An incomplete? love affair in Gujarati Classic Stories by Nisha Patel books and stories PDF | એક અધૂરો? પ્રેમસંબંધ

Featured Books
  • فطرت

    خزاں   خزاں میں مرجھائے ہوئے پھولوں کے کھلنے کی توقع نہ...

  • زندگی ایک کھلونا ہے

    زندگی ایک کھلونا ہے ایک لمحے میں ہنس کر روؤں گا نیکی کی راہ...

  • سدا بہار جشن

    میرے اپنے لوگ میرے وجود کی نشانی مانگتے ہیں۔ مجھ سے میری پرا...

  • دکھوں کی سرگوشیاں

        دکھوں کی سرگوشیاںتحریر  شے امین فون کے الارم کی کرخت اور...

  • نیا راگ

    والدین کا سایہ ہمیشہ بچوں کے ساتھ رہتا ہے۔ اس کی برکت سے زند...

Categories
Share

એક અધૂરો? પ્રેમસંબંધ

એ મારાં જન્મદિવસની આગળનો દિવસ હતો. લગભગ મહિના પછી મુકેશ ઘરે મળવા આવ્યા. મને કહે,

“બસ, હવે મને સારું થઈ ગયું છે. હવે પછી મારે કીમો થેરાપી લેવા નથી જવાનું. બસ, હવે બધું પતી જ ગયું છે.” એ વચ્ચે શ્વાસ લેવા રોકાયા.


મુકેશ મારાં સ્વર્ગસ્થ પતિ સોમેશના પરમ મિત્ર હતા. જ્યાં સુધી સોમેશ જીવતા હતા ત્યાં સુધી સોમેશ અને મારાં દરેક ઝઘડાં વખતે તે જ મધ્યસ્થી બનતા. પણ સોમેશના મૃત્યુ પછી અમે બંને નજીક આવતાં ગયાં. અમે એકમેકની દરેક વસ્તુની કાળજી લેતાં થયાં. ને સંબંધ ગાઢ થતો ગયો… પણ એ લગ્ન માટે તૈયાર નહોતાં. એમને સમાજ અને તેમનો પરિવાર શું કહેશે તે બીક રહેતી. તેમનું માનવું હતું કે જે લોકો આ વાત જાણશે તે એમ સમજશે કે સોમેશે મારાં અને મુકેશનાં સંબંધની જાણ થતાં આત્મહત્યા કરી. તેથી એ સમય પસાર થવા દેવા માંગતા હતા. સમય પસાર થતો ગયો. એમ ને એમ પાંચ વર્ષ થવાં આવ્યાં. ઘર જુદાં હતાં પણ અમે એક બની ગયેલાં. એકબીજાં વિનાં જીવવું અશક્ય લાગવાં માંડેલું.


છેલ્લાં થોડાં સમયથી એમને બહુ એસીડીટી રહેવાં માંડી હતી. એસીડીટીની દવાની કાંઈ અસર થતી નહોતી. એ નવેમ્બર મહિનો હતો. દિવાળી પર એમણે કહેલું કે બસ, હવે આ જુદાંજુદાં રહેવાનું બંધ. એ એમનાં પરિવારમાં અમારાં સંબંધ વિશે વાત કરી દેશે! પછી અમે શાંતિથી સાથે રહી શકીશું. એ પહેલાં લગ્નમાંથી સંપૂર્ણપણે છૂટા થઈ જશે! અમે લગ્ન કરી શકીશું. તે દિવસે મારું મન ઉપવનમાં ફેરવાઈ ગયું!


તેનાં થોડાં દિવસ પછી હું એકવાર લંચ બનાવીને તેમને ઘરે આપવાં માટે ગઈ. તો કહે, “મને હમણાં સારું નથી લાગતું. પછી ખાઈશ.”


પાછી ઘરે પહોંચી ત્યાં તો એમનો ફોન આવ્યો, “મને પેટમાં ખૂબ જ દુઃખે છે.” મને ખબર હતી કે અસહ્ય ના હોય ત્યાં સુધી એ બોલે તેવાં નથી. હું તરત જ મારી નાની દીકરી એમીને લઈને એમને ત્યાં પાછી આવી. એમના ઘરે પહોંચીને જોયું તો એમને ભયંકર દુખાવો થઈ રહ્યો હતો. તે ચાલી પણ નહોતા શકતા. પણ હું તેમને હોસ્પીટલ લઈ જઈ શકું તેમ નહોતી. તેમનાં પરિવારને તરત ખબર પડી જાય! અને હજું જ્યાં સુધી મુકેશ એ બધાં સાથે વાત ના કરે ત્યાં સુધી મારે આ સંબંધ ખાનગી જ રાખવાનો હતો! આગ્રહ કરી મેં એમ્બ્યુલન્સ બોલાવડાવી અને તેમને હોસ્પીટલ મોકલ્યાં. હું અને એમી અમારાં ઘરે પાછાં આવ્યાં. એમી તો ગભરાઈને રડવાં માંડેલી.

“મમ્મી, મુકેશઅંકલને શું થયું?”

“… “


બીજાં દિવસ સુધી તેમનો ફોન ના આવ્યો. હું ચિંતાથી ઘેરાઈને બેસી રહી હતી. “શું થયું હશે?” એ પ્રશ્ન મને અંદરથી કોતરી રહ્યો હતો. પણ ના તો હું હોસ્પીટલ જઈ શકું તેમ હતી કે ના તો હું ફોન કરી શકું તેમ હતી. એવામાં મિલન, મારી મોટી દીકરી રાધિકાનાં મિત્રનો ફોન આવ્યો, “આંટી, મુકેશઅંકલના ભાઈનો ફોન હતો. મુકેશઅંકલને એપેન્ડીક્ષ પેટમાં ને પેટમાં ફાટી ગયું હતું અને તેનું ઝેર અંદર આજુબાજુ બધે પ્રસરી ગયું હતું. તેથી ઈમરજન્સીમાં તેમનું ઓપરેશન કર્યું છે. એ એકબે દિવસ રહીને તમને ફોન કરશે.”


મને હાશ થઈ. સમાચાર તો વધુ ચિંતા કરાવનાર હતાં, પરંતુ સમાચાર તો હતાં! સાવ અજાણ તો નહોતી હું! બેત્રણ દિવસ પછી એમનો ફોન આવ્યો. પછી હું રાત્રે રાત્રે મળવાં જતી. દિવસે તો તેમના મમ્મી પપ્પા, ભાઈ ભાભી, વિગેરે લોકો ત્યાં જ હોઈ હું મળવાં જઈ શકતી નહીં. હોસ્પીટલમાં મને કહે કે હોસ્પીટલથી પાછા ફરીને તરત જ વાત કરશે, એ બધાં સાથે. બસ, હવે વધુ રાહ નથી જોવી! મનમાં આશાઓ સાથે હું ઘરે પાછી ફરી. પણ, એમને હોસ્પીટલથી રજા ના મળી. ઘણાં બધાં ટેસ્ટ કર્યાં પછી ખબર પડી કે તેમને કેન્સર છે! કોલન કેન્સર! સર્જરી કરીને એને કાઢી લેશે!


આઘાતથી હું છિન્નભિન્ન થઈ ગઈ! અઢાર અઢાર વર્ષ સુધી હું એક શોષિત લગ્નસંબંધમાં હતી. માનસિક, શારિરીક, આર્થિક, સામાજિક… દરેક ખૂણેથી એ સંબંધ દુઃખદાયી જ રહ્યો હતો. એક સાવ કોમળ હ્રદય ભલો માણસ અચાનક રોજ રાત્રે રાક્ષસ બની જતો! બાળપણનાં આઘાતજનક અનુભવો અને અમુક માનસિક અવસ્થાને લીધે સોમેશ વધુ ને વધુ હેરાન થતાં જતાં હતાં અને તેમ તેમ વધુ ને વધુ મારું શોષણ થતું જતું હતું. છેવટે એક દિવસ હતાશામાં ને હતાશામાં તેમણે આત્મહત્યા કરી લીધી! ને મારું આખું ઘર એક જ વીજળીમાં બળીને રાખ થઈ ગયું! મારી દીકરીઓ અને હું, ત્રણે વેરવિખેર થઈ ગયાં. એ મુકેશ જ હતા કે જેમણે અમને ત્રણને એક દોરીથી બાંધી રાખ્યાં હતાં.


હજુ તો અમારાં ત્રણેયનાં ઘા ધીરેધીરે રૂઝાઈ રહ્યાં હતાં ત્યાં આવાં સમાચાર?! ‘દસ પંદર દિવસમાં રજા આપી દેશે, સર્જરી સફળ થઈ છે,’ એવી બધી તેમની વાતોથી હું મારી જાતને આશ્વાસન આપતી રહી! મારી જાતને છેતરતી રહી!


હોસ્પીટલથી એ સીધા એમના ભાઈને ત્યાં ગયા. એમના કહેવા પ્રમાણે અમે એમનું ઘર ખાલી કરી મકાનમાલિકને પાછું સોંપી દીધું. થોડાં દિવસ પછી તેમણે ડ્રાઈવ કરવાનું પાછું ચાલુ કર્યું. એ અઠવાડિયે દસ દિવસે અમારે ઘરે આવવા લાગ્યા. ને મારી આંખોમાં ફરી આશાઓનાં રંગ ભરવા લાગ્યા. સાથે રહીશું. આ ધંધો કરીશું, પેલો ધંધો કરીશું… રાધિકાને બીઝનેસનાં અકાઉન્ટ્સનું કામ સોંપી દઈશું. મિલનને ટ્રાન્સપોર્ટનું… ખબર નહીં, કેવી કેવી આશાઓ… અમે બધાં જ તો આવનારાં એક નવાં સુખી જીવનની આશાઓથી ઘેરાઈ જવાં માંડેલાં! દિવસે દિવસે એ કહેતા ગયા કે તેમને સારું થઈ રહ્યું છે. ને કીમો થેરાપી પણ હવે થોડાં દિવસમાં બંધ થઈ જશે… વગેરે કહી તે અમારી આશાઓમાં રોજ નવી પાંખો ઉમેરતા જતા હતા.


દિવસે દિવસે એમનું શરીર હાડપિંજર બનવાં લાગ્યું હતું, એ મારાં બરાબર ધ્યાનમાં હતું. મારાં અનેક અનેકવાર માંગવાં છતાં એમણે મને કોઈ હેલ્થ રિપોર્ટ બતાવ્યાં નહીં કે ના તો તેમના કોઈ ડોક્ટર સાથે વાત કરવા દીધી. ફેબ્રુઆરી એ આખો મહિનો આવ્યા જ નહીં. હું તો એમને ત્યાં જઈ શકતી નહોતી. કેમકે, તેમના ઘરનાં બધાં મને સોમેશની પત્ની તરીકે ઓળખતાં હતાં. મને એમણે સામેથી ફોન કરવાની પણ મનાઈ કરી રાખેલી. કહ્યું હતું કે એ જ ફોન કરશે! તેથી હું રોજ રાહ જોઈ બેસી રહેતી…


એ દિવસે છઠ્ઠી માર્ચ હતી. બીજે દિવસે મારો જન્મદિવસ હતો. એમણે છઠ્ઠીએ ઘરે આવશે તેવું કહ્યું હતું. સાતમીએ તેમને કીમો થેરાપી માટે જવાનું હતું. કહે, “તમારો જન્મદિવસ એક દિવસ વહેલાં ઉજવીએ!” તેમનાથી કશું ખાઈ શકાતું નહોતું, પણ મારી પાસે પાઉંભાજી, પાઉંભાજી પુલાવ બનાવડાવ્યાં. સુખડી પણ બનાવડાવી. જો કે, તે માત્ર બે ચમચી જેટલું જ જમી શક્યા. ઘરે પાછાં જતી વખતે એ પોતાની સાથે મંદિરમાં સુખડી ધરાવવા લઈ ગયા.


પછી ફરી અઠવાડિયા સુધી ફોન ના આવ્યો. એકબાજુ મને શંકાઓ થતી તો બીજીબાજુ એ જે કહેતા હતા તેને પણ હું માની લેતી. તેમના શબ્દો પર મને આંધળો વિશ્વાસ હતો!

“એ દિવસે તમારે ત્યાં આવ્યો પછી મને બહુ ડાયરીઆ થઈ ગયો છે. એટલે અવાતું નથી. અને ડાયરીઆને લીધે અશક્તિ પણ ખૂબ લાગે છે. બેત્રણ દિવસમાં આવીશ. પણ તમે ઈંડીયા જઈ આવો. મારી ચિંતા ના કરો. હવે તો એક જ કીમો થેરાપી બાકી રહી છે. એ પતી જાય એટલે બસ!” એક બપોરે એમનો ફોન આવ્યો.

“અરે, પણ! તમને આવું હોય તો હું જઈ જ કેવીરીતે શકું? હું નથી જવાની.” મેં તેમની સાથે ક્યારેય આવી રીતે વાત નહોતી કરી. એ કહે એટલે હું આંખ બંધ કરી એ વસ્તુ કરી દેતી.

“તમે કોઈ દિવસ નહીં ને આજે કેમ જીદ કરો છો? મારી વાત માનતાં કેમ નથી? મને હેરાન કેમ કરો છો?” એ સહેજ ચિડાઈ ગયા. અમારી વચ્ચે પાંચ સાડાપાંચ વર્ષમાં ક્યારેય કોઈ પણ બાબતે દલીલબાજી, ઝઘડાં, મનદુઃખ, અણબનાવ બન્યાં જ નહોતાં. છેવટે મેં તેમની વાત માની લીધી,

“મને નિયમિત ફોન કરજો. અને હું કહી દઉં છું, હું ત્યાં પંદર દિવસથી વધુ રહીશ નહીં.”


એપ્રિલની પાંચમીએ હું ભારત જવા નીકળી. હું પહોંચી ગઈ પછી તેમણે મારી સાથે એક જ વાર ફોનમાં વાત કરી. પણ મારી દીકરીઓ સાથે વાત કરતા રહેતા હોઈ તે લોકો મને સમાચાર જણાવતાં રહેતાં,

“મમ્મી, મુકેશઅંકલને અમને મંદિરે દર્શન કરવા લઈ જવાં છે એટલે એ કાલે આવવાના છે.”

મનોમન આ સમાચાર જાણી મને થોડી હાશ થયેલી. આ વાત ૨૦૦૮ની છે. તે વખતે તો વોટ્સએપ પણ અસ્તિત્વમાં નહોતું આવ્યું. ઈન્ટરનેશનલ ફોન આજની જેમ સહેલાઈથી થતાં નહોતાં. હું મનોમન મન મનાવતી રહી. ઓગણીસ એપ્રિલે સવારે હું પાછી અમેરિકા આવી ગઈ.


સવારનાં નવ વાગ્યાં હતાં. મિલન, રાધિકા અને એમી ત્રણેય મને લેવાં એરપોર્ટ આવેલાં. એરપોર્ટની બહાર નીકળતાં જ એ લોકોની ખબર પૂછી મેં તરત પૂછ્યું,

“મુકેશઅંકલ મળ્યાં હતાં? ઘરે આવેલાં? એ મારો ફોન કેમ નથી ઉપાડતા?”

મેં અધીરાઈથી પૂછી નાંખ્યું. બધાં ચૂપ થઈ એકબીજાની સામે જોવાં લાગ્યાં. પછી મિલન હિમંત કરીને બોલ્યો,

“આંટી, મુકેશઅંકલ નથી રહ્યાં!” હું સડક થઈ ગઈ. એ બધાંની આંખમાંથી ધડધડ આંસું સરવાં લાગ્યાં. થોડીવાર માટે મારો અવાજ જ જતો રહ્યો! પછી મારી આંખમાંથી અનરાધાર આંસું વહેવાં લાગ્યાં.

ક્યારે?

જે ક્ષણે હું એરપ્લેઈનમાંથી બહાર નીકળી બરાબર તે જ ક્ષણે તેમણે છેલ્લો શ્વાસ લીધેલો.

“તને કહેવાની ના પાડી હતી, મમ્મી. એ અમને મંદિરે લઈ ગયાં બસ પછી હોસપીસમાં હતાં. છેલ્લાં ત્રણ દિવસથી તો બોલવાનું પણ બંધ થઈ ગયું હતું. બસ, આજે સવારે પાંચ વાગ્યે તેમણે મિલનને તેમના ભાઈ પાસે ફોન કરી બોલાવ્યો હતો. એટલે અમે ત્રણેય ગયાં હતાં અને અમારી હાજરીમાં જ તેમણે શ્વાસ છોડ્યો.”


હું લાખો કરોડો ટુકડાંઓમાં વેરાઈને જમીન પર વિખરાઈ ગઈ! મારી છત નીચેથી કોઈએ તમામ ભીંતો, થાંભલાં ખસેડી લીધેલાં.