બીજા દિવસે
“રાજા ગાંડો થઈ ગયો છે કે શું?” એક વૃદ્ધ બોલ્યો.
“કેમ શું કર્યું રાજા એ?” તે વૃદ્ધની પત્ની બોલી.
“શું નહીં બધું જ ખોઈ નાખ્યું આપણે.” વૃદ્ધની આશા તૂટેલી હતી. તે તેની નાની ઓરડીમાં ઢાળેલા ઢોલિયામાં બેસી ગયો.
હજું તેની પત્નીને એ વૃદ્ધની વાત સમજમાં ન આવી. એટલે તે એ વૃદ્ધને પૂછવા જાય છે, પણ તે પેહલા જ ત્યાં એક જુવાનિયો દોડીને આવ્યો.
“મુખી ઓ રમણલાલમુખી, પાન્ડુઆ ગામમાં સિપાઈઓ આવી ગયા છે. ચાલો હમણાં રાજા પણ આવતાં હશે.” તે જુવાન મુખીના ભાઈનો દીકરો હતો. રમણનોભાઈ આગલા દિવસે જ રાજ્ય માટે લડાઈ લડતા શહીદ થઈ ગયો. તેને સિપાઈઓ લઈને આવી ગયા હતા. ગામમાં આજે શોકનો માહોલ છવાઇ ગયો હતો. ગામનો શૂરવીર સહીદ થયો હતો. લોકો તેને જોવા ટોળે વળ્યાં હતાં અને અમુક લોકો જે ત્યાં પોહચી શકે તેમ નહોતા તેઓ ચર્ચા કરી રહ્યા હતા.
“કોણ ઓલા રમા મુખી એના સગા ભાઈ થાય?”
ટોળામાંથી એક અવાજ ઉમટયો. જે તે ગામના મુખી તરફ હતો.
“છેતો એનોજ ભાઈ પણ શું એ વાત સાચી કે અંગ્રેજો એ જ આને માર્યો હશે?” ટોળામાં બીજો અવાજ અલગ અંદાજે નીકળ્યો.
“(કાંપતા અવાજે) અંગ્રેજો!!!” નીકળેલા અવાજમાં થોડો ડર અને કોઈ મોટી હાનીની આશંકા ઉભી થતી નજર આવી. હવે ટોળામાં ઉભેલા બધાનું ધ્યાન તેના તરફ ખેંચાયું. તેમાંથી એક નવ યુવક બોલ્યો : “કેમ, તમે આટલા ડરી રહ્યાં છો?”
“અંગ્રેજો એ આધુનિક રાક્ષસ છે. જેમને અત્યારે લગભગ આખા ભારતને ગળી લીધું છે. તેમનું સામ્રાજ્ય પૂર્વથી છે'ક પશ્ચિમમાં છે. કેહવાય છે કે, ઘણાં વર્ષો પહેલાં અંગ્રેજો વેપાર કરવાના બહાને ભારત આવ્યાં હતા. જે હવે રાજ કરી રહ્યાં છે. મારા જીવનના સિત્તેરવર્ષમાં મે અનેક સામ્રાજ્યોનો સફર કર્યો છે પરંતુ હજું સુધી અંગ્રેજોના રાજમાં પ્રવેશ કરવાનો સાહસ મેં નથી કર્યો.” વૃદ્ધ બોલતાં બોલતાં ઉધરસ ખાવા લાગ્યો. જેથી તેના ઝબ્ભાની બાઈ માંથી એક નકશો સરકી પડ્યો. તે વૃદ્ધની વાતને રસથી સાંભળનાર એ યુવાને તે નકશો પોતાના હાથમાં લીધો.
વૃદ્ધની આંખો બાર નીકળી. આધેડ શરીરમાં ગરમ લોહીનો ચસ્કો લાગ્યો હોય તેમ વૃદ્ધે જપાક દઈને હાથ લંબાવ્યો અને કોઈ હજુ સમજી કે વિચારી શકે તે પેહલા જ તે નકશો લઈને વૃદ્ધ ટોળાને વીંધીને ગાયબ થયો. જોવા જેવી વાત એ પણ હતી કે તે વૃદ્ધ સાથે એ યુવાન પણ ગાયબ હતો.
લોકોને ખૂબ જ આશ્ચર્ય થયો કે, ઘરડો દેખાતો માણસ એકદમથી ગાયબ કેવી રીતે થયો?
ટોળામાં તે નવ યુવક પણ ન હતો.
લોકો ચર્ચામાં પડ્યા. એટલામાં ઢોલ, નગારા અને શરણાઇનો અવાજ ગુંજ્યો. પણ તે અવાજ કોઈ શુભ પ્રસંગનો ન હતો, અથવા રાજા આવ્યા છે તે માટે રાજાના સ્વાગતનો પણ ન હતો. તે અવાજ માતૃભૂમિ માટે બલી આપનાર એ મહાન સિપહોની અંતિમ યાત્રમાં ભાગ ભજવતો હતો.
લોકોની આંખમાં આંસું ભરાયા એક મહાન સિપાહી આજે તેમની સમક્ષ ધરતીમાંના ખોળામાં સૂતો હતો. લોકોની આંખમાં આસુ માત્ર એટલા માટે ન હતા કે તે એક મહાન સિપાહી હતો. પરંતુ એટલાં માટે હતો કે તે એમના સ્નેહી જનો માનો એક હતો. કોઈનો કાકા હતો, કોઈનો દાદો, કોઈનો ભાઈ, કોઈનો પિતા હતો. તેના ઘરના સંબંધી પણ વધુ તે કોઈનો ગુરુ હતો.
જે હમણાં ટોળામાં ઉભેલા વૃદ્ધની સાથે ગાયબ થયો અને તે નવ યુવક આખા ગામનો ચહિતો છે.
તે નવ યુવક બીજું કોઈ નહીં પરંતુ સુર્યાંશ છે.
રમણલાલ મુખી અને તેના ઘરના સભ્યો આવી રહ્યાં હતાં. “(રડતા અવાજે) વૈભવરાજ મારો ભાઈ તને શું થયું?” રમણલાલ બોલ્યાં. હજું રમણલાલ તેના ભાઈના મૃતદેહને ભેટવા જ જાય છે કે, તેને રાજા ગ્રહરીપુ નજર આવ્યાં. રમણલાલ અટકાયો રાજા તરફ જોઈને નમસ્કાર કર્યા. પછી તેનાં ભાઈના સબ સામે હાથ કરીને બોલ્યો: મહારાજ હજુ કેટલા મરશે?
ગ્રહરીપુને ગામના મુખીની વાત કડવી લાગી. પરંતુ પહેલેથી સારા સ્વભાવનો રાજા તેની વાત ગળી ગયો અને તેના સિપાહીઓ સાથે ફરી મહેલ તરફ વળ્યો. રસ્તામાં પ્રધાન સાથે ચર્ચા શરૂ કરી.
“કાલે રાત્રે સુર્યાંશ શા માટે મારી પાસે આવ્યો હતો?”
“મહારાજ! સાંભળવામાં આવ્યું છે કે, આ વૈભવરાજ સુર્યાંશના ગુરુ છે અને કદાચ કાલે રાત્રે એની જ વાત લઈને સૂર્યાંશ આવ્યો હશે.”
પ્રધાન તેનાં ઘોડા પરથી જ મહારાજ સાથે ચર્ચા કરી રહ્યો હતો.
“એટલે નવા રાજા આવવાની ચર્ચાથી રાજ્યમાં કંઇક ષડયંત્ર ચાલી રહ્યું છે!” રાજા ગ્રહરીપુ વાતને થોડા અંશે સમજ્યા. થોડીવારમાં તે મહેલમાં પહોંચ્યા. ત્યાં પહોંચતા જ રાજાએ સુર્યાંશને તેમની સમક્ષ હાજર કરવા આદેશ આપ્યો. રાજાનો આદેશ માનીને સિપાહી સુર્યાંશને લેવા રવાના થયાં મહેલમાં વચ્ચે રાજકુમારી સંધ્યા તેમની સામેથી આવી રહી હતી. “સિપાહીઓ આમ ટોળું મળીને ક્યાં જઈ રહ્યાં છો? શું રાજ્યમાં કોઈ સંકટ આવી પડ્યું છે?”
“પ્રણામ રાજકુમારીજી! હું પાંડુઆ ગામનો સિપાહી છું. મહારાજે એમને સુર્યાંશને તેમની સમક્ષ હાજર કરવાનો આદેશ આપ્યો છે.”
“મહારાજે! શા માટે?” રાજકુમારી સુર્યાંશનું નામ તેના મોંઢે ન લેતા જ વાત કરી.
“ક્ષમા કરે રાજકુમારી એ વાતની જાણ મહારાજે અમને પણ નથી કરી. પરંતુ તે ક્રોધિત હતાં.”
રાજકુમારી સંધ્યા તેના પિતા પાસે જવા નિકળી. મનો-મન સુર્યાંશ વિશે વિચારતી હતી. એટલામાં જ તેણે મદનપાલનો પણ ભેટો થયો અને સંધ્યાએ તેને આ વાતની જાણ કરી. એટલે બંને ભાઈ બહેન મહારાજ પાસે ગયાં અને ગ્રહરિપુના ક્રોધનું કારણ જાણ્યું.
બીજી બાજુ સુર્યાંશ તેના ઘરથી ખુબ જ દૂર બીજા રાજ્યમાં પોહચી ગયો હતો. તે રાજ્ય ચંદ્રહાટ્ટી રાજ્યની વિરુદ્ધમાં હતું. તેનો રાજા ગ્રહરિપુને હરાવીને તેનું જૂનું વેર વાળવા માંગતો હતો. પરંતુ સુર્યાંશ તો પાંડુઆથી છટકી ગયેલા વૃદ્ધની પાછળ અહીંયા સુધી આવી પહોંચ્યો. તે રાજ્યના લોકો ખુબજ ગરીબ અને કંગાલ હતા. કોઈ ગણ્યા ગાંઠ્યા ઘરો જ શ્રીમંત લોકોના હોય તેવું લાગી રહ્યું હતું. સુર્યાંશની નજર સામે હવે એક ભવ્ય મહેલ આવ્યો. જ્યાં હજારોની સંખ્યામાં સૈનિક હતા. તે મહેલ ખુબજ વિશાળ હતો. તે મહેલ સામે ગ્રહરીપુનો મહેલ એક નાનો કુબો લાગે. લોકો જેટલા દુઃખી હતાં, રાજા એટલો જ સુખી હતો. પણ તે સિપહીઓનો પહેરવેશ અલગ હતો. મતલબ તેમને નીરખીને જોતાં જ
સુર્યાંશ સમજી ગયો હતો કે, આ રાજ્ય અંગ્રેજોએ જીતી લીધું છે અને રાજાને પોતાની તરફ આકર્ષિત કરી પ્રજાને દુઃખી કરી રહ્યાં છે.
એક આખો દિવસ ફરતા સુર્યાંશ સમજી ગયો હતો, જો અંગ્રેજો એ ચંદ્રહાટ્ટી જીત્યું તો અંત નજીક છે.
અચાનક સુર્યાંશની પીઠ પર હાથ રાખીને પાછળથી એક વ્યક્તિનો અવાજ આવ્યો. “તારા ગુરુ વૈભવરાજને દગાથી મારવામાં આવ્યાં છે.” સુર્યાંશ પાછળ જોવે છે, તો એ બીજો કોઈ નહીં પરંતુ એ જ વૃદ્ધ હતો. જેના પાછળ- પાછળ સુર્યાંશ આવ્યો હતો.
“કોણ છો તમે?” ગભરાયેલો સુર્યાંશ બોલ્યો.
“હું ચંદ્રવંશીઓનો ગુપ્તચર છું. આપણું ચંદ્રહાટી સંકટમાં છે.”
“તો નાસીને બીજાના રાજ્યમાં નપુંશક બનીને રહેવાનો શું મતલબ?”
“મતલબ છે.” ગુપ્તચરના અવાજમાં ભાર આવ્યો.
“એટલે રાજ્યને સંકટમાંથી બચાવી શકીશું?”
“હા! પરંતુ એ પહેલાં તારે પાંડુઆની પાછળ આવેલા એ જંગલોમાં જવું પડશે.”
“તે જંગલમાં તો ચંદ્રવંશી મંદિર આવેલું છે. ત્યાં જઈને શું પૂજા કરું?” ઝડપથી જવાબ મેળવવા સુર્યાંશ ગુપ્તચરને ઉશ્કેરવાનો પ્રયાસ કરવા લાગ્યો.
“તે મંદિર પણ રહસ્યમય છે.” ગુપ્તચરની વૃદ્ધ આંખોમાં ચમક દોડી.
***