લેખ:- ખાવાનું - સ્ત્રીની મૂંઝવણ
લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની
આપણાં સમાજમાં ઘણી બધી બાબતો એવી છે કે જેને સરળતાથી ઉકેલી શકાતી હોવા છતાં એ એક મુસીબત બનીને ઉભરે છે. આવી જ એક સમસ્યા એટલે ઘરમાં બનતું ખાવાનુ!
"મમ્મી, આ શું બનાવ્યું છે? આ તે કંઈ ખાવાનું છે? કોઈ ખાતું હોય આને? રોજ રોજ બસ આ જ બધું ખાધે રાખવાનું? મારા બધાં ફ્રેન્ડ્સની મમ્મી તો દરરોજ નવું નવું બનાવે છે. તું પણ ક્યારેક તો કંઈક નવું બનાવ."
"સ્નેહા, આ શું છે? શું દરરોજ દાળ ભાત, શાક રોટલી? તને બીજુ કશું બનાવતાં જ નથી આવડતું? ઓફિસમાં પણ બધાં કેવું સરસ સરસ લઈને આવે છે અને મારા ટિફિનમાં? કાયમના શાક રોટલી!"
આવું લગભગ બધાં જ ઘરમાં સાંભળવા મળતું હશે. બહારનાં લોકોનાં ઘરનું કે પછી હોટેલોનું સ્વાદિષ્ટ ખાવાનું ખાધા પછી ઘરનું ખાવાનું ન ભાવે સ્વાભાવિક છે. પરંતુ એક ઘરની સ્ત્રી દરરોજ નવું નવું સ્વાદિષ્ટ ખાવાનું બનાવે અને બીજા ઘરની સ્ત્રી દરરોજ એકસરખું. આવું શા માટે થતું હશે? જે પુરુષો એવું કહે છે કે એમનાં સાથીમિત્રો દરરોજ અલગ અલગ સ્વાદિષ્ટ ખાવાનું લાવે છે એમને માત્ર એક જ વિનંતી કે તપાસ કરો કે તમારો મિત્ર સંયુક્ત કુટુંબમાં રહે છે કે અલગ? કારણ કે સંયુક્ત કુટુંબમાં મોટા ભાગે, અમુક અપવાદોને બાદ કરતાં, સ્ત્રી પોતાની મરજીથી કંઈ બનાવી શકતી નથી. એને એવી પરવાનગી નથી હોતી કે એ પોતાનાં બાળક કે પતિ માટે એમની પસંદનું ખાવાનું બનાવે. સાસુ જેમ કહે તેમ જ કરવું પડે.
વળી કેટલાંક ઘરનાં વડીલો એવા હોય છે કે જેઓ ઘરમાં માત્ર પરંપરાગત વાનગી જ બનવી જોઈએ એવો આગ્રહ રાખે છે. એઓ પોતે પણ આધુનિક કહી શકાય તેવી વાનગીઓ જેવી કે, પીઝા, બર્ગર, ફ્રેંકી, ચાઈનીઝ ખાવાનું, ચીઝ કે પનીરવાળું ખાવાનું ખાતા નથી. ઉપરાંત ઘરમાં બનાવવા પણ દેતા નથી. આવા સમયે પતિ અને બાળકો દ્વારા ફરમાઈશ થયેલ આ બધી સ્વાદિષ્ટ વાનગીઓ અને ઘરનાં વડીલોની પરંપરાગત સ્વાદિષ્ટ વાનગીઓની વચ્ચે સ્ત્રી ધર્મસંકટમાં મુકાય છે.
જો કોઈ ઘરની સ્ત્રી હંમેશા કંઈક નવું સ્વાદિષ્ટ બનાવતી હોય, પતિ અને બાળકોની તમામ ફરમાઈશ પૂરી કરતી હોય તો સમજી લેવું કે તેઓ સંયુક્ત કુટુંબમાં રહેતા નથી અથવા તો એ ઘરનાં વડીલો જમાના પ્રમાણે પોતાને ઢાળી શકે છે અથવા તો એમની વહુએ જે બનાવવું હોય તે બનાવવાની છૂટ આપી હશે, વડીલો પોતે ભલે આધુનિક સ્વાદિષ્ટ વાનગીઓ ન ખાતા હોય એમનું અલગથી ખાવાનું કરાવી લે છે.
ખાવાનું બનાવવાનું એક સ્ત્રી માટે મૂંઝવણ એટલા માટે પણ બની રહે છે કારણ કે જો એ પતિ અને બાળકોનું સાંભળે તો સાસુ સાથે મગજમારી થાય અને સાસુનાં કહેવા પ્રમાણે કરે તો પતિ અને બાળકો ગુસ્સે થાય! જો એ પોતાની મરજી પ્રમાણે બનાવે તો એવું સાંભળવાનું કે, "એક વાર પૂછવું તો જોઈએ કે શું બનાવવાનું છે?" આવામાં સ્ત્રી કરે તો પણ શું કરે? આ જ કારણથી ઘણી બધી વખત સ્ત્રી ગુસ્સે થઈને ખાવાનું બનાવતી હોય છે. વધારામાં એને ભાવતું ખાવાનું બનાવવાનું તો એ સપનામાં પણ ન વિચારી શકે.
ઉપરનાં જે સંવાદો આપણે જોયા એ એવા ઘરોમાં ક્યારેય સાંભળવા ન મળે જયાં વડીલો સમજણપૂર્વકનો વ્યવહાર કરતાં હોય, જમાનાની સાથે ચાલતાં શીખ્યા હોય, પોતે જેમ કરતાં આવ્યાં છે કે પોતે જેમ કહે છે તેવું જ થવું જોઈએ એવું ન કરતાં હોય. જો બધાં ઘરોમાં આવું થાય તો ક્યારેય ઘરમાં સ્વાદિષ્ટ ખાવાનાને લઈને ઝગડા ન થાય અને ક્યારેય સ્ત્રીએ કોઈ ધર્મસંકટમાં ન મૂકાવું પડે.
- સ્નેહલ જાની