મા
- રાકેશ ઠક્કર
નિર્માતા અજય દેવગને કાજોલની મુખ્ય ભૂમિકાવાળી ‘મા’ ને ‘શેતાન’ યુનિવર્સની ફિલ્મ તરીકે ઓળખાવી છે પણ એમાં હોરર કહી શકાય એવા ડરામણા દ્રશ્યો જ નથી. અને બંને ફિલ્મોને ભેગી કરવાનું કામ બરાબર થયું નથી. તેથી યુનિવર્સને સ્થાપિત કરી શકતી નથી. ‘શેતાન’ યુનિવર્સમાં બનેલી બીજી ફિલ્મ 'મા' નબળી છે તેમાં કોઈ શંકા નથી. છેક અંતમાં ‘મા’ ને ‘શેતાન’ સાથે જોડવામાં આવી છે પણ જો સરખામણી કરવામાં આવે તો ‘શેતાન’ સામે હોરર જ નહીં વાર્તા બાબતે પણ પાછી પડે એવી છે.
ચંદ્રપુરની જે વાર્તા છે એ લાંબી અને કંટાળાજનક છે. એમાં કાજોલ સામે ચાલીને સમસ્યાને બોલાવતી લાગે છે. તે ઘર છોડીને જવાને બદલે આફતની રાહ જુએ છે. હા, માતાના ઇમોશનને કારણે મહિલાઓને ફિલ્મ પસંદ આવી શકે છે. નિર્દેશકે ડર ઊભો કરવા જે દ્રશ્યો રાખ્યા છે એમાં કલાકારોના હાવભાવ એવા છે કે એમના માટે ભૂત-પ્રેત નવાઈની વાત નથી. ‘મા’ ને થ્રીલર કહી શકાય પણ હોરર કહેવાનું મુશ્કેલ છે. એમ લાગે છે કે નિર્દેશક વિશાલ ફૂરિયાએ પોતાની અગાઉની ‘છોરી’ ના બંને ભાગ પરથી જ ‘માં’ બનાવી છે. જો અજયનું બેનર ના હોત તો એ ‘છોરી 3’ ગણાઈ ગઈ હોત. જંગલના દ્રશ્યો ‘છોરી’ના ખેતરના દ્રશ્યોની યાદ અપાવે છે. દિગ્દર્શક વિશાલ ફુરિયાને ‘શેતાન’ યુનિવર્સને આગળ વધારવાની જવાબદારી સોંપવામાં આવી હતી પણ એમાં સફળ થતાં દેખાતા નથી.
પટકથા સપાટ લાગે છે. આઘાતજનક દ્રશ્યોનો અભાવ છે. આખી ફિલ્મ કાજોલના ખભા પર છે. કાજોલ મોટાભાગે ચુલબુલી હીરોઈન તરીકે જ દેખાઈ છે. આ પહેલી એવી ફિલ્મ હશે જેમાં કાજોલ સાથે મારપીટ થઈ છે. કાજોલની બીજી ઇનિંગ એક પછી એક ફિલ્મથી મજબૂત બની રહી છે. વિદ્યા બાલન, તાપસી પન્નુ અને કૃતિ સેનન જેવી અભિનેત્રીઓ હિન્દી સિનેમામાં મહિલા-કેન્દ્રિત ફિલ્મોમાં પોતાનું સ્થાન બનાવી રહી છે ત્યારે તે પણ અગ્રેસર છે. આ ફિલ્મ નક્કી કાજોલને શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ અપાવશે. ફિલ્મમાં વિલન આંચકો આપી જાય છે પણ એને તાકાતવાળો બતાવાયો નથી. રોનિત રોય કમાલનું કામ કરી જાય છે. તે આ ફિલ્મનો આત્મા છે. તેણે કાજોલ સહિત અન્ય તમામ કલાકારને અભિનયમાં પાછળ છોડી દીધા છે. સારી વાત એ છે કે ફિલ્મ સવા બે કલાકની હોવાથી વધારે સમય બગાડતી નથી. જરૂર વગરના ગીતો નથી.
પહેલા ભાગમાં માતા-પુત્રીનો ઈમોશનલ ડ્રામા કામ કરી જાય છે. પરંતુ ભયાનકતા બનાવવામાં નિષ્ફળ જાય છે. બંગાળી પૃષ્ઠભૂમિ હોવાથી ત્યાંના શબ્દો અને વાક્યો છે એ સમજવામાં મુશ્કેલી પડશે. ક્લાઇમેક્સ અનુમાન કરી શકાય એવો છે. છતાં સારા વિરુધ્ધ ખરાબની લડાઈ રોમાંચક બની છે. હોરર પ્રમાણે બેકગ્રાઉન્ડ સંગીત વધુ સારું બની શક્યું હોત. કોઈપણ ગીત યાદગાર બન્યું નથી. નિર્દેશકે એક પણ ગીત ઉપર મહેનત કરી નથી. શ્રેયા ઘોષાલનું હમસફર હોય કે ઉષાજીનું કાલીશક્તિ ખાસ પ્રભાવ છોડી શકતા નથી.
વાર્તામાં વધુ ભયાનક ડરનું તત્વ હોવું જોઈતું હતું. હોરરનો ડોઝ ખૂબ ઓછો છે અથવા એમ કહી શકાય કે તેમાં ઉલ્લેખ કરવા જેવુ કંઈ ખાસ નથી. કેટલાક પ્રશ્નો છેલ્લે સુધી વણઉકેલાયેલા જ રહે છે અને કેટલીક બાબતો વિચિત્ર લાગે એવી છે. નિર્દેશકે તેને વાજબી ઠેરવવી જોઈતી હતી. વાર્તાની ગતિ ક્યારેક ધીમી પડી જાય છે. જે ફિલ્મની એકંદર પકડને અસર કરે છે. કેટલાક દ્રશ્યો એકદમ મૂર્ખામીભર્યા લાગશે અને અજાણતાં હાસ્યનું કારણ બની શકે છે. એમ લાગે છે કે નિર્માતાઓએ આદર્શ રીતે ફિલ્મને ચોક્કસ સમયે સમાપ્ત કરવી જોઈતી હતી. જો તમે એવું ધારતા હોય કે આ હોરર થ્રિલર અથવા પૌરાણિક કથા થ્રિલર તમારા રૂંવાડા ઊભા કરી દેશે તો તમે નિરાશ થશો. એની છેલ્લી ૧૦ મિનિટ અદ્ભુત રહે છે. ફિલ્મ ‘મા’ તેના ટ્રે લર જેટલી મજબૂત નથી પણ એ માનવું પડશે કે ખરાબ પણ નથી. પરિવાર સાથે જોઈ શકાય એવી છે.