કુંવારી નદીઓ
ગુજરાતમાં લગભગ 180 કરતાં વધુ નોંધપાત્ર નદીઓ વહે છે, જેમાંની દરેક બારમાસી નથી. જળજથ્થાની દૃષ્ટિએ તળગુજરાતનો વિસ્તાર સમૃદ્ધ છે, એટલે જ ફળદ્રુપ મેદાનો પણ વધારે છે. આ વિસ્તારમાં નર્મદા, તાપી, સાબરમતી, મહી અને દમણગંગા સહિત અઢારેક નદીઓ મુખ્ય છે.
નર્મદા નદી ગુજરાત ઉપરાંત મધ્ય પ્રદેશ માટે જીવાદોરી સમાન છે, તે ગુજરાતમાં બહુ ટૂંકી વહે છે અને અરબ સાગરમાં ભળી જાય છે. કેવડિયા ખાતેના સરદાર સરોવર ડૅમને 'ગુજરાતની જીવાદોરી' તરીકે ઓળખવામાં આવે છે. કૅનાલ દ્વારા આ નદીના જળ કચ્છ-સૌરાષ્ટ્ર સુધી પહોંચ્યા છે. તેની વીજળીનો લાભ ગુજરાત, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રને પણ મળે છે.જ્યારે અમદાવાદ શહેર સાબરમતી નદી અને ડાયમંડ સિટી સુરત તાપી નદીના કિનારે વસેલાં છે.સૌરાષ્ટ્રમાં 70થી વધુ નદીઓ વહે છે. જેમાંથી મચ્છુ, શેત્રુંજી, મચ્છુ, સિંહણ, ઓઝત, વર્તુ, આજી, રૂપેણ અને હીરણ મુખ્ય છે. સૌરાષ્ટ્રમાં પણ સરસ્વતી નદી આવેલી છે, જે ગિરનારના પર્વતમાંથી નીકળીને અરબ સાગરમાં ભળી જાય છે.કચ્છમાં 95થી વધુ નદી પસાર થાય છે. મોટા ભાગની નદીઓ બારમાસી નથી અને તે ખૂબ જ ટૂંકી છે. તે કચ્છના ડુંગરોમાંથી નીકળે છે અને કચ્છના નાના રણ, મોટા રણ કે અરબ સાગરમાં ભળી જાય છે. ખારી, ભૂખી, હમીરપુર, કાળી વગેરે આ વિસ્તારની મુખ્ય નદીઓ છે.
મોટાભાગે નદીઓ સમુદ્રમાં ભળતી હોય છે. પરંતુ ઘણી એવી નદીઓ પણ છે જે દરિયામાં ભળતી નથી તથા અન્યત્ર ભળી જાય છે. આવી નદીને 'કુંવારી નદી' કહેવાય છે. ગુજરાતમાં પણ આવી કેટલીક નદીઓ આવેલી છે. ભૌગોલિક દૃષ્ટિએ ગુજરાતની નદીઓને તળગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ એમ ત્રણ ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. આજે આવી કુંવારી નદીઓ વિશે જાણીએ.
બનાસ નદી રાજસ્થાનમાં આવેલી અરવલ્લી પર્વતમાળાની ગિરિકંદરાઓમાંથી નીકળે છે અને ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા બનાસકાંઠા જિલ્લામાં પ્રવેશ કરે છે અને અંતે કચ્છના નાના રણમાં મળી જાય છે. આ નદી દરિયાને બદલે રણમાં સમાઈ જતી હોવાના કારણે કુંવારી નદી તરીકે ઓળખાય છે. બનાસ નદીની કુલ લંબાઈ 266 કિ.મી. છે. જેમાંથી 50 કિમી રાજસ્થાનમાં અને બાકીની લંબાઈ ગુજરાતમાં છે.સરસ્વતી નદીનું ઉદગમ સ્થાન અંબાજી નજીક આવેલા કોટેશ્વર પાસેના ડુંગરમાં છે અને તે કચ્છના રણને મળે છે. નદીની મહત્તમ લંબાઈ 360 કિમી અને તેનો સ્ત્રાવક્ષેત્ર 370 ચોરસ કિમી છે. સરસ્વતી નદીના કાંઠા પર પાટણ અને સિદ્ધપુર શહેરો વસેલા છે. આ નદી સમુદ્રને મળતી નથી. કેટલાકની માન્યતા પ્રમાણે, પ્રાચીન સરસ્વતી નદી 'કુંવારી' ન હતી, તે હરિયાણા પાસે ઉદ્દભવતી અને ગુજરાતમાં પ્રવેશીને કચ્છ પાસે દરિયામાં ભળી જતી. ઋગ્વેદના સાતમા મંડળની 95મી ઋચાની બીજી કડીમાં 'પર્વતથી સાગર સુધીની શુદ્ધ ધારા' એવી રીતે વર્ણવામાં આવી છે. સરસ્વતી નદી ગુપ્ત રીતે વહેતી હોવાથી તેને 'આંતરવાહિની' તરીકે પણ ઓળખવામાં આવતી. રૂપેણ નદી ઉત્તર ગુજરાતની મહત્વની નદીઓ પૈકીની એક ગણાય છે. રૂપેણ નદી કુંવારી નદી ગણાય છે, કારણ કે આ નદીનું પાણી સમુદ્રમાં મળતું નથી, પરંતુ કચ્છના નાના રણમાં જ સમાઈ જાય છે. આ નદી તારંગાના પર્વતોમાંથી નીકળીને સાબરકાંઠા, મહેસાણા અને પાટણ જિલ્લાઓમાં થઈને વહે છે.લુણી રાજસ્થાનના પશ્ચિમ ભાગમાં આવેલી એક નદી છે. તે અજમેર નજીક પુષ્કર પાસે અરવલ્લી ગિરિમાળાઓમાંથી નીકળે છે અને થરના રણના દક્ષિણપૂર્વ વિભાગમાંથી પસાર થઈને ગુજરાતના કચ્છના રણમાં 495 કિમીનો પ્રવાસ કરીને સમાઈ જાય છે. લૂણી નદી રાજસ્થાનના ઝાલોર, નાગોર, પાલી અને જોધપુર જેવા જિલ્લામાંથી પસાર થાય છે. તે ગુજરાતમાં પ્રવેશીને કચ્છની કાદવકીચડવાળી ખાડીમાં સમાઈ જાય છે. આ નદી વરસાદી નદી છે. અમુક સ્થળોએ તેનું પાણી ખારું રહેતું હોવાથી તેને 'લૂણી' નામ આપવમાં આવ્યું છે.રાજસ્થાનમાં તેના મીઠા પાણી ઉપરની નિર્ભરતાને કારણે તેને 'મરુગંગા' તરીકે પણ ઓળખવામાં આવે છે. મચ્છુ નદી સૌરાષ્ટ્રના મોરબી, સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લાઓમાં વહેતી મહત્વની નદી છે. 141 કિલોમીટર જેટલી લંબાઈ ધરાવતી આ નદી મોટાભાગે મોરબી જિલ્લામાં પોતાનો પંથ કાપે છે. માર્ગમાં મચ્છુ નદીમાં બેણિયા, મસોરો, આસોઈ, ખારોડિયો, બેટી, લાવરિયો, અંધારી, મહા જેવી નાની નદીઓ ભળી જાય છે. મચ્છુ નદી જસદણ તાલુકાના દહીંસરા ગામ પાસેથી નીકળી રાજકોટ તાલુકા, વાંકાનેર તાલુકા, મોરબી તાલુકા થઈને અંતે માળિયા તાલુકાના હંજીયાસર ગામ પછી કચ્છના નાના રણમાં મળી જાય છે.ધોડાધ્રોહી નદી સુરેન્દ્રનગર જિલ્લાના હળવદ તાલુકાના માથક ગામ પાસેથી નીકળી છે અને કચ્છના નાના રણમાં સમાઈ જાય છે. આ નદી પર રાજકોટના મોરબીમાં આવેલા જીકીયાળી ગામ પાસે ધોડાધ્રોહી યોજના આવેલી છે.બ્રાહ્મણી નદી સૌરાષ્ટ્રમાં આવેલા મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં આવેલી છે. આ નદી મુળી તાલુકાના ધોળીયા ગામ પાસેથી નીકળી હળવદ તાલુકામાંથી પસાર થઈ કચ્છના નાના રણને મળે છે. આ નદીના પટમાંથી રેતી પુષ્કળ પ્રમાણમાં મળે છે.ખારી નદી કચ્છ જિલ્લામાં આવેલી નદી છે. આ નદી ચાડવા ડુંગરમાંથી નીકળે છે. ભુજ પાસે આ નદી કચ્છના મોટા રણમાં સમાઈ જાય છે. આ નદી પર કચ્છનો સૌથી મોટો બંધ રૂદ્રમાતા બંધ બાંધવામાં આવ્યો છે. તેની મહત્તમ લંબાઈ 50 કિમી છે. નદીનો કુલ સ્ત્રાવક્ષેત્ર 113 ચોરસ કિમી છે.ફલ્કી નદી કચ્છ જિલ્લામાં આવેલી નદી છે. આ નદીનું ઉદગમ સ્થાન લીલપર પાસે છે અને તે કચ્છના રણમાં મળી જાય છે. તેની મહત્તમ લંબાઈ 18 કિમી છે અને કુલ સ્ત્રાવક્ષેત્ર 120 ચોરસ કિમી છે. નરા ગુજરાતમાં આવેલી નદી છે. તે કચ્છ જિલ્લાના લખપત તાલુકાના વાલ્કા ગામ પાસેથી નીકળે છે અને કચ્છના મોટા રણને મળે છે. તેની લંબાઈ 25 કિમી છે અને કુલ સ્ત્રાવક્ષેત્ર 233 ચોરસ કિમી છે.સુવી નદીનું ઉદગમ સ્થાન રાપર તાલુકાના બાદરગઢ ગામ પાસે છે અને તે રવેચી પાસે કચ્છના મોટા રણને મળે છે. તેની મહત્તમ લંબાઈ 32 કિમી છે. નદીનો કુલ સ્ત્રાવક્ષેત્ર 160 ચોરસ કિમી છે.પુર નદી પશ્ચિમ ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લામાં આવેલી નદી છે. આ નદીનું ઉદગમ સ્થાન નાગોર (તા. ભુજ) નજીક છે અને તે કચ્છના મોટા રણને મળી જાય છે. તેની મહત્તમ લંબાઈ 40 કિમી છે. નદીનો કુલ સ્ત્રાવક્ષેત્ર 602 ચોરસ કિમી છે.ભુરુડ નદી કચ્છ જિલ્લામાં આવેલી નદી છે. આ નદી ચાવડકા અધોછની ગામ પાસે નીકળે છે. તેની મહત્તમ લંબાઈ 50 કિમી છે. નદીનો કુલ સ્ત્રાવક્ષેત્ર 326 ચોરસ કિમી છે.
(અલગ-અલગ નદીઓનાં ઉદ્દગમસ્થાન, સિંચાઈ યોજના, તેનાં સ્થાન અને આવરાક્ષેત્રની વિગતો ગુજરાત સરકારના જળસંપત્તિ વિભાગની વેબસાઇટના આધારે)