મછરીલા સૂર
આમ તો શિયાળો મારી મનગમતી ઋતુ છે. નાનપણમાં પણ ‘શિયાળાની સવાર ' નિબંધ જ લખાતો ગમતી ઋતુ! પણ ‘શિયાળાની સાંજ ‘ કે ‘શિયાળાની રાત ‘ ક્યારેય નહોતો પૂછાયો નહિ તો એ વિશે ઘણું અણગમતું લખાત! જીવનમાં સતત મનગમતું તો ક્યાંથી હોય એની સાથે અણગમતું તો હોય જ ને! એ રીતે જ આ મનગમતામાં એક અણગમતી વાત દરેક શિયાળે હોય છે. શિયાળો શરૂ થાય અને ઘરમાં હેલિકોપ્ટરોનો ત્રાસ શરૂ થઈ જાય. આમ તો હેલિકોપ્ટર ચોમાસા પછી તરત દેખાય પણ શિયાળામાં એની કનડગત વિશેષ વધી જાય.
હેલિકોપ્ટર એટલે શું સમજાયું કે નહીં? ઘરમાં ફરતાં ગુન ગુનિયા લોહી પ્યાસા જંતુ “ મચ્છર “. આ મચ્છર બોલતાં જ નાના પાટેકર યાદ આવી જાય ને? “ સાલા એક મચ્છર આદમી કો બીપ બીપ બના દેતા હૈ..” કેટલું સાચું કહ્યું હતું!
એ ગુન ગુન કરતાં મચ્છરોએ તો એવો ત્રાસ ફેલાવ્યો છે કે, “ગુનગુનાતી હૈ યે હવાયેં…” સાંભળીએ તો પણ મનમાં રોમેન્ટિકનેસ આવવાને બદલે ઓડોમોસ લેવા અનાયાસે જ ઉભા થઇ જવાય છે. એ ગુન ગુન વાજા પોતાને સોનું નિગમ સમજી આપણા કાનમાં સૂરો રેલાવ્યા જ કરે. આ એમની સ્ટ્રેટેજી લાગે કે આપણું ધ્યાન એનાં ગીતો પર જાય અને એને લોહી પીવાનો અવસર મળે. મને તો લાગે છે કે એ લોકોની આખી ગેંગ ગ્રુપ બનાવીને શિકાર પર નીકળતી હશે. જેમ કે, “ચાર દાયે જાઓ, ચાર બાયે જાઓ ઔર ચાર મેરે પીછે આઓ.” એ જમણી બાજુ સૂર રેલાવે એટલે આપણે ભ્રમિત થઈએ આપણે એની તરફ ધ્યાન આપીએ એટલે વચ્ચેથી આવીને કપાળ પર ધીમું ઇન્જેક્શન મારી લોહી ખેંચાઈ ગયું હોય. વળી, મિશન લેફ્ટન સાઈડ શરૂ થાય. એ તરફનાં સૂર વધારે કર્કશતા ભર્યા લાગવા માંડે અને આપણે દોડીને રેકેટ (ટિકટેક )લેવા જઈએ. (બેડ મિંટન વિથ ગુન ગુનિયા વાળું જ તો.) એટલે ગેંગ પાછળથી હુમલો કરે ગરદન પર, બીજી ખંજવાળવા માટેની અઘરી જગ્યા કાનની ધાર પકડે અને આપણે નિરાધાર! ક્યારેક વળી રોકેટ રૂપી ચક્રથી પટ પટ કરતાં ફૂટે ય ખરાં ત્યારે થોડી રાહત લાગે.
આ ગુન ગુનિયા લખતી વખતે ચિકન ગુનિયા યાદ આવ્યો. બેડ પરથી જાતે ઉઠી નહોતું શકાતું, દરેક સાંધા બૂમો પડાવતાં. સાંજ પડતાં રામજાણે ક્યાંકથી આવીને એક મચ્છર આંખ સામે હાથ ઉપર ધુમાડાની મજા લેતા, આપણા લોહીનાં ભરેલા જામ સાથે આઈટમ ડાન્સ કરે. “શામ હૈ જામ હૈ ઔર હૈ ધુંઆ.. તન ભી હૈ મન ભી હૈ પિઘલા હુઆ.. છાઈ હૈ મદહોશિયા..” ચિકન ગુનિયાની અસર એવી કે, એક હાથ જાતે ઊંચો થઈને બીજા હાથ પરથી એને ઉડાડી પણ નહિ શકે, ગજબ સ્થિતિ હતી. એ મછરી જ હશે એવું મને બંધ આંખે લાગ્યું. કલર ફૂલ કેબ્રે ડ્રેસ,આંખે, ગાલે અને હોઠ પર મેક અપે રંગેલી એની પ્રતિકૃતી મગજમાં ઝીલાતી રહી. છેલ્લે “ જીસ્મ કા હર રુંવા તેરે હવાલે કર દિયા..” સેડ વર્ઝનમાં ગાતાં ચૂપ ચાપ સૂઈ રહેવા સિવાય કોઈ ઉપાય નહોતો રહ્યો. એક મચ્છર સાલા આદમી કો ક્યા સે કયા બના દેતા હૈ! વિચારતા નિઃશ્વાસ નંખાઈ જતો.
જોબ પર જઈએ ત્યારે નિરાંત એમ સમજાય ખરું પણ ત્યાં પણ સાંજ તો પડે જ ને! કોઈકને વળી એર કન્ડીશનરથી તકલીફ પડી તે બંધ કરાવ્યું અને બારીઓ ખુલ્લી રખાવી. કામ કરતાં કરતાં નજર ત્યાં જ જતી રહે. મનમાં થાય “ લહેરા કે બલખાકે..” કરતી મછરિતાબેટ્ટી મને ચીડવવા આવતી જ હશે. પાછળ બધી સાઈડ ડાન્સરો પણ ખરી જ તો. આવીને મારાં ડાઈડ કાળા ભમ્મર વાળનાં ગૂંચળામાં સંતાકૂકડી રમવા માંડશે. ધીમે રહીને ચાર પાંચ એ ગૂંચળામાંથી નીકળીને માથા ઉપર ભમવા માંડશે. એમાંથી એકાદ ગાશે.”ગુન…ગુન…ગુન
છુપ ગયા કોઈ રે…દૂર સે પુકાર કે..દર્દ અનોખે હાયે દે ગયા પ્યાર કે..ગુન ગુન ગુન ગુન..” એટલે વાળમાંથી એનો પ્રેમી મચ્છર નીકળતો નીકળતો. “ ગુન ગુન ગુન ગુન.. મેં આયા તેરે લિયે..હોઠોં પે નગમે સજા કે..ગુન ગુન ગુન ગુન..” પછી બંને એની ટીમ સાથે હુમલો કરશે. ઓહ…ઓહ..આજે તો મેં અડધી બાંયનું ટી શર્ટ પહેર્યું છે. હે ભગવાન તુ હિ રક્ષક! મનોમન બોલતાં હાથ જોડાઈ ગયાં. ત્યાં જ બોસની બૂમ પડી એટલે મછરીલા વિચારોએ પોરો ખાધો.
ઘરે પહોંચીને જોયું તો મમ્મીને તાવ આવ્યો હતો. બાજુવાળા લક્ષ્મી બા બેઠાં હતાં. વાતો કરતાં હતાં એ સંભળાયું. વાતમાં એમ હતું કે આજકાલ તાવ બહુ ઝેરીલા નીકળ્યાં છે. માણસ ત્રણ દિવસમાં તો દેવને વ્હાલો થઈ જાય છે. એવા તાવ સાથે પેલો મછરીયો તાવ પણ અઘરો છે. એ તાવનું નામ ભૂલી ગયાં હતાં તે મમ્મીએ વળી યાદ કરાવ્યું ‘મેલેરિયા’. અંદર સંભળાતી આ વાતો મને હલબલાવી ગઈ. રેકેટચક્ર લઈ બહાર આવીને આમ તેમ ફેરવવા માંડ્યું. “આ દેખે જરા.. કિસમે કિતના હૈ દમ..” અને સટા સટ ને પટા પટ મચ્છરો ફુટવા માંડ્યા અને એ જોઈ ડરીને બીજા અડધા મચ્છરો રૂમમાંથી પણ ફૂટવા માંડ્યા! એ જોઈને એક વિજયી સ્મિત ઘટાદાર મૂછો નીચે છુપાઈ બેઠેલાં હોઠ પર રમી ગયું. ત્યાં એક નવું છમકલું થયું. લક્ષ્મી બા તો ગયાં પણ મમ્મીને હવે ડર પેંઠો કે ત્રણ દિવસનાં તાવમાં હું બચીશ કે નહિ? મને બોલાવીને એનાં ગયા પછી શું શું કરવું એ લખવા માટે નોટ પેન મંગાવ્યા. મને ગુસ્સો આવ્યો એ લક્ષ્મી બા પર અને બધું મગજ પર લેનાર મમ્મી બંને પર. પણ એનો અર્થ જરાય એવો નથી કે મચ્છર એક સાઈડ થઈ જશે. સૌથી મોટો અણગમો વિથ ગુસ્સો તો હંમેશા મચ્છર પર જ રહેશે. પછી તો પપ્પાએ માંડ સમજાવી ત્યારે મમ્મી સમજી.
સવારે ઑફિસ પહોંચી જોયું તો “ હો..હો..” થઈ રહ્યું હતું. બોસની પીએને ડેંગ્યૂ ડિટેક્ટ થયો હતો. બોસ આવ્યા એટલે બધાં છૂટા પડ્યા. પછી અંદરો અંદર ઘૂસુર પૂસુર ચાલી રહી હતી. આપણે સરને કહેવું જોઈએ કે પેસ્ટ કન્ટ્રોલ કરાવે આમ ને આમ તો બધાનો વારો નીકળશે. મેં તરત એ વાક્યને ઝીલી જ લીધું અને કેચ આઉટની અપીલ કરતો હોઉં એટલાં મોટાં અવાજે બોલાઈ ગયું. હા, અહીં એસીનાં ભરાઈ રહેલાં પાણીનો નિકાલ પણ થતો નથી વળી, મની પ્લાન્ટ ઑફિસમાં બે ત્રણ જગ્યાએ જે મૂક્યાં છે એ પણ મચ્છરોનો અડ્ડો જ છે. એક તો પ્રાઇવેટ જોબ જો ડેંગ્યૂ થયો તો આર્થિક રીતે પણ અઘરું પડી શકે છે. અને અચાનક..બધાં શાંત અને જાણે બેક ગ્રાઉન્ડમાં અવાજ આવતો હોય એમ સંભળાઈ રહ્યું, “ ધમ ધમ ધમ ધડાઈયાં રે..સબસે બડે લડાઈયો રે…ઓમકારા..હે ઓમકારા..” હું ચારેબાજુ જોતાં ચૂપ થઈ ગયો. કેમકે, સામે બોસ ને જોતાં જ કાનમાં તરત ધીમે અવાજે સંભળાવા લાગ્યું, “ગબ્બર ઇઝ બેક…ગબ્બર ઇઝ બેક..” ધીમે રહીને પાછા પગલાં ભરતા ખુરશી પકડી. બોસે પ્રશ્ન સૂચક નજરે મને જોયો. હું તતફ્ફ કરવા લાગ્યો. સર આ..તો..તો..મચ્છરની વાત હતી. મારા શેરગિલ બોસ ઝીણી ઝીણી આંખોને વધુ ઝીણી કરતાં એમની ગુફામાં ( કેબિન) ભરાઈ ગયાં. પાછળ જ બે મચ્છર પણ ગયાં. એ બે જાણે મને “ લટ્ટુ ઘુમાઈ કે, કમર હિલાઈ કે.. લૂટ લેહૌ દુનિયાકો ઠેંગા દિખાઈ કે..બંટી ઔર બબલી…” ગાતા મારી સામે ઉપહાસી સ્મિત કરતાં હોય એમ લાગ્યું. મેં એ બે ને અદ્ર્શ્ય કરવા જોરથી આંખો મીંચી દીધી. અને થોડીવારે ખોલીને માંડ કમ્પ્યુટર પર નજર ટેકવી.
ઑફિસનાં કામના કલાકો પૂરા થયા. મારા બોસથી માંડ બચ્યો એમ વિચારતો હું ઑફિસની બહાર નીકળવા જ જતો હતો. ત્યાં બોસે બોલાવ્યો. ધક..ધક..સાથે હું એમની સામેની ખુરશી પકડી ઉભો રહ્યો. એ ફોનમાં વાત કરી રહ્યાં હતાં અને મારી નજર ટેબલ ઉપર પડેલા એમનાં નામની પ્લેટ ઉપર પડી. “ માનવ કે. શેરગિલ”. જ્યાં શેર લખ્યું હતું ત્યાં જ એક મચ્છર ઉડા ઉડ કરતો હતો. મને નાના પાટેકરનો ડાયલોગ બીજી રીતે યાદ આવ્યો અને દાઢી મૂછની ઘટાઓ વચ્ચે ઘેરાયેલાં હોઠે ફેલાવાની ગુસ્તાખી કરી દીધી. ફોનધારી બોસે મારી આંખો સામે ચપટી વગાડી અને હું સાવધાનની મુદ્રામાં આવી ગયો. બેઠો બેઠો હું સામે દેખાતાં મની પ્લાન્ટ સામે જોતો રહ્યો પણ મારાં વિચારોની ચાડી આ કમબખ્ત હોઠ ન ખાઈ જાય એની પૂરતી તકેદારી રાખી. બોસે ફોન પરની વાતો પૂરી કરી અને બોલ્યાં, “ આજે તમારી વાતો સાંભળી, તમે સાચે જ ઑફિસનાં જાગૃત કર્મચારી છો. કાલે રવિવાર છે એટલે પેસ્ટ કન્ટ્રોલ કરાવીએ છીએ. તમારે નવ વાગ્યે હાજર રહેવાનું છે. બીજું કે, આ બધાં મની પ્લાન્ટનું પાણી રેગ્યુલર બદલાય છે કે નહિ એ જોવું પણ તમારી જવાબદારીમાં આવશે. નાઉ, યુ મે ગો.’'
હું શેરગિલની ગુફામાંથી બહાર નીકળ્યો. યંત્રવત્ ઑફિસમાંથી બહાર નીકળીને બાઈક સવારી કરી. સાહજિક રીતે જ મનમાં ગીત સ્ફુર્યું..” મેં રોઉં યા હસું..કરું મેં કયા કરું..” ત્યાં જ ફરી નાનાબાપુ યાદ આવ્યાં. “એક મચ્છર સાલા…”
કુંતલ સંજય ભટ્ટ
સુરત.