Diary Season 3 in Gujarati Philosophy by Kamlesh K Joshi books and stories PDF | ડાયરી સીઝન - 3 - તમને તમારા લંગોટિયા મિત્રોના સમ..!

Featured Books
  • فطرت

    خزاں   خزاں میں مرجھائے ہوئے پھولوں کے کھلنے کی توقع نہ...

  • زندگی ایک کھلونا ہے

    زندگی ایک کھلونا ہے ایک لمحے میں ہنس کر روؤں گا نیکی کی راہ...

  • سدا بہار جشن

    میرے اپنے لوگ میرے وجود کی نشانی مانگتے ہیں۔ مجھ سے میری پرا...

  • دکھوں کی سرگوشیاں

        دکھوں کی سرگوشیاںتحریر  شے امین فون کے الارم کی کرخت اور...

  • نیا راگ

    والدین کا سایہ ہمیشہ بچوں کے ساتھ رہتا ہے۔ اس کی برکت سے زند...

Categories
Share

ડાયરી સીઝન - 3 - તમને તમારા લંગોટિયા મિત્રોના સમ..!

શીર્ષક : તમને તમારા લંગોટિયા મિત્રોના સમ...!    ©લેખક : કમલેશ જોષી   

હમણાં એક લગ્ન પ્રસંગે આગલી રાત્રે યોજાયેલ ડિસ્કો દાંડિયાની મ્યુઝીકલ પાર્ટીમાં એકદમ ઈન્ટરેસ્ટીંગ અને ઈમોશનલ દૃશ્ય માણવા મળ્યું. ગાયકે ગરબાના તાલે ‘યારા તેરી યારી કો, મૈંને તો ખુદા માના, યાદ કરેગી દુનિયા તેરા મેરા અફસાના’ અને ‘યે દોસ્તી હમ નહિ તોડેંગે, તોડેંગે દમ મગર તેરા સાથના છોડેંગે’ ને એવા એવા યારી-દોસ્તીને લગતા ગીતો ઉપાડ્યા અને જુવાનીયાઓ ને બદલે પચાસ-સાંઠની ઉંમરે પહોંચી ગયેલા લગભગ બારથી પંદર વડીલો બબ્બે પાંચ-પાંચના જૂથો રચી, ખરેખર ઉમળકા સાથે ગ્રાઉન્ડ પર આવી ઝૂમવા લાગ્યા. એ લોકો ઝૂમતા તો હતા જ પણ સાથે સાથે રાગડા તાણી તાણીને, હાથ ઊંચા કરી કરીને  ‘તેરે જૈસા યાર કહાં....’ ના લકેહાઓ જોર જોરથી કાઢતા હતા. ધોળા માથા વાળા વડીલોને જેવું આવડે એવું પણ રમતા જોઈ પ્રેક્ષકોમાં બેઠેલા એમના જુવાન દીકરા-દીકરીઓમાંથી કેટલાકની આંખો પલળી પણ ખરી. પેલા હળવા ઠેકડા મારી-મારીને રમી રહેલા વડીલોમાંથી પણ કેટલાકની આંખો ભીની હતી. મારી બાજુમાં બેઠેલા વડીલે મને કહ્યું, "આ બધા લંગોટિયા યારો છે.. બોલો..!"લંગોટિયા..યારો..! એટલે બાળપણના, બે-પાંચ વર્ષની ઉંમરથી, સમજો ને કે ચડ્ડી પહેરી રખડતા ત્યારના દોસ્તારું, ભાઈ બંધુ, મિત્રો, ફ્રેન્ડસ...! હવે, તમે યાદ કરો, તમારા બે-પાંચ લંગોટિયા મિત્રોને. બાળપણમાં કે કિશોરાવસ્થામાં જેની સાથે કલાકોના કલાકો વિતાવ્યા, રમ્યા, ભમ્યા, લડ્યા, ઝઘડ્યા, કિટ્ટા પડ્યા, બીચ્ચા થયા અને ખાલી ખીસ્સે અબજોની મોજું લુંટી, એ તમારા જય-વીરુ ટાઈપના કે મુન્ના-સર્કિટ ટાઈપના બાળપણના લંગોટિયાઓને છેલ્લે તમે ક્યારે મળ્યા હતા? છે ને ખારો ખારો પ્રશ્ન? બાળપણમાં જેને દિવસમાં એક વાર ન મળીએ તો દિવસ ફેલ ગયો હોય એવું લાગતું એ મિત્રોને મોટપણે દિવસો તો શું, વર્ષો સુધી ન મળવા બદલ ‘તોડેંગે દમ મગર’ વાળી ફીલિંગ ભીતરે ઉઠે છે? કે પછી સમજદારી અને જવાબદારીના તોતિંગ બોજ વચ્ચે એ ફીલિંગ જ ‘દમ’ તોડી દે છે?બાળપણમાં એક મિત્ર સાથે કિટ્ટા થતી ત્યારે એના મમ્મી સમજાવતા, ‘એમ કિટ્ટા બિચ્ચા ન કરાય.. બાળપણ છે તો સાથે હળીમળીને હેતથી રમી લો.. મોટા થશો ત્યારે આજની જેમ ભેગા નહિ થઇ શકો’. અમને થતું અમે તો છોકરાઓ છીએ. મોટા થઈને અમે ક્યાં જવાનાં? છોકરીઓ અલગ અલગ ગામે કે શહેરે સાસરે જાય એટલે એમનું વતન છૂટી જાય. અમે તો અહીં જ જન્મ્યા છીએ અને બુઢ્ઢા પણ અહીં જ થઈશું. પણ અત્યારે શેરી સોસાયટીમાં નીકળું છું તો બાળપણના દસમાંથી આઠ મિત્રોના ઘર કાં ખાલી અથવા બદલી ગયેલા માલિકો વાળા જોઉં છું ત્યારે પેલા મિત્રના મમ્મીની વાત છેક ઊંડે સુધી હચમચાવી જાય છે. કેટલાક મિત્રો ‘રોટલા’ ની શોધમાં બસ્સો, પાંચસો કે બે હજાર કિલોમીટર દૂર અન્ય શહેર, રાજ્ય કે દેશમાં ‘ઓટલો’ બાંધીને બેસી ગયા છે ત્યારે એના ખાલી ફળિયામાં જાણે અમારું બાળપણ બેટ-દડો પકડીને કે લખોટીઓ લઈને કે ચકો સાયકલ લઈને ઊભું ઊભું આક્રંદ કરતું હોય એવો કરુણ ભાવ જાગી જાય છે.એક ઓફિસ મિત્રે કહ્યું, “મોટા ભાગના મિત્રો લગ્ન પછી બદલાઈ જાય છે.” અમે એની સામે જોયું. એ બોલ્યો, “સાસરે ‘જમાઈ’ તરીકેના માન-પાન પામ્યા પછી મિત્રો સાથે પણ ‘જમાઈગીરી’ કરતા હોય છે, ત્રણ વાર આગ્રહ કરો તો જ મિત્રોની મહેફિલમાં ‘હાજરી’ આપે, સહેજ કૈંક કહો તો ‘ખોટું’ લાગી જાય.” એ અટક્યો. એ તો હજુ ઘણું કહેવા માંગતો હતો ત્યાં એક બીજા ઓફિસ મિત્રે કહ્યું, “બધાનું તો એવું નથી હોતું, પણ લગ્ન પછી ફેમિલી રિસ્પોન્સીબીલીટી પણ એક મોટું પરિબળ હોય છે, બાળપણમાં તો શું છે, પાંચ કલાક નિશાળે જઈ આવ્યા એટલે પત્યું.. જ્યારે મોટી ઉંમરે આઠ કલાકનો થકવી દેતો ઓફિસ ટાઈમ અને પછી ફેમિલીના વ્યવહારો.. માણસ ઈચ્છે તો પણ મિત્રોની મહેફિલ ને મિસ કરવા સિવાય છૂટકો જ નથી હોતો.” ત્રીજા ઓફિસ મિત્રે કહ્યું, “મારું ઓબ્ઝર્વેશન એવું છે કે મોટી ઉંમરે મિત્રોના એજન્ડા બદલી ગયા હોય છે, બાળપણમાં જેમ માત્ર રમવા ખાતર, મોજ માટે, આનંદ માટે સૌ મળતા એને બદલે કોઈ બેનેફીટ માટે કે વીમો ઉતારવા માટે કે કોઈ એકાદી પ્રોડક્ટ પકડાવવા માટે લોકો મિત્રોનો ઉપયોગ કરવા માંડ્યા છે, એટલે હવે મહેફિલો મિત્રોને ‘મોંઘી’ પડવા માંડી છે.” તો શું બાળપણ અને યુવાનીમાં ખાલી ખિસ્સે માણેલી, મોજ-મસ્તીથી છલકતી મિત્રોની મહેફિલોનું આયુષ્ય જીવનના પહેલા બે દસકાઓ પૂરતું જ હોય છે? તો શું મારી સામે ડિસ્કો દાંડિયા રમી રહેલા વડીલોની આંખોમાં એ બાળપણની પવિત્ર મોજું ‘ગુમાવી’ દીધાના અફસોસ બદલ ‘આંસુ’ સરી રહ્યા હતા?  ડિસ્કો દાંડિયા માણી રહેલા, મારી બાજુમાં બેઠેલા પેલા વડીલે આગળ કહ્યું, “આખી જિંદગી આપણી અંદર ઉત્સાહનું ઝરણું સતત વહેતું રહે એ માટે બાળપણ તરફથી આપણને આપવામાં આવતી સૌથી મોટી બે ગીફ્ટ હોય તો એ છે : એજન્ડા વિનાના મિત્રો અને માત્ર ગમ્મત ખાતર રમાતી રમતો. પણ અફસોસ, આખી જિંદગીને મોજથી છલોછલ ભરવાની સો ટકા ગેરંટી વાળી બાળપણ તરફથી આપવામાં આવેલી આ બંને ગીફ્ટ મોટપણે આપણે ગુમાવી બેસીએ છીએ.” મેં ફરી પેલી ‘યારા તેરી યારી’ની ‘મોજ’ માણતા ‘રમી’ રહેલા ‘યાર-મિત્રો’ની વડીલ ટોળકી પર નજર ઘુમાવી. મારી આંખોના ઝળઝળિયાં વચ્ચે મને પણ જાણે મારા કેટલાક બાળપણના મિત્રો ત્યાં રમતા રમતા મને પણ ‘રમવા’ બોલાવી રહ્યા હોય એવો ભાસ થયો. મિત્રો, અઠવાડિયે નહિ તો મહિને, છ મહિને એકાદ વાર કોઈ જ એજન્ડા, બેનેફીટ, પ્રસંગ કે ખર્ચ વગરની અમથે અમથી, જેમ બાળપણ અને યુવાનીમાં યોજાતી એવી, મિત્રોની મહેફિલ ગોઠવી ‘બાળપણ’ની પેલી બંને ગીફ્ટ ‘રમતો’ અને ‘મિત્રો’ પરથી ધૂળ ખંખેરીએ તો કેવું? અને હા, એ મહેફિલમાં ‘યારા તેરી યારી’ અને ‘યે દોસ્તી’ વાળા ગીતો પર પાંચેક મિનિટ ડિસ્કો જરૂર ગોઠવજો. તમને તમારા લંગોટિયા મિત્રોના સમ...! હેવ અ નાઈસ ડે.       હેપી સન્ડે, આવજો. (મિત્રો, આપની કમેન્ટનો અમે આતુરતાથી ઈન્તેજાર કરીએ છીએ હોં...!)(ગઈકાલની લોકસત્તા જનસત્તાની પૂર્તિમાં પ્રકાશિત 'શબ્દકમળ' કૉલમ)