અમારી મિત્રતામાં હવે તો સમય એવો આવી ગયો હતો કે અમે એક મેકને નજરથી જોઈ પણ શકતા ન હતાં. અંકિત અમારાથી ધીમેધીમે દૂર થઈ ગયો પણ તેની લાઈફમાં તે ખુશ હતો. પારુલ એકલવાયું જીવન જીવી રહી હતી જ્યારે પણ મળતી તો હું તેની સાથે વાત કરવા જતો પણ તે વાત કરવા ઉભી ન રહેતી અને ચાલી નીકળતી. આ બાજુ વર્ષા રીસાઈને બેઠી હતી અને મારી સાથે બોલતી પણ ન હતી. જે ટિફિનો એકમેકની સાથે બેસીને જમતા તે બધાની દિશાઓ બદલાઈ ગયેલ એ સ્કુલનું ટીફિન સાવ ફિક્કુ લાગવા લાગ્યું હતું. એક સાથે જે અલગ અલગ ટીફિનનો સ્વાદ માણતાં હતાં તે હવે યાદ આવતું હતું. એકપળમાં બધુ વેરવિખેર થઈ ગયું હતું. બસ એક અજય હતો જે મારી જોડે જ જમતો પણ હું તેને ના પાડતો અને પારુલ જોડે જમવા મોકલતો. આમ પણ અજયને પારુલ પહેલેથી ગમતી પણ તે ક્યારેય કહી જ ન શકતો. એક લવ ટ્રાએંગલથી પણ કન્ફ્યુઝન વાળું ચીત્ર હતું અહીં, અજયને પારૂલ પસંદ હતી તો પારુલને હું પસંદ હતો પણ મને વર્ષા પસંદ હતી.
વૅલેન્ટાઈન ડે આવ્યો, આહ! જાણે આપણા જેવા આશીકોનો તો સૌથી મોટો તહેવાર આવ્યો હોય. લવ બર્ડ આ તહેવારની અગાઉથી તૈયારી શરું કરી દેતાં. હું પણ વર્ષાની પાછળ પાછળ જતો પણ તે એક શબ્દ ન બોલતી અને હવે વેલેન્ટાઈન ડે આવ્યો એટલે જેમ તહેવારમાં સોનાના ભાવ આસમાને હોય તેમ છોકરીયોના ભાવ પણ આસમાને રહેતા. મેં બજારમાંથી એક ડાયમન્ડ રીંગ લીધી. મેં મારો બચત ગલ્લો તોડી નાખ્યો પણ તોયે પૈસા ઓછા હતાં એટલે મોટાભાઈને વાત કરી કે મારે પૈસા જોઈએ છે. તેઓએ કઈ પણ પૂછ્યા વિના મને પૈસા આપી દિધા અને હું બજાર માંથી એક રીંગ લાવ્યો. મારા મોટા ભાઈનો સ્વભાવ બહુ જ સારો હતો પણ ગુસ્સો હમેશા સાતમા આસમાને રહેતો. પોતાના ભાઈ માટે તે જાન પણ આપી દે. ભુલથી પણ જો કોઈ નામ લે તો તેનું તો આવીજ બને. અમને પણ બહું બીક લાગતી.
વેલેન્ટાઈન્સ ડે આવી ગયો પણ હજી સુધી વર્ષા માની ન હતી. મેં ઘણું વિચાર્યું અને અંતે અજયને મોકલ્યો કે કે'જે હું બગીચામાં રાહ જોવુ છું. અજયે મારો મેસેજ તો મોકલી દિધો પણ બગીચામાં હું રાહ જોતો જ રહ્યો. એક... બે... ત્રણ... એમ કરતા કલાકો એકલો બેસી રહ્યો પણ વર્ષા ન આવી. અંતે નીરાશ થઈને ઉભો થઈ ચાલતો થયો ત્યારે તે સામે દેખાણી. એકદમ લાલ રંગના ટાઈટ કપડા પહેરી તે આવી રહી હતી, નમસ્તે લંડનની કેટરીના કેફ જેવી લાગી રહી હતી. ધીમે ધીમે મારી નજીક આવતી હતી પણ મારી ધડકન તેનાથી બેવડી ગતીએ વધતી હતી. તે ચૂપચાપ મારી બાજુમાં આવીને ઊભી રહી. આટલી સુંદર... ખરેખર વર્ણન કરું તો કયાં શબ્દનો ઉપયોગ કર્યું એ સમજાતુ ન હતું મને. સરળ ભાષામાં કહીએ તો... શ્રાવણ માસમાં જેમ વરસાદનાં પાણીથી મોગરવેલ ખીલી ઉઠે છે તેમ બધી બાજુથી તેનું રૂપ ખીલેલું લાગી રહ્યું હતું. હું ઘબરાતો ઘબરાતો તેની નજીક ગયો અને મારા હાથમા જે રેડ રોઝ હતું તે ઘુટણીયે પડીને તેને આપ્યું. અહીં તમને એ પણ કહેવું જરૂરી છે કે આ રીતે બેસવા માટે પણ મેં ઘણી મહેનત કરેલ. કઈપણ બોલ્યા વિના મારા એ રોઝને એક્સેપ્ટ કર્યું અને મનને થોડીક હાશ થઈ. પોતાના હાથનું ગુલાબ મને આપવા તેણે હાથ લાંબો કર્યો, મેં તેના ચહેરા તરફ નજર કરી તે એકદમ ખુશ અને ફ્રેશ લાગી રહી હતી. મેં તેના હાથનું ગુલાબ લીધું, મન તો ઘણું કરતું કે તેને બાહોમાં લઈને અહીથી દુર જતો રહું પણ તે શક્ય ન હતું. અમે બન્ને બગીચાનાં પાછળનાં ભાગમા એક ઝાડ નીચે બેઠા. મે મહિનાથી ચાલતા એ મૌનને તોડતા બોલવાની શરૂઆત કરી, "સોરી... જે થયું તેના માટે હું સોરી કહું છું."
એ કઈ ન બોલી પણ રડવા જેવી થઈ ગઈ હતી અને તે તેની આંખોમાં સાફ દેખાતું હતું. મેં તેનો હાથ પકડ્યો કે તે મારી તરફ જોવા લાગી. હું તેને મારી ડાયમંડ રીંગ પહેરાવા જતો જ હતો ત્યાં બગીચામાં દોડાદોડ થવા લાગી. ખબર પડી કે પ્રેમીયોના વિરોધી અંદર આવી ગયા હતાં. ચારે તરફ દોડધામ મચી ગઈ, કોઈ અંહી તો કોઈ તહી સંતાવા લાગ્યાં. એ લોકો દ્વારા બધાં જ છોકરાઓને લાઈનમાં ઉભા રાખ્યા અને છોકરીયોને જવા દીધી. વર્ષા પણ કઈ બોલી શકી નહીં. સૌથી ખતરનાક અને શરમજનક હતું કે ત્યાં એક પછી એક એમ બધાં જ છોકરાના મોઢા કાળા કરવામા આવતા હતાં. મારાથી આગળ ફક્ત ત્રણ જ છોકરા બાકી રહ્યાં હતાં. દિલમાં ધકધક થવા માંડ્યું કારણ કે થોડીવારમાં મારું મોઢું પણ કાળુ થવાનું હતું. ધીમેધીમે એ સમય પણ આવી ગયો, મારી આગળ બે છોકરા આવીને ઉભા રહ્યાં. તેમના હાથમા શાહી હતી અને ન જાણે મોટા ધર્મ સુધારક હોય તેમ પ્રવચન આપી રહ્યા હતા. "શરમ આવી જોઈએ, આમ અંગ્રેજના ઓલાદ હોય તીમ વેલનટાઈ, ફેલનટાઈ ઉજવા આઈ જયુ શો..."
એ મારી નજીક આવ્યો અને વર્ષાએ જોરથી બુમ મારી, "જો કોઈએ પણ એને નુકશાન કર્યુને તો સમજી લેજો સરખી નહીં આવે." એ બધા જ નિર્લજની માફક હસવા લાગ્યા. હસતાં હસતાં એ બન્ને ડાઘુઓ મારી નજીક આવી ગયાં અને સાહી ફેંકવા હાથ ઊચા કર્યા. સમયે પણ પોતાનો ખેલ તે સમયે જ બતાવ્યો ત્યાં અચાનક પોલીસની સાયરન વાગી અને એ બધાં જ મર્દ મુછાળા, ધર્મ સુધારકો ભાગવા લાગ્યાં. એક જ સેકન્ડમાંં સંસ્કૃતી અને સભ્યતાની ગાંસડી વાળીને ફેંકી દિધી. હું માંડ માંડ બચ્યો, હું અને વર્ષા ત્યાથી ભાગ્યા. હું ભાગતો હતો ત્યાજ મારી નજર એક કાળી શાહીવાળા વ્યક્તી પર પડી, તેનું ધ્યાન બીજે હતું. કાળી શાહીમા પણ હું તેને ઓળખી ગયો, એ વિશાલ જ હતો અને શાહી લુછી રહ્યો હતો. હુ ત્યાં જ ઉભો રહી ગયો અને જોતો હતો તે કોની સાથે આવ્યો હતો પણ તે ચહેરો દેખાય એ પહેલા જ વર્ષાએ મારો હાથ ખેંચ્યો અને ભાગવા ઈશારો કર્યો. અમે ત્યાંથી ભાગી બહાર આવ્યા અને એક બાકડા પર બેઠા. થોડીવાર બધાં લોકો અમને જોવા લાગ્યા, આમ આજે તો જાણે કોઈ હિંસા કરી હોય પ્રેમીયોએ એવું વાતાવરણ હતું. જ્યાં જાવ ત્યાં બધાં જોઈ રહેતાં અને અંતે થાકી અમે એક હોટલમાં ગયાં. હોટલમાં બેસી મેં અજયને ફોન કરીને બોલાવ્યો. અજય આવ્યો આજે તે ઉદાસ લાગી રહ્યો હતો. તે પણ કઈ બોલ્યો નહીં અને મને પણ અહીં પુછવું હિતાવહ ન લાગ્યું. અંતે મેં જમતાં જમતાં આજે બગીચામાં જે બન્યું તે બધી વાત તેને કરી અને અમે ત્રણેય હસવા લાગ્યાં. હસતાં હસતાં અને અમે ઢળતી સાંજની સાથે ઘર તરફ આગળ વધ્યાં.