આપણે બેનના ઘરેથી આવી ગયા. ફરી પાછી દિકરાને લઈને શાળાએ જવા લાગી. મેં જોયું કે હું જ્યારથી દિકરાને લઈને જવા લાગી ત્યારથી મમ્મી મને ખુશ દેખાતા હતા. મને એેવું લાગતું કે હું ઘરમાંથી બહાર રહું તે જ એમને ગમતું. કારણ કે પહેલાં જ્યારે હું નોકરી કરતી હતી ત્યારે પણ મને ઓફિસમાં રજા હોય એટલે એમ જ કહેતાં કે તારા પિયર રહી આવ. મારે ના જવું હોય તો પણ મોકલી દેતા. દિવાળીની સફાઈ વખતે પણ મને તો ઘરે જ મોકલી દેતા કે હું ઘર સાફ કરી દઈશ તને કંઈ સમજ નહીં પડશે. હું કહેતી કે તમે કરવા જ ન દેશો તો હું કેવી રીતે શીખીશ ? પણ તમે એમ જ કહેતા કે એ તો આવડી જશે. ને અત્યારે પણ હું દિકરાને લઈને નીકળી જતી એટલે અડધો દિવસ તો નીકળી જ જતો. મમ્મીનું જાણે આખું સ્વરૂપ જ બદલાઈ ગયું હતું. મને એમના વર્તનમાં ફરક દેખાતો હતો પણ તમને કોઈ દિવસ કંઈ કહ્યું જ નહીં. આમ જ હું દિકરાને લઈને જતી અને પેપરમાં જોઈને જ્યાં નોકરી મળવાની આશા લાગે ત્યાં હું જતી હતી. આમ જ એક દિવસ દિકરાની શાળાની નજીક જ એક શાળામાં કોમ્પ્યુટર શિક્ષક માટેનો ઈન્ટરવ્યુ આપવા ગઈ. ઈન્ટરવ્યુ સારો ગયો પણ ત્યાંના આચાર્યએ કહ્યું કે અમે કોમ્પ્યુટર શિક્ષકની નિમણૂક કરી દીધી છે પણ શું તમે અમારી શાળાના નબળા વિદ્યાર્થી ઓને ભણાવવા આવશો ? રોજ ત્રણ કલાક આવવું પડશે. મેં એમને કહ્યું કે હું બાળકોને ભણાવીશ તો ખરી પણ મારા દિકરાની શાળાના સમયે. એમણે મને કારણ પૂછ્યું તો મેં એમને જણાવ્યું કે હું ગામથી મારા દિકરાને લઈને સવારે આવું છું અને એ છૂટે ત્યારે એને લઈને જાઉં છું. તમે મને તમારી શાળાના સમયે કહેશો તો હું એ ન કરી શકું કારણ કે મારા દિકરાને મારા સિવાય લાવવા લઈ જવાનું કામ કોઈ ન કરી શકે. અને એને ગામ મૂકવા જાઉં ને ફરી પાછી આવું તો બસ ભાડાના ડબલ પૈસા થાય જે હું ન ખર્ચી શકું. હું એના જે ત્રણ કલાક છે એટલા સમયમાં ભણાવી શકું. એટલે એેમણે કહ્યું કે વાંધો નહીં. અમારી શાળાનો સમય બપોરનો છે તો તમે સવારે આવીને એમને ભણાવી જજો. એમણે મને પગાર વિશે પણ કહ્યું કે અત્યારે આટલો આપીશું પછી તમારું કમ ગમી જશે તો વધારી આપીશું. મેં હા પાડી દીધી. પગાર ઓછો હતો પણ દિકરાને લઈને આવવા જવાનો ખર્ચો બાદ કરતાં પણ થોડા પૈસા વધારે મળતા હતા. મેં ઘરે આવીને તમને અને મમ્મીને વાત કરી. તમે બંને જણા ખુશ થઈ ગયા હતા. મમ્મીએ કહ્યું કે સારું છે આમ પણ ત્યાં બેસી જ રહેવાનું હોય એના કરતાં કમાણી થશે. વાત સાચી હતી પણ મમ્મી નું કહેવાનું કંઈક વિચિત્ર હતું. હું પણ નોકરી તો શોધતી જ હતી જેથી આપણી આર્થિક પરિસ્થિતિમાં થોડો સુધારો થાય અને આપણા દિકરાના ભણતરમાં પૈસા અવરોધ ન બને. પણ મેં મમ્મીની વાતને મન પર ન લીધી. હું ખુશ હતી કારણ કે મને નોકરી મળી ગઈ હતી. મારા મન પર પણ એક બોજ હતો કે તમે હું નોકરી કરતી હતી એટલે મારી સાથે લગ્ન કર્યા હતા પણ મારી નોકરી છૂટી ગઈ હતી. હું અંદરથી પોતાની જાતને તમારી દોષી માનતી હતી. પણ આ નોકરી મળવાથી મને રાહત મળી હતી. પગાર પહેલી નોકરી જેટલો ન હતો પણ ઘરમાં પૈસા આવશે એ વાતથી ખુશ હતી. બીજા દિવસથી મારી નવી નોકરી શરૂ થવાની હતી. હું બીજી દિવસે દિકરાને લઈને શાળાએ જવા નીકળી. રસ્તામાં દિકરાને સમજાવ્યું કે હું એને મૂકીને બીજી શાળામાં ભણાવવા જવાની છું તો મને આવતા કદાચ મોડું થાય તો તું શાળાની બહાર નીકળતો નહીં. દિકરો નાનો હતો પણ મારી વાત સમજી ગયો હતો. મેં એના વર્ગ શિક્ષકને પણ કહી દીધું કે હું જ દિકરાને લેવા આવીશ. એને એકલાને બહાર જવા ન દેતા. શિક્ષક જાણતા હતા કે હું ત્યાં ત્રણ કલાક બેસી રહેતી હતી. એટલે એમણે પૂછયું કે તમે પાછા ઘરે જવાના છો ? મેં ના પાડી અને એમને કહ્યું કે મને ત્રણ કલાકની એક નોકરી મળી છે એટલે હું ત્યાં જાઉં છું. ત્યાંથી છૂટીને આવીને દિકરાને લઈ જઈશ. ને એમણે કહ્યું કંઈ વાંધો નહીં. તમે જાવ શાંતિથી અમે એને એકલાને નહીં જવા દઈએ.