પુસ્તક: ઍટિટ્યૂડ is EVERYTHING - લેખક જેફ કેલર
પરિચય: રાકેશ ઠક્કર
        કોઈએ કહ્યું છે કે હકારાત્મક વલણ વધુ સારી આવતીકાલ માટેનો પાસપોર્ટ છે. ઍટિટ્યૂડનો ગુજરાતી અર્થ જોઈએ તો વલણ, વર્તન અને દ્રષ્ટિકોણ છે. કહે છે ને કે નજર નજરમાં ફેર હોય છે. દ્રષ્ટિ બદલાય તો સૃષ્ટિ બદલાય. એટલે વલણ બદલવાથી જીવન બદલી શકે છે. જીવનમાં દ્રષ્ટિકોણ જ બધું છે. આવો વિશ્વાસ ‘ઍટિટ્યૂડ ઇઝ ઍવરીથિંગ’ પુસ્તકના લેખક જેફ કેલર આપે છે.
        તમને આ પુસ્તકથી શો લાભ થશે? ‘ઍટિટ્યૂડ ઇઝ ઍવરીથિંગ’ ના લેખક એનો જવાબ આપતાં કહે છે કે,‘પુસ્તક વાંચવાનું તમે શરૂ કરો એ પહેલાં કેટલાક અંતિમ વિચારોઃ તમે અત્યારે ગમે તેટલા પૉઝિટિવ કે નૅગેટિવ હશો તો પણ આ પુસ્તક તમને મદદ કરશે. તમે નૅગેટિવ ઍટિટ્યૂડ ધરાવતા હો તો પણ નિરાશ ન થશો. તમે આ પુસ્તકમાંના વિચારોને તમારો ઍટિટ્યૂડ પૉઝિટિવ બનાવવા માટે ઉપયોગ કરી શકશો. જીવનમાં અસાધારણ સિદ્ધિઓ મેળવી શકશો. જો તમે પૉઝિટિવ ઍટિટ્યૂડ જ ધરાવતા હશો તો આ સિદ્ધાંતોનો ઉપયોગ કરીને તમે વધુ મોટી સફળતાઓ અને સંતોષ મેળવી શકશો.’
        આ પુસ્તક માત્ર વિચારોથી સર્જાયું નથી. એ માટે લેખકે સમય આપ્યો છે અને મહેનત કરી છે. એની માહિતી આપતા કહે છે કે,‘મેં લગભગ વીસ વર્ષ એનાં સંશોધનમાં ખર્ચ્યાં છે કે શા માટે કેટલાક લોકો સફળ થાય છે અને બીજાઓને હતાશાનો સામનો કરવો પડે છે. આ સમય દરમ્યાન મેં ઍટિટ્યૂડ અને સફળતા પર સેંકડો પુસ્તકો અને હજારો લેખો વાંચ્યાં છે. ત્રણેક હજાર કલાક ચાલે એટલા ઑડિયો પ્રોગ્રામ્સ મેં સાંભળ્યા છે. અગણિત સફળ લોકોના મેં ઇન્ટરવ્યૂ લીધા છે અને તેમની સફળતાનાં રહસ્યો તેમનાં મોઢે જ સાંભળ્યાં છે. વધુ મહત્ત્વનું તો એ છે કે આ પુસ્તકમાંના સફળતાના સિદ્ધાંતો મેં વ્યક્તિગત રીતે અમલમાં મૂક્યા છે એટલે સ્વાનુભવથી હું કહી શકું છું કે આ સિદ્ધાંતો ખરેખર કામ કરે છે, પરિણામો આપે છે.’
        લેખક દ્વારા આ પુસ્તકને સરળતા ખાતર ત્રણ ભાગમાં વહેંચવામાં આવ્યું છે. દરેક ભાગમાં અમુક પ્રકરણો છે. તમારે અમુક બાબતમાં જ વધુ સુધારાની જરૂર હોય તો તમે એ જ પ્રકરણ ફરી વાંચી શકો છો.
ભાગ-1 માં શીખીશું કે તમારી સફળતા તમે કઈ રીતે વિચારો છો તેના પર આધાર રાખે છે.
ભાગ-2 માં તમારો ઍટિટ્યૂડ તમારા શબ્દો દ્વારા કેવી રીતે વ્યક્ત થાય છે એના પર ધ્યાન કેન્દ્રિત કરીશું.
ભાગ-3 માં તમે પૉઝિટિવ રીતે વિચારતા હો અને બોલતા હો તો પણ જ્યાં સુધી તમે એ સિદ્ધાંતો પર કામ નહીં કરો ત્યાં સુધી સફળતા તમારાથી દૂર જ રહેશે.
        લેખકે ડૉ. જોઇસ બ્રધર્સ [અમેરિકન મનોવિજ્ઞાની, કૉલમિસ્ટ અને TV પર્સનાલિટી] ના શબ્દો ટાંકયા છે: સફળતાની શરૂઆત માનવીના મનમાં થાય છે સફળતા એ મનની સ્થિતિ છે. જો તમારે સફળતા જોઈતી હોય તો તમારી જાતને સફળ માનવાનું શરૂ કરી દો.  
        જ્યોર્જ બર્નાર્ડ શો [જાણીતા આઇરિશ હાસ્યલેખક, નાટ્યલેખક, વિવેચક હતા] ના આ વિચારને એમણે પુસ્તકમાં પકડી રાખ્યો છે: તમારો ઍટિટ્યૂડ એ વિશ્વને જોવાની તમારી બારી છે તમારી જાતને સ્વચ્છ અને ચમકતી રાખો, તમે પોતે જ એ બારી છો જેના દ્વારા તમારે વિશ્વને જોવાનું છે.
        પુસ્તકમાં હકારાત્મક અભિગમના ઉપાય, ફાયદા બતાવ્યા છે.
        પૉઝિટિવ અને નૅગેટિવ ઍટિટ્યૂડનાં કેટલાંક ઉદાહરણોથી એમણે આ વાત સમજાવી છે.
* નૅગેટિવ ઍટિટ્યૂડ ધરાવતી વ્યક્તિ વિચારે છે કે `હું નહીં કરી શકું.’
* પૉઝિટિવ ઍટિટ્યૂડ ધરાવતી વ્યક્તિ વિચારે છે કે `હું કરી શકીશ.’
* નૅગેટિવ ઍટિટ્યૂડ ધરાવતી વ્યક્તિ પ્રોબ્લેમ્સ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
* પૉઝિટિવ ઍટિટ્યૂડ ધરાવતી વ્યક્તિ સૉલ્યુશન્સ વિષે વિચારે છે.
        આપણી વિશ્વને જોવાની બારી કેવી છે એ વાત બહુ મહત્વની બને છે. એને સ્વચ્છ રાખવાની જરૂર છે. એ ના રહે તો શું પરિસ્થિતિ થાય છે એ વાતને એક નાનકડા પણ જીવનભર યાદ રાખવા જેવા ઉદાહરણથી સમજાવી છે.
        ‘જે બાળક ચાલતા શીખી રહ્યું હોય તેનો ઍટિટ્યૂડ જુઓ. જ્યારે તે ડગમગે છે કે પડી જાય છે ત્યારે તે શું કરે છે અને શું નથી કરતું તે હું તમને કહું. એ મોં બગાડતું નથી કે કારપેટને દોષ દેતું નથી. તે એનાં માતા કે પિતાનો, પોતાને સરખી રીતે ચાલતા નહીં શીખવાડવા માટે વાંક કાઢતું નથી. તે ચાલવાનો પ્રયત્ન છોડી દેતું નથી. એ સ્મિત કરે છે, ઊભું થાય છે અને ફરી પ્રયત્ન કરે છે! ફરી પ્રયત્ન, વધુ એક પ્રયત્ન! દિવસો સુધી એ આમ જ કર્યા કરે છે અને એક દિવસ એ ચાલતું થઈ જાય છે! વિશ્વને જોવાની એની બારી સ્વચ્છ છે. એને લાગે છે કે એ બધું કરી શકે તેમ છે. પણ પછી એક સમય આવે છે જ્યારે જીવન આપણી બારી પર ધૂળ ને કચરો ફેંકવા લાગે છે. પછી આવું બને છે.
        લેખક કારણ આપતા કહે છે કે આપણી બારી, માતાપિતા અને શિક્ષકોની ટીકાઓને કારણે, ગંદી બની જાય છે.
        ઍટિટ્યૂડ is EVERYTHING ની ગુજરાતી આવૃત્તિના પ્રકાશક અને વિક્રેતા આર. આર. શેઠ ઍન્ડ કંપની પ્રા.લિ., મુંબઇ છે.