Chandrvanshi - 5 - 5.1 in Gujarati Mythological Stories by yuvrajsinh Jadav books and stories PDF | ચંદ્રવંશી - પ્રકરણ 5 - અંક 5.1

Featured Books
Categories
Share

ચંદ્રવંશી - પ્રકરણ 5 - અંક 5.1

સાંજ

સાંજના સમયે સંધ્યા ખીલી છે. ચારે તરફ ચકલી ઓ જ ચકલીઓ ઉડી રqહી છે. ઝડપથી પંખ ફડફડાવી રહેલી મહેલની ઉપર ગોળ-ગોળ ઉડી રહી હતી. મહેલની દિવારો અને કોતરણી આથમતા સૂર્યની છેલ્લી રોશનીનો એહસાસ કરી રહી હતી. ઉપર ચકલી, સામે સૂર્ય અને પહાડો સાથે અથડાઈને પાછા આવી રહેલા પવનો વાતાવરણને મોહક બનાવી રહ્યાં હતાં. તે સમયે મહેલની સુંદરતામાં ભાગ ભજવવા રાજકુમારી સંધ્યા પણ બારીએ આવીને ઉભી રહી ગઈ. રાજકુમારીની આંખે લાગેલું કાજળ થોડું લીપાઈને પાંપણથી નીચે આવી ગયું હતું. સફેદ ઝીર્ણ જરિકામવાળી સાડીમાં સૂર્યનો પ્રકાશ પડતાં રાજકુમારીની આજુબાજુ પ્રકાશ ફેલાઈ ગયો હતો.

એ સમયે મહેલથી થોડે દુર એક ઉંચા ટેકરા ઉપર બે માણસ ઉભા હતા. તેમાંથી એક બોલ્યો.
“જોયું રાજકુમાર આટલે દૂર ઉભા છીએ તો પણ રાજકુમારી સંધ્યા આપણને દેખાય છે.”

“હમ્મ... તારી વાત તો સાચી નીકળી.” મલકાઈને એ રાજકુમાર બોલ્યો.

રાજકુમારીથી ધ્યાન દૂર કરાવતાં જે કામ માટે દાસ આવ્યો છે. તેના તરફ આંગળી ચીંધતા તે બોલ્યો.
“આદમરાજ જુઓ પેલો તગડો, સુંદર અને હોશિયાર સિપાહી.”

“ક્યાં છે?”

“રાજકુમારી જે તરફ મોઢું રાખીને ઉભી છે. તેની એકદમ સિદ્ધમાં જુઓ. પેલો બધા જ સિપાહીઓથી અલગ દેખાઈ રહેલો. જેને સુર્યની આકૃતિવાળું કવચ પહેર્યું છે.” દાસનો અવાજ ઉંચો થયો. 

“હા દેખાયો... દેખાયો પણ કોણ છે એ અને ચંદ્રવંશીઓનો સિપાહી હોવા છતાં સુર્યવંશીઓનો પહેરવેશ કેમ પહેર્યો છે એણે?” આદમ તે સિપાહીને જોઈને ચકિત થઈને બોલ્યો.

“આદમરાજ એ મદનપાલનો મિત્ર છે અને લોકોમાં એવી ચર્ચા થઈ રહી છે કે, મદનપાલના રાજા બનતા જ મદનપાલ તેને જ સેનાપતિ ઘોષિત કરશે.” દાસ એ રીતે વાત કરી રહ્યોં હતો કે, જાણે તે સિપાહી આદમનો દુશ્મન છે.

“હા તો એમાં શું થયું!” આદમ વાત સમજી રહ્યો ન હતો.

“રાજકુમાર તમે ભૂલી રહ્યાં છો કે, તમે એ મદનપાલના રાજ્ય અને સિપાહીને નિહાળી રહ્યાં છો. જેણે તમારા પિતાને હરાવીને સુબેદાર બનાવી નાંખ્યા છે અને તમારા પિતાની ઇચ્છા છે કે, તેમનું રાજ્ય હવે, તમે પાછું લાવી અપાવો.”

આદમરાજને હવે સમજાયું કે, કેમ તેને ગ્રહરીપૂના રાજ્યને દેખાડવામાં આવી રહ્યું છે. એટ્લે આદમ બોલ્યો. “હવે, તારો મતલબ એ છે કે, મારા રાજ્યને છોડાવવા માટે બે રસ્તા છે. પેહલો હું રાજકુમારી સાથે લગ્ન કરું અને બીજો હું યુદ્ધ કરું.”

“જી હાં રાજકુમાર.” દાસ ચમક્યો. 

“પરંતુ, તે હજું સુધી મને એ જવાબ ન આપ્યો કે, શા માટે તે સિપાહી સૂર્યવંશીઓના પહેરવેશ પહેરે છે.” આદમ દાસ તરફ લાલ આંખો કરતો બોલ્યો.

દાસ માફી માંગતો બોલ્યો. “મેં એવું સાંભળ્યું છે
કે, ઘણા વર્ષો પહેલાં અહીંયા સૂર્યવંશીઓનું રાજ હતું. જે સૂર્યવંશીઓનો એકમાત્ર વારીશ એટલે સુર્યાશં.”

“એટ્લે તે સિપાહી રાજવંશી છે!”

“હા...! આદમરાજ આ સુર્યાશંએ એક રાજવંશી સિપાહી છે. જેના પૂર્વજો આજથી સો-દોઢસો વર્ષ પહેલાં આ પ્રદેશમાં સુર્યવંશીઓનું રાજ હતું. જેમને બકસરના યુદ્ધમાં પોતાના સિપાહીઓ મોકલ્યાં હતાં.”

“બકસરના યુદ્ધમાં?”
તેની વાત સાંભળી આદમ પણ ચમક્યો.

“હા આદમરાજ! જો કે, એ સમયે નવાબ મીરકાસીમ, શાહઆલમ અને અવધના નવાબ જ હાર્યા હતાં. પરંતુ, જ્યારે અંગ્રેજોને ખબર પડી કે, અવધના નવાબની મદદ એક હિંદુરાજવીએ પણ કરી હતી. ત્યારે મીરજાફરને કહીને તેમને સૂર્યવંશીઓ સાથે યુદ્ધ છેડયું. પરંતુ, એક તો અડધું યુદ્ધ હારેલા સિપાહી અને નાનું રજવાડું ધરાવતાં સૂર્યવંશીઓ તેમનાં સામે ટકી શક્યા નહીં અને અંતે વીરગતિ પામ્યાં.” 

“તો આ સુર્યાશં કેવી રીતે અહિયાં આવ્યો?”
આદમે હજું એક પ્રશ્ન કર્યોં.

“જ્યારે યુદ્ધ થયું, એ સમયે રાજાની એક પત્ની ગર્ભવતી હતી અને તેને બચાવવા રાજાએ તેના પિયરમાં મોકલી દીધી.”

“મતલબ કે સુર્યાશં ચંદ્રવંશીઓ અને સૂર્યવંશીઓને જોડતી કડી છે.” આદમ પોતાની બુદ્ધિ વાપરીને બોલ્યો. 

“જી રાજકુમાર.” 

બીજી તરફ સંધ્યા પણ આથમતા સુરજ અને તેની આજુબાજુ રક્ષા કરવા આવી પોહચેલા સુર્યવંશી એટ્લે સુર્યાશંને એકટક થઈને જોઈ રહી છે. પ્રકાશિત ચેહરો, શક્તિશાળી શરીર અને રુઆબદાર વ્યક્તિત્વ. હંમેશા સચેત રેહનારો. રાજ્યની આપત્તિમાં મદનપાલને સાથ આપનારો સુર્યાશં. મદનપાળનો પરમમિત્ર હતો. 

***

રાત

“મહારાજ આ છે સુબેદાર ઝંગીમલ. જે તમારા શરણે આવ્યો છે અને તેને આપણી દરેક શરતો મંજુર છે.” મહારાજનો વજીર બોલ્યો.

મહારાજ ગ્રહરીપૂની સામે નીચું મોઢું કરીને ઉભેલા ઝંગીમલને જોઈને દરબારમાં આવી પોહચેલ મદનપાલ અને સૂર્યાશં. તેની વાતમાં આવવા તૈયાર ન હતાં. પરંતુ, રાજા ગ્રહરીપૂની સામે એ બંને કંઈજ ન બોલી શક્યા. ત્યારબાદ ઝંગીમલને પણ તે સભામાં સ્થાન આપવામાં આવ્યું. ગ્રહરીપૂનું માનવું છે કે, અત્યારે આપણા ખરા દુશ્મન અંગ્રેજ છે અને તેમને કેવી રીતે ભારતથી દૂર કરવા એ જ મોટો પ્રશ્ન છે. 

“હું ચંદ્રવંશી મહારાજ ગ્રહરીપૂ આપ સૌનું મારી સભામાં સ્વાગત કરું છું." ગ્રહરીપૂ બોલ્યો.

તે સમયે એક સિપાહી સભામાં બેઠેલાં સૂર્યાશં પાસે આવ્યો અને સૂર્યાશં સભામાં વચ્ચેથી ઉભો થઈને નીકળ્યો. મદનપાલ અને બાકીના લોકો જોતાંજ રહી ગયા. કેમકે, ચંદ્રહાટ્ટીમાં રાજાના આદેશ સિવાય પત્તુપણ નથી હલતું અને અહીંયા રાજાના દરબારમાંથી તેની અનુમતી લીધાં વગર જ સૂર્યાશં સભા છોડીને ચાલતો થયો. ગ્રહરીપૂને એ બિલકુલ ન ગમ્યું. પરંતુ, બીજા નવા જોડાયેલા સુબેદારોની સામે તે આજે કંઈજ ન બોલ્યો અને બધાનું ધ્યાન ખેંચવા ફરી પોતાની વાત પર આવ્યો.

“આજે ચંદ્રહાટ્ટીની સાન વધારવામાં એક રાજ્ય વધુ જોડાયું છે અને તેની સાથે આપણી સભામાં વધુ એક રાજ્યના સુબેદાર જોડાયા છે. સુબેદાર ઝંગીમલ. હવે તે આપણી સાથે છે અને...” ગ્રહરીપૂ આગળ બોલવા જાય છે તે પહેલાં જ સૂર્યાશં સભામાં ફરી આવ્યો અને રાજાની વાત કાપતા બોલ્યો.

“મહારાજ!”

ગ્રહરીપૂનું અને ત્યાં બેઠેલા બધા જ લોકોનું ધ્યાન તેની તરફ દોરાયું. ગ્રહરીપૂને એકતો ચાલું સભામાં કોઈપણ અનુમતી લીધાં વગર જવાનું અને આવીને અડધી વાતે અટકાવીદેવાનું ન ગમ્યું. તેમ છતાં ગ્રહરીપૂ તેને શાંતિથી જવાબ આપતા બોલ્યો.
“બેટા સૂર્યાશં! આમ અડધી વાત ન અટકાવ. હું હમણાં સભા પુરી કરીને તને મળું. ત્યાં સુધી તું બહાર સભા પુરી થવાની રાહ જો.”

સૂર્યાશં કોઈ અડચણની વાત લઈને આવ્યો હતો અને હજું નવો-નવો જ સિપાહી બન્યો હતો. એટલે તેને જાણ ન હતી કે, રાજ્યમાં રાજાનું શું મૂલ્ય છે! જો કે, તેનું મુખ્ય કારણ ગ્રહરીપૂ જ હતો. તે હંમેશા લોક સેવામાં જ રેહતો અને લોકો વચ્ચે જ રેહતો. જેથી, લોકોનો અને રાજાનો તફાવત ઓળખવો મુશ્કેલ થઈ જાય. તેમ છતાં આટલા ઉદાર રાજાને આપત્તિના સમયે લોકોનો સાથ નહતો જ મળતો. તેનું મુખ્ય કારણએ હતું કે, લોકોએ હંમેશા ગુલામી જ કરેલી હતી. જેથી, તેમને આઝાદી મળતા એકદમ મન-મરજીની કરવા લાગ્યાં. તે સમસ્યા વિશેનો પ્રસ્તાવ આજે સવારે જ પ્રધાને રાજા સમક્ષ રાખ્યો હતો. જે હજું પણ ગ્રહરીપૂના મગજમાં ભમી રહ્યોં હતો. એવામાં રાજાની વાત ન માનતા સૂર્યાશં ફરી બોલ્યો.

“પરંતુ મહારાજ! મારી વા.... (વાત જરૂરી છે.)” સૂર્યાશં આગળ બોલે. તે પહેલાં જ ગ્રહરીપૂ ઉગ્ર થઈને બોલ્યો.
“તને મારી વાત નથી સમજાણી? હું સભા પુરી થાય પછી મળું તને.”

“સૂર્યાશં હમણાં સભા પુરી કરીને મળીએ.” મદનપાલ ચકિત હતો. તેમ છતાં શાંતિથી બોલ્યો.

“અમમમ... હા.... ના....” સૂર્યાશં મુંઝવણમાં જ બોલતો-બોલતો બહાર નીકળી ગયો. બહાર ઉભેલા સિપાહીને થોડું કહ્યું અને ફરી તેની ધૂનમાં ચાલવા લાગ્યો.

“હજું સુધી તો સાંભળ્યું જ હતું. પરંતુ, આજે તો જોઈ પણ લીધું કે ચંદ્રહાટ્ટીમાં પ્રજા સ્વતંત્ર છે.”
ઝંગીમલ બોલ્યો. એ જ સમયે બહારથી બીજો સિપાહી વગર અનુમતીએ આવ્યો અને મહારાજ ગ્રહરીપૂની સામે આવીને બોલવા જાય જ છે કે, તે પહેલાં જ ઝંગીમલ એક મીઠું કટાક્ષ બોલ્યો. “મહારાજ સાચે સ્વતંત્રતાની કોઈ હદ જ નથી હોતી. હું મારા રાજ્યમાં કઠોર રેહતો કેમકે, હું જાણું છું કે, પ્રજાને સુખ સ્વતંત્રતામાં નય મળે. પરંતુ, એમને તો નીચે દબાવીને રાખીએ બદલામાં ક્યારેક ક્યારેક થોડીક ભેટ સ્વરૂપે સ્વતંત્રતા આપીશું. તો જ એ સુખી રહશે.” 

ઝંગીમલની વાતમાં આવી ગયેલા રાજાએ તે સિપાહીને સીધો જેલમાં નંખાવ્યો. ઉગ્ર બનેલ ગ્રહરીપૂથી સભાનું વાતાવરણ પલટાયું. લોકોની મુક્તિની માંગ છોડી રાજ્ય પર અંકુશ રાખવા ચર્ચા કરી. 

***