Kuppi - 1 in Gujarati Fiction Stories by PANKAJ BHATT books and stories PDF | કુપ્પી - પ્રકરણ 1

Featured Books
Categories
Share

કુપ્પી - પ્રકરણ 1

કુપ્પી
પ્રકરણ ૧

મિત્રો આ એક કાલ્પનિક , એક્શન , ડ્રામા અને સસ્પેન્સ વાળી કથા છે . આશા છે તમને પસંદ આવશે .


રાતનો સમય છે . મુંબઈના  એક ક્રિકેટ ગ્રાઉન્ડમાં નાઈટ ટુર્નામેન્ટની ફાઇનલ ચાલુ છે . મેચ ખૂબ જ રોમાંચક મોડ ઉપર છે . આશા નગર ની ટીમને જીતવા માટે ત્રણ બોલમાં છ રનની જરૂર છે . વિકાસ સ્ટ્રાઈક પર છે જે ખૂબ જ સારો બેસ્ટમેન છે . આશા નગર ના પ્લેયરો ખૂબ ટેન્શનમાં મેચ જોઈ રહ્યા છે . મેદાનની બધી બાજુથી દર્શકોની નજર વિકાસ પર છે . સામે બોલિંગ પર સ્ટાર 11 નો સુપર ફાસ્ટ બોલર અક્રમ છે . જેણે પહેલા ત્રણ બોલમાં માત્ર એક રન આપ્યો છે .

અક્રમ દોડીને આવી બોલ નાખે છે . વિકાસ જોરથી મારવાનો પ્રયત્ન કરે છે . પણ બોલ મિસ થાય છે અને સીધો સ્ટમ્પમાં લાગે છે . વિકાસ ક્લીન બોલ્ડ થઈ જાય છે . સ્ટાર ઇલેવન ના પ્લેયરો સેલિબ્રેટ કરે છે . અને   આશા નગર ના  પ્લેયરો દુઃખી થઈ જાય છે . હવે બધાની નજર કુપ્પી તરફ જાય છે . નવ વિકેટ પડી ગઈ છે . અને હવે છેલ્લી વિકેટ બાકી છે . ને બે બોલમાં છ રન જોઈએ છે . કુપ્પી મોબાઇલ પર વાત કરી રહ્યો છે એનું ધ્યાન મેચમાં નથી .

દિલીપ કુપ્પી ના ખાભા પર હાથ મૂકી પોતાની તરફ ફેરવે છે .કુપ્પી મોબાઈલ ફોન પર વાત કરી રહ્યો છે એ બે મિનિટનો ઇશારો કરે છે . જીગલો કુપ્પી નો ફોન લઈ લે છે . " રીટા કુપ્પી 10 મિનિટ પછી ફોન કરશે " જીગલો ફોન કટ કરે છે .

" શું થયું ફોન કેમ કટ કર્યો ? ' કુપ્પી ગુસ્સે થાય છે . 

" અલા મેચમાં લોચો પડ્યો . વિકાસ ને અક્રમે આઉટ કર્યો . હવે બે બોલમાં છ રન જોઈએ છે " ભૂરા એ જવાબ આપ્યો .

" હે . .હે ! શું વાત કરો છો ? સાવ નકામા છો બધા . છ ઓવરમાં 50 રન તમારાથી થતા નથી " કુપ્પી ગુસ્સામાં બેટ લઈ પીચ તરફ દોડ્યો .

કુપ્પી ના મેદાનમાં આવતા જ આખું મેદાન " કુપ્પી . . .કુપ્પી . . . " ના અવાજથી ગુંજી ઉઠ્યું .

કુપ્પી અને અક્રમ વચ્ચે આંખોથી ટશન થઈ . વિનાયક કુપ્પી પાસે આવ્યો . " ભઈલા હવે બધું તારા હાથમાં છે . બે બોલમાં છ રન જોઈએ છે ફર્સ્ટ પ્રાઇઝ નહીં મળે તો લોચો થઈ જશે . દુકાનના ગલ્લામાંથી 11 હજાર ચોરીને ટુર્નામેન્ટ ના પૈસા ભર્યા હતા. કાલ સવાર સુધી પાછા ગલ્લામાં નહીં મૂકુ તો બાપો ઘરમાંથી કાઢી મુકશે " 

 " ખરા છો યાર ! તમારાથી 34 બોલમાં 50 રન ના થયા . હવે મને બે બોલમાં છ રન કરવા કહો છો ! પણ તું ચિંતા ના કર થઈ જશે . બોલ જય ભોલે " એટલું કહી કુપ્પી સ્ટ્રાઈક લેવા ગયો .

વિનાયક " જય ભોલે " બોલી સામે ગયો . અક્રમે દોડવાનું શરૂ કર્યું આખું મેદાન " કુપ્પી . . કુપ્પી . . " ના નામથી ગુંજી રહ્યું હતું . અક્રમ નો સુપરફાસ્ટ બોલ કુપ્પી પાસેથી ગયો . અને કુપ્પી એ એને મારવાનો પ્રયત્ન પણ ન કર્યો . બોલ કીપરના હાથમાં જતા જ આખા મેદાનમાં શાંતિ છવાઈ ગઈ . આશા નગર ના પ્લેયરો માથાના વાળ ખેંચવા લાગ્યા . વિનાયકે ચિંતામાં કુપ્પી તરફ જોયું કુપ્પી એ એને શાંત રહેવા ઈશારો કર્યો . અક્રમ સ્માઈલ સાથે  ખુન્નસ ભરી નજરે કુપ્પી તરફ જોઈ રહ્યો . કુપ્પી એ એને પાછા જઈ બોલ નાખવા ઈશારો કર્યો .

હવે છેલ્લા બોલમાં છ રનની જરૂરત હતી . અક્રમે પૂરી ઝડપથી દોડવાનું શરૂ કર્યું . મેદાન માં પુર્ણ શાંતી હતી અને અક્રમે  બાઉન્સર બોલ નાખ્યો . કુપ્પી એના માટે તૈયાર હતો . એણે થોડું પાછળ ફરી જોરથી બેટ ફટકાર્યું અને બોલ મેદાનની બહાર . અમ્પાયરે 6 રનનો ઇશારો કર્યો અને આખું મેદાન કુપ્પી તરફ દોડ્યું અને એને ઊંચો કરી લીધો . આશા નગર ના પ્લયરો નાચવા લાગ્યા .

" સર ... સર . . . ' કુપ્પી એ આંખો ખોલી જોયું . તેની સામે એક એરહોસ્ટેસ હતી " સર આપ સીટબેલ્ટ લગા લીજીએ હમ થોડી દેર મે મુંબઈ એરપોર્ટ પર લેન્ડ કરેંગે "

કુપ્પી એટલે કે કુણાલ પટેલ . ભૂતકાળમાંથી બહાર આવ્યો . આજે છ વર્ષ પછી એ કેનેડા થી મુંબઈ પોતાના ઘરે પાછો આવી રહ્યો હતો .

વધુ આગળના પ્રકરણમાં . . .
ધન્યવાદ .
પંકજ ભરત ભટ્ટ .