડવું લાગતું હતું પણ અવનીના હાથનું ડિનર અચાનક મીઠુ થઈ ગયું. કારણકે હવે તેને રાકેશનો વર્તમાન ખબર પડી ગયો હતો.


જોકે રાકેશે આજ સુધી તેને જેટલી જોઈ છે અને જેટલી જાણી છે, જે મયુર અનુભવતો હતો તેનો ખ્યાલ રાકેશને પણ આવી ગયો. સવારે આવતાની સાથે જ રાકેશે રાધિકા તરફ નજર કરેલી. સવારની પૂજામાં તેની ગેરહાજરી અને બપોરના જમણવારમાં ન આવવાનું કારણ તે સમજી ગયો. તેણે ભલે મયુરને કશું ના કહ્યુ હોય કે પછી મયુર તેની ભાવનાને ન સમજી શક્યો હોય, પણ ઘરમાં ડિનર માટે આવ્યા પછી ચુપચાપ બેઠેલી રાધિકા, અવનીની જાણ મળતા જ ખુશ થઈ ગઈ. રાકેશ તેની આ હરકતને સારી રીતે સમજતો હતો. તેના લીધે મયુર પણ શાંત નથી. રાકેશની ઈચ્છા એટલી જ હતી કે રાધિકા મયુર સાથે સારું જીવન શરુ કરે અને તેણે ભૂતકાળમાં રાધિકાને સમજાવવાના કરેલા પ્રયત્ન હવે તેણે ફરી કરવાનો વિચાર કર્યો. તેણે મનોમન નક્કી કરી લીધું કે રાધિકાના વિચારને બદલવા જરૂરી છે. તે સાચી દિશામાં આગળ વધે. પણ બીજી બાજુ રાધિકા પોતાની જાતને કોના પક્ષે મૂકે એ જ ન્હોતી સમજી શકતી. તેના સમજાવ્યા પછી પણ રાધિકાનું હૃદય મયુર માટે ન્હોતું ધબકતું. કદાચ આ વખતે રાકેશ તેને સમજાવવામાં સફળ થાય કે એની પહેલા અવની કોઈ ત્રીજું પાનું ખોલી દેશે?