નિતુ : ૧૧૭ (મુલાકાત)
વિદ્યા આજે અનેરા ઉમંગ સાથે ચાલી રહી હતી. ઓફિસમાં એ રીતે પહોંચી જાણે કંઈ થયું જ ના હોય. જો કે જીવનમાં ઘણો બધો ફેરફાર થય ગયો હતો. પરંતુ મજાની વાત એ હતી, કે બેફિકર થયેલી વિદ્યા માટે સ્ટાફ ફિકર કરી રહ્યો હતો. તેઓને ગઈ કાલે બનેલી ઘટના અંગે ચર્ચા કરવાનો મોકો શોધવાનો હતો. અંદરો અંદર ઘણી ગૂસપૂસ થતી, પણ વિદ્યા સામે બોલે કોણ? એટલી તો હિમ્મત કરવી રહી!
કોઈ વિશેષ ઉદ્ધમ સાથે એ ઓફિસમાં પ્રવેશી. ઝડપી અને વિશ્વાસી ચાલ. ચેહરા પર ગુલાબી સ્મિત અને પ્રસન્નતાની મૂર્તિ જેવી. શું આ એના પ્રેમની તાકાત હતી? કદાચ હા! એને આવતા જોઈ સ્ટાફના લોકો ત્રાંસી આંખોથી એની સામે જોતા હતા. વિદ્યાની નજર જેના પર પડે એ માથું નીચું કરી દે.
વિદ્યા એ બધું સમજતી હતી. એ તેઓની સામે જોતી અને આડી નજરે એનો સ્ટાફ એને જોઈ રહ્યો છે, એમ જાણી એ મનોમન હર્ષ પામતી. તેઓનું અવલોકન કરતી એ આગળ ને આગળ ચાલી રહી હતી. એનો પીએ એની પાછળ એની બેગ લઈને આવી રહ્યો હતો. પહેલા માળે ચડી એણે પોતાની કેબીન તરફ કદમ ચલાવ્યા. એટલામાં એની નજર કરુણા પર પડી અને તે અટકી ગઈ.
એનું ધ્યાન પોતાની તરફ છે એવું જોઈને કરુણા ઉભી થઈ ગઈ. "યસ મેમ!"
"ગુડ મોર્નિંગ." એના ડેસ્ક પર આવી, સ્માઈલ આપતા વિદ્યા બોલી.
"ગુડ મોર્નિંગ મેમ."
"અ... " કંઈક કહેવા જતા પોતાના શબ્દોને રોક્યા અને આજુ બાજુ નજર કરી. અનુરાધા એન્ડ ગ્રુપની પણ એવી જ દશા છે અને ધ્યાન એના તરફ છે, એ જોઈ વિદ્યા મૌન થઈ ગઈ. કરુણાએ તારણ કાઢતા પૂછ્યું, "કંઈ કહેવું છે આપે મેમ?"
કઈ રીતે વાત કરવી એ ન સમજતા અકળથી એ બોલી, "હા... મારે... અં... તારી સાથે મારે... થોડી વાત કરવાની હતી." ને પછી આદેશ આપતા સીધું કહી દીધું, "તું મારી કેબીન આવ. ત્યાં વાત કરીયે." એટલું કહી એ કેબિનમાં જતી રહી.
કરુણા મનોમન વિચારતી હતી, કે "મેડમને આખરે શું થયું છે? સવાર સવારમાં આવતાની સાથે મને કેબિનમાં બોલાવી!" એ પણ એની પાછળ પાછળ ચાલી.
વિદ્યા પોતાની કેબિનમાં આવી અને એનો પીએ ટેબલ પર એની બેગ રાખી બહાર ગયો. વિદ્યા ટેબલ પાસે હજુ ઉભી જ હતી એટલામાં કરુણાએ દરવાજે ટકોર કરી.
દરવાજા તરફ નજર કરી, "કરુણા... પ્લીઝ કમ." સ્માઈલ આપી વિદ્યાએ એને અંદર બોલાવી અને સાથે બેસવા માટે ઈશારો કર્યો. પોતાની ખુરશીને બદલે કરુણા ટેબલની સામેની બાજુ બેઠી હતી, ત્યાં જ બાજુની ખુરશી પર એ પણ બેસી ગઈ.
"કરુણા... સોરી."
તે ચકિત થઈ ગઈ. બોલી, "મેમ! શાના માટે?"
"આઈ નો કરુણા, તું અને નિતુ બંને આ ઓફિસમાં સારા એવા દોસ્ત છો. એની સાથે રહેવાના ઇરાદે મેં તને પણ હાનિ પહોંચાડી જ છે."
"ના ના" કરુણા એ રીતે વર્તી કે જાણે પહેલેથી જ એને માફી આપી દીધી હોય.
એને અવગણી તે આગળ બોલી, "ગઈ કાલે પણ મેં તને આખો દિવસ મિટિંગ રૂમમાં બેસાડી રાખી. આઈ એમ સો સોરી કરુણા."
"તમારે માફી ના માંગવાની હોય મેમ. નિતુએ કાલે મને પણ તમારી બધી વાત કરી. તમારી જે સ્થિતિ રહી હશે એને હું સમજી શકું છું."
નમ્ર થતા એ બોલી, "એ તો તારી સારપ છે. પણ મારે તો માફી માંગવી ઘટે. મેં ક્યારેક તો એવું કર્યું જ હશે જે તને નહિ ગમ્યું હોય."
વિદ્યાની અંદર જૂની વિદ્યા ફરી જાગી રહી હતી. એની આટલી નરમાશ કરુણા માટે વિશ્વાસને બહાર હતી. એના શબ્દો સાંભળી તે ગળગળી થઈ ગઈ. "તમે અમારા બોસ છો. તમારૂ કહેલું માનવું એ તો અમારી ફરજ કહેવાય. ભલું તમારાથી અમે ઉપરવટ કઈ રીતે જઈ શકીયે?"
"હાં... પણ મેં અયોગ્ય વર્તન કર્યું છે, એના માટે તો મારે તારી માફી માંગવી રહી ને!"
કરુણા થોડી હરખાઈ, "ઈટ્સ ઓકે મેમ. હવે એ બધાનો કોઈ અર્થ નથી. જવા દો એ બધું."
"તો શું હું એમ સમજુ કે તે મને માફ કરી દીધી."
"હા" એની હા સાંભળતા વિદ્યા પણ હર્ષિત થઈ ગઈ. એને મુસ્કાન આપી. દરવાજે ફરી ટકોર થઈ. બંનેએ એ દિશામાં જોયું, તો ત્યાં નિતુ ઉભેલી.
"આવ નિતુ..." વિદ્યાએ એને અંદર આવકારતા કહ્યું. એ અંદર આવી અને બંનેની પાસે ઉભી રહી. પૂછ્યું, "ગુડ મોર્નિંગ મેમ. તમે આજે આટલા જલ્દી ઓફિસ આવી ગયા?"
"હા. મારી ઓફિસ છે. એન્ડ મિસ નીતિકા, લાગે છે તું આજે ઘડિયાળમાં જોવાનું ભૂલી ગઈ છે. હું મારા સમયે જ આવી છું. તું લેટ છે."
દીવાલ પર ટાંગેલી ઘડિયાળમાં જોતા નીતિકાને પોતાની ભૂલ સમજાય. એણે દાંત તળે જીભ દબાવી, "ઉપ્સ... સોરી, ઘડિયાળમાં તો મારુ ધ્યાન જ ન્હોતું. વાદળછાયું વાતાવરણ છે એટલે સમયનો ખ્યાલ ના રહ્યો."
"એની વેયઝ. શું કહેવા આવી છે?" વિદ્યાએ પૂછ્યું.
તેણે સવાલ કર્યો, "તમને કેમ ખબર કે હું કંઈક કહેવા માટે આવી છું?"
"હું એટલું તો સમજી જ શકુને?
એ એની વાત છેડવાની રાહે હતી. નિતુએ નેણ ઊંચા કરી કરુણા તરફ જોયું અને એણે વાત કરવાની મંજૂરી આપી હોય એમ ઇશારાથી હા ભણી. વિદ્યા આ બધું જોતી હતી. એણે પણ તેઓના ઈશારા જોયા, "નિતુ! તમે બંને ભેગી મળીને વાત કરવાની છો? કરુણા?"
કરુણા કહેવા લાગી, "નીતિકા તમને ઓફિસ બાબતે પૂછવા માંગતી હતી અને એણે મને સાંજે કહેલું એટલે..."
વિદ્યાએ અસમંજસતાથી પૂછ્યું, "નિતુ! શું મેટર છે?"
તૂટેલા શબ્દોમાં એ બોલી, "એક્ચ્યુલી મેમ, હું સાંજે તમારી સાથે વાત કરવાની હતી. પણ પછી ના કરી. એટલે..."
"નિતુ. પ્લીઝ, જે કહેવા માંગે છે એ સ્પષ્ટ કર. ગોળ ગોળ વાત ના ફેરવ."
"મેમ, નિકુંજભાઈ પરત આવી ગયા છે. તો..." એ બોલતા અટકી ગઈ.
"ના." વિદ્યાએ કહ્યું. ચકિત થઈને બંને વિદ્યા સામે જોઈ રહી. નિતુએ હજુ પોતાની વાત પૂર્ણ નથી કરી તો વિદ્યાએ ના શેની કહી એ બંનેને ના સમજાયું. તેણે કહ્યું, "મને હતું જ કે તું આ સવાલ જરૂર કરીશ. તારા ગયા પછી મેં નિકુંજ સાથે વાત કરી. એણે જણાવ્યું કે હાલ ઓફિસ જોઈન કરવાનો એનો કોઈ ઈરાદો નથી. શાહની જગ્યાએ મેનેજર તારે જ બનવાનું છે નિતુ. આમેય, અમે બંનેએ કાલે સાંજે થોડું પ્લાનિંગ કર્યું છે. તને પણ જાણ થઈ જશે."
"જી. મેમ."
વિદ્યાએ એક શ્વાસ લીધો ને બોલી, "આઈ હોપ કે તમે બંને મારુ કરેલું બધું ભૂલી જશો. મને દિલથી માફ કરી આ ઓફિસમાં ફરીથી પહેલાની જેમ કામ કરશો."
કોઈ વિલંબ વિના હસીને નિતુએ મનનો વિચાર પ્રગટ કરી દીધો, " એક શરતે. જો અમને અમારા પહેલાના વિદ્યા મેડમ મળશે તો. અમને એ વિદ્યા મેડમ સાથે કામ કરવાની મજા આવશે." વિદ્યા ગંભીર થઈ ગઈ. પોતાની બોસ સાથે આ રીતે વાત કરવી, થોડું વધારે પડતું બોલાય ગયું હોય એમ કરુણાએ એની સામે જોયું. નિતુને પણ અહેસાસ થયો કે એનાથી સીમા વટાવી બોલાય ગયું.
બંનેએ ચુપકી સાધી. વિદ્યાએ પોતાની ગંભીરતાને છોડી હસતા મુખે ઉત્તર દીધો, "ટ્રાય કરીશ." અને ત્રણેય હસી પડી. વિદ્યાએ આગળ કહ્યું, "નિતુ! શાહ તારી રાહે છે. હવે એ માત્ર બે દિવસ જ છે. પહેલી ઓગસ્ટથી તારે કામ સંભાળવાનું છે. એની પાસેથી જેટલું શીખી શકે એટલું શીખી લે."
"હમ્મ." હકારમાં માથું ધુણાવી એ બોલી.
"ગો." વિદ્યાએ એને ફરી કામે વળગવાની સલાહ આપી. બંને બહાર આવી અને પોત પોતાના કામમાં લાગી ગઈ.
કરુણા પણ એ બાબતમાં શામેલ છે એ સૌને જાણ તો થઈ ગઈ, પરંતુ વાત મેડમની હતી, એટલે વાત ઉછાળવા કે નિકુંજ અંગે જાણવા કોઈએ હિમ્મત ના કરી. અંદરો અંદર ખટપટ ચાલી રહી હતી. જો કે કરુણા પ્રત્યેની દરેકની નજર પણ અલગ થઈ ગઈ હતી. આ બે દિવસનું વાતાવરણ તંગ દિલી વાળું રહ્યું. સૌ કોઈ માત્ર પોતાના કામમાં જ રચ્યા રહ્યા હતા.
નિતુને શાહ જેવા હોનહાર માણસ સાથે કામ કરવાનો મોકો મળ્યો હતો અને એ એનો સારો એવો ફાયદો ઉઠાવી રહી હતી. શાહની દરેક વાતને માની એ મન લગાવી નવું કામ શીખી રહી હતી. મેનેજર તરીકેની દરેક જવાબદારીની એ પુષ્ટિ કરતી અને શાહ સાથે ચર્ચાઓ કરતી. એ બે દિવસમાં ઓફિસમાં કામ સિવાય કોઈ ચર્ચાઓ થતી નહિ.
આ દરેકમાં એક પાત્ર અલગ ચાલી રહ્યું હતું. નવીન કોટડીયા, જે નિતુ સાથે વાત કરવાનો પ્રયત્ન કરતો હતો. એની સાથે કોઈ જાતની વાત કરવા એ તૈય્યાર નહોતી. એક બે વખત કામથી કોરિડોરમાંથી પસાર થતી નિતુ સાથે વાત કરવા એણે કોશિશ કરી, પણ તે અલગ દિશામાં મોં રાખી ચાલી ગયેલી. ભાર્ગવની નજર નવીન પર જ હતી. એ એને સતત નોંધી રહ્યો હતો. બે દિવસના અંતે એ થોડો હતાશ હતો.
આખરે જુલાઈ મહિનાનો એ અંતિમ દિવસ પૂરો થઈ ગયો, જે દિવસથી શાહ પોતાનું કામ છોડી રહ્યા હતા. સાંજ થઈ ગઈ અને ઓફિસ ધીમે ધીમે ખાલી થવા લાગી. ઓફિસના ગ્રાઉન્ડમાં સ્ટેજ સજાવાય રહ્યું હતું. આવતી કાલે યોજવામાં આવેલ ભવ્ય સમારોહની તૈય્યારી ચાલી રહી હતી. જ્યાં શાહને ગુડ બાય અને નિતુને વેલકમ કરવાનું હતું. દરેકના મનમાં આ કાર્યક્રમને લઈને અનેરો ઉત્સાહ હતો. નવીન આજે સૌથી છેલ્લે ચાલી રહ્યો હતો. બહાર આવી એ સજી રહેલા સ્ટેજ તરફ જોઈને ઉભો હતો. ભાર્ગવ ત્યાં આવ્યો અને એના ખભા પર હાથ રાખી બે વખત થાબડ્યો. નવીને એની સામે
જોયું અને એનામાં હિમ્મત પૂરતા એ એને પોતાની સાથે લઈને જતો રહ્યો. હવે રાહ કાલના દિવસની હતી.