Special Ops 2 in Gujarati Film Reviews by Rakesh Thakkar books and stories PDF | સ્પેશિયલ ઓપ્સ 2

Featured Books
Categories
Share

સ્પેશિયલ ઓપ્સ 2

સ્પેશિયલ ઓપ્સ 2

- રાકેશ ઠક્કર

        નિર્દેશક નીરજ પાંડે તેમની એક્શન થ્રિલર ફ્રેન્ચાઇઝી 'સ્પેશિયલ ઓપ્સ 2' સાથે OTT પર પાંચ વર્ષે પાછા ફર્યા છે. રો ઓફિસર હિંમતસિંહની ભૂમિકામાં કેકે મેનન સાથે આ વખતે ઘણી અલગ વસ્તુઓ જોવા મળે છે. એમાં માણસ વિરુધ્ધ માણસની લડાઈમાં AI નો તડકો લગાવવામાં આવ્યો છે. ગઈ વખત કરતાં એક્શન દ્રશ્યો ઓછા છે. કેમકે હાથ-પગ કરતાં કોમ્પ્યુટરની દુનિયામાં લડાઈ વધારે છે.

        અન્ય વેબસિરીઝની સીઝન 2 ની જેમ નીરજ પાંડેએ 'સ્પેશિયલ ઓપ્સ 2' નો કેનવાસ ઘણો મોટો બનાવ્યો છે. તેનું નિર્માણ મૂલ્ય કોઈ મોટી એક્શન ફિલ્મ જેવું છે. એમાં બતાવેલા બલ્ગેરિયા, બુડાપેસ્ટ, ગ્રીસ, જ્યોર્જિયાનોના સ્થાનો ફક્ત સ્ક્રીન પર સુંદર જ લાગતા નથી પણ વાર્તાને વાસ્તવિકતાની નજીક પણ લઈ જાય છે. નિર્દેશક દર્શકોને દેશ સામેના એક મોટા ખતરાથી વાકેફ કરાવે છે. તેમાં રોમાંચ, સસ્પેન્સ અને એક્શનની કોઈ કમી નથી. પાછલી સીઝન આતંકવાદી હુમલાઓ પર આધારિત હતી. નવી સીઝન સાયબર યુદ્ધની આસપાસ ફરે છે. આ મુદ્દો સુસંગત છે અને એવો ખતરો બતાવે છે કે આગામી સમયમાં બંને દેશો વચ્ચે યુદ્ધ ફક્ત સરહદ પર જ નહીં સાયબર યુદ્ધ પણ લડવામાં આવશે.

        આ વખતની વાર્તા પણ પાડોશી દેશના ખરાબ ઇરાદાઓ વિશે છે. ચીન ભારત પર મોટો સાયબર હુમલો કરવાની તૈયારીમાં છે. અને દેશના પરમાણુ સુરક્ષા કમાન્ડ સેન્ટરને પણ નિયંત્રિત કરવાનો પ્રયાસ કર્યો છે. ત્યારે દિલ્હીમાં એક RAW એજન્ટની હત્યા થાય છે. બીજી તરફ બુડાપેસ્ટથી AI વૈજ્ઞાનિક ડૉ. પિયુષ ભાર્ગવ (આરિફ ઝકારિયા) નું અપહરણ થાય છે. આ બધા માટે જ્યોર્જિયામાં બેઠેલો સુધીર (તાહિર રાજ ભસીન) જવાબદાર છે. તે દેશની અર્થવ્યવસ્થા પર સાયબર હુમલો કરવા માંગે છે. જેમાં બેંકો, શેરબજાર બધું જ શામેલ છે. હિંમત સિંહને કોઈપણ કિંમતે ડૉ. ભાર્ગવને સુરક્ષિત રીતે ભારત પાછા લાવવાના છે. 

           તે જુદા જુદા દેશોમાં તેના એજન્ટો અવિનાશ (મુઝામિલ ઇબ્રાહિમ) અને ફારૂક (કરણ ટેકર) ને સક્રિય કરે છે. દરમિયાનમાં દેશમાં એક મોટી બેંક છેતરપિંડી પણ થાય છે. હિંમતનો માર્ગદર્શક સુબ્રમણ્યમ (પ્રકાશ રાજ) તેનો ભોગ બને છે. તે આ છેતરપિંડી માટે જવાબદાર વ્યક્તિને પકડવા કહે છે, જે બીજા દેશમાં ભાગી ગયો છે. હિંમત સિંહ આ બંને મિશન કેવી રીતે પૂર્ણ કરશે તેની આસપાસ વાર્તા ફરે છે. એ સાથે તે પુત્રીની સમસ્યાને લઈને પણ પરેશાન રહે છે.

         આ સીઝનને પહેલા કરતા વધુ મોટી બનાવી છે. આ વખતે સંપૂર્ણપણે હોલીવુડ શૈલીમાં શૂટ કરવામાં આવી છે. તેથી શ્રેણીનું વજન ઘણું વધી ગયું છે. શરૂઆતના એક કલાકના બે એપિસોડ તેના પાત્રો અને વાર્તાનો પરિચય કરાવે છે. પછી વાર્તા ઘણા નવા વળાંક લે છે અને અંત સુધી જકડી રાખે છે. ઘણી બધી પેટા-કથાઓ હોવાથી દર્શકોનું ધ્યાન ક્યારેક ભટકી જાય છે. તેની ખાસિયત ચુસ્ત પટકથા અને સસ્પેન્સ રહ્યા છે જે આ સીઝનમાં પણ અકબંધ છે. તેનો અંત પહેલી સીઝન જેવો દમદાર નથી.

        કેકે મેનને હિંમત સિંહને આત્મસાત કર્યો છે. તે શોમાં સૌથી શક્તિશાળી પાત્ર છે. તેના નામ અને કામ પર જ જોઈ શકાય એમ છે. તે પોતાના અભિનયથી વેબસિરીઝને ખાસ બનાવે છે. ગયા વખતની સરખામણીમાં તેના પાત્રમાં ઘણી લાગણીઓ હતી જેને પડદા પર સુંદર રીતે રજૂ કરી છે. આ વખતે ‘હિંમતસિંહ’ રાજકીય દગાખોરને પકડવાનું, વિજ્ઞાનીને પાછા લાવવાનું, પોતાના અધિકારીનો બદલો લેવાનું અને દેશને પોતાના ગુરૂથી બચાવવાનું એમ ચાર મિશન પર છે. મેનન પડદા પર હોય ત્યારે દરેક દ્રશ્ય અને સંવાદ દમદાર રહે છે.

         તેની તાહિર સાથેની ટક્કર જોરદાર છે. સ્ટાઇલિશ અને વિચિત્ર ખલનાયકની ભૂમિકામાં તાહિર રાજ ભસીન પ્રભાવિત કરી જાય છે. તાહિરને બહુ ઓછી તક અપાઈ છે. બંને સિવાયના પાત્રો દર્શકોને બાંધી રાખે એવા નથી. કરણ ટેકર, વિનય પાઠક, ગૌતમી કપૂર, પરમીત સેઠી, દલીપ તાહિલ, આરીફ જાફરિયા, મુઝમ્મિલ ઈબ્રાહિમ, સૈયામી ખેર, પ્રકાશ રાજ અને વિકાસ સહિતના કલાકારોને ઓછો સમય મળ્યો છે. પણ જેટલો સ્ક્રીન ટાઈમ મળ્યો એમાં પોતાની ભૂમિકા સારી રીતે ભજવી છે.