અમે ઘરે પહોંચ્યા. જમવાનું તૈયાર જ હતું. મેં દિકરાને ખવડાવ્યું અને મેં પણ ખાઈ લીધું. અને પછી તમે નોકરીએથી આવ્યા. તમે એમ પણ ન પૂછ્યું કે આજે બસ મળી ગયેલી કે તમને મોડું થયું ગઈકાલની જેમ. મને થયું કે હશે જવા દે કદાચ તમારો સ્વભાવ જ નથી લાગણી વ્યક્ત કરવાનો. હું દિકરાને લઇને જ્યારથી શાળાએ જતી થઈ ત્યારથી સવારનું કામ તો મમ્મી કરી જ લે પરંતુ સાંજે પણ મને કંઈ ન કરવા દે. હું કેટલીએ વાર એમને કહું કે મને કરવા દો પણ એ ન જ કરવા દે. સારું લાગ્યું હું અડધો દિવસ દિકરા સાથે ઘરની બહાર રહેવા માંડી તો મમ્મી કામ નથી કરવા દેતા એ વિચાર અડધા દિવસ પૂરતો પણ મારા મગજમાંથી નીકળી જતો. બાકીનો અડધો દિવસ દિકરા સાથે આમતેમ કરવામાં પસાર કરી દેતી. ફરી સવાર થઈ ને હું દિકરાને લઈને નીકળી ગઈ. પણ એ દિવસે મેં નક્કી કર્યું કે હું જે શાળાએે જાઉં છું એમને કહીને ત્યાંથી દસ મિનિટ વહેલી નીકળી જવા એટલે સમયસર દિકરાને લઈને એની શાળાએથી નીકળી શકીએ કે પહેલી બસ ચૂકી ન જવાય. અને મેં મારી શાળાએ પહોંચીને આચાર્ય સાથે વાત કરી કે હું ત્રણ કલાક પૂરા ન ભરી શકું મારે દસ મિનિટ વહેલા નીકળવું પડશે. એમણે કહ્યું કંઈ વાંધો નહીં તમે દસ મિનિટનું વિદ્યાર્થીઓને વાંચવા લખવાનું આપી નીકળી જજો એટલો સમય કોઈ એક વિદ્યાર્થી ને મોનિટર બનાવી દેજો. આચાર્યએ આવી રીતે મને સમયની ગોઠવણ કરી આપી એટલે મને નિરાંત થઈ ગઈ. અને એ દિવસથી મારું ભણાવવાનું કાર્ય નિયમિત રીતે શરૂ થઈ ગયું. આચાર્યને વાત કર્યા પ્રમાણે હું વિદ્યાર્થીઓને કામ આપી દસ મિનિટ વહેલી નીકળી ગઈ. એક વિદ્યાર્થી ને મોનિટર બનાવી એને સમજાવી દીધું કે જે કામ આપ્યું છે એ પૂરું કરીને બધાને જવા દેવાના. હું દિકરાની શાળાએ વહેલી પહોંચી ગઈ અને જેવી શાળા છૂટી કે તરત એને લઈને બસ પકડવા ઝડપથી પહોંચી ગયા. અને એ દિવસે અમને અમારી પહેલી બસ મળી ગઈ અને અમે સમયસર ઘરે પહોંચી ગયા. હવે આ અમારો રોજનો કાર્યક્રમ થઈ ગયો. દિકરાને લઈ નીકળું, એને શાળાએ મૂકીને હું મારી શાળાએ જતી અને એ પતાવીને અમે ઘરે આવતા. આામ કરતાં કરતાં એક મહિનો પૂરો થયો. હું જ્યાં જતી હતી એ શાળાના આચાર્યએ મને બોલાવી મારો એ મહિનાનો પગાર આપ્યો અને કહ્યું કે તમારી ભણાવવાની રીત અને વિદ્યાર્થીઓ સાથેના સારા વ્યવહારના કારણે અમારી શાળાના બીજા વિદ્યાર્થીઓ તમારી પાસે ટ્યુશન કરાવવા માગે છે. તમે ઈચ્છો તો એ કરાવી શકો છો. પણ મેં એમને કહ્યું કે હું તો ગામ રહું અને અહીં એવી કોઈ જગ્યા મારી પાસે નથી જ્યાં હું ટ્યુશન કરાવી શકું. એમણે કહ્યું તમારે બીજે ક્યાંય જગ્યા શોધવા જવાની જરૂર નથી અહીં જ કરાવજો. હું તમને હવે નક્કી કરેલો પગાર નહીં આપું પણ વિદ્યાર્થીઓ પ્રમાણે રૂપિયા આપીશ. એમાં જે મારી શાળાના નબળા વિદ્યાર્થીઓ છે એમનાં નહીં આપું જે તમારી પાસે ટયુશન લેશે તેમના રૂપિયા આપીશ. મેં એમને પૂછયું કે પણ ટયુશન લેવાવાળા વિદ્યાર્થીઓ ઓછા હશે તો ? એમણે કહ્યું કે ના હું તમને જે પગાર આપું તેના કરતાં એ રૂપિયા વધારે જ હશે એટલે તમે ચિંતા ન કરો. અને જો ઓછા થશે તો આપણે જે પગાર નક્કી કર્યો છે તે હું આપીશ. એટલે મેં એમને હા પાડી. ઘણા સમય પછી મારા હાથમાં મારો પગાર હતો. મને ખૂબ સારું લાગ્યું કે હાશ હવે ઘરખર્ચ માટે થોડી પૈસાની છૂટ રહેશે. ઘરે આવીને મેં પહેલાની જેમ એ પૈસા મમ્મીને આપ્યા તો મમ્મીએ કહ્યું કે ના તારી પાસે જ રહેવા દે. હવે બધું તમારે જ કરવાનું. અને તમે આવ્યા ત્યારે મેં તમને એ રૂપિયા આપી દીધા હતા. તમને પણ મારી જેમ હાશ થઇ હતી કે હવે આપણને થોડી ખર્ચમાં રાહત રહેશે.