આપણે ઘરે ગયા. મમ્મીએ પૂછયું કેમ આટલું બધું મોડું થયું ? આપણે મમ્મીને શાંતિથી બધી વાત કરી. વાત સાંભળીને મમ્મી ખુશ થઇ ગયા. તમે મમ્મીને કહ્યું કે આજે જે ગાયનેક ડોકટરને બતાવીને આવ્યા છેલ્લે સુધી એમની જ દવા ચાલુ રાખવી એમ થાઇરોઇડ વાળા ડોકટરે કહ્યું છે. મમ્મીએ તરત જ કહ્યું કંઈ વાંધો નહીં. પણ દવા બરાબર કરવાની. એમાં જરા પણ ચૂક થવી ન જોઈએ. હકીકતમાં એવું હતું કે આપણા પહેલાં આપણા કુટુંબમાં છેલ્લા ત્રણ કાકાના લગ્ન થયા હતા પણ એ ત્રણેયને ત્યાં વર્ષો વીતી ગયા પછી પણ કોઈ સંતાન ન હતું. એટલે ક્યાંક ને ક્યાંક આપણા સૌના મનમાં એવો ડર હતો કે આપણને સંતાનસુખ મળશે કે નહીં ? અને એટલે જ આપણે કે મમ્મી કોઈ પણ કચાશ રાખવા માગતા ન હતા. ડોક્ટર જે પ્રમાણે કહે તે પ્રમાણે બધી જ કાળજી લેવી એ આપણા સૌના મનમાં હતું. વળી, મમ્મીએ કહ્યું કે અત્યારે બહાર કોઈને કંઈ કહેવાનું નહીં. ત્રણેક મહિના પૂરા થાય પછી આપણે બધાને કહીશું. આ વાત સામે આપણને કોઈ વાંધો ન હતો. દિવસો વીતતાં લગભગ બે મહિના થયા એટલે આપણે સોનોગ્રાફી કરાવવાની હતી તે કરાવવા ગયા. ત્યાં એ સોનોગ્રાફીવાળા ડોક્ટરે પૂછ્યું તમને કેમ આટલું જલ્દી સોનોગ્રાફી કરાવવા કહ્યું ? અમે કહ્યું કે અમને નથી ખબર. તો એમણે કહ્યું કે તમને કોઈ બિમારી છે ? મેં એમને મારી થાઇરોઇડની બિમારી વિશે વાત કરી. તરત જ એમણે કહ્યું કે તમને થાઈરોઈડ છે તો ડોકટરે તમને આ પ્રેગ્નન્સી રાખવા કહ્યું છે ? ને મેં એમને કહ્યું કે અમને કંઈ ખબર નથી આ રિપોર્ટ લઈને આવવા કહ્યું છે. એમની વાત સાંભળીને મને જરા ડર લાગવા લાગ્યો કે આ રિપોર્ટ માં જો બધું બરાબર ન હોય તો શું થશે ? મેં બહાર આવીને તમને કંઈ વાત નહોતી કરી. કારણ કે મને પણ કંઈ ખબર પડતી ન હતી. હવે રિપોર્ટ આવે એની રાહ જોવાની હતી અને ડોક્ટર શું કહે છે તેની રાહ જોવાની હતી. રિપોર્ટ લેવા જવાનો સમય થયો. આપણે રિપોર્ટ લેવા ગયા. ત્યાંથી રિપોર્ટ લીધો. એમને પૂછયું કે રિપોર્ટ નોર્મલ છે ? તો એમણે કહ્યું કે તમે ડોકટરને બતાવતા જશો ને એ જ કહેશે તમને. ડોકટરના કિલનિક પર પહોંચતા સુધીમાં મારા મગજનાં સતત ડર હતો કે રિપોર્ટ સારા ન હશે તો શું થશે ? આપણે ડોકટરને ત્યાં ગયા. એમણે રિપોર્ટ જોયા. અને પછી કહ્યું કે બધું બરાબર છે. બસ થોડી કાળજી રાખવાની અને દવા બરાબર લેવાની. અને થાઇરોઇડના ડોકટરની દવા પણ બરાબર ચાલુ રાખવાની અને એમને પણ નિયમિત બતાવતા રહેવું. મને એમની વાત સાંભળીને એકદમ શાંતિ થઈ ગઈ. આપણે ત્યાંથી નીકળ્યા ને મેં રસ્તામાં તમને મારી બધી મૂંઝવણની વાત કરી. ને તમે મને કહ્યું આટલું બધું કેમ વિચારી લીધું. મને કંઈ તો કહેવું હતું. હવે કોઈ પણ પ્રકારનું ટેન્શન લેતી નહીં. બધું સારું જ થશે. બસ આપણે સારી કાળજી કરી લેશું. અને પછી આપણે ઘરે ગયા. મમ્મીને બધી વાત કરી. કે હવે બધું સારું છે. ડોકટરે કહ્યું છે કે હવે કંઈ વાંધો નહીં આવે. આ સાંભળ્યા પછી મમ્મીને પણ જાણે રાહત થઈ ગઈ. હવે મમ્મીએ કહ્યું કે આપણે બેનને જણાવી દેવું જોઈએ. અને તમે બેનના ઘરે જણાવી દીધું. બધા ખુશ હતા. એમણે પણ કહ્યું કે હવે બરાબર કાળજી કરી લેજો. આટલા બે મહિનામાં એટલું થયું કે મને મારી નોકરી નથી એના વિશે કંઈ પણ સાંભળવા ન મળ્યું. મને થોડું સારું લાગ્યું. ધીમે ધીમે દિવસો પસાર થતા હતા. અને એમ કરતાં સીમંત કરવાનો સમય આવી ગયો.