સંયોગ અને જોગાનુજોગને જ્યારે સમજવાનો પ્રયાસ કરવામાં આવે છે ત્યારે સમજાય છે કે ક્યારેક એવી ઘટનાઓ બનતી હોય છે જેને એકબીજા સાથે કોઇ નજીકનો સંબંધ હોતો નથી તેમ છતાં તેઓ એકબીજા સાથે સંકળાયેલ હોય છે.જ્યારે પણ કોઇ રહસ્યમય ગુનો બને છે ત્યારે તપાસકર્તાઓ એકપછી એક કડીઓને જોડીને આખી વાતનો તાળો મેળવવાનો પ્રયાસ કરતા હોય છે.પણ જ્યારે તેમાં સંયોગ અને જોગાનુજોગનો પ્રવેશ થાય છે ત્યારે તે કેસ ખાસ્સો ગુંચવાઇ જતો હોય છે.તપાસકર્તાઓ ત્યારે એક સાથે બીજી કડીને જોડવામાં નિષ્ફળ રહેતા હોય છે.ઘણાં કેસોમાં આ યોગાનુયોગનો ગુના સાથે કોઇ સીધો સંબંધ હોતો નથી પણ તે ઘટનાને સમજવામાં ખાસ્સા મહત્વપુર્ણ સાબિત થાય છે.
વર્ષ ૨૦૧૨ની પાંચમી સપ્ટેમ્બરે ફ્રાંસનાં ચેવેલિન શહેરમાં એક આઘાતજનક હત્યાઓનો બનાવ બન્યો હતો.એક બ્રિટીશ નાગરિક સાદ અલ હિલ્લિ તેની પત્ની ઇકબાલ સાથે પર્વત પર ફરવાની મજા માણી રહ્યો હતો.ઇકબાલની સાથે બે પુત્રીઓ જૈનબ અને ઝીના તથા ઇકબાલની વયોવૃદ્ધ માતા સુહાલિયા અલ અલાફ પણ હતા.બપોરનાં સમયે તેમની ગાડી પર ગોળીબાર થયો હતો જેમાં સાદ, ઇકબાલ અને સુહાલિયા ઘટનાસ્થળે જ મોતને ભેટ્યા હતા.જો કે ઝીના સંતાઇ ગઇ હોવાને કારણે બચી જવા પામી હતી અને જૈનબને ઇજા થઇ હતી પણ તેને સહીસલામત રીતે ગાડીમાંથી બહાર કઢાઇ હતી.આ ગોળીબારમાં એક ફ્રેન્ચ નાગરિક જે ત્યાંથી સાઇકલ લઇને પસાર થઇ રહ્યો હતો અને જેનું નામ સિલ્વિયન મોલિયર હતું તે પણ મૃત હાલતમાં મળ્યો હતો.જો કે તપાસકર્તાઓને આ ઘટના માટે કોણ જવાબદાર હતું તે જાણવા મળ્યું ન હતું તેઓ તો આ ગોળીબાર પાછળનું કારણ પણ જાણી શક્યા ન હતા.આ ઘટનાને તેઓએ પરફેક્ટ ક્રાઇમ ગણાવ્યું હતું.જો કે આ ઘટનામાં એક યોગાનુયોગ સંકળાયેલ હતો અને એ કોઇન્સિડન્સ એ હતું કે ઇકબાલનાં સગા અને તેના મિત્રોને એ ખબર ન હતી કે આ લગ્ન તેના પહેલા લગ્ન ન હતાં.૧૯૯૯નાં ફેબ્રુઆરીમાં ઇકબાલ અમેરિકામાં રહેતી હતી અને ત્યાં કામ કરતી હતી અને ગ્રીનકાર્ડ પણ ધરાવતી હતી તે જિમ થોમ્પસન નામનાં એક તેલનાં કારખાનામાં કામ કરનાર કામદાર સાથે લગ્ન કરવા પણ તૈયાર થઇ હતી.જો કે તેમનાં લગ્ન સફળ રહ્યાં ન હતા અને આ દંપત્તિ આગલા વર્ષે જ છુટુ પડી ગયું હતુ.જ્યારે ઇકબાલે દેશ છોડ્યો ત્યારે તેણે સાદ અલ હિલી સાથે લગ્ન કર્યા હતા પણ તેણે તેના આગલા લગ્ન અંગે કોઇને કશું જ જણાવ્યું ન હતું.ઇકબાલ હિલીની હત્યા બાદ થોડા કલાકનાં ગાળામાં જ જિમ થોમ્પસન મિસિસિપ્પીનાં તેના હોમટાઉન નાચેઝમાં ડ્રાઇવિંગ કરી રહ્યો હતો ત્યારે તેને હૃદય રોગનો હુમલો થયો હતો અને તે પણ મોતને ઘાટ ઉતર્યો હતો આમ જિમ થોમ્પસનનાં મોત અને તેની પુર્વ પત્નીની હત્યા વચ્ચે કોઇ સંબંધ ન હતો પણ યોગાનુયોગ એ હતો કે બંને થોડા કલાકનાં ગાળામાં જ મોતને ભેટ્યા હતા...હવે આ ઘટનાને શું કહી શકાય ?
વર્ષ ૨૦૦૭માં ત્રેવીસ વર્ષની સ્ટેકી પીટરસનની ગાયબ થઇ જવાની ઘટનાએ ખાસ્સો ઉહાપોહ મચાવ્યો હતો.સ્ટેકી ઇલિનોઇસનાં બોલિંગબ્રુકમાં રહેતી હતી તેનો પતિ ડ્રુ પીટરસન પોલિસ અધિકારી હતો.જો કે તેના સ્ટેકી સાથે પ્રથમ લગ્ન ન હતા પણ તે તેના ચોથા લગ્ન હતા.અઠ્ઠાવીસ ઓક્ટોબરે સ્ટેકી ગાયબ થઇ ગઇ હતી જો કે જ્યારે તે ગાયબ થઇ ત્યારે તેના પતિ સાથે તેના સંબંધો સારા ન હતા આથી તેના ગાયબ થયા બાદ શંકાની સોય તેના પતિ તરફ જ તકાઇ હતી.આ શંકાનું કારણ પણ મજબૂત હતુ અને એ કારણ એ હતું કે તેની ત્રીજી પત્ની કેથલિન સેવિઓ ત્રણ વર્ષ પહેલા જ બાથટબમાં ડુબેલી હાલતમાં મળી હતી જે શ્વાસ ઘુંટાઇ જવાને કારણે મોતને ભેટી હતી અને પોલિસે તે કેસને અકસ્માતનો કેસ ગણાવ્યો હતો.ડ્રુને તો તેનો ઇન્સ્યોરન્સ મળી ગયો હતો પણ સ્ટેકીના ગાયબ થવાની ઘટનાએ કેથલિનની મોતની તપાસ પણ ચાલુ કરાવી હતી.૨૦૦૯માં ડ્રુ પર કેથલિનની હત્યાનો ગુનો પુરવાર થયો હતો અને તેને ૩૮ વર્ષની સજા થઇ હતી.તેના પર સ્ટેકીનાં ગાયબ કરાવવાની પણ શંકા વ્યકત કરાઇ હતી પણ તેનો મૃતદેહ મળ્યો ન હતો.જો કે સ્ટેકીનાં ગાયબ થવાની ઘટના પણ યોગાનુયોગનો ખાસ્સો હાથ હતો.સ્ટેકીની ચાલીસ વર્ષની માતા ક્રિસ્ટી કેલ્સ પણ નવ વર્ષ પહેલા એક શંકાસ્પદ ઘટનામાં ફસાઇ હતી.ક્રિસ્ટીને આમ તો છ સંતાન હતા પણ બે સંતાનો જ્યારે તે નાના હતા ત્યારે જ મોતને ભેટ્યા હતા.ક્રિસ્ટી દારૂ અને ડ્રગ્સની લત ધરાવતી હતી અને તેના પતિ સાથેનાં સંબંધ પણ સારા ન હતાં.આ દંપત્તિ પર તેમનાં સંતાનો તરફ બેદરકારી દાખવવાનાં આરોપ લાગતા હતા પણ જ્યારે તેઓ છુટા પડ્યા ત્યારે ૧૯૯૦માં ક્રિસ્ટીનાં પતિને સંતાનોની કસ્ટડી મળી હતી.૧૯૯૮માં ક્રિસ્ટી તેના બોયફ્રેન્ડ સાથે ઇલિનોઇસનાં બ્લ્યુ આઇલેન્ડમાં રહેતી હતી.અગિયારમી માર્ચે તે પોતાનાં ઘરેથી નિકળી હતી અને ત્યારબાદ તે તેના ઘેર પહોંચી જ ન હતી અને ત્યારબાદ કોઇએ તેને જોઇ પણ ન હતી.સ્ટેકીની જેમ જ ક્રિસ્ટીનાં પરિવાર પર તેના પતિ પર જ તેમનાં ગુમ થયાની શંકા વ્યક્ત કરાઇ હતી પણ તે અંગે પુરતા પુરાવા મળ્યા ન હતા અને સત્તાવાર રીતે ક્રિસ્ટી કેલ્સ અને તેની પુત્રી ગુમ થયેલા લોકોની યાદીમાં સામેલ કરાયા છે.
૧૯૬૪માં તેત્રીસ વર્ષનો કેલ્વિન જોન્સ ત્રેવીસ વર્ષની સારા ટોલ્બર્ટ સાથે રિલેશનશીપમાં હતો.તેરમી જુને આ કપલ જ્યારે ફિલાડેલ્ફિયા ગયું ત્યારે જોન્સનાં વાહનમાં જ તેમની વચ્ચે ખાસ્સી ગરમાગરમી થઇ હતી.જેમાં ટોલ્બર્ટે ગુસ્સામાં આવીને તેના હાથમાં રહેલ રબર હોઝ વડે તેના પર પંદર વાર પ્રહાર કર્યા હતા.આ મરણતોલ મારથી કેલ્વિન બેહોશ જેવી થઇ ગઇ હતી અને તેને લઇને ટોલ્બર્ટ ત્યાંથી આગળ વધી ગયો પણ રસ્તામાં જ યુવતી મોતને ભેટી હતી.તેને મરેલી જોઇને જોન્સ કારને પોલીસ સ્ટેશન લઇ ગયો અને તેણે હત્યાની વાત કબૂલ કરી લીધી હતી.શરૂઆતમાં તો તેને તેની પત્નીને ઝેર આપવા મામલે જેલમાં રહેવું પડ્યું હતું પણ જ્યારે વાત અદાલતમાં પહોંચી ત્યારે તેના પર તેની પત્નીની હત્યાનો મુકદ્દમો ચલાવાયો ન હતો અને સંજોગો એવા બન્યા કે તેને માફી આપવાની ચર્ચા થઇ હતી.જો કે એ પણ એક હકીકત હતી કે સારા ટોલ્બર્ટ બીજી સવારે મૃત હાલતમાં મળી હતી.જ્યારે તેની તબીબી તપાસ કરાઇ ત્યારે માલુમ પડ્યું કે સારાને લોહીની એક અસાધારણ બીમારી હતી જેને સિકલ સેલ એનેમિયા કહેવામાં આવે છે.જ્યારે ટોલ્બર્ટે તેને માર માર્યો ત્યારે ખરેખર તો તેની બિમારી જીવલેણ બની જ ગઇ હતી અને તેની પાસે વધારે સમય બચ્યો જ ન હતો.બે આરોગ્ય અધિકારીઓએ તપાસ કરી હતી અને કહ્યું હતું કે સારાની મોત કુદરતી કારણોસર થઇ હતી અને જોન્સ દ્વારા જે માર મારવામાં આવ્યો હતો તેને મોત સાથે કોઇ લેણદેણ ન હતી.જ્યારે આ વાત અદાલત સમક્ષ આવી ત્યારે જજ પાસે જોન્સને નિર્દોષ છોડવા સિવાય બીજો કોઇ ઓપ્શન રહ્યો જ ન હતો અને તેને નિર્દોષ છોડવામાં આવ્યો આમ આ ઘટનામાં ગર્લફ્રેન્ડની બિમારીને કારણે જોન્સને માફી મળી જે એક વિચિત્ર જોગાનુજોગ જ હતો.
૧૯૮૩ની સોળમી નવેમ્બરે માસાચ્યુસેટસનાં લોવેલમાં સાંજે એક મહિલા ચાલવા નિકળી હતી જ્યાં તેના પર એક પુરૂષે હુમલો કર્યો હતો અને તેના પર બળાત્કાર ગુજાર્યો હતો.બીજી રાતે પણ એ જ વિસ્તારમાં અન્ય એક મહિલા પર હુમલો થયો હતો પણ સદ્નસીબે તે મહિલા ત્યાંથી ભાગી છુટવામાં સફળ રહી હતી જે ત્યાંથી સીધી પોલીસ સ્ટેશન પહોંચી હતી અને હુમલાખોરની વિગતો પોલીસને આપી હતી.ત્યારબાદ પોલીસે ડેનિસ મહેર નામનાં એક વ્યક્તિની અટકાયત કરી હતી. બંને મહિલાઓઓએ તે હુમલાખોર હોવાની ઓળખ આપી હતી.મહેર પર પહેલા હુમલા મામલે ફરિયાદ દાખલ થઇ ત્યારબાદ તેના પર બળાત્કાર મામલે પણ ફરિયાદ દાખલ કરાઇ હતી આ ઉપરાંત તેના પર અગાઉનાં ઉનાળા દરમિયાન પણ એક વણઉકલ્યા બળાત્કારનાં મામલે શંકા વ્યકત કરાઇ હતી.અદાલતે તેને આજીવન કારાવાસની સજા સંભળાવી હતી પણ એક વર્ષ બાદ એક ઓર્ગેનાઇજેશનનાં સંપર્કમાં તે આવ્યો હતો જે ખોટી રીતે આરોપી પુરવાર થયેલા લોકોની મદદ કરતું હતું.આ સંસ્થાએ ડીએનએ ટેસ્ટિંગનો આગ્રહ રાખ્યો હતો અને તેમાં તે નિર્દોષ હોવાનું જણાયું હતું પણ તેમ છતાં તેને જેલમાંથી છોડાયો ન હતો અને ૨૦૦૩માં ઓગણીસ વર્ષની જેલની સજા ભોગવીને તે બહાર આવ્યો હતો.જો કે તેણે એ ગુનાની સજા ભોગવી હતી જે તેણે કર્યો ન હતો પણ તે સંયોગોનાં ચક્રવ્યુહમાં એવો ફસાઇ ગયો હતો કે તે તેમાંથી તેની જાતને બહાર કાઢી શક્યો ન હતો.બળાત્કારનો ભોગ બનેલી બીજી પીડિતાએ પોલીસને કહ્યું હતું કે તેના પર હુમલો કરનારે રેડ હુડેડ સ્વીટ શર્ટ પહેર્યો હતો જેના પર મિલિટ્રી જેવું જેકેટ હતું અને તેણે તેને છરી બતાવીને મારી નાંખવાની ધમકી આપી હતી.તે જ મોડી રાતે મહેર જ્યારે એક દારૂની દુકાનમાંથી બહાર નિકળી રહ્યો ત્યારે પોલીસનું તેના પર ધ્યાન ગયું હતું કારણકે તેણે રેડ હુડેડ સ્વીટ શર્ટ પહેર્યું હતું.જ્યારે પોલીસે તપાસ કરી ત્યારે તેના વાહનમાંથી પોલીસને છરી અને મિલટ્રી જેકેટ પણ મળ્યું હતું.આમ પોલીસ પાસે એ માનવાનાં પુરતા કારણો હતા કે મહેર જ હુમલાખોર હતો તેમાંય પીડિતાએ પણ તેને ઓળખી બતાવ્યો હતો.જો કે તે સમયે મહેર અમેરિકન સેનામાં સાર્જન્ટ તરીકે ફરજ બજાવતો હતો આથી તેના વાહનમાં મિલટ્રી જેકેટ અને છરી મળવી કોઇ મોટી વાત ન હતી.જ્યારે ડીએનએ ટેસ્ટ કરાયો ત્યારે એ વાત પુરવાર થઇ હતી કે પીડિતા દ્વારા તેને ઓળખવામાં ભૂલ થઇ હતી.આમ તે તેની કમનસીબીને કારણે આ ગુનામાં દોષી ઠર્યો હતો.પોલીસ પેલા અસલ હુમલાખોરને ક્યારેય પકડી શકી ન હતી.
૨૦૦૦ની બારમી ઓક્ટોબરે ૪૮ વર્ષની મેરી હેન્ડરસન મોરીસ તેના હ્યુસ્ટનનાં મકાનમાંથી નિકળી ગઇ હતી ત્યારપછીનાં દિવસે તેની કાર બળેલી હાલતમાં મળી હતી અને જે વિસ્તારમાં મળી હતી તે એરિયા તદ્ન સુનસાન હતો.મેરીનો મૃતદેહ કારમાં હતો જે ભડથુ થઇ ગયો હતો.જો કે તેના હાથમાંથી લગ્નની અંગુઠી ગુમ હતી.આમ તો જે મેરીને ઓળખતું હતું તે તેને એક પ્રેમાળ પત્ની અને માતા તરીકે ઓળખતા હતા જે અજાતશત્રુ હતી આથી જ્યારે તેની આ પ્રકારે હત્યા થઇ હોવાની વાત બહાર આવી ત્યારે કોઇ તેને સાચી માની શક્યું ન હતું.જો કે આ કેસ ત્યારે વધારે ભયપ્રેરક બની ગયો જ્યારે આ જ વિસ્તારમાં ત્રણ દિવસ બાદ અન્ય એક મહિલા એ જ પ્રકારે બળેલી હાલતમાં તેની કારમાં મળી આવી હતી.તેને માર મારવામાં આવ્યો હતો અને તેના માથા પર ગોળી મારીને તે આત્મહત્યામાં ખપાવવાનો પણ પ્રયાસ કરાયો હતો.આ મહિલાનું નામ મેરી મેકગિનીસ મોરીસ હતું.મેરી મેકગિનિસ મોરીસની મોત થઇ તે પહેલા તેણે ૯૧૧ પણ એક કોલ કર્યો હતો.આ મોત બાદ શંકાની સોય તેના પતિ માઇક મોરીસ સામે તકાઇ હતી જેણે તેના મોત બાદ ઇન્સ્યોરન્સની રકમ મેળવવા પ્રયાસ કર્યો હતો.જો કે માઇક પાસે મેરીની હત્યા થઇ તે સમયે એક એલિબી હતી ફોન રેકોર્ડ અનુસાર મેરીનાં ૯૧૧ને કરાયેલા કોલનાં બે કલાક બાદ મેરીનાં સેલફોન પર ચાર મિનિટનો કોલ કર્યો હતો.માઇકે દાવો કર્યો હતો કે તેના કોલનો કોઇ જવાબ અપાયો ન હતો અને મેરીના ફોન પર ચાર મિનિટ સુધી રિંગ વાગ્યા કરી હતી.જો કે તેના પરથી અન્ય એક થિયરી ઉભી થઇ હતી કે તેણે મેરીની હત્યા માટે અન્ય કોઇને સોપારી આપી હશે અને તેણે ભૂલથી મેરીને બદલે અન્ય કોઇને મોતને ઘાટ ઉતાર્યું હશે જેનું નામ મેરી મોરીસ જ હતું.કોન્ટ્રાક્ટ કિલરે જ મેરીનાં હાથની અંગુઠીને સાબિતી તરીકે લઇ લીધી હોવી જોઇએ.પોલીસને ત્યારે સમજાયું કે બંને મેરી મોરીસની હત્યા એક વિચિત્ર જોગાનુજોગ હતો અને તેમને એક બીજા સાથે કોઇ લેણદેણ ન હતી.જો કે આ હત્યાનો મામલો પણ વણઉકલ્યો જ રહ્યો હતો.
ગુમ થવાનાં કેસોમાં એક જ પરિવારનાં બે લોકો એકસાથે ગુમ થાય તે કોઇ અચરજની વાત નથી પણ બે ભાઇઓ અલગ સમયે અને અલગ જ સંજોગોમાં ગુમ થાય તે થોડું વિચારવાલાયક છે.૧૯૯૯માં અલાસ્કામાં વાસિલા ખાતે રહેનાર પંદર વર્ષનો માઇકલ પાલ્મેર ગુમ થયો હતો જે તેના ત્રણ ભાઇઓમાં સૌથી નાનો હતો.ચોથી જુને વહેલી સવારે માઇકલ તેના ત્રણ મિત્રો સાથે તેમની ગ્રેજ્યુએશનની પાર્ટી માટે સાઇકલ પર નિકળ્યો હતો.જો કે તે તેના મિત્રોથી ઘણો પાછળ રહી ગયો હતો અને તેઓ આગળ ચાલ્યા ગયા હતાં.જ્યારે માઇકલ ઘેર પાછો ન આવ્યો ત્યારે તેના પરિવારે તેના ગુમ થયાની ફરિયાદ કરી હતી.ત્યારબાદ લિટલ સુસ્ટીના નદી કિનારે તેની સાયકલ મળી આવી હતી અને ત્યાથી છસ્સો ફુટ દુર તેની સ્નીકર્સ મળી હતી જે ભીંજાયેલી હતી.પોલીસે ત્યારબાદ પુરી નદીને તલાસી હતી પણ માઇકલનો મૃતદેહ મળ્યો ન હતો જે ત્યારબાદ કયારેય મળ્યો ન હતો.હવે માન્યામાં આવે તેવું નથી પણ તેનો મોટોભાઇ ચકી પણ રહસ્યમય સંજોગોમાં ગુમ થયો હતો પણ તે માઇકલનાં ગુમ થયાનાં દસ વર્ષ બાદ ગુમ થયો હતો.૨૦૧૦ની તેરમી એપ્રિલે ત્રીસ વર્ષનો ચકી ટોલ્કીનાં પહાડી વિસ્તારની તેના મિત્રો અને સંબંધીઓ સાથે એક કેબિનમાં રોકાયો હતો.તે રાત્રે તેમણે નક્કી કર્યુ કે તેઓ સ્નોમોબાઇલમાં એ વિસ્તારમાં ચક્કર લગાવશે અને ચકી પણ તેના નાના ભાઇની જેમ તેના ગૃપથી છુટો પડી ગયો હતો અને તે પણ ત્યારબાદ મળ્યો ન હતો.તે પછીનાં દિવસે તેની સ્નોમોબાઇલ મળી હતી પણ એ વિસ્તારમાં ચકી કે અન્ય કોઇના પણ પગલાની છાપ મળી ન હતી.તે ભાઇઓમાં ક્રિસ પાલ્મર એવો ભાઇ હતો જેણે તેના બે ભાઇ એક જ પ્રકારનાં સંજોગોમાં તેના બે ભાઇ ગુમાવ્યા હતા અને તેણે તેમની તલાસ કરી હતી પણ તેનાં હાથમાં કશું જ આવ્યું ન હતું.
૧૯૯૧ની ત્રીજી જુલાઇએ મધરાતે એક વર્ષીય ક્રિસ્ટન ડેવિસ તેના કોલારાડોનાં હોમટાઉન બુલ્ડરથી તેની મિત્ર વિડાલિયા જર્યોજિયાને મળવા નિકળી હતી અને તેના ગંતવ્યસ્થાનથી આઠ કિલોમીટર પહેલા તેના સ્ટેશન વેગન સામે એક વાહન આવ્યું હતું જેમાંથી એક વ્યક્તિ નિકળ્યો જેની પાસે શોટગન હતી તેણે ડેવિસનાં માથામાં ગોળી મારી અને તે ત્યાંજ મોતને ભેટી હતી અને તેની કાર ઉથલીને રોડની સાઇડે રોકાઇ ગઇ હતી.થોડીવાર બાદ ત્યાંથી એક દંપત્તિ ટ્રેસી અને કેરેન વિલ્કીસ ત્યાંથી નિકળ્યા જેમણે ડેવિસની કાર ઉથલી પડેલી હાલતમાં જોઇ અને તેમણે તરત જ પોલીસને કોલ કર્યો હતો.જો કે વિચિત્ર જોગાનુજોગ એ હતો કે આ દંપત્તિ એ જ વિસ્તારમાં થયેલ એક હત્યાનાં મામલામાં પણ ગુંચવાઇ ગયું હતું આ હત્યા તેમણે જ કરી હતી.ડેવિસની હત્યાનાં પિસ્તાલીસ દિવસ બાદ ટ્રેસી અને કેરેન વિલ્કિસે એક ૬૯ વર્ષનાં મોરીલ વી હડસનની હત્યા કરી હતી જેને માથામાં ત્રણ ગોળી મારી હતી.આ હત્યાનાં મામલામાં એ દંપત્તિ ત્યાં રોકાયું ન હતું અને ત્યાંથી રફુચક્કર થઇને અલાબામાં ચાલ્યું ગયું હતું.જો કે ટ્રેસી કેટલીક વસ્તુઓ લેવા માટે જ્યારે ઘેર આવી ત્યારે તેની ધરપકડ કરાઇ હતી તેના થોડા સમય બાદ કેરેન અલાબામામાં જ એક ટ્રેલરમાં રહેતો મળી આવ્યો હતો અને તેની પાસે હત્યામાં વપરાયેલ હથિયાર પણ મળ્યું હતું.૨૩મી ઓગસ્ટે તેમના પર હત્યા, તોડફોડ, ચોરી અને આગજનીનાં આરોપ ઘડાયા હતા.તેમની ધરપકડ બાદ ક્રિસ્ટન ડેવિસની હત્યામાં પણ તેમનો જ હાથ હોવાની શંકા તેમનાં પર વ્યકત કરાઇ હતી.તેમનાં પર પોલીગ્રાફ ટેસ્ટ કરાયો હતો જેમાં તેઓ ગુનેગાર હોવાનું પુરવાર થયું ન હતું.જો કે તેમનાં પર હડસનની હત્યાનો આરોપ પુરવાર થયો હતો જે માટે તેમને જેલમાં જવું પડ્યું હતું પણ ક્રિસ્ટન ડેવિસની ઘૃણાસ્પદ હત્યા કોણે કરી હતી તે પોલીસને ક્યારેય જાણવા મળ્યું ન હતું અને એ કેસ પણ વણઉકલ્યા કેસોની યાદીમાં મુકાઇ ગયો હતો.
નેધરલેન્ડનાં ઇતિહાસમાં સૌથી ચર્ચાસ્પદ હત્યા કેસોમાં લ્યુસિયા ડે બર્કનો કેસ સ્થાન પામે છે.આ કેસમાં જોગાનુજોગની માયાજાળ રચાઇ હતી.ડે બર્ક હોગની ત્રણ જુદી જુદી હોસ્પિટલમાં પેડિયાટ્રીક નર્સ તરીકે કામ કરતી હતી.૨૦૦૧ની ચોથી સપ્ટેમ્બરે જુલિયાનાં ચિલ્ડ્રન્સ હોસ્પિટલમાં તેની હયાતીમાં જ એક નવજાત મોતને ભેટ્યું હતું.જો કે આ હત્યા બાદ તેની સાથે કામ કરનાર કર્મચારીઓએ તેના પર શંકા વ્યકત કરી હતી કારણકે તેની હાજરીમાં આ પહેલા પણ ઘણાં નવજાતો મોતને ભેટ્યા હતા અને તેમનાં મોત પણ શંકાસ્પદ હોવાનું જણાયું હતું.તપાસ કરતા જણાયું હતું કે તે તમામ મોત અકુદરતી હતા અને તે માટે બર્ક પર ફરિયાદ કરવાનું નક્કી કરાયું હતું.ફરિયાદ બાદ તપાસ કરતા તે ગુનેગાર હોવાનું જણાયું હતું અને અદાલતે તેને ૨૦૦૩ની ચોવીસમી માર્ચે તેને ચાર હત્યા અને ત્રણ હત્યાનાં પ્રયાસનાં ગુનામાં આજીવન કારાવાસની સજા સંભળાવી હતી.આ ગુનામાં આશ્ચર્યની વાત એ હતી કે બર્કની વિરૂદ્ધ કોઇ નક્કર પુરાવા કે તેને ગુનો કરતા નિહાળનાર કોઇ સાક્ષી ન હતો પણ સ્ટેટેટિક્સને તેના ગુનામાં મહત્વપુર્ણ માનવામાં આવ્યું હતું.તેમાં કહેવાયું હતું કે હોસ્પિટલમાં થયેલ મોતનાં સમયે તેની હાજરી કોઇ જોગાનુજોગ ગણાવી શકાય નહિ.જો કે બર્કનાં સપોર્ટરોએ આ ફેંસલાને અન્યાયપુર્ણ ગણાવીને તેની વિરૂદ્ધ અપીલ કરી હતી.આ કેસની સુનાવણી નેધરલેન્ડની સુપ્રીમ કોર્ટમાં પણ થઇ હતી જેણે એ માન્યું હતું કે જે આંકડાઓ રજુ કરાયા છે તેને નક્કર માની શકાય નહી અને એ માટે તેમણે ફરીથી સુનાવણી કરવાનું ઠેરવ્યું હતું.નવી તપાસમાં એ પુરવાર થયું કે બર્કને કુદરતી મોતનાં મામલે હત્યાની આરોપી ગણાવાઇ હતી.૨૦૧૦માં તે નિર્દોષ હોવાનો ચુકાદો આવ્યો હતો અને તેને મુક્ત કરાઇ હતી.
૨૦૧૩માં લોસ એન્જલસમાં ગુમ થયેલ એલિસા લેમનો કેસ થોડો વિચિત્ર હતો.આ ગુમ થવાની ઘટનાનાં તાર સેસિલ હોટલ સાથે સંકળાયેલા હતા જે આ પ્રકારનાં મોતની ઘટનાઓ માટે કુખ્યાત છે.તે ગુમ થયાનાં એક દિવસ બાદ જ હોટલમાં કામ કરતા એક કર્મચારીને તેનો મૃતદેહ પાણીની ટાંકીમાં મળ્યો હતો.તેની તપાસ એલએપીડી દ્વારા કરાઇ હતી જેને એક સર્વિલન્સ ફુટેજ મળ્યા હતા જેમાં એલિવેટરમાં લેમ વિચિત્ર રીતે વર્તતી હોવાનું જણાતું હતું.આ વીડિયો ત્યારબાદ વાયરલ થયો હતો.જો કે લેમની હત્યાની સાથે સંકળાયેલ જોગાનુજોગ ઘણાં ડરામણાં હતાં.લેમનો મૃતદેહ પાણીની ટાંકીમાં મળ્યો તેના થોડા દિવસો પહેલા તે હોટલમાં રહેતા કેટલાક ગેસ્ટે તેમનાં રૂમમાં પાણી બહુ ધીમુ આવતું હોવાની સાથોસાથ તેનો રંગ અને ગંધ પણ વિચિત્ર હોવાની ફરિયાદો કરી હતી.લેમનાં કેસ પર જ બનેલી ફિલ્મ ડાર્ક વૉટર ૨૦૦૫માં રીલિઝ થઇ હતી.લેમનાં મોતનાં એક વર્ષ પહેલા એક સંગીતકારે એક વીડિયો પોસ્ટ કર્યો હતો જેણે ખાસ્સી ચકચાર જગાવી હતી.લેમનાં મૃત્યુ બાદ ટીબીની મહામારી લોસએન્જલસમાં ફેલાઇ હતી ખાસ કરીને સેસિલ હોસ્પિટલની આસપાસનાં વિસ્તારો તેની ચપેટમાં આવ્યા હતા.જો કે લેમની હત્યાનો મામલો પોલીસ માટે પણ ઘણો અઘરો પુરવાર થયો હતો અને તેઓ તેના માટે જવાબદાર લોકોને પકડી શક્યા ન હતા.જોકે ત્યારબાદ એલએનાં એક મેડિકલ એક્ઝામિનરે લેમની હત્યાને અકસ્માતે થયેલ મોત ગણાવી હતી.
ઇંગ્લેન્ડનાં બ્રિટોન શહેરમાં સાત વર્ષનાં ગાળામાં બે મહિલાઓનાં ક્ષત વિક્ષત મૃતદેહ મળ્યા હતા.આ મૃતદેહ એક ટ્રન્કમાં મુકાયા હતા.૧૯૨૭માં ટ્રન્કમાં જે મૃતદેહ મળ્યો હતો તે મહિલાનું નામ મિન્ની બોનિયાતી હતું.આ ટ્રન્ક લંડનનાં ચાર્જિગ ક્રોસ સ્ટેશન પાસે મળી હતી.તેની હત્યાનાં આરોપમાં જહોન રોબિન્સન પકડાયો હતો જેને ફાંસીનાં માંચડે ચડાવી દેવાયો હતો.સાત વર્ષ બાદ બે મહિનાનાં ગાળામાં જ બે ટ્રન્ક મળી હતી.૧૯૩૪ની સત્તરમી જુને બ્રિટોન રેલ્વેસ્ટેશને એક બિનવારસી ટ્રન્ક મળી હતી.જેમાં એક મહિલાનો શરીરનો કપાયેલો હિસ્સો મુકાયો હતો.તેનાં શરીરનું માથુ, હાથ અને પગ ગુમ હતા પણ એક દિવસ બાદ એક અન્ય રેલ્વે સ્ટેશન પર એક સુટકેસ મળી હતી જેમાં પગ મુકાયેલા હતા.આ મહિલાનાં મૃતદેહની જ્યારે તપાસ કરાઇ ત્યારે જણાયું કે તે પાંચ માસની ગર્ભવતી હતી.જો કે તે મહિલા કોણ હતી તે ત્યારે જણાયું ન હતું.આજે પણ એ મહિલા કોણ હતી અને તેનો હત્યારો કોણ હતો તે એક કોયડો જ છે.પોલીસે ત્યારે આખા વિસ્તારનાં તમામ ઘરોની તલાસી લીધી હતી.જો કે આ તપાસમાં તેમને એક અન્ય ટ્રન્ક મળી હતી જેમાં પણ એક મહિલાનો ક્ષતવિક્ષત દેહ હતો.જો કે આ મહિલા એક દેહવ્યવસાયી હતી અને તેનું નામ વિયોલેટ્ટી કાયે હતું અને તેની વય ૪૨ વર્ષની હતી જે મે મહિનાથી ગુમ હતી.તે જ્યારે ગુમ થઇ ત્યારે તેના બોયફ્રેન્ડ ટોની મેન્સિનીએ તો લોકોને એમ કહ્યું હતું કે તે પેરિસ ચાલી ગઇ છે.આ ટ્રન્ક તેના જ ઘરમાંથી મળી હતી જેની કાયેની હત્યાનાં આરોપમાં ધરપકડ કરાઇ હતી જો કે કેસની સુનાવણી દરમિયાન ડિફેન્સ ટીમે એવી દલીલ કરી હતી કે કાયેની હત્યા અન્ય કોઇએ કરી હતી અને જ્યારે મેન્સિનીને તેનો મૃતદેહ મળ્યો ત્યારે તેને આ હત્યાનાં કેસમાં ફસાઇ જવાનો ડર લાગ્યો હતો આથી તેણે મૃતદેહનાં ટુકડા કરીને તેને સંતાડી દેવાનો વિચાર આવ્યો હતો.આથી તેણે ટ્રન્કનો જુગાડ કર્યો અને તે મૃતદેહ તેમાં સંતાડી દીધો હતો.આશ્ચર્યની વાત એ છે કે જ્યુરીને આ સ્ટોરી ચોક્કસ લાગી હતી અને તેમણે મેન્સિનીને નિર્દોષ છોડ્યો હતો.જો કે ૧૯૭૬માં મેન્સિનીએ જાતે કાયેની હત્યાનો ગુનો કબૂલ્યો હતો.જો કે આ કેસને ત્યારે બ્રિટોનમાં મળેલ ટ્રન્કો સાથે સાંકળવાનો પ્રયાસ કરાયો હતો પણ આ કેસ સાથે તેને કોઇ જ નિસ્બત ન હતી અને તે કેસ પણ બ્રિટનનાં ઇતિહાસમાં વણઉકલ્યા કેસોની યાદીમાં સ્થાન પામ્યો છે.