લેખ:- મેઘરાજા ઉત્સવ
લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની
આખાય ભારતમાં આ તહેવાર માત્ર ભરૂચમાં ઉજવાય છે. આમ તો ઘોઘારાવ તહેવાર સ્વરૂપે છડી નૉમનો તહેવાર ભારતનાં ઘણાં વિસ્તારોમાં ઉજવાય છે, પરંતુ મેઘરાજા ઉત્સવ માત્ર ભરૂચમાં જ ઉજવાય છે. ભરૂચમાં વસતાં ભૉઈ(જાદવ), ખારવા અને વાલ્મિકી સમાજનાં લોકો આ તહેવાર ઉજવે છે. મેઘરાજાની મૂર્તિ માટીમાંથી બનાવવામાં આવે છે.
ભરૂચ શહેરમાં 250 વર્ષ ઉપરાંતથી મેઘરાજાનો મેળો ભરાતો આવે છે. આ ઉપરાંત મોટો ભોઈવાડ, ખારવાવાડ તથા લાલબજાર હરીજન વાસમાં આવેલા ઘોઘારાવ મહારાજના મંદિરમાં દર વર્ષે શ્રાવણ વદ સાતમથી શ્રાવણ વદ દસમ સુધી છડી તહેવાર ઉજવવામાં આવે છે. સાથે મેળો પણ ભરાય છે.
છડી નોમનો દિવસ ઘોઘારાવ મહારાજનો પ્રાગટય દિવસ છે. શ્રાવણ વદ સાતમને દિવસે જ્યોતના સ્વરૂપે તેમની સ્થાપના કરવામાં આવે છે. સાતમથી દસમ સુધી અખંડ જ્યોત પ્રગટતી રહે છે. ઉપરાંત માટીમાંથી મેઘરાજાની મૂર્તિ બનાવી તેમની પૂજા કરવામાં આવે છે.
ભૉઈવાડમાં આવેલા ઘોઘારાવ મંદિરનાં ચોકમાં છડી ઝુલાવવામાં આવે છે. આ છડી 30 થી 40 ફૂટ ઉંચા વાંસમાંથી બનાવવામાં આવે છે અને એ 150કિલો વજનની હોય છે. છડીની ઉપરના ચમરને નેતરના લાકડામાંથી બનાવવામાં આવે છે. આ છડીને જ્ઞાતિના યુવાનો એનાં પેટ પર મૂકી પાંચ કલાક સુધી ઝુલાવે છે. આ યુવાનોને મહિલાઓ દૂધ પીવડાવે છે. અંતે દસમનાં દિવસે મેઘરાજાની મૂર્તિનું વિસર્જન કરી તહેવારની સમાપ્તિ થાય છે.
મેઘરાજા ઉત્સવ પાછળનો ઈતિહાસ:-
છપ્પનિયા દુકાળ એટલે કે ચોમાસાની ઋતુ હોય અને વરસાદ વરસતો ન હતો અને વરસાદ વરસે તેવા કોઈ એંધાણ દેખાતા ન હતા જેના પગલે સમગ્ર સમાજ ના લોકોએ મેહુલિયા વરસાદને રીઝવવા માટે ભજન અને કીર્તન કર્યા, પ્રાર્થનાઓ કરી, યજ્ઞ કર્યા છતાંય વરસાદ વરસે તેવા કોઈ અણસારો દેખાતા ન હતા અને તે સમયે ભોઈ પંચ ના લોકોએ વરસાદ વરસે તે માટે ઈન્દ્રદેવ તરીકે મેઘરાજાની માટીમાંથી પ્રતિમા તૈયાર કરી અને સંકલ્પ કર્યો કે શ્રાવણી દશમ સુધી વરસાદ નહિ વરસે તો મેઘરાજાની ઈન્દ્રદેવ તરીકે સ્થાપિત કરેલ પ્રતિમાને ખંડિત કરવામાં આવશે અને સમગ્ર શ્રાવણ માસ દરમ્યાન ઈન્દ્રદેવ તરીકે સ્થાપિત મેઘરાજાની પૂજા અર્ચના કરી અને મેહુલિયાનું આગમન થયા તેવા તમામ પ્રયાસો કર્યાં અને શ્રાવણી દશમે ઈન્દ્રદેવ તરીકે સ્થાપિત મેઘરાજાને ખંડિત કરવાનો સમય આવ્યો ત્યારે આકાશમાં વાદળો ની ફોજ ઉતરી આવી અને ધોધમાર વરસાદ વરસતા નદી નાળા છલકાઈ ગયા અને ઢોળ ઢાખળો, પશુપાલકો, ખેડૂતો વરસાદમાં ઝૂમી ઉઠ્યા અને ત્યારથી જ ભોઈ(જાદવ) જ્ઞાતિનાં લોકોએ સંકલ્પ કર્યો અને દર શ્રાવણ માસમાં મેઘરાજાની સ્થાપના કરવી અને આ પર્વ ને ઉત્સાહ અને ઉમંગ સાથે મનાવવો અને ત્યારથી જ આ ઉત્સવ ભોઈ(જાદવ) જ્ઞાતિ માટે દિવાળી કરતા પણ મોટો પર્વ બની ગયો અને આજે પણ મેઘ ઉત્સવ માત્ર ગુજરાતમાં ભરૂચ જીલ્લામાં જ મનાવવામાં આવે છે અને આ ચાર દિવસ ભોઈ(જાદવ) સમાજનાં લોકો વેપાર ધંધા છોડી મેઘ ઉત્સવ મનાવવા મગ્ન બની જતા હોય છે.
મેઘ ઉત્સવમાં છડી ઉત્સવનું શું છે મહત્વ?
મેઘ ઉત્સવમાં ત્રણ સમાજ દ્વારા છડી ઉત્સવ મનાવવામાં આવે છે અને ભરૂચ જીલ્લામાં ત્રણ સમાજ જેમાં ભોઈ(જાદવ) સમાજ, ખારવા પંચ અને વાલ્મિકી સમાજ દ્વારા છડી ઉત્સવ મનાવવામાં આવે છે અને આ ત્રણેય સમાજના લોકો પોતાના ઘોઘારાવ મંદિરે સાતમના દિવસે ઘોઘારાવ મહારાજની સ્થાપના કરી અખંડ જ્યોત પ્રગટાવવામાં આવે છે અને નોમની એક રાત્રિનું રોકાણ કરવા ઘોઘારાવ અન્ય સ્થળે તેમની માતાને મળવા જતા હોય છે જેના ભાગરૂપે છડીને ઘોઘારાવ મંદિરથી અન્ય સ્થળે તેની માતાને મળવા જતા હોય છે અને સદા ત્રણ દિવસ ઘોઘારાવ ઘરતી ઉપર આવતા હોવાની માન્યતાઓ રહી છે. દશમના દિવસે એક રાત્રિના છડીના રોકાણ બાદ ઘોઘારાવ મહારાજ છડીના સ્વરૂપે પરત જતા હોય છે અને તે સમય દરમ્યાન ઘોઘારાવ મહારાજને રોકવા તેમની માતા તેમની પૂંછડી પકડી લે છે અને ઘોઘારાવ મહારાજને રોકવાના પ્રયાસો કરે છે. જેથી ઘોઘારાવ મહારાજ તેમની માતાએ પકડેલી ઘોડાની પૂંછડી કાપી નાખે છે અને વચન આપે છે કે વર્ષમાં શ્રાવણ મહિનામાં સાડા ત્રણ દિવસ ધરતી ઉપર તમને મળવા આવીશ અને ત્યારથી જ ભરૂચમાં ભોઈ(જાદવ) સમાજ, ખારવા પંચ અને વાલ્મિકી સમાજ દ્વારા છડી ઉત્સવના ભાગરૂપે ઘોઘરાવની સ્થાપના કરી પર્વ મનાવવામાં આવે છે.
કેમ મેઘમેળો યોજાય છે?
ભોઈવાડ ખાતે સ્થાપિત મેઘરાજાના સ્થાપના સ્થળથી પાંચબત્તી સર્કલ અને તેની આજુબાજુનો વિસ્તાર એટલે કે સેવાશ્રમ રોડ, સ્ટેશન રોડ અને મહાત્મા ગાંધી રોડ સુધી મેળો યોજાય છે અને આ મેળામાં આખાય ગુજરાતમાંથી માનવ મહેરામણ ઉમટી પડે છે. મેળામાં ખાણીપીણી, રમકડાં અને મનોરંજન સહિતના અંદાજે 1500 થી વધુ સ્ટોલ લાગે છે, જેમાં વેપારીઓને પણ રોજગારી મળી રહી છે. આ મેળામાં માત્ર ભરૂચ જિલ્લાનાં જ નહીં, પંરતુ ગુજરાતભરમાંથી વેપારીઓ રોજગારી માટે દુકાનો લગાવે છે.
બાળકોને મેઘરાજા સાથે ભેટ:-
મેઘરાજા સાથે નવજાત શિશુથી માંડીને 12 વર્ષ સુધીનાં બાળકોને મેઘરાજા સાથે ભેટાડવાથી બાળક તંદુરસ્ત અને રોગમુક્ત રહે છે તેવી માન્યતા રહેલી છે અને એટલા માટે જ ઘણા માતા-પિતા બાળકોને તાજા જન્મેલા હોય અને અઠવાડિયું થયું હોય તેવા બાળકોને મેઘરાજા સાથે ભેટાડવા લાવતા હોય છે. મેઘરાજા પર્વનાં ચાર દિવસ મેળામાં સુતરના દોરાનું પણ વિતરણ કરવામાં આવે છે અને આ દોરાને શરીરના અંગો ઉપર બાંધવાથી પણ રોગમુક્ત થવાની સાથે પરિવારમાં સુખ શાંતિ રહેતી હોવાની માન્યતાઓ રહેલી છે.
દશમના દિવસે મેઘરાજાની વિસર્જન યાત્રા:-
શ્રાવણ વદ દશમના દિવસે મેઘરાજા હજારો ભક્તોની વચ્ચેથી વિદાય લેતા હોય છે અને ત્યારે ભોઈ(જાદવ) સમાજનાં લોકોની આંખોમાં આંસુ આવી જતા હોય છે. સાથે મેઘરાજાના સ્થાપના સ્થળેથી નગરચર્ચાએ નીકળે છે ત્યારે મેઘરાજા સાથે અંતિમ સેલ્ફી લેવા માટે હજારો ભક્તો પડાપડી કરતા હોવાના દ્રશ્યો પણ સર્જાતા હોય છે. મેઘરાજાની વિસર્જન યાત્રા નીકળતા ભક્તો અંતિમ ઝલક જોવા માટે મકાનની અગાશી, છાપરા, મકાનો જર્જરિત હોવા છતાં તેની ઉપર ચઢી જોખમી રીતે પણ દર્શન કરવા માટે પડાપડી કરી મેઘરાજાના અંતિમ દર્શન કરી ને પણ ધન્યતા અનુભવતા હોય છે.
નોંધ:- નીચે આપેલ તમામ માહિતિ ભૉઈ(જાદવ) જ્ઞાતિની પુસ્તિકામાં આપવામાં આવેલ છે, જે મેં એમનાં જ્ઞાતિ પ્રમુખ, શ્રી ભરૂચ સમસ્ત ભોઈ જ્ઞાતિ પંચના પ્રમુખ શ્રી ભદ્રેશભાઈ ડી જાદવની મંજુરી લીધાં બાદ અક્ષરશઃ પ્રકાશિત કરી છે. આ નોંધની ઉપર આપેલ તમામ માહિતિ ઈન્ટરનેટનાં વિવિધ વેબપેજની મદદથી લખેલ છે.
પુસ્તિકાની માહિતિ આપનાર :-
કેળવણી ટ્રસ્ટી :- શ્રી મિનેશ કુમાર હરિવદનભાઈ જાદવ
મેઘરાજા ઉત્સવ પાછળનો અન્ય એક ઈતિહાસ:-
જીવન સૃષ્ટિના સર્જનહાર અને વર્ષાના અધિષ્ટાતા ઇન્દ્ર દેવ પોતાનો જળ પ્રવાહ પૃથ્વી પર વરસાવે છે. ત્યારે માનવ, પશુ-પંખી સૌ આનંદ પામે છે. પરંતુ જયારે ઇન્દ્ર દેવ ક્રોધથી વરસે તે સમયે પૃથ્વીને હચમચાવી મૂકી ભયંકર તાંડવ રચે છે. પણ સૃષ્ટિને સોના-મોતીનું દાન અર્પે છે.
પૃથ્વીપર જીવન જીવતાં મનુષ્યો, પશુ-પંખી માટે પોષક તત્વો અમીઝરણોમાંથી પ્રાપ્ત થાય છે. કયારેક દેવોની દિવ્યતાના દર્શન થાય છે. મહેકતાં ઉદ્યાનો, ગુલાબી ઉષાઓ, કિલ્લોલતાં ઉપવનો અને મસ્તીથી રેલતી સરિતાઓ (નદીઓ) તેના થનગનાટ ઉપર આધાર રાખે છે.
ઇન્દ્રદેવની આરાધના ઉત્સવના સ્વરૂપે આશરે બે સૈકાથી ગુજરાતના ઐતિહાસિક શહેર ભરૂચમાં શ્રાવણ વદ સાતમ થી દશમ સુધી ઉજવવામાં આવે છે. તેની સાથે અદ્ભૂત દંતકથા સંકળાયેલી છે.
આ દંતકથામાં મુખ્યત્વે, પ્રાચીનકાળમાં યાદવવંશની ભોઇ જાતિ (જાદવ જ્ઞાતિ) થી શરૂઆત થાય છે. આ જાતિ દરિયા કિનારે માલ સમાનની હેરાફેરી કરતી હતી. તેઓ નિરંતર જળદેવ સાથે સહવાસથી જળદેવની આરાધના કરતાં હતાં. જળાધિદેવ મેઘરાજાની પૂજન માટે તેઓની શ્રદ્ધા અચળ હતી.
આ કથામાં છપ્પનિયા દુષ્કાળના પહેલાંના ભયંકર દુષ્કાળ સમયે સૃષ્ટિ સાથે રીસાઇ બેસેલા ‘મેઘરાજ’ જળનું એકપણ બિન્દુ વરસાવતાં ન હતાં.
આ દુષ્કાળથી ભયંકરતા ના દશ્યો જોવાં મળતાં હતાં,માનવો, પશુ-પંખી તડફડી રહ્યાં હતાં. આ વેળા આ ભોઇ (જાદવ) જ્ઞાતિના વૃધ્ધોએ મેઘરાજા ને રીઝવવા અષાદ વદ અમાસની રાત્રે માટીની મેઘરાજાની પ્રતિમા સ્થાપિત કરી.
તેઓ કૃપાદ્રષ્ટિ પામવા તેમની સમક્ષ આજીજી કરવા માંડી પરંતુ કોઇ ફળ પ્રાપ્ત થયું નહિ અને જળદેવ વરસ્યા નહિ. આથીતેઓમાંના કેટલાક વૃધ્ધોએ મેઘરાજની પ્રતિમા સમક્ષ એવો આક્રોશ કાઢયો કે જો આજ રાત સુધીમાં વરસાદ નહિ પડે તો તારી પ્રતિમાનું ખંડન કરીશું. અને સાચે જઅજાયબી સાથે આકાશમાં વાદળો ઘેરાવા માંડયા. વાતાવરણ ઘનધોર બન્યું. અને પવન ના સપાટા સાથે મુશળધાર વરસાદ વરસ્યો. સર્વત્ર જળબંબાકાર થઇ ગયો. સૃષ્ટિના જીવો આનંદથી પુલકિત બન્યાં. આ માટીની પ્રતિમાનું મહત્વ અનેક મુખે ગવાવા લાગ્યું. આ પ્રતિમાની પૂજન વિધિ ઉત્સાહથી ઉજવવાની પ્રણાલિકા આકાર પામવા લાગી. અને તેથી જ તે દિવસથી દર વર્ષે અષાઢ વદ અમાસની રાત્રે મેઘરાજની માટીની પ્રતિમા બનાવવામાં આવે છે. અને તેનો ઉત્સવ મેળાના સ્વરૂપમાં શ્રાવણ વદ સાતમથી દસમ સુધી લાખો માનવ સમૂહ વચ્ચે શ્રધ્ધા અને ભકિતરૂપે ઉજવવામાં આવે છે. આ મેળો ‘‘મેઘ મેળો” તરીકે ઓળખાય છે. તેની પૂર્ણાહુતિ દસમના દિવસે મેઘરાજની પ્રતિમાને સાંજે નર્મદા ના પવિત્ર જળમાં વિસર્જન કરવામાં આવે છે.
શિલ્પકાળ:-
આ માટીની પ્રતિમા એક શિલ્પકળાના સુંદર નમૂનારૂપ છે. આશરે સાડા પાંચ ફૂટ ઉંચી અને 4 X 3 ફુટની પહોળાઇથી માનવ આકૃત્તિમાં મૂર્તિને બે પગની પલાઠી બનાવી બંન્ને હાથ પગના ઘુંટણ પર મુકી ધ્યાનસ્થ સ્થિતિમાં બનાવવામાં આવે છે. મેઘરાજની પ્રતિમાના માથા ઉપર ફણીઘર નાગ ગોળ પાઘડી ફરતે તથા સુંદર આભુષણોથી મૂર્તિને શણગારવામાં આવે છે. આશ્ચર્યની વાત એ છે કે અસલ કારીગરોનું હાલ અસિત્વ ન હોવા છતાં નવયુવાન કારીગરોથી પણ પ્રતિ-વર્ષે મુખાકૃતિ એક જ પ્રકારની અને એક જ ભાવદર્શક ઉદૃભવે છે.
મેઘરાજની સવારી:-
મેઘરાજની પ્રતિમાને શ્રાવણવદ દસમને દિવસે સરઘસ આકારે ભરૂચ શહેરમાં ફેરવવામાં આવે છે. ત્યારે ઘણા શ્રધ્ધાળું લોકો પોતાના નાના બાળકો ને પ્રતિમાં સાથે ભેટવવામાં આવે છે. એવી માન્યતા ધરાવે છે. કે પોતાનું બાળક નિરોગી અને મેઘરાજ જેવું તંદુરસ્ત બને છે. આ મેઘમેળામાં હિન્દુ, મુસ્લીમ, પારસી, ખ્રિસ્તી, જૈન સર્વે ધર્મોના લોકો માને છે. મેઘ તો વર્ષાનાં દેવ ગણાય એટલે તેને પૂંજવાનો સર્વને સંપૂર્ણ હકક છે. જયાં સુધી સૃષ્ટિ રહેશે ત્યાં સુધી ‘મેઘરાજ’ની મહત્તા પણ ઝળહળતી રહેશે.
છડી મેળો:-
આ ઉત્સવ-તહેવાર પાછળ જુદા જુદા પ્રકારની દંતકથાઓ લોકજીભે વણેવાય છે. આ દંતકથા આપણા હિન્દુ પુરાણમાં પણ અસ્તિત્વ ધરાવે છે. આ કથામાં મચ્છીદ્નાથ અને તેના શિષ્ય ગુરૂ ગોરખનાથના એક જીવન પ્રસંગોમાંથી આ ઉત્સવની કથાનો ઉદ્ભવ થાય છે.
હાલમાં ભારતના ધણાં શહેરોમાં છડી ઉત્સવ પણ એક પ્રકારની રોમાંચક અને આશ્ચર્યજનક ઐતિહાસિક દંતકથા ધરાવે છે. આ ઉત્સવના દેવનો "ઘોઘારાવ'' અથવા ‘‘જાહેરબલી’’ પણ કહે છે ઘણાં સ્થળોએ ‘‘ગુંગા ચૌહાણ” ના નામથી પૂજવામાં આવે છે. આ વીર અને ચમત્કારી પુરૂષ રજપુત કાલીન હોવાની વાત જાણવા મળી છે આજે “ ઘોઘારાવ’’નો ઉત્સવ દિલ્હી, ઈંદોર, સુરત તથા ભરૂચમાં ધામધુમથી ઉજવવામાં આવે છે. તેમાં આજુબાજુના ગામનાં લોકો ભકિતભાવથી ભાગ લે છે.
આ દંતકથામાં નિરંજન નિરાકાર અને સદાય પ્રભુમાં એકલીંગ રહેતાં મહાન યોગીઓ ‘'અલખ નિરંજન” ના પોકાર સાથે ઘરના દ્વાર આગળ ઉભા થતાં હોય છે. કેટલીક વખત આવા સાધુ, વૈરાગી તપસ્વીના આગમનથી સંસારીઓ પોતાની મુઝવણોનો ઉકેલ માંગતાં હોય છે. ત્યારે આવા પુરાતની કાળમાં ગુરૂ ગોરખનાથ એક પ્રખર યોગી હતાં.
તેઓએ એક વેળા પોતાના શિષ્યો સાથે દદખેડા ના શહેરમાં મઠ બનાવી પડાવ નાંખ્યો. ત્યાં જેવર નામનો રાજા રાજય કરતો હતો. રાજાની રાણી બાછલ રૂપે ગુણે બહુ જ 'સુંદર હતી. તેને કોઇ સંતાન ન હતું. તેથી રાણી ઘણી જદુ:ખી હતી. રાજા રાણીનું દુ:ખ દુર કરવા દાન, દક્ષિણા જપતપ કરાવતો હતો. પરંતુ પુત્ર સુખ મળતું ન હતું. જયારે ગુરૂ ગોરખનાથ પોતાના શહેરમાં આવ્યા છે એવી જાણ થતાં રાણીએ ખુબ જ સેવા કરવા માંડી. ગુરૂજી પ્રસન્ન થયાં. તેઓએ રાણી ને પૂર્ણિમાના દિવસે વહેલી સવારેઆવવાનું કહ્યું. જેથી પુત્ર પ્રાપ્તિ માટે જડીબુટ્ટી મંત્ર આપી શકે. આ વાતથી રાજા-રાણી ને ઘણો જ આનંદ થયો. અને પોતાનું ભવેભવનું દુ:ખ દુર થતું જણાયું.
આ વાત આખા રાજમહેલમાં થવા લાગી. પરંતુ પૂર્ણિમા આવતાં પહેલાં જ જુદી જ ઘટના બનવા પામી. રાણીની બહેન કાછળ કે જે રંગ, રૂપ અને કદમાં બાછળ જેવી લાગતી હતી. અને તેણીને પણ કોઇ સંતાન (પુત્ર) ન હતું આથી કાછળે પુત્ર પ્રાપ્તિ માટે. રાણી બાછળની ખાસ માનતી દાસી પાસે લાલચ આપીને રાણીના વસ્ત્રો છૂપી રીતે મંગાવી પૂર્ણિમા થતાં વહેલી સવારે તે વસ્ત્રો પહેરી ગુરૂ ગોરખનાથ પાસે ગઇ. ગુરૂજીએ રાણી બાછળ સમજી પુત્ર પ્રાપ્તિ મંત્ર કાછળને આપી દીધો. જયારે રાણી બાવળ ઉત્સાહથી પૂજાની સામગ્રી તૈયાર કરીને ગઇ ત્યારે શિષ્યો મઠ ઉપાડી ચાલ્યાં ગયાં હતાં. આથી રાણી બહુ દુઃખી થયાં. અને ગુરૂ ગોરખનાથ જે રસ્તે ચાલ્યાં ગયાં હતાં તે રસ્તે દોડી. ગુરૂ ગોરખનાથને આજીજી કરવા માંડી. ગુરૂ વિચારમાં પડી ગયાં. અને જેઓએ ધ્યાન લગાવી સાચી હકીકત જાણી લીધી. પરંતુ ગુરૂ ગોરખનાથે પોતાના વચન પ્રમાણે રાણીને ભભૂત ગુગલમાં તૈયાર કરી જડીબુટ્ટીના રૂપમાં રાણી બાછલને આપીને કહ્યું કે તારી બહેન કાછળ કરતાં તારો પુત્ર ઘણો બળવાન અને દૈવીપુરૂષ થશે જે કાછળના પુત્રોનો નાશ કરશે.
રાણી બાછલે ગુરૂએ આપેલી જડીબુટ્ટી પોતે ખાધી અને લીલી ધોડીને ખવડાવી. અને સાચે જ રાણીને નિયત દિને એક બાળકનો જન્મ થયો. જેનું નામ ‘ઘોઘારાવ’ રાખ્યું. તેની છોડીને પણ એક પાણીદાર અને અદભુત લીલો છોડો થયો. જયારે તેની બહેન કાછળને બે પુત્રો થયાં નામ ઉરજન અને સુરજન રાખ્યું. આ રીતે યોગીની માયાથી ઉત્પન્ન થયેલાં બાળકો થયાં. આ પ્રમાણે ઘોઘારાવ બાલ્યાવસ્થામાં ગેડીદડો રમતો દડો સંજારામની પુત્રીના ખોળામાં દડો પડયો. સીરીયલ નામે પુત્રીએ દડો ફેકનાર ઉપર મોહિત થયાં. અને ઘોઘારાવના લગ્ન સંગલદિપના રાજાની કુંવરી સીરીયલ સાથે થયાં. પરંતુ આ બાબતથી ઉરજન-સુરજન ઇર્ષાળું બન્યા. અને પોતાના કાકા પૃથ્વીસિંહ કે જેઓ દિલ્હીમાં રાજય કરતાં હતાં તેઓની મદદથી ઘોઘારાવનું રાજય તથા સિરિયલ રાણીને પોતાની કરવા ચઢાઇ કરી જેમાં ઉરજન અને સુરજન મરાયા અને ઘોઘારાવ- (જાહર)ની જીત થઇ આથી ઘોઘારાવની માતા બાછળ પુત્ર ઉપર ગુસ્સે ગઇ રાજમહેલ છોડી જવા અને પોતાનું મોં નહિ બતાવવા કહ્યું. વીર ઘોઘારાવની માતાએ દીધેલા જાકારાથી દુ:ખી થઇ જંગલમાં ઘોઘારાવ ચાલ્યાં ગયાં અને ગુરુ ગોરખનાથ પાસે રહી યોગ વિદ્યા ભણવા લાગ્યો. પરંતુ પોતાના પતિ ઘોઘારાવને મેળવવા માટે રાની સિરિયલે બાર વર્ષ સુધી અખંડ તપસ્યાં કરી ત્યારે ગુરુ ગોરખનાથે ઘોઘારાવને પત્ની પાસે જવા માટે આગ્રહ કર્યો. પોતાની માતાને ખબર ન પડે તેવી રીતે પોતાના લીલા ઘોડા પર આવી રોજ રાત્રે સિરિયલ રાનીને છૂપી રીતે મળે છે. અને સવારે ઘોઘારાવ ચાલ્યાં જાય છે. પરંતુ એક દિવસ તેની માતા બાછળને ખબર પડતાં પુત્રદર્શનનીઆશાએ. માતા મહેલમાં સંતાઇ રહી અને રાત્રે પોતાનો પુત્ર ઘોઘારાવ આવ્યો ત્યારે તેણીએ ઘોડો થોભાવ્યો અને બધુ ભુલી જઇ મહેલમાં રહેવાં કહ્યું. પરંતુ એક વચની પુત્રે પોતાનું વચન ભંગ થતુ જોઈ માતાને કહ્યું ‘જો-માતા તારો મહેલ બળે છે.'' એમ કહી પુરૂષ ઘોઘારાવે પોતાના ઘોડા સાથે ધરતીમા સમાસ લીધો. તે જોતાં માતાએ ઘોડાની પૂછડી પકડી રાખી. પણ ઘોઘારાવે તરત તલવારથી પુંછડી કાપી નાંખી ધરતીમાં અંતર્ધાન થઈ ગયાં.
પરંતુ કહેવાય છે કે પોતાની માતા અને રાણીના અત્યંત કલ્પાંતથી તે વર્ષમાં ચાર દિવસ (શ્રાવણ વદ દસમ) સુધી સૃષ્ટિ પર આવે છે. જેનો આ દિવસોએ ઉત્સવ ઉજવવામાં આવે છે.
આ દૈવી પુરૂષનું પ્રતિક છડી છે છડી તેની માતા બાછળનું રૂપ છે. છડીને ફરતે લાલ કસુંબો કે રેશમી લાલ કાપડ લગાડવામાં આવે છે. અને ખેસ બાંધવામાં આવે છે. આ છડીને વદ સાતમને દિને કાઢવામાં આવે છે. અને તેને અઘ્ધર ઉંચકી ઝુલાવવામાં આવે છે. છડી ઝુલાવવાની પણ એક અદ્ભુત કળા છે. આ પછી છડીનોમને દિને છડી કે જે રાણી બાછલના રૂપમાં પોતાની બહેન કાછલને મળવા જાય છે. અને છડીનું મોટું સરઘસ કાઢવામાં આવે છે. આ સરઘસમાં લોકો ખુબ જ ઉત્સાહથી ભાગ લે છે. આ ઉત્સવમાં મંત્ર, તંત્ર અને દૈવી શકિતઓનો સુમેળ હોય છે. આ ઉત્સવમાં ચાર દિવસ ભકતો મંત્ર, તંત્રથી દેવને જાગૃત રાખે છે. આ દેવ અહીં જયોતિ સ્વરૂપ છે. ઘણા શ્રધ્ધાળું લોકો આ દેવની માનતા રાખે છે. અપુત્ર, વાંઝીયાપણું, પુરાણા જડ રોગ અહીં મંત્રથી આ દિવસો દરમ્યાન મટાડી દેવામાં આવે છે. સાચે જ આ હકીકત અદ્ભુત અને વિસ્મય પમાડે એવી ગણાય.
આ પૌરાણિક પ્રસંગ કથા અને માન્યતા આધારે ઉજવાતા ઉત્સવો આજે પણ ગુજરાતના ભરૂચ શહેરમાં ગૌરવ અનુભવે છે. ગુજરાતમાં ઉજવાતા અનેક મેળાઓમાં આ મેળાનું સ્થાન અજોડ છે.
આપેલ માહિતિ વાંચીને તમને કોઈક ક્ષતિ જણાય તો એ બદલ ક્ષમાયાચના🙏
આભાર.
સ્નેહલ જાની