ગુજરાતી સાહિત્યજગતમાં કવિ, નિબંધકાર, સંશોધક, સંપાદક, વિવેચક અને વિશેષ તો વાર્તાકાર તરીકે નામના ધરાવનાર ડૉ. ભરત સોલંકીનું નામ હવે નવું નથી. તેમની પાસેથી ‘રૂપાંતર’(૨૦૧૩), ‘કાકડો’(૨૦૧૭) અને ‘વિડીયોશૂટિંગ’(૨૦૨૪) એમ ત્રણ ટૂંકીવાર્તા સંગ્રહો પ્રાપ્ત થાય છે. અહીં ‘કાકડો’ વાર્તાસંગ્રહમાં ગ્રંથસ્થ ‘ફણગો’ વાર્તાને સંનિધિકરણની દૃષ્ટિએ મૂલવવાનો પ્રયત્ન કરીએ તે પહેલાં ‘સંનિધિકરણ’ પ્રયુક્તિને સમજીએ.
‘સંનિધિકરણ’ એટલે ‘સહોપસ્થિતિ’, જે અંગ્રેજીમાં ‘Juxtaposion’ તરીકે જાણીતી થયેલી સંજ્ઞા છે. ‘સંનિધિકરણ’ એટલે કોઈ સમાન કે વિરોધી ઘટના, પાત્રો, વિચારો કે પરિસ્થિતિને સામ-સામે મૂકીને તેમાંથી નવી જ ભાવસ્થિતિ જન્માવવી . ઉદા. તરીકે લગ્નના પ્રસંગ સાથે મરણનો પ્રસંગ, ખૂબ જ ઊંચી વ્યક્તિ સાથે ખૂબ જ નીચી વ્યક્તિને મૂકવી, એક રૂઢિવાદી માણસ સાથે અત્યંત અતિઆધુનિક વિચારોવાળો માણસ મૂકવામાં આવે વગેરે જેવી બાબતો સાથે ચાલતી હોય , તો વળી ઘણી વાર સમાન વિચારો ધરાવતાં પાત્રો, સમાન પરિસ્થિતિ કે પ્રસંગને સામસામે મૂકીને નવો જ અર્થ પ્રગટો હોય તેને ‘સંનિધિકરણ’ કહેવાય. ‘આધુનિક સાહિત્ય સંજ્ઞા કોશ’માં ‘સંનિધિકરણ’ વિશે આ પ્રમાણે સમજ આપી છે. “કોઈપણ બે સમાન કે ભિન્ન પ્રકારનાં વિચારો, પાત્રો, પ્રસંગો, દ્રશ્યો, પરિસ્થિતિઓ, કલ્પનો વગેરેને એકબીજાની સાથે મૂકી તે દ્વારા વિશિષ્ટ ભાવસ્થિતિ કે અર્થસંદર્ભ ઊભો કરવાની પદ્ધતિ”(પૃ. ૧૪૪)
હવે ‘ફણગો’ વાર્તાને ‘સંનિધિકરણ’ પ્રયુક્તિના સંદર્ભે તપાસીએ.
‘ફણગો’ વાર્તા ત્રીજો પુરુષ એક વચનમાં લખાઈ છે, ‘ફણગો’ વાર્તાની શરૂઆત, ‘ભકછૂક ભકછૂક ભક-છૂક કરતું છેલ્લો ધુમાડો કાઢી ટ્રેક્ટર આંચકા સાથે ઊભું રહ્યું.’ વાક્યથી થાય છે. આ ટ્રેક્ટરમાં રઘુ ધુડી સાથે પરણીને પરત ફર્યો છે. રધુ નાનો હતો ને તેના માતા-પિતાનું મૃત્યુ થયું હતું પણ માસીએ તેને સાંભળી લીધો અને આજે તેના લગ્ન માસીએ તેમના ગામની ધુડી સાથે કરાવ્યા. પરણીને આવ્યા બાદ રીત-રિવાજ પ્રમાણે બધી વિધિ પૂરી થાય છે અને રાત પડે છે. લેખક ભારતીય લગ્ન પરંપરાની વિધિથી વાકેફ છે કારણ કે જાન આવ્યા પછી માસી લાપસી બનાવે છે, પાણીયારે પિતૃઓને દીવો પ્રગટાવે છે, વર-વધૂ મંદિર આગળ ઊભા રહી એક એક હાથે શ્રીફળ રમતું મૂકે છે, રઘુ-ધુડીને અંદર પ્રવેશતાં માસી પોંખે છે, છેડાછેડી છોડવી વગેરે જેવી માંગલિક બાબતોનું લેખકે ધ્યાન રાખ્યું છે.
રાત પડતાં રઘુ પથારીમાં છે અને ધુડીને તેની બહેનપણીઓએ કહેલી પ્રથમ રાત્રિની વાતો યાદ આવે છે, “કાલ રમલી ચેવું કેતી’તી ! જોજે ધુડકી ઈમ સાવ થોડામાં રાજી નૈ થાવાનું. મોઢું જોવાના અઢીશેર પેંડા,કમખનાં બોતાને બોતાને કાજુ, કેસર, પિસ્તા, બદામ, ને નાડી...તો પાટણનાં પટોળાં વના નહીં જ. લાખેણી આબરૂ આલવા લાખેકનું પટોળું તો જોયજને.”(પૃ.૬૭) પરંતુ આ પ્રમાણેનું કશું ન થયું ને ધુડી પણ સૂઈ જાય છે. કશું જ ન થવાનું કારણ એ પણ હતું કે રઘુનું ઘર નાનું હોય છે એટલે આવેલા મહેમાનોમાં પુરુષો બહાર અને સ્ત્રીઓ ઘરમાં સુવે એવી વ્યવસ્થા માસી કરે છે જેથી રઘુને અને ધુડીને એકલતા મળતી નથી, બે-ત્રણ દિવસે ધુડીને પિયરથી તેડું આવે છે ને તે ચાલી જાય છે.
થોડા દિવસો પછી ધુડીને માસી સાસરે મૂકી જાય છે. વાર્તામાં કેટલાક વાક્યો દ્વારા ધુડી અને રઘુના વ્યક્તિત્વનું પ્રગટ થાય છે, “ધુડી ઘણા નવા નવા પાઠ શીખીને આવી હતી પણ રઘુ હજી એકડો જ ઘૂંટતો હતો” લેખકે આ વાક્ય દ્વારા ઘણા બધા ઇશારા કર્યા છે. “ધુડી વરસોથી તરસી ભોં ની જેમ રઘુ સામે જોઈ આશ માંડતી ને રઘુ શ્રાવણના સરવડાની જેમ અલપ ઝલપ વરસ્યો ન વરસ્યો ને વાદળ થઈ ચાલ્યો જતો. ધુડી એવી ને એવી અકબંધ, કોરી ને તરસી રહી જતી.” આના પરથી આપણને ખ્યાલ આવી જાય છે કે શારીરિક સુખ બાબતે ધુડી રઘુથી અતૃપ્ત છે.
રધુનો મિત્ર ચંદુ, ચંદુના પાત્રને લેખક આ રીતે વર્ણવે છે, “ચંદુ સુખી ઘરમાં જન્મેલો, ઉછરેલો ને નાની વયે પરણીને પરવારી ગયેલો. ઘરનો લાડકો, ને ગામનોય લાડકો. ગામના ચોરે-ચૌટે આંટા ફેરા મારવા ને મન થાય તો વાડીએ આંટો મારવો, બાકી વધારે કોઈ જવાબદારી નહીં, ખાધેપીધે સુખી ને ભરપૂર પ્રેમથી પાંગરેલો ચંદુ બધી રીતે શૂરોપૂરો, પાંચ હાથ પૂરો. કાળી ભમ્મર છાતી, કાળા ડિબાંગ વાળ ને થોડી કાયાય કામણગારી. ખડતલ બાંધો ને વારે વારે વિસ્ફરિત થતી આંખો તેના યૌવનમાં ઉમેરો કરતી. તે જેની સામે જુએ તે આરપાર વીંધાઈ જતું.” (પૃ.૬૮) અહીં આપણને ‘સંનિધિકરણ’ રઘુ અને ચંદુ વચ્ચેનું જોવા મળે છે. ચંદુ સામે રઘુ તદ્દન શારીરિક રીતે વિરોધી પ્રકૃતિનો જોવા મળે છે.
ચંદુ અને રઘુનું ખેતર સાવ પાસેપાસે, ચંદુ એક વાર ખેતરે થી ઘેર જતો હોય છે ત્યારે રઘુ તેને કહે છે, “ ચંદુ તું ગામ ભણી જતો હોય તો જરા મારું મશીન ચાલુ કરતો જા ન” ચંદુ હા પાડીને નીકળે છે ત્યારે તે કૂવાના થાળે બેઠેલી રઘુને ‘ભાત’ આપવા આવેલી ધુડીને જુવે છે, ધુડી બેઠી બેઠી કૂવાની બખોલમાં બેઠેલાં કબૂતર-કબૂતરીને ક્રીડાં કરતાં જુવે છે. ચંદુ પણ જોવે છે અને પૂછે છે કે, “ભાભી, શું જોતાં’તાં”, ધુડી શરમાઇ જાય છે. ચંદુ ઓરડીમાં મશીન ચાલુ કરવા જાય છે, ધુડી પણ તેની પાછળ ઓરડીમાં જાય છે. ચંદુ ધુડીને મશીન ચાલુ કરતાં શીખવાડે છે. ચંદુ મશીનમાં લોખંડનો હાથો ભરાવે છે. ધુડીને કહ્યું, “લો પકડો” અડધો મશીનનો હાથો ચંદુ અને અડધો હાથો ધુડી પકડે છે. અને ગોળ ગોળ ફેરવે છે. ચંદુ કહે છે, “હજી કસીને પકડો. હજી બે’ક કસો, પસ જોવો કેવું પાણી વછૂટેસે.” અને આ વખતે ચંદુની કોણી ધુડીની છાતીએ અથડાય છે અને જાણે ધુડીના આખા જીવતરની ભૂખ જગાડે છે. અહીં પણ સન્નિધિકરણ જોવા મળે છે, “થોડી જ વારમાં કૂરર કૂરર કૂરરર કરતું પાણી બમ્બેથી ફૂટવા લાગ્યું. બંનેથી હાથો છૂટી ગયો, ને એકલો હાથો ફરવા લાગ્યો ગોળ ગોળ, ઓરડીના ખૂણામાં થાક્યા પાક્યા નીંદર લેવા રઘુએ ઘાસના પૂળાની પથારી બનાવી હતી, ને તેના પર નાનકડી ગોદડી પાથરેલી હતી, તે પથારી સજીવન થઈ ઊઠી. ઘાસનાં તણખલાં તડ્ તડ્ તડાતડ તૂટવા લાગ્યાં, કૂવાની બખોલનાં કબૂતર-કબૂતરી હવે ચૂપ. ઓરડી ઊથલ-પાથલ, ને ગોદડી ચરરર ચરરર ચિરાણી, થઈ મેલી દાટને લાલલાલ, કૂવાના તળિયેથી બમ્બે, ને બમ્બેથી ફૂટેલા પાણીથી થાળું છલોછલ, કબૂતર પાંખો ફફડાવી ફટ્ ફટ્ ફટાફટ ઉડયું ને ચંદુ બુશકોટનાં બટન બંધ કરતો કરતો ને ડાબા-જમણા હાથની આંગળીઓથી માથાના વાળ સરખાં કરતો કરતો ઓરડીમાંથી ગામ ભણી ચાલવા લાગ્યો”(પૃ. ૬૯)
અહીં ચંદુની ધુડી સાથેની સંભોગ ચેષ્ટાઓ અને મશીનથી કૂવામાંથી પાણી કાઢવાની ક્રિયાનું સંનિધિકરણ રચાય છે. સાથે સાથે કૂવાની બખોલમાં કબૂતર-કબૂતરીની શારીરિક ચેષ્ટાનું પણ સર્જક સંનિધિકરણ રચે છે.
આધુનિક સમયગાળામાં સુરેશ જોષીના હાથે સભાનપણે રૂપ-રચનાના ભાગ રૂપે કેળવાયેલી ને રચાયેલી સંનિધિકરણની પ્રયુક્તિ અહીં સર્જકે સફળતા પૂર્વક રચી આપી છે. ગ્રામ પરિવેશના સૂક્ષ્મ દર્શનના અનુભવ સર્જક ખેતીકામ, કૂવો, વાડી, વરસાદ, બિયારણ વગેરેના સંદર્ભો સાથે રઘુના ધુડી સાથેના લગ્નજીવનને સંયોજે છે. આપણી ચાર ઋતુઓ પૈકી અષાઢીબીજ વાવણી કરવાની શુભ તિથિ છે. સર્જક આ જ તિથિને પકડી ખેતરમાં વાવેતર ને રઘુના ધુડી સાથેના લગ્ન સમાંતર જોડી આપે છે, ત્યાર પછી તો વરસાદી સરવડાં, વાવેતર, બિયારણ ને છેવટે ફણગો ફૂટવાની ઘટના સર્જક રઘુ અને ધુડીના જાતિય જીવન સાથે જોડીને સરસ સંનિધિકરણ રચી આપે છે અને વાર્તાના અંતમાં રઘુ જે બોલે છે તે જોઈએ તો-
“ધુડી ગામનું જે થાય તે થાય પણ આપણ ફાવ્યા. આજ ચાસે ચાસે ભોં પોસીને ફાટેલી જોઈ, લાગ સ બીજાનું બી કપસ ઘરનું, પાણી થોડું અંદરનું ન થોડું ઉપરનું પ...ણ ફણગો ફૂટ્યો ખરો”(પૃ.૭૦)
રઘુના ઉપર્યુક્ત સંવાદના જવાબમાં તેની તરફ પડખું ફરતાં ધુડીના ગર્ભમાં ચંદુનું બીજ જીવંત થયાનો અનુભવ થતાં તે માર્મિક રીતે બોલે છે કે, “હા ભૈ હા, ફણગો ફૂટ્યો ખરો!!” આમ અહીં જમીનમાં બિયારણનો ફણગો ફૂટવો અને ધુડીના પેટમાં સંતાનનો ફણગો ફૂટવો સંનિધિકરણનું ઉત્તમ ઉદાહરણ બને છે.
આમ, આપણે આગળ જોયું તેમ સંનિધિકરણની પ્રયુક્તિમાં બે સમાંતર કે બે વિરોધી વિચારવસ્તુ ધરાવતાં વિષયવસ્તુનું કોઈ એકાદ વાક્ય કે એકાદ શબ્દથી કલાત્મક અને માર્મિક અંત સંનિધિકરણ પ્રયુક્તિની સફળતા છે. અહીં ધુડીના મુખમાં મૂકાયેલું ‘ફણગો ફૂટ્યો’ શબ્દ બંને સમાંતર ઘટના પ્રગટ કરે છે તે રીતે અહીં સંનિધિકરણની પ્રયુક્તિ સફળ થયેલી જણાય છે.
સંદર્ભ:
૧. કાકડો, ડૉ. ભરત સોલંકી, પ્રથમ આવૃત્તિ:૨૦૧૭, મૂલ્ય: ૧૦૦, પ્રકાશક: પ્રણવ પ્રકાશન.
૨. રચનારીતિ: સંજ્ઞા અને સંપ્રત્યય, ભરત પંડયા, પ્રથમ આવૃત્તિ: ૨૦૦૨, પ્રકાશક: પાર્શ્વ પબ્લિકેશન.
૩. આધુનિક સાહિત્ય સંજ્ઞા કોષ, સં.ચંદ્રકાંત ટોપીવાળ અને બીજા.
.........................................................................................................
હાર્દિક પ્રજાપતિ
(MA, UGC-NET, GSET, PGDSC, SI, COPA, Ph.D.scho)
મુ. સબોસણ
તા.જિ: પાટણ (ઉત્તર ગુજરાત)
૩૮૪૨૬૫
મો: ૮૩૨૦૬ ૦૦૫૮૨
મેઈલ: hardikkumar672@gmail.com