ઓગણીસમી સદીનો સમયગાળો અત્યંત ભયાવહતા ધરાવતો ગાળો હતો જ્યારે લોકો રોગચાળો, ભુખમરાનો શિકાર બન્યા હતા અને આ ભયાનકતાથી બચી જાય તો કોઇને કોઇ હત્યારાનો લોકો શિકાર બનતા હતા.આ સમયગાળાનાં સૌથી કુખ્યાત સિરીયલ કિલરનાં નામ લેવા હોય તો જેક ધ રિપર અને ડો.એચ.એચ.હોલ્મ્સનાં નામો ઝટ મોઢે ચડી જાય તેવા હતા પણ આ સિવાય પણ કેટલાક એવા હત્યારાઓ એ સમયમાં થઇ ગયા હતા જેની ખુનામરકીએ ત્યારે લોકોમાં ખાસ્સો આતંક ફેલાવ્યો હતો.
મેડમ મેરી ડેલ્ફિની લાલૌરી આમ તો તેના સમયની નામાંકિત સમાજસેવિકા હતી જે તેના ઘેર ભવ્ય પાર્ટીઓનું આયોજન કરવા માટે ન્યુઓર્લિયન્સમાં ફેમસ હતી.જો કે તેની અન્ય એક ખતરનાક વૃત્તિ તેણે લોકોથી છુપાવી રાખી હતી તેને તેના ગુલામોને તરફડતા જોવામાં પાશવી આનંદ આવતો હતો.એક દિવસ તેની ઘરની છત પરથી એક છોકરી જે તેના ઘરમાં કામ કરતી હતી તે પડી ગઇ હતી અને તે કારણે તંત્રએ લાલૌરીને સજા આપી હતી અને તેને વધારે ગુલામો ખરીદવા પર પ્રતિબંધ લગાવ્યો હતો.જો કે તેનો પરિવાર ત્યારે વધારે પ્રતિષ્ઠિત ગણાતો હતો અને તેમને સત્તામાં રહેલા લોકો સાથે ગાઢ સંબંધ હોવાને કારણે તેને ગુલામો ખરીદવામાં ખાસ અડચણ આવતી ન હતી.૧૦ એપ્રિલ ૧૮૩૪નાં રોજ તેના ઘરનાં રસોડામાં આગ લાગી હતી અને જ્યારે ફાયરબ્રિગેડ ત્યાં આગ ઓલવવા પહોંચી ત્યારે તેમને એક આધેડ મહિલા મળી હતી જેને સાંકળો વડે બાંધી રાખવામાં આવી હતી જેણે કહ્યું હતું કે અન્ય ગુલામોને નીચે ભોંયરામાં લઇ જવાયા હતા જે ત્યારબાદ પાછા ફર્યા ન હતા અને એ બયાનનાં આધારે જ્યારે ત્યાં તપાસ કરાઇ ત્યારે લોકો કાંપી ઉઠ્યા હતા કારણકે ત્યાં ગુલામો પર થતા અત્યાચારોનાં પુરાવા મળ્યા હતાં.આ વાત જ્યારે બહાર આવી ત્યારે લોકોનાં ટોળા ત્યાં પહોચ્યા હતા જો કે તેમનાં હાથમાં આવતા પહેલા લાલૌરી ત્યાંથી ફરાર ભાગી છુટવામાં સફળ રહી હતી અને તે ત્યાંથી ફ્રાંસ ચાલી ગઇ હતી અને પાછી ફરી ન હતી.તેના નામ પર ઓછામાં ઓછા ચાર ગુલામોની હત્યાનો આરોપ હતો તે ફ્રાંસમાં ૧૮૪૨ કે ૧૮૪૯નાં સમયગાળામાં મોતને ભેટી હતી તેવું કહેવાય છે કારણકે તેના વિશે ત્યારબાદ કોઇ વધારે માહિતી બહાર આવી ન હતી.
વિલિયમ બર્ક અને વિલિયમ હેર સ્કોટલેન્ડનાં સિરીયલ કિલર હતા જેમણે તેમનાં ભાડુઆતોને જ મોતને ઘાટ ઉતાર્યા હતા અને તેમનાં મૃતદેહોને વેચ્યા હતા.વિલિયમ હેરને આ પ્રકારની કામગિરીનો આઇડિયા ત્યારે પહેલીવાર સુઝ્યો હતો જ્યારે તેનો એક ભાડુઆત મોતને ભેટ્યો હતો અને તેના મૃતદેહનો સોદો તેણે એડિનબર્ગની એક યુનિવર્સિટીનાં શિક્ષક સાથે કર્યો હતો જેને ત્યારે સંશોધન માટે મૃતદેહની જરૂર હતી.ત્યારબાદ તેમણે તેમનાં ભાડુઆતોને મોતને ઘાટ ઉતારીને તેમનાં મૃતદેહોને વેચવાનો પ્લાન તૈયાર કર્યો હતો.તે પેહલા તો તેમનાં શિકારને દારૂ પીવડાવતા હતા અને તે બેહોશ થઇ જાય ત્યાં સુધી તેને પીવડાવતા રહેતા હતા જ્યારે તે બેહોશ થઇ જાય ત્યારે તે તેનું ગળું રૂંધી નાંખતા હતા અને તેને મોતને ઘાટ ઉતારતા હતા તેમનો આ ખુની સિલસિલો લગભગ સોળેક લોકોનાં મોત સુધી ચાલ્યો હતો આખરે તેમની શૈતાની પ્રવૃત્તિઓનો ભાંડો ફુટ્યો હતો.તેમની આ ખુની વારદાતનો અંત ડાફ્ટ જેમી નામની વ્યક્તિનાં મોત સાથે આવ્યો હતો જે ત્યાનાં સ્થાનિકોમાં ખાસ્સો જાણીતો હતો.આખરે બંનેની ધરપકડ કરાઇ હતી પણ હેરને તેની સામે કોઇ નક્કર પુરાવાઓ નહિ હોવાને કારણે છોડી મુકાયો હતો અને ૨૮ જાન્યુઆરી ૧૮૨૯નાં રોજ બર્કને ફાંસી આપી દેવાઇ હતી.જો કે હેરનું ત્યારબાદ શું થયું તે અંગે કોઇ ચોક્કસ માહિતી સાંપડતી નથી પણ કહેવાય છે કે તે આયરલેન્ડમાં આખરે મોતને ભેટ્યો હતો.
ન્યુજર્સીમાં ૧૮૨૪માં જન્મેલ જેરમિયાહ જહોન્સનની સાથે કેટલીક ભયંકર કહાનીઓ જોડાયેલી છે.સિવિલ વોરનાં સમયગાળા દરમિયાન જહોન્સને અલગ અલગ પ્રકારની કામગિરીઓ કરી હતી પણ તેના નામ સાથે જે કામ જોડાયું હતું તે તો ક્રો નેટિવ અમેરિકન્સ આદિવાસી સમુદાયની સાથે લાંબા સમયનાં સંઘર્ષનું હતું જેણે તેની પત્નીની હત્યા કરી હતી જે ફલેટહેડ નેટિવ અમેરિકન્સ આદિવાસી સમુદાયની સભ્ય હતી.તેણે તેની પત્નીની હત્યાનો બદલો લેવાનું નક્કી કર્યુ હતું અને ઇતિહાસનાં પુસ્તકો અનુસાર તેણે લગભગ ત્રણસો જેટલા ક્રો સમુદાયનાં આદિવાસીઓને મોતને ઘાટ ઉતાર્યા હતા અને તેમનું લિવર તે ખાઇ ગયો હોવાની વાત પણ તેના માટે કહેવાય છે.તેના નામ સાથે આથી જ લિવર ઇટિંગ જહોન્સન બિરૂદ જોડાવામાં આવે છે.ક્રો સમુદાયમાં લિવરને ખાવાને ઘૃણિત કૃત્ય મનાય છે.કહેવાય છે કે તેણે તેની પત્નીનાં મોતનો બદલો લીધો હતો અને ૧૯૦૦ની આસપાસનાં ગાળામાં કેલિફોર્નિયાનાં સાન્ટા મોનિકામાં મોતને ભેટ્યો ત્યારે તેની વય ૭૫ વર્ષની હતી.
સિરીયલ કિલર જેન ટોપાનનો જન્મ ૧૮૫૭માં માસાચ્યુસેટ્સનાં બોસ્ટન ખાતે થયો હતો.તે વ્યવસાયે નર્સ હતી પણ તે કહેતી હતી કે તેનું સપનું છે કે તે બને એટલા લાચાર લોકોને મોતને ઘાટ ઉતારે.તે પોતાના દર્દીઓ પર વિચિત્ર પ્રકારનાં પ્રયોગો કરતી હતી.તે તેમને દવાનાં વધારે પડતા ડોઝ આપતી હતી અને તેમને બેભાનાવસ્થામાં બેડ પર ઉંધા લટકાવતી હતી જ્યારે વધારે પડતા દર્દીઓ મોતને ઘાટ ઉતર્યા ત્યારે તંત્રએ તેમનાં મોતનાં કારણોની તપાસ કરી હતી જેમાં બહાર આવ્યું હતું કે ટોપાન તેના દર્દીઓને મોર્ફિન કે એટ્રોપાઇનનાં ઘાતક ડોઝ આપતી હતી જે કારણે તે મોતને ઘાટ ઉતરતા હતાં.તે પોતાની જાતને એન્જલ ઓફ મર્સી તરીકે ઓળખાવતી હતી અને તેણે ઓછામાં ઓછા એક્ત્રીસ લોકોને મોતને ઘાટ ઉતાર્યાની વાત કબૂલ કરી હતી.જો કે વાસ્તવમાં તેનાં શિકાર થયેલાઓની સંખ્યા ૭૦ થી ૧૦૦ સુધીની હોવાનું કહેવાય છે.તેણે એ કબૂલ કર્યુ હતું કે જ્યારે તે કોઇને મોતને ઘાટ ઉતારતી હતી ત્યારે તેને એક જાતીય આનંદનો અનુભવ થતો હતો.તેણે જો કે તેના જીવનનો અંત આણવા માટે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો પણ તે જીવતી રહી હતી અને તેના મોત સુધી આશરે ચાલીસ વર્ષ તેણે મેન્ટલ હોસ્પિટલમાં પસાર કર્યા હતા.
વાઇલ્ડ બિલ લોન્ગલીનો જન્મ ૧૮૫૧માં ટેક્સાસની ઓસ્ટીન કાઉન્ટીમાં થયો હતો અને તેના સમયનો તે જાણીતો ગન ફાઇટર હતો અને તેણે ઓછામાં ઓછા ૩૨ લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતા.તેણે ખાસ કરીને અશ્વેતોને સૌથી વધારે નિશાન બનાવ્યા હતા કારણકે તેમની પાસેથી તેમને ઘોડા મળતા હતા.૧૮૭૦માં તે પર્વતો પણ ચઢાણ માટેનાં ટ્રુપર તરીકે નામનાં પામ્યો હતો.એક પુર્વ સાર્જન્ટે તેના વિશે કહ્યું હતું કે તે એક બડાઇખોર, જુઠ્ઠો અને ઘટિયા વ્યક્તિ હતો. જો કે તેની સાથોસાથ તેનામાં એક ખાસિયત એ હતી કે તેનો સ્વભાવ બહુ મીઠડો હતો અને તે કોઇની સાથે પણ જોતજોતામાં દોસ્તી સાધી લેતો હતો.જો કે તેની આ આદતો જ તેને ખુની કારનામાઓ તરફ લઇ ગઇ હતી અને તેનો અંજામ ફાંસીનાં માંચડે આવ્યો હતો.ફાંસીનાં આગલા દિવસે તેણે તેના ભાઇને પત્ર લખ્યો હતો જેમાં લખ્યું હતું કે મને મારા કોઇ કૃત્ય માટે કોઇ ખેદ નથી અને આવતીકાલે હું ખુબ જ ઉત્તમ સ્થાને હોઇશે.જો કે તેના પિતાએ કહ્યું હતું કે તેને ફાંસીએ ચડાવવાની વાત અફવા છે કારણકે તેના કાકાએ શેરિફને ૪૦૦૦ ડોલરની લાંચ આપી હતી અને તેને તેની ફાંસીની ખોટી વાત ફેલાવવા કહ્યું હતું.જો કે ૨૦૦૧માં ઇતિહાસકારોએ તેના કબરની તપાસ કરી હતી અને તેના હાડકાઓનાં આધારે પુરવાર કર્યુ હતું કે તે હાડકા વાઇલ્ડ બિલનાં જ હતાં.
મેરી એન કોટન એ ઇંગ્લેન્ડની એ મહિલા સિરીયલ કિલર છે જેના નામે એકવીસ લોકોની હત્યાનો આરોપ છે જેમાંથી ત્રણ તો તેના ચાર પતિઓમાં સામેલ હતા.આ ઉપરાંત તેના નામ પર તેના તેરમાંથી અગિયાર સંતાનોની હત્યાનો પણ આરોપ છે.તેણીએ તેના શિકારને મોતને ઘાટ ઉતારવા માટે જે રીત પસંદ કરી હતી તે અત્યંત ક્રુર હતી તે તેના શિકારને ઝેર આપતી હતી અને તેની ઇન્સ્યોરન્સ પોલિસીને કેશ કરતી હતી.જો કે પોલિસને ત્યારે તેના પર શંકા ગઇ જ્યારે તેના સાવકા સંતાનનાં ઇન્સ્યોરન્સને વટાવવા માટે દાવો કર્યો હતો.જ્યારે તેના વિશે તપાસ કરાઇ ત્યારે બહાર આવ્યું કે તે લગભગ આખા દેશમાં ફરેલી છે અને તેની આસપાસ રહેલા મોટાભાગનાં લોકોનાં મોત પેટની સમસ્યાને કારણે થયા હતાં.જો કે તેની ધરપકડ બાદ તેનો અંત એટલો સુખદ રહ્યો ન હતો.૧૮૭૩માં કુખ્યાત જલ્લાદ વિલિયમ ઓંગ કાલક્રાફ્ટે તેને ફાંસી આપી હતી અને તેની ફાંસી માટે ટુંકા દોરડાનો ગાળિયો તૈયાર કર્યો હતો અને તેને જ્યારે ફાંસી અપાઇ ત્યારે તેની ગરદન તુટી ગઇ હતી અને તે લાંબો સમય સુધી ફાંસીનાં ગાળિયામાં ઝુલતી રહી હતી.આમ બહુ દર્દનાક રીતે તે મોતને પામી હતી.જાણીતા લેખક ચાર્લ્સ ડિકન્સે તેની આ રીતને ડાસ્ટ્રલી ક્રાફ્ટ નામ આપ્યું હતું.
માસાચ્ચુસેટ્રસનાં ઇતિહાસમાં જેસ્સી પોમેરોય સૌથી યુવાન વ્યક્તિ હતો જેના પર ફર્સ્ટ ડિગ્રી મર્ડરનો આરોપ પુરવાર થયો હતો.જ્યારે તેને દોષી ઠેરવાયો ત્યારે તેની વય માત્ર ચૌદ વર્ષની હતી.ત્યારે તેને ધ બોય ટોર્ચરર નામ અપાયું હતું.તે જ્યારે માત્ર દસ વર્ષનો હતો ત્યારે જ તેની માતાએ જે સોંગબર્ડને પાળ્યું હતું તેનું માથું તેણે કાપી નાંખ્યું હતું.૧૮૭૧નાં બોક્સિંગ ડેએ ચાર વર્ષનો વિલિયમ પેઇન તેના ઘરની બહાર લટકેલી હાલતમાં મળ્યો હતો.ત્યારબાદ તો પેઇનનાં હુમલાઓ વધારે તીવ્ર બન્યા હતા.તેણે એક બાળકને પાણીમાં ડુબાડીને તેનું ગળું છરી વડે રહેંસી નાંખ્યું હતું.તેના ચહેરાને પણ તેણે તેના નખ વડે ખોતરી નાંખ્યો હતો.જોકે તેની આ ખુની રમતોનો અંત આખરે અન્ય એક ચાર વર્ષનાં બાળકની હત્યા સાથે આવ્યો હતો જેનું માથું તેણે લગભગ ધડથી અલગ કરી નાંખ્યું હતું.આ હત્યા બદલ તેની ધરપકડ કરાઇ હતી.તેના પર બે બાળકોની હત્યા, અન્ય એક પર જીવલેણ હુમલા અને આઠ અન્ય બાળકોને ટોર્ચર કરવાનો આરોપ મુકાયો હતો.જ્યારે તેને પુછાયું હતું કે તેને આમ કરીને શું મળતું હતુ તો તેણે જણાવ્યું હતું કે તે અલગ જ દુનિયામાં ચાલ્યો જતો હતો.તે જ્યારે આ કામ કરતો ત્યારે તેને એ વિશે સ્હેજે ભાન રહેતું ન હતુ તે ખરેખર તો આવા કાર્ય કરવા જ માંગતો ન હતો. જો કે તેને હત્યાનો દોષી ઠેરવાયો હતો અને ફાંસીની સજા કરાઇ હતી.જો કે તેની મોતનાં વોરન્ટ પર બે ગવર્નરોએ સહી કરવાનો ઇન્કાર કર્યો હતો અને તે આખરે ૭૨ વર્ષની વયે જેલમાં મોતને ભેટ્યો હતો.
૧૮૮૪ - ૮૫ દરમિયાન ટેક્સાસનાં ઓસ્ટિન શહેરમાં સર્વન્ટ ગર્લ એનિહિલેટર તરીકે એક હત્યારો કુખ્યાત બન્યો હતો.આ સિરીયલ કિલર મહિલાઓને તેમનાં બિસ્તર પરથી નીચે ઢસડી જઈને તેમને ક્રુરતાપુર્વક મોતને ઘાટ ઉતારતો હતો.સાત મહિલાઓ અને એક પુરૂષની હત્યા કુહાડી વડે કરાઇ હતી અને છ લોકોનાં કાનમાં તીક્ષ્ણ હથિયાર ઘુસાડવામાં આવ્યા હોવાની વાત ત્યારે બહાર આવી હતી.ધ ન્યુયોર્ક ટાઇમ્સે ત્યારે લખ્યું હતું કે કોઇ સનકી હત્યારો મહિલાઓને મોતને ઘાટ ઉતારી રહ્યો છે.પોલિસ અધિકારીઓ આ હત્યાઓની શૃંખલાથી બઘવાઇ ગયા હતા અને લગભગ ચારસો જેટલા લોકોની પુછપરછ કરી હતી.ત્યારે અશ્વેત સમુદાયમાં એવી અફવા ફેલાઇ હતી કે કોઇ ગોરો આદમી આ હત્યાઓ કરી રહ્યો છે જે વુડુમાં નિષ્ણાંત છે.આ જાદુનાં દમ પર જ તે રાત્રે ઘરમાં કોઇને પણ ખબર પડવા દીધા વગર જે કમરામાં નોકરાણી સુતી હોય છે પ્રવેશે છે અને કોઇપણ સુરાગ મુક્યા વિના અદૃશ્ય થઇ જાય છે.જે ઘરોમાં આ ઘટનાઓ થઇ હતી ત્યાં બહાર રહેલા કુતરાઓ પણ ત્યારે શાંત રહ્યાં હોવાનું કહેવાતું હતું.આ હત્યાઓ પાછળ કોણ હતો તે ક્યારેય બહાર આવ્યું ન હતું કારણકે એ સિરીયલ કિલર કયારેય પોલીસનાં હાથે ઝડપાયો ન હતો.
બ્રિટનમાં એમેલિયા ડાયર એ સિરીયલ કિલર હતી જેણે ત્રીસ વર્ષનાં ગાળામાં ચારસો કરતા વધારે બાળકોની હત્યા કરી હતી.તે અખબારોમાં જાહેરાત આપતી હતી કે માત્ર દસ પાઉન્ડમાં કોઇપણ દંપત્તિ એક સ્વસ્થ બાળકને દત્તક લઇ શકે છે.વાસ્તવમાં તે એવી મહિલાઓ પાસેથી બાળક ખુંચવી લેતી હતી જે તેનાં બાળકની સંભાળ રાખી શકતી ન હતી.તે એ મહિલાઓની સાથે દોસ્તી કરતી હતી અને તેમનો વિશ્વાસ હાંસલ કરીને તેમની હત્યા કરી નાંખતી હતી અને તેમનાં મૃતદેહને સગેવગે કરી નાંખતી હતી.જો કે ૧૮૯૬માં થેમ્સ નદીનાં કિનારે પંદર મહિનાની એક નવજાત બાળકીની લાશ મળી હતી જેના પર એક બ્રાઉન રંગનો કાગળ લપેટેલો હતો અને તેના પર ડાયરનું નામ અને સરનામું લખેલું હતું.જો કે ડાયર ટુંક સમયમાં જ તેનું સરનામું બદલી નાંખતી હોવાને કારણે પોલીસ તેને શોધી શકતી ન હતી.જો કે ્આખરે તે પોલીસનાં હત્થે ચઢી ગઇ હતી અને તેના પર હત્યાઓનો આરોપ મુકાયો હતો.તે જ્યારે દોષી ઠરી ત્યારે તેની વય સાંઇઠ વર્ષની હતી અને આટલી મોટી વયે તે ફાંસીએ ચડનાર સૌથી આધેડ મહિલા હતી તેને ૧૮૪૩માં ફાંસી અપાઇ હતી.
૧૮૭૦નાં આરંભિક ગાળામાં કેન્સાસમાં એક સિરીયલ કિલર્સનો પરિવાર ધ બ્લડ બેન્ડર્સને નામે કુખ્યાત બન્યો હતો.જહોન અને એલ્વિરા બેન્ડર તેમનાં સંતાનો જહોન જુનિયર અને કેટની સાથે ત્યાં રહેતા હતા.આ લોકો પર અગિયાર જેટલા લોકોની હત્યાનો આરોપ મુકાયો હતો.પાંચ બાય સાત મીટરનાં એક નાનકડા ઘરમાં આ પરિવાર રહેતો હતો જે આમ તો કરિયાણાનો ધંધો કરતા હતા અને ઘરની પાછળ તે ગેરકાયદેસર કબ્રસ્તાન ચલાવતા હતા.જ્યારે લેબેટ્ટે કાઉન્ટીમાં કેટલાક લોકો ગુમ થયા ત્યારે તેને રોકવા માટે પ્રસાશનનાં અધિકારીઓની બેઠક થઇ હતી અને તેમાં બેન્ડર્સ પરિવારનું નામ બહાર આવ્યું હતું.તપાસકર્તાઓને જાણવા મળ્યું હતું કે આ પરિવાર પ્રવાસીઓને તેમને ત્યાં રહેવા માટે આમંત્રણ આપતા હતા અને ત્યારબાદ એમને મોતને ઘાટ ઉતારીને તેમનાં મૃતદેહ ત્યાંજ દાટી દેતા હતા.તેમનાં પર આરોપ મુકાયો હતો કે તેમણે એ મૃતકો પાસેથી લગભગ ૪૫૦૦ ડોલર ચોર્યા હતા.તેમણે મૃતદેહોને સંતાડવા માટે એક ટ્રેપડોરની પણ રચના કરી હતી.તપાસકર્તાઓને બગીચામાં આઠ જેટલા મૃતદેહો મળી આવ્યા હતા જેમાંથી એક તો માત્ર આઠ વર્ષની બાળકીનો હતો.આ ઉપરાંત આસપાસનાં વિસ્તારમાંથી પણ ત્રણ જેટલા મૃતદેહો મળી આવ્યા હતા જેમને ત્યાં દાટી દેવાયા હતા.જો કે પ્રસાશન તેમની વિરૂદ્ધ કોઇ પગલા લે તે પહેલા આ પરિવાર ત્યાંથી રફુચક્કર થઇ ગયો હતો અને ત્યારબાદ કોઇએ પણ તેમને જોયા ન હતા.