લેખ:- સવારની બસ અને યાદો
લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની
આજનાં લેખમાં એક સરસ મજાની યાદગીરી આપ સૌ સાથે વહેંચવા માંગું છું.
સવારની બસ એટલે હું અને મારી સાથે ધોરણ 12 સાયન્સનાં વર્ગમાં ભણતાં મારા તમામ મિત્રો અને સખીઓ માટે એક અવિસ્મરણીય સંભારણું! એક ગામમાં રહીને અમે બાજુનાં નાનકડાં શહેરમાં ટ્યુશન માટે જતાં હતાં.
મારા અગાઉનાં બે લેખોમાં હું ગણદેવી અને બીલીમોરા વિશે ચર્ચા કરી ચૂકી છું. ગણદેવી એટલે કે એ ગામ જ્યાં હું રહેતી હતી, મોટી થઈ અને મારું ભણતર પૂર્ણ કર્યું. બીલીમોરા એટલે ગણદેવીથી 8 કિમી દૂર આવેલ એક નાનકડું શહેર!
અમે મોટા ભાગનાં દસમા ધોરણ સુધી ટ્યુશન જતાં ન હતાં. 11મા ધોરણમાં સાયન્સ લીધાં પછી ટ્યુશન જરુરી હતું વધારાની પ્રેક્ટિસ માટે! 11મા ધોરણમાં અને 12મા ધોરણમાં પણ ટ્યુશન તો ગણદેવીમાં જ હતાં, પરંતુ અમારાં ગણિતનાં ટ્યુશન માટે વધારાનાં વર્ગો ભણવા અમારા ટ્યુશનનાં સર અમને ક્યારેક અઠવાડિયું, તો ક્યારેક મે અને દિવાળી વેકેશન દરમિયાન થોડાં દિવસો માટે બીલીમોરા એમનાં બેચ સાથે ભણવા ત્યાં બોલાવતા. ટ્યુશનનો સમય સવારે સાડા છ વાગ્યાનો હતો. અને અમારે ત્યાં ગણદેવીમાં વહેલી સવારે પાંચથી સવા પાંચ વાગ્યાની વચ્ચે એક બસ આવતી અને બીજી બસ સીધી છ વાગ્યે.
છ વાગ્યાવાળી બસમાં જઈએ તો પહોંચવામાં મોડું થઈ જતું. આથી ફરજીયાત પહેલી બસમાં જ જવું પડતું. હવે આ બસ આગળના ગામડેથી આવતી અને મુંબઈ તરફ જતી ફ્લાઈંગ રાણી ટ્રેન પકડવા માટેની એકમાત્ર બસ હતી. આથી જ્યાંથી બસ ઉપડતી ત્યાંથી લઈને બીલીમોરા સુધીમાં વચ્ચે આવતાં તમામ ગામનાં વાપી કે વલસાડ નોકરી કરતાં લોકો માટે આ એક જ બસ હતી. આવામાં અમે પંદરેક જણાં વધારાનાં!😃 મોટા ભાગે ઉભા ઉભા જ જવું પડતું. માત્ર 8 કિમીનું અંતર હતું, છતાં એને પાર કરતાં અડધા કલાકથી પણ વધારે સમય નીકળી જતો, કારણકે બસ દરેક સ્ટોપ પર ઊભી રહેતી.
ભલે મોટા ભાગનાં દિવસોએ અમે ઉભા ઉભા ગયા હોઈએ, પણ બધાંએ સાથે રહીને એ મુસાફરી દરમિયાન જે મજાક મસ્તી કરતાં કરતાં સમય પસાર થતો હતો એની યાદો જો વગોળવા બેસીએ તો કલાકો ઓછાં પડે! આ બસમાંથી ઉતરીને પણ લગભગ દોઢેક કિમી જેટલું અમારે ચાલવું પડતું હતું. આટલું ચાલીને પણ અમને યાદ નથી કે અમે ક્યારેય થાક્યા હોઈએ! હસતાં રમતાં એ દિવસો ખૂબ સુંદર રીતે પસાર થઈ ગયાં હતાં. ઓછી સગવડતા હોવાં છતાં ક્યારેય કોઈ વસ્તુનો અભાવ અમને નડ્યો નથી.
ત્યાંથી બે અઢી કલાકનું ટ્યુશન પતાવીને પરત ફરવા માટે પણ બસમાં જ આવવું પડતું. પણ પરત ફરતી વખતની બસમાં ભીડ નડતી ન્હોતી. આથી અમે બધાં સાથે બેસીને મજાક મસ્તી કરતાં અને ખાસ તો સાથે મળીને નાસ્તો કરતાં કરતાં પાછા ફરતાં હતાં. એ જમાનામાં સૂકા નાસ્તાનો તો રિવાજ હતો જ નહીં, એટલે ઘરેથી ખાવાનું લઈને જતાં. સુકો નાસ્તો એટલે ઘરે બનાવેલી મસાલાવાળી કડક પૂરી અથવા તો ગાંઠિયા કે વેફર એવી જ કોઈક વસ્તુ હોય! તૈયાર પેકેટનું ખાવાનું એટલે માત્ર પારલે જી બિસ્કિટ😃 પણ તમામ મિત્રો અને સખીઓ ભેગાં મળીને એકબીજાનાં ઘરે બનાવેલું ખાવાનું ખાતાં ખાતાં બસમાં પરત આવવાની મજા બમણી થઈ જતી. એવામાં જો અમારામાંથી કોઈક્નો જન્મદિવસ જો આવે તો તો મજા જ પડી જતી! બસમાં જન્મદિવસની ઉજવણી ચોકલેટ ખાઈને અને ગીતો ગાતાં ગાતાં થતી. એ વખતે કેક્નો રિવાજ નહોતો, ચોકલેટથી જ ખુશ થઈ જવાનું હતું.😃
ભલે આ મુસાફરી અમે માત્ર એક જ વર્ષમાં અમુક દિવસો માટે જ કરી હતી, પણ એની યાદો આજે 26 વર્ષો વીતી ગયાં હોવાં છતાં પણ અકબંધ છે. ભલે અમે બધાં નિયમિત મળી શકતાં નથી, પરંતુ ફોન દ્વારા કે વિડીયો કૉલ દ્વારા આખુંય ગ્રુપ વાતોને વાગોળીએ છીએ ત્યારે ફરીથી એ જ ઉંમરનાં હોઈએ એવો અનુભવ થાય છે.
આભાર.
સ્નેહલ જાની