Kannappa in Gujarati Film Reviews by Rakesh Thakkar books and stories PDF | કન્નપ્પા

Featured Books
Categories
Share

કન્નપ્પા

કન્નપ્પા

 - રાકેશ ઠક્કર

3 કલાક લાંબી હિન્દી ડબ ફિલ્મ ‘કન્નપ્પા’ નો ખરો આત્મા તેના 35 મિનિટના ક્લાઇમેક્સમાં રહેલો છે. એ માટે અઢી કલાક સુધી રાહ જોવી પડે છે. જો સેન્સર બોર્ડમાં થોડા દ્રશ્યો કપાયા ના હોત અને નિર્દેશકે એક ગીત અડધું કાપવા સહિત બીજી 12 મિનિટ ટૂંકી કરી ના હોત તો સવા ત્રણ કલાક લાબી બની ગઈ હોત. પહેલા ભાગમાં હજુ 15 મિનિટ ટૂંકી કરવાની જરૂર લાગે છે. જો ફિલ્મ લગાન, એનિમલ, RRR, પુષ્પા વગેરે જેવી માસમસાલા અને જોરદાર કન્ટેન્ટ સાથેની હોય તો લાંબી પણ સારી લાગે છે. ‘કન્નપ્પા’ માં કન્ટેન્ટ છે પણ મનોરંજન નથી. આ ફિલ્મનો પહેલો ભાગ પાત્રો અને પૃષ્ઠભૂમિને સ્થાપિત કરવામાં જ નીકળી જાય છે. બીજા ભાગમાં વાર્તા ગતિ પકડે છે.

'કનપ્પા' માં એક આદિવાસી યુવાન થિનાડુ (વિષ્ણુ માંચુ) ની વાર્તા છે. તે નાસ્તિક તરીકે યુવાન થાય છે. બાળપણમાં મિત્રનું બલિદાન અપાતું જુએ છે અને ભગવાનમાંથી શ્રદ્ધા ગુમાવી દે છે. તે દેવીઓને પથ્થર માને છે અને ભગવાનના અસ્તિત્વનો ઇનકાર કરે છે. તે જૂની પરંપરાઓ સામે બળવો દર્શાવે છે. તે તેના ગામની એક છોકરી નેમલી (પ્રીતિ) ના પ્રેમમાં પડીને લગ્ન કરે છે. નેમલીની ભક્તિ અને પિતાના બલિદાન પછી પણ તે ભગવાનને સ્વીકારતો નથી અને વાર્તા એક વળાંક લે છે. જ્યાં થિનાડુના આત્માનો દરવાજો ધીમે ધીમે ખુલે છે. ભગવાન શિવ રુદ્ર (પ્રભાસ) ને તેની ભક્તિની પરીક્ષા માટે પૃથ્વી પર મોકલે છે ત્યારે થિનાડુ એક હૃદયદ્રાવક આધ્યાત્મિક પરિવર્તનમાંથી પસાર થાય છે. વાર્તાનો મુખ્ય સાર એ છે કે થિનાડુ કેવી રીતે નાસ્તિકમાંથી ભગવાન શિવના સમર્પિત અનુયાયી બને છે.  

વિષ્ણુ માંચુએ ‘કન્નપ્પા’ ની મુખ્ય ભૂમિકાને ન્યાય આપવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો છે. તે એક્શન અને ક્લાઇમેક્સ દ્રશ્યોમાં જામે છે. ક્લાઇમેક્સ ભાવનાત્મક અને ભક્તિથી ભરપૂર છે. પરંતુ પાત્રાલેખનમાં ઊંડાણનો અભાવ જણાય છે. અક્ષય કુમાર ભગવાન શિવના રૂપમાં પરિચિત સ્મિત સાથે છે. તેનું કામ ઓછું છે પણ એ કન્નપ્પાના પાત્રને વિશેષ બનાવે છે. કાજલ અગ્રવાલ મા પાર્વતીની ભૂમિકામાં સાથ આપે છે. પ્રભાસના ચાહકોને આ ફિલ્મ જોવાનો બહુ ઉત્સાહ હતો. એ જરા પણ નિરાશ કરતો નથી. પરંતુ પ્રભાસ 15 મિનિટમાં પોતાનું કામ પતાવીને જતો રહે છે એની સાથે એના ચાહકો પણ થિયેટરમાંથી જતાં રહે છે. જો પ્રભાસ આમ કરી શકે છે તો લોકો કેમ નહીં? નિર્દેશકની આ હાર છે. આખી ફિલ્મમાં પ્રભાસ જ દર્શકોના પૈસા વસૂલ કરે છે. વિલન પણ જબરદસ્તી રાખવામાં આવ્યો છે. આમ તો મોહનલાલ વગેરે મહાન કહી શકાય એવા અભિનેતાઓ છે છતાં નિર્દેશક મુકેશકુમાર પ્રભાસ સિવાય કોઈનો સરખો ઉપયોગ કરી શક્યા નથી. મોહનલાલ પ્રભાવિત કરી જાય છે.

દર્શકો એમના નામ પર ટિકિટ લેતા હોય ત્યારે નિર્દેશકની જવાબદારી વધી જાય છે. આવી પૌરાણિક ફિલ્મમાં VFX વધુ તગડું હોવું જોઈએ. કુદરતી વાતાવરણના દ્રશ્યોમાં પણ VFX નો ઉપયોગ કર્યો છે. VFX નબળું હોવાથી ઘણા દ્રશ્યોમાં એની પોલ પકડાય છે. એકપણ સંવાદ યાદગાર બન્યો નથી. કેટલાક સંવાદ તો સમજી શકાતા નથી. બેકગ્રાઉન્ડ સંગીત દમદાર છે. સંગીતની દ્રષ્ટિએ ગીતો વાર્તાને અટકાવે છે. ધાર્મિક અને આધ્યાત્મિક વિષયની આ ફિલ્મમાં રોમેન્ટિક ગીતની જરૂર ન હતી. આ કોઈ મસાલા ફિલ્મ ન હતી એટલે પ્રેમનો ટ્રેક ક્યાંક વલ્ગર બન્યો છે એ ખોટું લાગે છે. એક પરમ ભક્તની ફિલ્મમાં આ જરૂરી ન હતું. પ્રભાસ અને ક્લાઇમેક્સ જ આ ફિલ્મને બચાવી લે છે. ક્લાઇમેક્સ જોવામાં જ નહીં વિચારવામાં પણ શક્તિશાળી છે. બાકી ફિલ્મમાં અભિનય, એક્શન કે નિર્દેશન કશું જ નોંધપાત્ર લાગે એવું નથી. અપેક્ષા મુજબ નથી. શિવ ભક્તો અને પૌરાણિક ફિલ્મોના પ્રેમીઓ પરિવાર સાથે આ ફિલ્મ જોઈ શકે છે.