બાબાએ ડોકટરનો મેસેજ જોયો. ડોકટરે કલાક પછી ફોન કરવાનું લખ્યું હતું. બાબાએ મેસેજનો સમય જોયો તો અડધા કલાક જેવું થયું હતું. બાબાએ કલાક રાહ જોયા વગર તરત જ ડોક્ટરને કોલ લગાડ્યો. પણ ડોકટરનો ફોન સ્વીચઓફ આવતો હતો. બાબાના પેટમાં ફાળ પડી. તરત જ એણે ટેમુને ફોન લગાવીને ડોકટરના મેસેજની વાત કરી."ચાલ હું આવું છું; આપણે જગા ભરવાડના ઘરે તપાસ કરીએ." ટેમુએ કહ્યું.થોડીવારમાં જ ટેમુ એની એઈટી લઈને બાબાના ઘરે આવ્યો. એ વખતે બપોરના બે વાગી ગયા હતા. ગામની બહાર ભરવાડવાસમાં ટેમુ અને બાબો જગાના ઝાંપા પાસે આવ્યા. જગાની જીપ ત્યાં જ પડી હતી. ઓસરીમાં બેઠેલા ડોકટર ટેમુ અને બાબાને જોઈ એમની પેટી લઈ તરત જ ઝાંપે આવ્યા."ટેમુ અને બાબા, સારું થયું તમે લોકો આવી ગયા. જગાનો જોડીદાર નારસંગ મારો ફોન લઈ ગયો છે. સાલો નાલાયક! મને લાગે છે કે આ લોકોની કંઈક ચાલ તો છે જ. જગો ભરવાડ એની મા માંદી હોવાનું કહી મને અહીં લઈ આવ્યો છે પણ એની મા તો ઘરે જ નથી. એના તોફાની છોકરાઓએ મારા કપડાં બગાડી મુક્યા. ચાલો, અહીં રોકાવા જેવું નથી." "હા ચાલો તમે પેટી બાબાને આપી પાછળ બેસી જાવ. આપણે મારા ઘરે જઈને આગળ વિચારીએ." ટેમુએ કહ્યું. ડોકટર જેમ તેમ કરીને બાબા પાછળ ગોઠવાયા. ટેમુએ યુ ટર્ન લઈ એઈટી ભગાવ્યું. એ વખતે જ એ બજારમાં જગો અને નારસંગ આવતા હતા. જગાએ એ ત્રણેયને ભાગતા જોઈએ બૂમ પાડી. "એ..દાગતર સાયેબ, ઊભા રો. તમારો ફોન તો લેતા જાવ.." ડોકટરે ટેમુને એઈટી ઊભું રાખવાનું કહ્યું. ટેમુએ એઈટી ઊભું રાખ્યું. જગો અને નારસંગ એ લોકો પાસે આવ્યા. "તારી બા માંદી તો નથી. તો પછી તું મને તારા ઘરે કેમ લઈ આવ્યો." જગાને કહી ડોકટરે નારસંગ તરફ જોઈ કહ્યું, "લાવ મારો ફોન, તમને લોકોને કંઈ સેન્સ જેવું છે કે નહીં?" જગો અને નારસંગ હસવા લાગ્યા. "તમારો ફોન તો ખોવાઈ ગયો. રૂપલી હાર્યે વાત કરીન મેં આ ખીસામાં જ મેલ્યો'તો. પણ આ ખીસ્સું ફાટલું છે એનું મને ઓહાણ જ નો રિયું. પસી મેં ને જગાએ બવ ગોત્યો પણ નો મળ્યો. કોક લય જયું મારુ બેટુ." નારસંગે કહ્યું."એવું કેમ ચાલે? ખીસ્સામાંથી ફોન પડે તો તને ખ્યાલ આવી જ જાય. તું જૂઠું ન બોલ. લાવ મારો ફોન મને આપી દે મહેરબાની કરીને. નહિતર હું તારા પર પોલીસકેસ કરીશ. મારો ફોન તું ઝુંટવી ગયો છે અને એ ગુનો છે." ડોકટરે ખિજાઈને કહ્યું."હવે જાવા દયો ને સાયબ, તમારો ફોન જૂનો તો થય જ્યો'તો ને? અમથોય તમારે બડલવાનો જ હશે. પાનસો રૂપિયા આ નારીયો તમને દય દેહે. આમાં કાંય પોલીસ કેસ નો કરવાનો હોય વળી. તોય તમારે કેસ કરવો જ હોય તો જાવ કરો." જગાએ કહ્યું. ડોકટરે લાચાર થઈ બાબા અને ટેમુ સામે જોયું. "એક તો તમે તમારી બા બીમાર ન હોવા છતાં ડોકટર સાહેબને જબરજસ્તીથી અહીં ઉઠાવી લાવ્યા. એમનો ફોન લઈ લીધો. તમે લોકો કરવા શું માંગો છો એ કહો ને? મને ખબર છે તમે બેય સરપંચના માણસો છો. આવી ગુંડાગિર્દી અમે ચાલવા નહિ દઈએ." બાબાએ કહ્યું."અલ્યા ભામણભાઈ તમે રેવા દયો. નકામા લાડવા વેરાઈ જહે. અને તું અલ્યા ટેમુડો ને? મીઠાલાલ મીઠાઈવાળાનો સોકરો ને? દુકાન હાંકવાની સે ને ગામમાં?" જગાએ ડોળા કાઢીને કહ્યું. "એટલે તમે કહેવા શું માંગો છો? જો ભાઈ, આ બધું રહેવા દો અને સીધીરીતે ડોકટરનો ફોન પાછો આપી દો. નહિતર ન થવાની થાશે." ટેમુએ આગળ આવીને કહ્યું."ઈમ? એટલો બધો પાવર સે? તો જા નથી દેવો ફોન. થાય ઈ કરી લ્યો.'' નારસંગ બોલ્યો."ઠીક છે તો પછી. ચાલ ટેમુ હવે આપણે આપણી રીતે જોઈ લઈશું. ડોકટર સાહેબ, તમે ચિંતા ન કરતા તમારો ફોન તમને પાછો મળી જશે." બાબાએ જગા અને નારસંગ પર એક નજર નાંખીને કહ્યું."હુકમચંદના ઈશારે જ આ બધું તમે કર્યું છે એની અમને ખબર છે. પણ હવે જોઈ લેજો." કહી ટેમુએ એઈટીને કીક મારી. "જા ને હવે જાતુ હોય તો. જે ઉખાડવું હોય એ ઉખાડી લેજે." જગાએ કહ્યું. બાબો, ટેમુ અને ડોકટર વધુ માથાકૂટ કર્યા વગર ત્યાંથી રવાના થઈ ગયા. જગાએ નારસંગને તાળી આપી.****** ડોકટર પાસેથી ફોન ઝુંટવીને નારસંગ સીધો જ હુકમચંદના ઘરે ગયો હતો. હુકમચંદ નારસંગને શાબાશી આપીને, ફોન લઈ બોટાદ જવા નીકળી ગયો. ભગાલાલે સૂચના આપી હતી કે ડોકટરે સ્કીમ વિરુદ્ધ જો કંઈ પ્રવૃત્તિ કરી હશે તો એની સાબિતી એના ફોનમાં હશે. તમે ડોકટરનો ફોન તફડાવીને બોટાદની ઓફિસે મોકલવો. બોટાદની ઓફીસમાં જે છોકરાઓ કામ કરતા હતા એ મોબાઈલ ડેટા કાઢવામાં એકસપર્ટ હતા. ડોકટરના ફોનનો પાસવર્ડ ક્રેક કરીને હુકમચંદને ડેટા બતાવવામાં આવ્યો. ડોકટરે બનાવેલો વિડીયો, બાબાને કરેલો મેસેજ અને અમદાવાદ કરેલા ફોનની વિગતો જોઈ હુકમચંદના મોં પર હાસ્ય છવાઈ ગયું. ડોક્ટરને દવાખાનાની નર્સ ચંપા સાથે આડો સબંધ હોવાની વાતો હુકમચંદે સાંભળી હતી. હુકમચંદે પેલા એક્સપર્ટ છોકરાને ફોનની વધુ તપાસ કરવા કહ્યું. જો ડોકટરના પ્રેમ સબંધની કોઈ સાબિતી મળી જાય તો ડોક્ટરને તરત ચૂપ કરી શકાશે એવી ગણતરી હુકમચંદે રાખી હતી. પણ ડોકટરના ફોનમાંથી એવી કોઈ સાબિતી મળી નહિ.એ જ વખતે હુકમચંદના ફોનની રીંગ વાગી. "હેલો હુકમચંદ હું ડોકટર લાભુ રામાણી બોલું છું. તમે તમારા માણસો મોકલીને મારો ફોન ઝુંટવી લીધો છે. આવુ હલકટ વર્તન તમારા જેવા વ્યક્તિને શોભતું નથી. અમે તમારી સ્કીમનો વિરોધ કરીએ એટલે શું તમે ગુંડાઓ મોકલીને અમને ચૂપ કરી દેશો એમ? મારો ફોન મને તરત જ પાછો અપાવો નહિતર હું તમારા વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરીશ. જે વિડીયો મેં હજી ગામના ગ્રુપમાં મુક્યો નથી એ હવે ગામ જોશે. મારી પાસે એ વિડીયોની કોપી છે સમજ્યા? જગો ભરવાડ અને નારસંગ તમારા જ કુતરાઓ છે ને? એ બેઉ હરામખોરોને કહો કે મારો ફોન આપી જાય." ડોકટરે બાબાના ફોનમાંથી હુકમચંદને ફોન કર્યો હતો."અરે..અરે..ડોકટર તમે આ શું બોલી રહ્યા છો ભલામાણસ. કેવી વિડીયો ને કેવી વાત. તમારો ફોન મારે શું કરવો છે? જગો ભરવાડ તમારો ફોન લઈ ગયો એમ? તો સીધું એમ જ કહો ને? આમાં સ્કીમને વચ્ચે લાવવાની ક્યાં જરૂર છે? તમે એકલા જ કંઈ વિરોધ નથી કરતા. ઘણા લોકોને નથી સમજાતું એ નથી જોડાતા. તો શું હું બધાના ફોન ઝુંટવી લઉં? આવો આરોપ લગાવતા તમને કંઈ વિચાર પણ નથી આવતો? ચાલો હું જગલાને ફોન કરૂ છું. જો એ ઝુંટવી ગયો હશે તો તમારો ફોન તમને સાંજ સુધીમાં મળી જશે. મને આ બાબતમાં કંઈ ખબર નથી ડોકટર. તમે મારા પર શંકા કરી એ મને સહેજ પણ પસંદ આવ્યું નથી. આ રીતે તમારે મારી સાથે વાત કરવી ન જોઈએ." કહી હુકમચંદે ફોન કાપી નાંખ્યો. ડોકટરના ફોનનો ડેટા કોપી થઈ ગયો હતો એટલે હવે એ ફોન રાખવાની હુકમચંદને કંઈ જરૂર નહોતી. ફોન લઈ હુકમચંદ તરત જ ગામમાં આવી ગયો. નારસંગને બોલાવીને એ ફોન ડોક્ટરને આપવા મોકલી આપ્યો. જગા ભરવાડના ઘેરથી ટેમુ, બાબો અને ડોકટર એમના ક્વાર્ટર પર આવ્યા હતા. ફોન ઝુંટવી લેવા પાછળ હુકમચંદનો જ હાથ હોવો જોઈએ એ ખ્યાલ એ ત્રણેયને આવી જ ગયો હતો. શા માટે ફોન ઝુંટવવામાં આવ્યો એ પણ એ લોકોને સમજાતું હતું. ચંપા સાથે થયેલી વાતો, ક્યારેક સાથે લીધેલા ફોટા વગેરે ડોકટર તરત ડીલીટ કરી નાંખતા એટલે એ બાબતની ચિંતા ડોકટરને નહોતી. "આપણે જે વિડીયો બનાવ્યો છે એ હુકમચંદે જોઈ લીધો હશે. એ ભલે ના પાડે પણ ફોન એણે જ લઈ લીધો છે એ પાક્કું છે. કારણ કે જગલાને કે નારસંગને તમારો ફોન શું કરવો હોય? તમે સીધો જ હુકમચંદને ફોન કરો કે આની પાછળ તમે છો એની અમને ખબર છે." બાબાએ સૂચન કર્યું. ડોક્ટરને પણ બાબાની વાત ગમી. "હવે જ્યારે હુકમચંદને ખબર જ છે કે એની સ્કીમ વિશે આપણે તપાસ કરાવી રહ્યા છીએ ત્યારે ડરવાથી કંઈ થવાનું નથી." ડોકટરે આમ કહી બાબાના ફોનમાંથી હુકમચંદને ફોન કર્યો હતો. અપેક્ષા પ્રમાણે જ હુકમચંદે જવાબ આપ્યો હતો. સાંજ સુધીમાં ફોન પાછો આવી જ જવાનો છે એ પણ ત્રણેય સમજી ગયા હતા. આગળ શું કરવું એ ફોન આવે પછી વિચારવાનું નક્કી કરીને બાબો અને ટેમુ જતા રહ્યા. ડોકટરે ઘડિયાળમાં જોયું, પાંચ વાગ્યા હતા એટલે દવાખાને જવું જરૂરી હતું. ડોકટરના મનમાં હુકમચંદને પાઠ ભણાવવાનો તખ્તો ઘડાઈ રહ્યો હતો. છેક સાંજે એક આદમી દવાખાને આવીને ડોક્ટરને એમનો ફોન આપી ગયો. ****** તખુભા રાહ જોઈ રહ્યા હતા. ભાભાની કોણીએ ગોળ લગાવ્યા પછી ભાભા સ્કીમમાં રૂપિયા રોકવા તૈયાર થઈ ગયા હતા પણ બાબલાએ રૂપિયા બેંકમાં ભરી દીધા હતા. ભાભાએ ગામમાં ઉછીનાં ગોતવા ઘણી મહેનત કરી પણ રૂપિયાનો મેળ પડ્યો નહોતો. તખુભાએ આ વાત હુકમચંદને કરી હતી. બીજે દિવસે રવિવાર હોવાથી ભાભાને બેંકમાંથી રૂપિયા મળે તેમ નહોતા. એટલે હુકમચંદે પોતાનું નામ ન આપવાની શરતે એક દિવસ પૂરતા બે લાખ ભાભાને આપવાની તૈયારી બતાવી હતી. તખુભા હુકમચંદના ઘરે ગયા એટલે હુકમચંદે ભાભાને કેવી રીતે ઉતારવા એ તખુભાને સમજાવ્યું. એ વખતે જગો ડોક્ટરને ઉઠાવી ગયો હતો. ભાભા ઘરે જઈને સ્કીમમાં રૂપિયા ન રોકવાનો નીર્ધાર કરીને સુઈ ગયા હતા. જ્યારે બાબો અને ટેમુ ડોક્ટરને લેવા જગાના ઘરે ગયા ત્યારે તખુભાએ ભાભાને ફોન કર્યો. હુકમચંદે 'ભાભા વતી બે લાખ તમે રોકી દીધા છે એમ જ કહેવું. જેથી ભાભાનો વિચાર બદલાઈ ગયો હોય તો પણ એ છટકી ન શકે.' એમ તખુભાને સમજાવ્યું હતું. તખુભા પણ દસ ટકા કમીશનની લાલચે ભાભાને પણ સ્કીમમાં ઉતારવા તૈયાર થઈ ગયા હતા."હેલો તભાગોર, હવે ઉપાધિ નો કરતા. તમે બહુ મથ્યા પણ રૂપિયાનો જોગ ન થયો એ જોઈ મેં તમારું ફોર્મ ભરી દીધું છે. મારે એકજણ પાસેથી બે લાખ લેવાના હતા આપી ગયો એટલે હું હુકમચંદના ઘરે જઈ તમારું ફોર્મ ભરી આવ્યો છું. થોડુંક મોડું થિયું હોત તો એ બોટાદ જવા નીકળી જાત. આપડે તમારું ફોર્મ બોટાદ મોકલી દીધું છે. તમે ગામમાં રૂપિયા ગોતતા હતા પણ કોઈ આપે એમ નથી એની મને ખબર છે. હંધાય આ સ્કીમમાં રોકીને બેઠા છે. તમે સોમવારે ઉઘડતી બેંકે રૂપિયા ઉપાડીને મને આપી જજો. યુનિટનો ભાવ તો વધી જ ગયો છે પણ તમને આજના જુના ભાવે જ અપાવી દીધા છે. તમારા બે લાખમાં પાંચ હજાર તો વધી પણ ગયા છે." "પણ તખુભા તમે એવી ઉતાવળ શું કામ કરી? એકવાર મને પૂછવું તો હતું? મારે એ સ્કીમમાં પડવું નથી. મને રૂપિયા ન મળ્યા એ એક સંકેત છે કે આ સ્કીમમાં રૂપિયા ડૂબવાના છે. તમે મારુ ફોર્મ પાછું ખેંચો. મારે એમાં નથી પડવું બાપા.." ભાભાની ઊંઘ ઊડી ગઈ."એવું કંઈ નો હોય ગોર. મેં કીધું એમ બધાએ સ્કીમમાં રોકી દીધા છે એટલે તમને કોઈ રૂપિયા ન આપે. એમાં કાંય સંકેત ફંકેત નો હોય. આમાં કમાણી બહુ મોટી છે. તમને હજી કંઈ ખબર્ય નથી. વજુશેઠ, પોચા માસ્તર અને હુકમચંદ જેવા માણસો આમાં પડ્યા છે તે કંઈ અમથા? મારો જ દાખલો લ્યો ને! હું આવામાં પડું ખરો? પણ બધું જોઈ વિચારીને જ આપણે આગળ વધ્યા છીએ." તખુભાએ ભાભાને સમજાવવાનો પ્રયત્ન કરતા કહ્યું. હુકમચંદની સલાહ તખુભાને યોગ્ય લાગી. કારણ કે હુકમચંદે કહ્યું હતું એમ ભાભનો વિચાર ખરેખર ફરી ગયો હતો. પણ વીસ હજાર કમિશનના ભોગે તખુભા ભાભાને છટકવા દેવાના નહોતા."ના ભાઈ ના..મારે નથી રોકવા હો. તમે બધા લખેશરી થાવ તમતમારે. મારા આશીર્વાદ છે. કથા વાર્તા કરાવતા રહેજો એટલે મારે સ્કીમ જ છે બાપલીયા. મારું ફોર્મ તમે ભર્યું હોય તો પાછું લઈ લો." ભાભાએ કહ્યું."ફોર્મ તો ભરાઈ ગયું છે ગોર. હવે કાંય નો થાય. તમે કીધું હતું કે મારે જોડાવું છે; તમે ગામમાં રૂપિયા પણ ગોત્યા. મને તમારી દયા આવી તે તમારું કામ કર્યું. ફોર્મ ભરતાવેંત પાંચ હજાર તો તમને મળી પણ ગયા. આ કંઈ નાના છોકરાવની રમત થોડી છે ગોર? ઘડીક રમવું છે ને ઘડીક નથી રમવું? સોમવારે બેંક ખુલે એટલે બે લાખ મને આપી જાજો સમજયા? હવે તમારી નીચે બીજા લોકોને જોડવા માંડો એટલે કમિશન પણ મળશે. તમારે તો ઘણા યજમાનો છે એમ તમે જ કહેતા હતા." તખુભાએ થોડા કડક અવાજે કહ્યું."પણ એકવાર પૂછવું તો હતું? મેં ક્યાં તમને મારુ ફોર્મ ભરવાનું કીધું'તું? તમારી પાસે મેં ઉછીનાં પણ ક્યાં માંગ્યા'તા. એમ તમે તમારી રીતે મારું ફોર્મ ભરી ન શકો તખુભા. આ તો ખોટું જ કહેવાય ને!" ભાભા પણ ખીજાયા."હવે એમાં પુછાવનું શું હોય. તમે મારી ડેલીએ હા પાડીને તો ગયા'તા. આપણો સબંધ એવો છે એટલે મેં તમને મદદ કરી. સોમવારે ભાવ વધી જાય તો તમને મોંઘું પડે, મને એમ થયું કે તમને થોડો લાભ કરાવું. આ તો ઘરમ કરતા ધાડ પાડો છો. મને તમારા પર વિશ્વાસ છે એટલે જ તમારું ફોર્મ ભર્યું. હવે તમે નામકર જાવ એ નો ચાલે. તમારા બે લાખ તો મેં હુકમચંદને આપી દીધા. હવે તો બોટાદની મેઈન ઓફિસે જમા પણ થઈ ગયા. તમારા મોબાઈલમાં એ બધા હિસાબનો મેસેજ પણ આવી જશે. કારણ વગરની ઉપાધિ નો કરો. સોમવારે મને રૂપિયા આપી દેજો. સમજ્યા?" તખુભાએ કહ્યું."પણ એમ કેમ? મેં તમને ક્યાં કીધું'તું.." "હવે પણ ને બણ મુકોને ભાઈસાબ. લખમી સામે ચાલીને ચાંદલો કરવા આવે ત્યારે અવેડામાં મોઢું ધોવા નો જવાય ગોર..ફોન મુકો ને મજા કરો. સોમવારે રૂપિયા પોગાડજો. મારે હજી વધુ રોકવાના છે. લ્યો ચાલો જે શ્રી કરશન. સોમવારે ભુલાય નહિ હો.." કહી તખુભાએ ફોન કાપી નાંખ્યો.'સાલો હુકમચંદ હોશિયાર તો ખરો હો! એને ખબર જ હતી કે ભાભો ફરી જવાનો. સાચુંન એવું જ થિયું. મેં રૂપિયા આપવાનું કીધું હોત તો ના જ પાડેત. હવે ભામણને છટકવા તો દેવો જ નથી. મારી બેટી આ સ્કીમ પણ જબરી છે હો. આમ ને આમ હાલ્યા કરે તો રળવા જાવું નો પડે." તખુભા મનોમન ખુશ થઈ રહ્યા હતા. 'ભાભાનું ફોર્મ તો ભર્યું નહોતું, પણ હવે ભરી જ દેવું છે.'તખુભાએ હુકમચંદને કોલ કર્યો. હુકમચંદ એ વખતે નારસંગ પાસેથી ડોકટરનો ફોન લઈ બોટાદ જઈ રહ્યો હતો. "હુકમચંદ ગોર તો ના પાડે છે. પણ મેં તમે સમજાવ્યું હતું એમ કહી દીધું છે કે ફોર્મ તો ભરાઈ ગયું છે. તો હવે શું કરવું છે? એની ઈચ્છા તો નથી પણ લાભ થાય એમ છે તો આપણે ફોર્મ ભરી જ દયો ને! ભલે ને ભામણ બે પૈસા કમાય શું કહેવું બરોબરને?""સ્કીમમાં કંઈ જોવા પણું નથી તખુભા. ભાભા ભલે અત્યારે ના પાડે પણ ફાયદો થશે એટલે તમારો આભાર માનશે. હું હમણાં જ ઓફિસે પહોંચીને ભાભાને તમારી નીચે જોડી દઉં છું. તમને વીસ હજાર કમીશન મળશે. રોકડું જોતું હોય તો સોમવારે ભાભા આપે એપમાંથી કાપી લેજો. ને રોકડું ન લેવું હોય તો વીસ હજારના યુનિટ તમારા ખાતામાં જમા કરાવી દઉં. બોલો શું કરવું છે?" હુકમચંદે કહ્યું."એમ કરો ને..યુનિટ જ લઈ લો. રોકડા ઘરમાં રાખીને શું કામ છે. રૂપિયો રૂપિયાને લાવતો હોય તો રળવા જ મોકલાય ને હે હે હે..!" તખુભા હસી પડ્યા."હા એ વાત સાચી તખુભા. વાંધો નહિ, સોમવારે ભાભા પાસેથી રૂપિયા લઈ લેજો. કારણ કે આમાં બાકી રાખવામાં મજા નહિ સમજ્યા?" હુકમચંદે તાકીદ કરી. "એમાં તમારે મને નો કે'વું પડે. ગોર પાસેથી સોમવારે બે લાખ તો હું લઈ જ લઈશ. તમે તમતમારે ફોર્મ ભરી દો." તખુભાએ હસીને કહ્યું. હુકમચંદે ભાભાનું ફોર્મ ભરવાનું કહ્યું તો ખરું, પણ ભાભાનું ફોર્મ ભાભા પૈસા આપે પછી જ ભરવાનું હતું. ભગાલાલે કડક સૂચના આપી હતી કે સગો ભાઈ હોય તો પણ એનું ફોર્મ રૂપિયા વગર ભરવું નહિ. બાકીમાં કે ઉછીનાં આપીને આ કામ કરવું નહીં.હુકમચંદે તખુભાનો ફોન મુક્યો કે તરત ભાભનો ફોન આવ્યો. હુકમચંદે જાણી જોઈને ભાભાનો ફોન ઉપાડ્યો નહિ. ભાભા શું કહેવાના હતા એની હુકમચંદને ખબર હતી.ભાભા ફોન પર ફોન કરતા જ રહ્યા પણ હુકમચંદ ફોન ઉપાડે? આખરે ભાભા નિરાશ થઈને મોં લટકાવીને બેસી ગયા. હવે બાબાને શું કહેવું એ જ ભાભાને સમજાતું નહોતું.(ક્રમશ:)શું લાગે છે મિત્રો? ભાભાના રૂપિયા પાછા આવશે? ડોકટર, બાબો અને ટેમુ શું કરશે? સ્કીમની તપાસ થશે ખરી કે હજી આગળ વધશે?આપના અભિપ્રાય પ્રતિભાવમાં ચોક્કસ જણાવજો.