હું સામે હતો… છતાં જાણે અસ્તિત્વ ન હતું. સ્મૃતિલોપ સિન્ડ્રોમ- selectively ભૂલી જવાની અનોખી કળા, અવગણવાની classy રીત.
સામે ઉભેલી વ્યક્તિને જોઈ, મન ખુશ થાય … વિચાર આવે “ચાલો, મળીએ”, તમે એની તરફ આગળ વધો, પણ અનાયાસ તમારા આશ્ચર્ય વચ્ચે, એજ વ્યક્તિ તમને જોઈને આંખફેરા કરે. મોઢું ફેરવી લે... એ માણસ એની સાથે ઊભેલી બીજી વ્યક્તિને વિનાકારણ વળગી જાય, હસે, વાત કરે – એ વખતે તમારું અસ્તિત્વ જાણે એક શૂન્ય સ્થાને ધકેલાઈ જાય.
એ વ્યક્તિ સાથે એક સમયે તમારો સંબંધ હોય, તમે એ વ્યક્તિ – મિત્ર હોવાનું માનતા હો, જે એ વ્યક્તિએ કોઈ દિવસ નકાર્યું ન હોય. લાગણીભર્યો કે મિત્રતાપૂર્વકનો સંબંધ રહ્યો હોય, આજે એ વ્યક્તિ સામે જોઈને પણ પરાયાપણું દેખાડે – એ ક્ષણ એક ઝટકા જેવી લાગે એ સ્વાભાવિક છે. આ ઘટના અસહ્ય છે પણ એ સમયે કશું બોલાતું નથી. કશી પ્રતિક્રિયા અપાતી નથી.
શું ખરેખર આ એ જ વ્યક્તિ છે?
સવાલ થાય છે: “શું ખરેખર આ એ જ વ્યક્તિ છે જેને મેં ક્યારેક મિત્ર માની હતી? “ જે ક્ષણે આવી અવગણનાના ભાવનો અનુભવ થાય, એ ક્ષણ આઘાતજનક હોય છે — ખાસ કરીને ત્યારે જ્યારે તમે તો એને જોઈને મળવા આતુર હતા. તમારા મનમાં ક્યાંય કોઈ ખોટ ન હતી, કોઈ મેલ ન હતો, એની સાથેનાં સંબંધોમાં કોઈ સ્વાર્થ પણ ન હતો , તમારા પોતાના હૃદયમાં એના વિશે કોઈ ફરીયાદ ન હતી, તમને પોતાને કાંઈ ખોટું કર્યાનો પછતાવો પણ ન હતો. તો આવું શું કામ?
આવી અવગણના, જ્યાં કોઈ ઝઘડો ન થયો હોય, કોઈ અણબનાવ ન થયો હોય, અને છતાં થાય ત્યારે વધારે દુઃખદ બની જાય છે.
શું કામ ફ્લેશબેક માં જવું ?
એવું થાય ત્યારે મન ફ્લેશ બેકમાં જતું રહે છે. પ્રથમ પ્રશ્ન એ ઉદ્દભવે કે ક્યાંથી શરૂ થઇ હશે એ મિસઅન્ડરસ્ટેન્ડિંગ ? શું કોઈ એવી ઘટના ઘટી હશે? શું કોઈ એવી વાત કહેવાઈ કે બોલાઈ ગઈ હશે જે એને નહિ ગમી હોય. ? કઈ બાબતે એનો અહમ ઘવાયો હશે? કે પછી… એ વ્યક્તિએ પોતે જ નક્કી કરી શાંત રીતે, ડિસ્ટન્સ મેઈન્ટેન કરી લીધું છે ?
મનને મનાવવાની વાતો, એ અવગણના ની ઘટના વિશે પોતે જ પ્રશ્નો પૂછવા અને પોતે જ કાલ્પનિક જવાબો આપવા, છતાં એક પ્રશ્ન સતત સતાવે રાખે, “પણ આવું કેમ ?”
એ વ્યક્તિ કદાચ સત્ય બોલવાનું સાહસ નહિ કરી શકી હોય. એટલે એણે તમારા અસ્તિત્વથી બચવાની કળા શીખી લીધી. “Ignore with Grace” એ આજકાલના સોસાયટીના સોફ્ટ મોર્ડન ધોરણો બની ગયા છે.
ઇમોશનલ અને ઇનટેન્શનલ ડિસ્ટન્સ
એવું વર્તન એક જાતની અસ્વીકારની અભિવ્યક્તિ છે – પણ અવાજ વગરની. આજે મોર્ડન યુગમાં, ખાસ કરીને આધુનિક સમાજમાં, “બોલીને Clarity” કરતા “ચુપચાપ Cut-off” વધુ જોવા મળે છે. કારણ કે ટકરાવ થવા નો ડર રહે છે, અથવા તો પોતાની ઈમેજ જળવાવાની દહેશત. એટલે એ લોકો ચુપચાપ આપણી હાજરીથી દૂર રહેવાનું પસંદ કરે છે, જે માટે ઇનટેન્શનલી ફિઝીકલ ડિસ્ટન્સ ક્રિએટ કરે છે
પણ અહીં એક સવાલ ઊભો થાય છે –શું આ રીતે તોડેલાં સંબંધો કે અવગણવાની રીત સાચા અર્થમાં અપેક્ષિત સમાધાન આપે છે ખરાં? કે પછી ભવિષ્યમાં થનાર દરેક નજરમેળ, એક પ્રકારની ઇન્ટર્નલ કોન્ફલિકટ ઊભો કરે છે?
વ્યવહારિક સ્પિરિચ્યુઅલિટી
અહીંથી શરૂ થાય છે વ્યવહારિક સ્પિરિચ્યુઅલિટી – એ હકીકત માત્ર એ વ્યક્તિ એ જ નહિ પણ બધાએ સમજવાની જરૂર છે કે “Ignore” કરવાથી કોઈની ઈઝ્જત ઓછી નથી કરી શકાતી પણ પોતાનું મન જ નબળું પડે છે.
સંબંધો, એ કર્મ છે, વ્યવહારનો પ્રવાહ છે – જો તેમાં અવરોધ નાખીએ, તો અંતર્મનમાં ઉદાસીનતા અને ખાલીપો ઘૂસી જાય છે.
અને એ સમયે સામાન્ય રીતે શું સુજે?
એક – TIT for TAT, જેવા સાથે તેવા. – અર્થાત એવું જ વર્તન પાછું આપવાનું. તમે પણ મૌનથી એના જેવી “અદૃશ્ય યાત્રા” શરૂ કરો કે પછી હાથ લંબાવો અને યાદ કરાવો : “ઓળખ્યો મને? …હું યાદ છું?”
બીજું – Forgive, Forget & Move on…! – આપણે કેમ નેગેટિવ કર્મો બાંધવા ?
આંતરિક નિર્મળતા અને મૌન પણ જે કહેવું હોય તે સંદેશ પહોંચાડી શકે છે. કારણ કે જ્યારે તમે ખુદ સામે ઉભા રહો અને તમારું દિલ તમને ગવાહી આપે કે તમે કદી પણ કોઈ સાથે ખોટું કર્યું નથી , એ જ તમારા વ્યક્તિત્વને વ્હેંત ઊંચા સ્થાને મુકે છે.
આપણી સારાઈ એમાં છે કે આપણે હવે સંબંધોની મર્યાદા નક્કી કરી લઈએ – પણ એ માટે લાગણીઓમાં કટુતા લાવવી જરૂરી નથી છતાં મક્કમતાથી એ નિશ્ચય કરીએ કે અન્ય કોઈના કારણે આપણે હવેથી દુઃખી નહિ થઈએ કે દુ:ખી નહિ રહીએ. અને સંવેદનશીલ હોવાની આપણી આપણી ઓળખને ઓગાળવા નહિ દઈએ.
દરેક અંત સાથે એક નવી શરૂઆત હોય છે જ. જો એ ખરેખર એક અણધાર્યો અંત હોય તો કદાચ એ જ આપણને વધુ સચેત અને આત્મવિશ્વાસી બનાવશે, વધુ ઊંડા સંબંધો તરફ દોરી જશે — જ્યાં બંને પક્ષે એકબીજાના અસ્તિત્વ માટે માન હોય.
સિગ્નેચર
આજકાલ “સ્મૃતિલોપ સિન્ડ્રોમ”- selectively ભૂલી જવાની અનોખી કળા, અવગણવાની classy રીત છે. પણ એ હકીકત છે કે જ્યાં નફરત હોય, ત્યાં લાગણી જીવંત હોય છે. પણ જ્યાં અવગણના હોય, ત્યાં લાગણીઓના કબ્રસ્તાન હોય છે.
મનભાવી મનીશ શેઠ - manbhavee@gmail.com