ધીરે ધીરે મમ્મી લગભગ રોજ એમ બોલવા માંડ્યા કે હવે ખર્ચો ઓછો કરજો મારી પાસે પૈસા નથી. પણ મેં તો કોઈ દિવસ એમની પાસે માગ્યા જ ન હતા. પણ મારી પાસે જે દિકરાના પૈસા હતા એ પણ કંઈ ને કંઈ કામ છે હમણાં આપ પછી આપી દેવા એમ કરીને લઈ લીધા હતા. મારા બળેવના પૈસા હતા એ પણ તમે એમ કરીને લઈ લીધા કે મમ્મી પાસે નથી માગવા અત્યારે જ બળેવ ગઈ એટલે ખર્ચો વધારે થયો છે એટલે નોકરીએ જવા માટે સ્કૂટરમાં પેટ્રોલ ભરાવવા આપ પછી આપી દઈશ. મને સમજ જ ન પડતી હતી કે હું પૈસા માગતી નથી તો મને કેમ રોજ સંભળાવે છે. દિકરાને લઈને આવ્યા ને પણ ચારેક મહિના થઈ ગયા હતા. હજી આપણે નીચે જ સૂતા હતા. રોજ છ વાગે એટલે મમ્મી પથારી કરી દે. એક દિવસ લગભગ સાંજે સાડાસાતે આપણે ત્યાં બીજા ગામથી પપ્પાના કોઈ સગા આવ્યા. એમને કયાં બેસાડવા એ પ્રશ્ન થઈ ગયો કારણ કે આગળના રુમમાં તો પથારી કરી દીધી હતી. એ પણ જરા વાર બહાર જ અટકી ગયા પથારી જોઈને. પછી મેં ફ્ટાફ્ટ પથારી લઈને એમને બેસવાની વ્યવસ્થા કરી. એ સમયે મને એટલી શરમ આવતી હતી જેનો તમે અંદાજો પણ ન લગાવી શકો. એમના ગયા પછી મમ્મીએ કહ્યું લાવ હું પથારી સરખી કરી દઉં ત્યારે પહેલી વખત મેં એમને કહી દીધું કે ના. પથારી ના કરશો હું મારા દિકરાને લઈને ઉપર સૂઈ જઈશ. ને તમને પણ કહી દીધું કે તમારે નીચે સૂવું હોય તો સૂઈ જજો મને વાંધો નથી પણ હું ઉપર જ જઈશ. ને મેં ઉપર જઈને કેટલાયે મહિનાથી એમ જ બંધ પડેલો રુમ સાફ કર્યો. કારણ કે જ્યારે પણ ઉપર સાફ કરવાની વાત કરતી એટલે મમ્મી કરી દેતાં કે અત્યારે શું કામ છે. તમે નીચે જ સૂઈ જજો. મેં આ રીતે ઉપર સૂવાની વાત કરી એ તમને અને મમ્મીને ન જ ગમી હતી કારણ કે પહેલી વખત હું સામે બોલી હતી. પણ મારાથી એ શરમ સહન ન થતી હતી જે રોજ થતી. પછી નવરાત્રિ આવી. બાજુમાં કાકાને ત્યાં માતાજીની માટલી મૂકાતી. પણ ગરબા એક જ દિવસ ગવાતા. આમ પણ હવે મને ગરબા રમવા જવાનું મન જ ન થતું હતું. એટલે નવરાત્રિ આવીને ચાલી જતી કંઈ ફરક પડતો ન હતો. પણ પછી તરત જ ચંદની પડવો આવતો હતો. મારા ઘરે અમે પપ્પા સાથે લગભગ દર વર્ષે દશેરાથી ધારી બનાવીને વેચતા તે છેક ચંદની પડવા સુધી. એટલે જ્યારથી લગ્ન કરીને આવી ત્યારથી મમ્મી એમ કહેતા કે ધારી ઘરે જ બનાવી દે અને બેનને ત્યાં પણ આપી આવજો. આ વખતે પણ એવું કહ્યું ને એમણે ધારીનો સામાન લાવવા પૈસા આપી દીધા. મેં કહ્યું દિકરો નાનો છે કેવી રીતે બનાવાશે ? તો કહે અરે દિકરાને તો હું રાખી લેવા તું તારે બનાવ. આ વખતે મેં ધારી બનાવવા માટે માવો થોડો વધારે લીધો કારણ કે દર વખતે મમ્મી જેટલી ધારી બનાવું એમાંથી પોણા ભાગની બેનને ત્યાં મોકલી આપતા. એટલે મને થયું કે માવો વધારે લઉં ધારી વધારે બને તો ઘરે ખાવા માટે વધારે રહેશે કારણ કે તમને એ ખૂબ જ ભાવતી હતી. ને હોય ત્યાં સુધી તમે રોજ ખાતા હતા. પણ આ વખતે ફરી પાછું એવું જ થયું. ધારી વધારે બનાવી તો બેનને ત્યાં વધારે ગઈ ને આપણે ત્યાં આપણી ગણીને ત્રણ દિવસ એક એક ખવાય એટલી રહેવા દીધી. છતાં મારાથી બોલાયું નહીં કે મમ્મી થોડી વધારે રહેવા દો તમારા દિકરાને ભાવે છે. ને તમે પણ કંઈ ન બોલ્યા કે પહેલા નાનો ડબ્બો આપતા હતા આ વખતે મોટો ડબ્બો કેમ ? પણ આમ છતાં મેં તમને કોઈ દિવસ આ બધા ફરિયાદ કરી ન હતી. મને એમ હતું કે હું તમને કંઈ કહીશ તો તમને એવું લાગશે કે હું તમને તમારી મમ્મી વિરુદ્ધ ચઢાવું છું. એટલે હંમેશા ચૂપ રહી.