ભાષા એક એવી વસ્તુ છે જે કુદરતી નથી છતા તેનો તમામ માનવજાતે સહર્ષ સ્વીકાર કર્યો છે કારણકે કુદરતે જીભ, દાંત, શ્વાસ વગેરેને અન્ય કામ માટે આપ્યા છે પણ આપણે આપણી શ્વાસપેટી વડે આ તમામ અંગોનો સહારો લઇને ભાષાનો વિકાસ કર્યો છે જે આપણી લાગણીઓને વ્યક્ત કરવાનું સશક્ત માધ્યમ છે અને આ ભાષા જ એક એેવી વસ્તુ છે જે સતત પરિવર્તનશીલ રહે છે અને તેમાં ફેરફારો થતાં જ રહે છે. એક સમયે ભારતમાં વૈદિક સંસ્કૃતની બોલબાલા હતી જે ત્યારે જનસામાન્યની ભાષા હતી જેમાં વેદોની રચના થઇ હતી પણ ત્યારબાદ સમયાંતરે ભાષામાં પરિવર્તન થતું રહ્યું છે અને આજે આપણે સંસ્કૃતમાંથી ઉતરી આવેલી ગુજરાતીનો ઉપયોગ કરીએ છીએ.તે જ રીતે યુરોપ અમેરિકામાં પણ પેહલા અંગ્રેજી ભાષાનું ચલણ ન હતું પણ આજે ત્યાં અંગ્રેજી જનસામાન્યની ભાષા બની રહી છે અને તેના કારણે જ તેમને શબ્દોની વિપુલતા સાંપડી છે દરરોજ ભાષામાં નવા નવા શબ્દો જોડાતા જ જાય છે અને તે દરેક શબ્દની આગવી એક કહાની હોય છે આજે અંગ્રેજીનાં એવાજ કેટલાક શબ્દો જોઇએ જેનો રોજબરોજના જીવનમાં આપણે ઉપયોગ કરીએ છે પણ આ શબ્દોની પાછળ રહેલો ઇતિહાસ આપણને ખબર હોતો નથી જે એટલો જ રસપ્રદ છે.
બીલી રે સાયરસ સંગીત જગતનું જાણીતું નામ છે જે તેના કંઠ ઉપરાંત તેની હેરસ્ટાઇલને કારણે વિખ્યાત હતો અને તેની હેરસ્ટાઇલને મુલેટ નામ આપવામાં આવ્યું હતું.તેમણે આ પરથી એક ગીત પણ બનાવ્યું હતું. જે ત્યારે ખુબ જ લોકપ્રિય બન્યું હતું.મુલેટ હેડ નામના ગીતની સાથે જ આ શબ્દ ત્યારે હેરસ્ટાઇલ સાથે જોડાયેલો હતો પણ પંદરમી સદીમાં મુલેટ શબ્દ મચ્છી માટે વપરાતો હતો.આજે પણ મોટા અને ચપટા માથાવાળી મચ્છી માટે આ શબ્દ વપરાય છે.ક્યાં હેરસ્ટાઇલ અને ક્યાં માછલી છતાં બીસ્ટીબોયના કારણે આ શબ્દ હેરસ્ટાઇલ સાથે સંકળાઇ ગયો તે નવાઇજનક છે.
અંગ્રેજીમાં અન્ય એક શબ્દ સ્નોબ છે જેનો ઉપયોગ ઘમંડીનાં અર્થમાં થાય છે.પણ મજાની વાત એ છે કે પહેલા આ શબ્દનો ઉપયોગ જુતા બનાવનાર માટે થતો હતો.તો કેમ્બ્રિજના સ્ટુડન્ટો અઢારમી સદીનાં આરંભમાં આ શબ્દ તુચ્છકારમાં એ લોકો માટે વાપરતા હતા જે વિદ્યાર્થીઓ ન હોય.જ્યારે આજના વિદ્યાર્થીઓ આ શબ્દ સ્થાનિકો માટે વાપરતા હોય છે.જો કે ઓગણીસમી સદીમાં આ શબ્દની સાથે અલગ જ અર્થ જોડાયો હતો જે ધનાઢ્ય કુટુંબ સાથે જોડાયેલો હતો.આમ આ શબ્દ જે મુળ અર્થ ધરાવતો હતો તેની સાથે તેનું જોડાણ કપાઇ જવા પામ્યું છે ગુજરાતીમાં મહારાજ શબ્દ પહેલા રાજાઓ સાથે જોડાયેલો હતો આજે આ શબ્દ બ્રાહ્મણ સાથે જોડાયેલો છે જે રસોઇયા તરીકે કામ કરતો હોય છે.
નાઇટમેરનો અર્થ આમ તો દુઃસ્વપ્ન થાય છે પણ આ શબ્દનો ઇતિહાસ જોઇએ તો તેરમી સદીમાં આ શબ્દ અલગ રીતે વપરાતો હતો.તેમાં રહેલ મેર શબ્દ રાત્રે નિદ્રામાં ખલેલ પહોચાડનાર ખોટા ખ્યાલો સાથે જોડાયેલો હતો.પણ એક સદી બાદ તે અલગ અર્થમાં વપરાતો થયો હતો.દુઃસ્વપ્ન સાથે તેને સૌપ્રથમ ૧૮૨૯માં જોડવામાં આવ્યો હતો.દુઃસ્વપ્ન સાથે તેનું જોડાણ કરતો ઉપયોગ જો કે બે વર્ષ બાદ થયાનું દસ્તાવેજી નોંધ જણાવે છે.
ટોડ્રી શબ્દ આમ તો સસ્તાનાં અર્થમાં વપરાય છે.પણ આ શબ્દ સમૃદ્ધ ઇતિહાસ ધરાવે છે.સેન્ટ ઓડ્રીએ નોર્થમ્બ્રિયાનાં મહારાણી હતાં.જેને ગળામાં ગાંઠ હતી અને ેતેઓ ૬૭૯માં મોતને ભેટ્યા હતા.તેઓ પોતાના ગળામાં સ્ટાઇલિસ્ટ નેકલેસ પહેરતા હતા.જ્યારે તેઓ મોતને ભેટ્યા ત્યારબાદ તેમના આ ઘરેણા વેચાણ માટે મુકવામાં આવ્યા હતા અને તેને ઓડ્રી લેસીસ તરીકે ઓળખવામાં આવ્યું જેને પાછળથી ટોડ્રી લેસીસ કહેવાયું.જેને સસ્તા સાથે જોડી દેવામાં આવ્યું હતું.
બાર્બેરિયન શબ્દ આમ તો લુંટારાઓ માટે વપરાય છે જેને અસંસ્કૃત અને ગામડીયા તરીકે પણ ઓળખવામાં આવે છે.જો કે આર્નોલ્ડ શ્વાર્ઝનેગરની કોનન ધ બાર્બેરિયનમાં તેને સકારાત્મક રીતે લેવાયું હતું. જો કે આ શબ્દ મુળે તો બહારની અજાણી વ્યક્તિઓ માટે વપરાતો હતો.સંસ્કૃતિથી અજાણ વ્યક્તિઓ, ભાષાથી અજાણ વ્યક્તિઓ માટે પણ આ શબ્દનો ઉપયોગ થતો હતો.ગ્રીક ભાષામાં બાર્બેરસ શબ્દનો અર્થ વિદેશી, અજાણ્યું અને ઉપેક્ષિત થતો હતો.આ શબ્દનો મુળ અર્થ ભાષા સાથે સંકળાયેલો હતો જેમાં વિદેશીઓનો શાબ્દિક ઉચ્ચાર તેની સાથે જોડાયેલો હતો.આપણી ભાષા બોલી શકતા નહી વ્યક્તિઓ માટે આ શબ્દ વપરાતો હતો.જો કે સત્તરમી સદીમાં આ શબ્દ સાથે જંગલીપણાનો અર્થ જોડવામાં આવ્યો હતો.ત્યારબાદ તે લુંટારાઓ અને જંગલીઓ માટે આ શબ્દ વપરાતો થયો હતો.
એસ્કેપ શબ્દ આમ તો ક્રિયાપદ અને સંજ્ઞા બંને રીતે વપરાય છે અને તેને આપણે વર્તમાન સમયમાં ભાગી છુટનાર કે છટકી જવાનાં અર્થમાં ઉપયોગમાં લઇએ છીએ.જો કે આ શબ્દ સાથે અનેક રસપ્રદ કથાઓ સંકળાયેલી છે.આમ તો આજે જે એસ્કેપ શબ્દનો ઉપયોગ થાય છે તેમાં ઇ અને એસ સાથે કેપ શબ્દ વપરાય છે અને તે મુળે તો લેટિન એક્સનું રૂપ છે જેનો અર્થ આઉટ ઓફ થાય છે.ક્રિયાપદ તરીકે એસ્કેપનો વપરાશ લેટિનનાં એક્સકેપ્પર્સ પરથી થયો હતો.જેનો અર્થ છટકી જવા સાથે સંકળાયેલો હતો.૧૪૦૦માં આ શબ્દ સંજ્ઞા તરીકે વપરાતો થયો હતો.ઓગણીસમી સદીમાં આ શબ્દ માનસિક કે ઇમોશનલ તણાવમાંથી છુટવાના અર્થમાં વપરાતો થયો હતો.
ગુડબાય શબ્દ સાંભળીએ ત્યારે એવું લાગે કે તે ગુડ અને બાયનો સંગમ હોવાનું લાગે છે પણ આ શબ્દ ધાર્મિક પૃષ્ઠભૂમિ ધરાવતો શબ્દ છે.જેનો અર્થ એ થાય છે કે ભગવાન તમારા પર કૃપા કરે.ગુડબાય એ શબ્દનાં મુળ જુની પ્રાર્થના ગોડ બી વીથ યુ સાથે છે.જેને સંક્ષિપ્તમાં ઉપયોગ કરવાનો આરંભ થયો હતો.ત્યારે લોકો ગુડ નાઇટ અને ગુડ ડે જેવા શબ્દનો ઉપયોગ કરતા જ હતા અને તેના કારણે જ ગુડબાય શબ્દનો ઉપયોગ થવાની શરૂઆત થઇ હતી.
જિન્સ આજે યુવા વર્ગમાં લોકપ્રિય આઉટફીટ છે અને દરેક વર્ગનો અને દરેક વયનો વ્યક્તિ તેનો ઉપયોગ કરતો હોય છે.પણ આ શબ્દ આપણે ધારીએ છે તેના કરતા ઘણો લાંબો ઇતિહાસ ધરાવે છે.જેનો અર્થ કામ કરતી વ્યક્તિઓ માટે આરામદાયક તેવો થાય છે. પંદરમી સદીમાં ઇટાલી નાવિકોએ આ વસ્ત્રો પ્રચલિત બનાવ્યા હતા અને આ નાવિકો ઇટાલીનાં જિનોવામાંથી આવતા હતાં જેમણે સૌપ્રથમ ડેનિમ પેન્ટ બનાવ્યા હતા.જો કે જિન્સ શબ્દ ઇટાલી મુળ ધરાવતો હોવા અંગે મતભેદ છે કારણકે ડેનિમ શબ્દ આમ તો ફ્રેન્ચ ભાષાનો શબ્દ છે.જે સર્જ ડી નિમ્સ પરથી ઉતરી આવ્યો છે.જેમાં રહેલો નિમ્સ શબ્દ ફ્રાંસના નિમ્સ શહેર સાથે જોડાયેલો છે જ્યાં આ કાપડ બનતું હતું.ફ્રાંસે આ કાપડ પર પોતાનો દાવો વ્યક્ત કર્યો હતો અને જિન્સ શબ્દ ફ્રેન્ચ ઝિનોવા પરથી જિન્સ પરથી ઉતરી આવ્યો છે.
ફિયાસ્કો શબ્દ એક અન્ય એવો શબ્દ છે જેનો અનેક દેશો અને શહેરો સાથે સંબંધ છે.૧૮૫૫માં રંગભૂમિ પર ખરાબ પ્રદર્શન કરનારા માટે તુચ્છકારમાં આ શબ્દ વપરાતો હતો.જે આમ તો ફ્રેન્ચ શબ્દ હતો જેનો અર્થ નિષ્ફળા સાથે જોડાયેલો હતો.જ્યારે ફ્રેન્ચનો ફાર ફિયાસ્કો શબ્દ પોતે તો ઇટાલી સાથે સંકળાયેલો છે જેનો અર્થ મેક અ બોટલ થતો હતો.ત્યારે નવાઇ લાગે કે તેનું જોડાણ નિષ્ફળતા સાથે કઇ રીતે થયું પણ એક રસપ્રદ બાબત એ છે કે ઇટાલીમાં ફેર ઇલ ફિયાસ્કો એ વ્યક્તિ સાથે સંકળાયેલો હતો જે રમતમાં નિષ્ફળ જાય તો બધા માટે તેને ડ્રીંક ખરીદવું પડતું હોય અને તેને તેઓ મેક અ બોટલ કહેતા હતા આમ આ શબ્દ અનેક અર્થછાયાઓ સાથે જોડાઇને આજના સ્વરૂપમાં આવ્યો છે.
ડિઝાસ્ટર શબ્દનાં અર્થથી તમામ વાકેફ છે પણ આ શબ્દને જ્યારે છુટો પાડીએ અને તેની સંધિ જોઇએ ત્યારે ખબર પડે છે કે આ શબ્દને આજના અર્થ સાથે કોઇ લેણ દેણ નથી તે ડીસ અને એસ્ટ્રો શબ્દથી બનેલો છે.જેમાં ડીસનો અર્થ તો કમનસીબ થાય છે જ્યારે એસ્ટ્રો એટલે તારો કે ગ્રહ થાય.જ્યોતિષશાસ્ત્રને તારાઓ અને ગ્રહોની સ્થિતિ સાથે ખાસ સંબંધ છે અને અમુક ગ્રહ કે તારો અમુક સમયે અમુક જગ્યાએ હોય ત્યારે તેના ગુણદોષ અનુસાર ફળકથન કરાય છે અને ડીઝાસ્ટર શબ્દનો મુળ અર્થ તારા કે ગ્રહની સ્થિતિને કારણે થનાર દુર્ઘટના સાથે સાંકળવામાં આવ્યો હતો.આજે આપણે માત્ર દુર્ઘટના સાથે તેને જોડીએ છીએ.