Radio: A unique medium of entertainment in Gujarati Anything by Sagar Mardiya books and stories PDF | રેડિયો: મનોરંજનનું અનોખું માધ્યમ

Featured Books
Categories
Share

રેડિયો: મનોરંજનનું અનોખું માધ્યમ

દુનિયામાં આજ સુધી ઘણા સંશોધનો થયા છે, થાય છે, અને થતા રહેશે. ઘણા સંશોધન આપણા જીવનને સરળ બનાવે છે. એમાંય એ સંશોધન મનોરંજનને લગતું હોય તો...


  " મનોરંજન "  નામ જ એવું કે મુખ પર સ્મિત લાવી દે. ભાગદોડ ને થકાનથી ભરેલી આ જીંદગીમાં મનોરંજન જ એક એવું માધ્યમ છે જે મનને પ્રફુલ્લિત રાખે. મનોરંજન વિનાની જિંદગી એટલે મીઠાં વિનાનું ભોજન. જેમ જમવામાં મીઠું જરૂરી છે તેમ જીંદગીમાં થોડું મનોરંજન પણ જરૂરી છે.


         આજના આધુનિક યુગમાં તો મનોરંજનના ઘણા બધા સાધનો છે. તેમાંય ટીવી અને મોબાઈલ તો ઘરે ઘરે! એક સમય એવો પણ હતો જયારે આ કશું નહોતું. જેમ સુકાયેલી નદીમાં નીર આવે ને મધુર અવાજ સાથે ફરી ખડખડ વહેવા માંડે તેમ માનવ જીંદગીમાં એક અનોખી વસ્તુનો આવિષ્કાર થયો, જેનાથી માનવ જીવનને મળી મનોરંજનની નવી ભેટ "રેડિયો "


            ભારતમાં રેડિયોની શરૂઆત 1923માં થઈ હતી.ત્યારથી રેડિયો સાંભળીએ છીએ, પણ આ રેડિયોની શોધ કોણે કરી? ક્યાં દેશમાં થઇ અને કઈ  રીતે થઇ? રેડિયો કઈ રીતે કામ કરે છે?આ બધા સવાલોના જવાબ જાણવા ચાલો જરા ડોકિયું કરીએ જુના સમયગાળામાં...


          વાત છે સાલ 1800ની.  વર્ષ 1806 ના દાયકા દરમિયાન સ્કોટીશ ભૌતિકશાસ્ત્રી જેમ્સક્લાર્ક મેકસવેલએ [13 june 1831 ~ 5 Nove.1879]રેડિયોના તરંગોના અસ્તિત્વની આગાહી કરી હતી. સાલ 1866માં એક અમેરિકન દંતચિકિત્સક માહલોન લુમિસે [21 July 1826 ~ 13 Oct 1886]સફળતા પૂર્વક "વાયરલેસ ટેલિગ્રાફી " દર્શાવ્યું. લુમિસે એક પતંગથી જોડાયેલા મીટરને બીજા એકને ખસેડવાનું કારણ બનાવી શક્યું હતું. આ વાયરલેસ એરીયલ કમ્પ્યુનિકેશનનું પ્રથમ જાણીતું ઉદાહરણ છે.



       વર્ષ 1886,માં જર્મનીના ભૌતિક શાસ્ત્રી હેડરિચ રુંડોલ્ફ હર્ટઝે [ 22 ફેબ્રુઆરી 1857 ~ 1 jan 1894]જણાવ્યું હતુંકે "વિધુતપ્રવાહની ઝડપી ભિન્નતા રેડિયો તરંગોના સ્વરૂપમાં અવકાશમાં પ્રગટ કરી શકાય છે, જે પ્રકાશ અને ગરમીના સમાન છે.


     વર્ષ 1895માં ઇટાલિયન શોધક ગુગ્લિલમો માર્કોનીએ [25 April 1874]ઇટાલીમાં પ્રથમ રેડિયો સિગ્નલ મોકલેલો અને પ્રાપ્ત કરેલો. વર્ષ 1899 સુધીમાં તેમણે ઈંગ્લીસ ચેનલમાં પ્રથમ વાયરલેસ સિગ્નલ બગાડ્યો, જે બે વર્ષ પછી એસ. જે. ઇંગ્લેન્ડથી ન્યુફાઉન્ડ લેન્ડમાં મોકલવામાં આવ્યો તે પત્ર મળ્યો.1902માં આ પ્રથમ સફળ 'ટ્રાન્સએટલાન્ટિક રેનોટોગ્રાફ ' સંદેશ હતો. 1896માં ગુગ્લિલમો માર્કોનીએ સૌપ્રથમ રેડિયો ટ્રાન્સમિશન સેટ કર્યું હોવાથી તેમને "ફાધર ઓફ રેડિયો "નું બિરુદ આપવામાં આવેલું.તેમને અવાજ નહીં ફક્ત રેડિયો સિગ્નલ મોકલ્યા હતા. રેડિયોમાં અવાજ 1900 ની આસપાસ મોકલવામાં આવેલો.


     સાલ 1900, રેડિયોના વધુ વિકાસ માટે મોટી જરૂરિયાત ઇલેક્ટ્રોમેગ્નેટીકનું વિકિરણનું કાર્યક્ષમ અને નાજુક ડિરેકટર હોવાનું હતું.ડિટેકટર આપનાર વ્યક્તિ હતા ડી ફોરેસ્ટર.[26 aug 1873 ~  30 jan 1961]આનાથી રિસીવર ડિટેકટરને એપ્લિકેશન પહેલા એન્ટેના દ્વારા લેવામાં આવતી રેડિયો ફ્રિકવન્સી સિગ્નલને વધારવું શક્ય બન્યું. ડી ફોરેસ્ટર એવી વ્યક્તિ હતા કે તેમને પહેલીવાર "રેડિયો " શબ્દનો ઉપયોગ કરેલો.


      વર્ષ 1900 માં ગુગ્લિલમો માર્કોનીએ કોઈપણ તાર વગર ઇંગ્લેન્ડથી અમેરિકા ખુબ લાંબા અંતરે કોઈપણ તાર વગર (વાયરલેસ ) વ્યક્તિગત રેડિયો સંદેશ મોકલવામાં સફળતા મેળવેલી. 24 ડિસેમ્બર 1906ની રઢિયાળી રાતે કેનેડાના વિજ્ઞાની રેગીનાલ્ડ ફેસ્સેન્ડને [6 oct 1866 ~ 22 July 1932] પોતાનું વાયોલિન વગાડ્યુ તેના સૂર એટલાન્ટિક મહાસાગરમાં તરતા તમામ જહાજોના લોકો એ રેડિયો સેટ પર સાંભળ્યા હતા.


      1927 : યુરોપ સાથે ઉત્તર અમેરિકાને જોડતી વેપારી રેડિયોટેલેફની સેવા ખોલવામાં આવી.


     1935 : વાયર અને રેડિયો સર્કિટના મિશ્રણનો ઉપયોગ કરીને પ્રથમ ટેલિફોન કોલ વિશ્વભરમાં બનાવવામાં આવી.


     1933 : " એડવીન હોવર્ડ આર્મસ્ટ્રોંગે" [18 dec 1890 ~ 1 feb 1954 ]ફ્રિકવન્સી -મોડ્યુલેટ / એફ એમની શોધ કરી. એફ એમ એ ઇલેક્ટ્રિકલ ઇકવીપમેન્ટ અને પૃથ્વીના વાતાવરણને કારણે સ્થિર અવાજને નિયંત્રિત કરીને રેડિયો સીગ્નલમાં સુધારો કર્યો.


     1936 : તમામ અમેરિકન ટ્રાન્સએટલાન્ટિક ટેલિફોન સંચાર ઈગ્લેન્ડ રવાના થવું પડેલું અને તે વર્ષે સીધી રેડિયો ટાઇલેન સર્કિટ પેરિસ માટે ખોલવામાં આવેલી.


   1965 : ન્યુયોર્ક શહેરમાં એમ્પાયર સ્ટેટ બિલ્ડીંગમાં  વ્યક્તિગત એફ એમ સ્ટેશનો વારાફરતી એક સ્ત્રોતથી પ્રસારિત કરવા માટે વિશ્વની પ્રથમ માસ્ટર એફ એમ એન્ટના સિસ્ટમ બનાવવામાં આવી હતી.


        રેડિયો સ્ટેશન શરૂ કરવાની મંજૂરી મેળવનાર પ્રથમ વ્યક્તિ હતા 1920 ના નૌસેનાના રેડિયો વિભાગના નિવૃત ફ્રેક કોનાર્ડ.[4 may 1874 ~10 dec 1941]


     વિશ્વમાં સૌપ્રથમ રેડિયો પ્રસારણનું પ્રાયોગિક સ્ટેશનની શરૂઆત સાલ 1909માં કોલફોર્નીયામાં ચાર્લ્સ હેરલડેએ [16 nove 1875 ~ 1 July 1948]કરી હતી.


      ત્યારબાદ આખા વિશ્વભરમાં સેંકડો રેડિયો સ્ટેશન ખુલ્યા.

           ભારતમાં રેડિયો પ્રસારણનો પ્રાયોગિક પ્રારંભ 31 જુલાઈ 1924ના રોજ  પ્રેસિડેન્સી રેડિયો કલબના સ્થાપક સી. વી. કે. શેટ્ટીએ કર્યો હતો. મદ્રાસ બાદ બંગાળ અને મુંબઈ ખાતે પણ રેડિયો પ્રસારણ શરૂ થયું. આમ 1925માં દેશના ત્રણ મહત્વના શહેરમાં રેડિયો પ્રસારણ થવા લાગ્યું.


         પ્રારંભિક સમયમાં ખાનગી રાહે થતા રેડિયો પ્રસારણ ને 23 જુલાઈ 1927માં થયેલ કરાર અન્વયે ઇન્ડિયન બ્રોડકાસ્ટિંગ લિમિટેડ કંપનીને મુંબઈ અને કલકતા ખાતે ખાનગી રેડિયો પ્રસારણના હક્કો આપ્યા. આથી અનુક્રમે 23 અને 26 જુલાઈના રોજ મુંબઈ અને કલકતામાં રેડિયો સ્ટેશન કાર્યરત બન્યા, પરંતુ સમય જતા બંધ કરી દેવાતા 1લી એપ્રિલ 1930માં બ્રિટિશ સરકારે પોતાના હસ્તક લઈ "ઇન્ડિયન બ્રોડકાસ્ટિંગ સર્વિસ " નામકરણ સાથે ફરી શરૂ કર્યા.વર્ષ 1935માં લિયોન ફેલ્ડનને ભારતના પ્રથમ પ્રથમ પ્રસારણ નિયંત્રક બનાવવામાં આવ્યા હતા. 8 જુલાઈ 1936માં "ઇન્ડિયન બ્રોડકાસ્ટિંગ સર્વિસને ઓલ ઇન્ડિયા રેડિયોનું નામભિધાન અપાયું.

     (અન્ય માહિતી અનુસાર આ જાણવા મળ્યું :- જૂન 1927માં મુંબઈમાં "રેડિયો ક્લબ ઓફ બોમ્બે "અને કલકતામાં "કલકતા રેડિયો ક્લબ "નામની ખાનગી માલિકીના ટ્રાન્સમિટર્સ દ્વારા માહિતી પ્રસારણની શરૂઆત થઈ હતી. )


       સપ્ટેમ્બર 1935ના રોજ મૈસુ્રમાં  'શ્રી એમ. બી. ગોપાલાસ્વામીએ ' આકાશવાણી નામનું ખાનગી રેડિયો સ્ટેશન શરૂ કર્યું હતું. તેના એક વર્ષ બાદ 8જૂન 1936ના રોજ બધાજ સરકારી, ખાનગી પ્રસારકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું અને ઓલ ઇન્ડિયા રેડિયોની સ્થાપના કરવામાં આવી. સ્વતંત્રતા પછી ઓલ ઇન્ડિયા રેડિયોનું નામ બદલીને આકાશવાણી રાખવામાં આવ્યું. ઓલ ઇન્ડિયા રેડિયો 1975થી "આકાશવાણીના નામે ઓળખાવા લાગ્યું.


      1967માં આકાશવાણીની વાણિજ્યસેવા શરૂ કરવામાં આવેલી અને તે વિવિધ ભારતી વાણિજ્ય સેવાઓ પૂરી પાડે છે.1999માં શૈક્ષણિક કાર્યક્રમોનું પ્રસારણ પણ શરૂ થયું.


        રેડિયો નાટક, કવિ સંમેલન, લોકગીતો, ગ્રામ્યલક્ષી કાર્યક્રમો, હવામાન સમાચાર સાથે જુના હિન્દી ફિલ્મી ગીતો અને ક્રિકેટ કોમેન્ટ્રી સાંભળી લોકોમાં જુસ્સો અને ઉત્સાહ વધવા લાગ્યા.


     પાડોશી દેશ શ્રીલંકાએ પણ રેડિયો સિલોનથી ભારતીય જનતાના માનસપટ પર રાજ કરેલું. તેનો અત્યંત લોકપ્રિય કાર્યક્રમ "બીનાકા ગીતમાંલા "માં અમીન સાયાની તેના બ્રાન્ડ બની ગયા . તેમનો અવાજ જ તેમની ઓળખ બની ગઈ હતી.


       રેડિયો સિલોનને ટક્કર આપવા માટે ભારતે 3જી ઓક્ટોબર 1957ના રોજ "વિવિધ ભારતી "ની શરૂઆત કરી. હિન્દીના જાણીતા કવિ પંડિત નરેન્દ્ર શર્માએ કરેલી આ પ્રસારણની શરૂઆત મન્ના ડે ના સોંગ "નાચે રે મયુરા "થી થઈ હતી.


       12-11-1947ના રોજ મહાત્મા ગાંધીજીએ ઓલ ઇન્ડિયા રેડિયોમાં મેસેજ બ્રોડકાસ્ટ કરેલો. જેથી તે દિવસને "પબ્લિક સર્વિસ બ્રોડકાસ્ટ ડે " તરીકે ઉજવવામાં આવે છે. તે "જન પ્રસારણ દિન " તરીકે પણ ઓળખાય છે.


       ગુજરાતમાં સૌપ્રથમ રેડિયો કેન્દ્ર ઇસ.1939માં મહારાજા સયાજીરાવ ગાયકવાડે વડોદરામાં શરૂ કર્યું હતું. આઝાદી મળ્યા પછી વડોદરા રેડિયો કેન્દ્ર સરકારશ્રીને સોંપી દીધેલું.ઇસ.1948માં અમદાવાદ કેન્દ્ર શરૂ થયું, ને તેમાં વડોદરા કેન્દ્ર ભળી ગયું.


      2-10-1996થી અમદાવાદ કેન્દ્ર પરથી વિવિધ ભારતીનો આરંભ થયેલો. અમદાવાદમાં ઓલ ઇન્ડિયા રેડિયોનો યશ સરદાર વલ્લભભાઈ પટેલને ફાળે જાય છે. 5કલાક ને 58 મિનિટે અમદાવાદ આકાશવાણીનું સ્ટેશન એક મધુર સંગીત સાથે ખુલે. દિવાળીબેન ભીલ ,હેમુભાઈ ગઢવી અને બચુભાઈ ગઢવીના મીઠાં સૂરમાં રેલાતા પ્રભાતિયાથી કાર્યક્રમોના શ્રીગણેશ થતા. અમદાવાદમાં 100 જેટલી કાપડની મિલોના લાખો મજૂરો માટે "શાણાભાઈ અને શકરાભાઈ " નામનો એક સ્પેશિયલ કાર્યક્રમ પ્રસારિત થતો. આ કાલ્પનિક પાત્રોના અવાજ માં ચંદુભાઈ અને ચોખડીયા નામના વ્યક્તિ રોજ લાઈવ કાર્યક્રમ આપતાં.મોડી રાત્રે BBC લંડનના સમાચાર દ્વારા દિવસનું પ્રસારણ પૂર્ણ થતું.


     જયારે રાજકોટ સહીત સૌરાષ્ટ્રના લોકો માટે મનોરંજનનું કોઈ સાધન નહોતું. 4 જાન્યુઆરી 1955માં પદ્મશ્રી દુલા ભાયા કાગ, શ્રી જયમલ પરમાર અને તત્કાલિન મુખ્યમંત્રી ઉછંગરાય ઢેબરના અનેક પ્રયાસોથી રાજકોટ આકાશવાણી કેન્દ્રનો પ્રારંભ થયો.1 કિલો વોટના ટ્રાન્સમિટર વડે પ્રસારણ શરૂ થયું.ત્યારબાદ સરહદી વિસ્તારને ધ્યાને લઈને 13 જુલાઈ 1987માં 300 કિલોવોટ અને મીડીયમ વેવ પ્રસારણની સવલત પ્રાપ્ત કરાવાઈ અને રાજકોટ આકાશવાણી ફૂલફ્લેજમાં કાર્યરત થયું. રાજકોટ રેડિયો સ્ટેશન લોકસંગીત, લોકશિક્ષણ અને લોકજાગૃતિનું ત્રિવેણી સંગમ બન્યું.


     

     "યે આકાશવાણી હૈ. યે હૈ આકાશવાણી કા પચરંગી કાર્યક્રમ વિવિધ ભારતી કભી કભી કે શ્રોતાજનો કો ભરત યાજ્ઞિક કા નમસ્કાર. શ્રોતા દેવો ભવઃ "


       રાજકોટ રેડિયો સ્ટેશન દ્વારા 300 કિલોવોટ અને મીડીયમ વેવ દ્વારા 800 રેડિયમ માઈલ સુધીના પ્રસારણ વડે 4 કરોડથી વધુ વસ્તીને આવરી લે છે.


     આકાશવાણી રાજકોટ સાથે સંકળાયેલા નામાંકિત કલાકારો :- હેમુ ગઢવી, પદ્મશ્રી દુલા ભાયા કાગ, પિંગળશી ભાઈ ગઢવી, મેરૂભા ગઢવી, અમરનાથ નાથજી, પદ્મશ્રી દિવાળીબેન ભીલ, પદ્મશ્રી ભીખુદાન ગઢવી, ભાસ્કર વોરા, ઇન્દુલાલ ગાંધી, હસન ઇસ્માઇલ સોલંકી, ઉસ્તાદ સુલતાન ખાન, અરવિંદ ધોળકિયા, ઉષા ચિનોય, દિના ગંધર્વ, અમરદાસજી ખારાવાલા, દેવેન શાહ, અમૃત જાની, ભરત યાજ્ઞિક, રેણુ યાજ્ઞિક, કવિ શ્રી તુષાર શુક્લ, હેમંત ચૌહાણ.


      કાર્યક્રમોના નિર્માતાઓ :-  અભિનય સમ્રાટ ઉપેન્દ્ર ત્રિવેદી, હસમુખ રાવલ, ડો. યજ્ઞેશ દવે, પ્રમોદ સોલંકી, જયંત માંકડ (છગનબાપા ), રમણીક પંડ્યા, ભાઇલાલ બારોટ.


      નવી પેઢીના કાર્યક્રમ નિર્માતાઓ :- ડો. મીરાં સૌરભ, વજુ ઢોલરીયા, પ્રેરક વેદ્ય, અટલ શર્મા, વિપુલ ત્રિવેદી, ઓજસ મંકોડી.


      11-10-1965થી ભુજ કેન્દ્રની શરૂઆત થઈ. 29 -11-1970થી વિવિધ ભારતીમાં કોમર્શિયલ બ્રોડકાસ્ટિંગ શરૂ થયું. 17 -2-1994માં દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારમાં આહવા કેન્દ્ર શરૂ થયું હતું.

​                            ******

      વિશ્વમાં લગભગ 44000 જેટલાં રેડિયો સ્ટેશન છે. વિક્સતા દેશોમાં લગભગ વસ્તીના 75% ઘરોમાં રેડિયોનું પ્રસારણ ઉપલબ્ધ છે. શિક્ષણના પ્રચાર, અભિવ્યક્તિની સ્વતંત્રતા, સાર્વજનિક ચર્ચા અને અન્ય સમાજ ઉપયોગી કાર્યોમાં રેડિયોની ભૂમિકા અદ્ભૂત રહી છે. લોકો સમક્ષ લઈ જવા સયુંકત રાષ્ટ્ર્ર સંઘ શૈક્ષણિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક સંગઠને પહેલીવાર 13 ફેબ્રુઆરી 2012ના દિવસે "વિશ્વ રેડિયો દિવસ " ની ઉજવણી કરેલી. 13 ફેબ્રુઆરી એટલે સંયુક્ત રાષ્ટ્ર્ર રેડિયોનો જન્મદિવસ. આજ દિવસે 1946માં સંયુક્ત રાષ્ટ્ર્ર રેડિયોની શરૂઆત થઈ હતી.


     દેશમાં 300 કિલોવોટ -મિડીયમ વેવની ક્ષમતાવાળા કુલ 15 રેડિયો સ્ટેશન, 22 ભાષાના પ્રસારણ, સાંસ્કૃતિક કાર્યક્રમોમાં સૌ પ્રથમ "ગામનો ચોરો " કાર્યક્રમ શરૂ થયો. તે સમયમાં લોકસાહિત્યકાર કાનજી ભૂટા બારોટની "જીથરો ભાભો "વાર્તા ખુબ પ્રચલિત થયેલી.


      ભારતમાં 187 રેડિયો સ્ટેશનો અને 180રેડિયો ટ્રાન્સમીટરો છે. આકાશવાણી દ્વારા દેશમાં 83% ભૌગોલિક વિસ્તારને આવરી લેવામાં આવે છે. જે દેશની 96% કરતા વધુ જનતા તેનો લાભ લે છે. વિવિધ પ્રકારના રસ -રુચિ પ્રાપ્ત કરાવતા કાર્યક્રમ વિવિધ ભારતીને નામે બે શોર્ટ -વેવ (લઘુતરંગ ) ટ્રાન્સમીટરો સહીત એકસાથે 45મથકોથી પ્રસારિત થાય છે.


       રેડિયો પર જાહેરાત સેવાનો પ્રારંભ 1-11-1967થી મુંબઈ, નાગપુર અને પુણે કેન્દ્ર પરથી પ્રાયોગિક ધોરણે શરૂ થયેલો, જે આજે વિવિધ ભારતી 60 કરતા વધુ કેન્દ્ર પરથી પ્રસારિત થાય છે. 

​ 

   ​ભારતમાં રેડિયો વન, રેડિયો મિર્ચી, રેડ એફ. એમ., માય એફ. એમ. અને રેડિયો સીટી જેવા ખાનગી પ્રસારણોનો લાભ જનતાને મળે છે.વર્તમાન સમયમાં ભારતમાં રેડિયો સીટીના 26 શહેરોમાં સ્ટેશન કાર્યરત છે. મોટાભાગના શહેરોમાં 91.1 ફ્રિકવનસી સાથે કાર્યક્રમો પ્રસારિત કરે છે.  અમુક શહેરોમાં રેડિયો સીટીની ફ્રિકવન્સી 104, 104.8અને 91.9 પણ છે. મુખ્યત્વે રેડિયો સીટી અમુક સ્થાનો પર સ્થાનિક ભાષાઓના ગીતો પણ પ્રસારિત કરે છે.


        રેડિયો સીટીએ પોતાનું પ્રથમ વેબ રેડિયો "ફન કા એન્ટીના "નામથી પ્રારંભ કર્યું હતું. આજે રેડિયો સીટીના 21 વેબ રેડિયો પોર્ટલ્સ છે. રેડિયો સીટીના ઉદઘોષકને રેડિયો જોકી (RJ ) કહેવાય છે.

    

     1940 થી 1970ના એ જુના ગીતો, રેડિયો પર પ્રસારિત પોપથી લઈને ફોલ્ક સુધીના ગીતો આજે અમર ગીતોની યાદીમાં આવે છે.


     1960ના દાયકામાં ગામડામાં વીજળી ના હોય, રેડિયો ચલાવવા એવરેડી કંપનીની વજનદાર બેટરી જોડવામાં આવતી. શરૂઆતમાં વાલ્વ સિસ્ટમના રેડિયો હતા પાછળથી ટ્રાન્ઝીસ્ટર્સ આવ્યા. એ જમાનામાં ફિલિપ્સ, મરફી અને નેશનલ ઇકો જેવી બ્રાન્ડના રેડિયો જાણીતા હતા. બીજી મહત્વની વાત એ પણ કે ત્યારે રેડિયો માટે લાયસન્સ લેવું પડતું!


     આકાશવાણી સાથે સંકળાયેલા જાણીતા નામોમાં એક જાણીતું નામ ભાઇલાલ ભાઈ બારોટઅને ત્યારબાદ વસુબેન વર્ષો સુધી આકાશવાણીના વડા રહ્યા. એ જમાનામાં લેમ્યુઅલ હેરી નામના ઉદ્દઘોષક બેઝના અવાજમાં ગુજરાતી સમાચાર આવતા. તે પછી હસીના કાદરીનો અવાજ જાણીતો બન્યો.


    આજકાલ ટીવી અને મોબાઈલના માધ્યમથી ક્રિકેટનો આનંદ સૌ માણે છે, પણ એ સમયમાં રેડિયો પર આવતી ક્રિકેટ કોમેન્ટ્રી સાંભળી દેશના લાખો લોકો ઝૂમી ઉઠતા. 'વિજય મરચન્ટ ' એ સમયના જાણીતા ક્રિકેટ કોમેન્ટ્રેટર હતા.


                                *****


           એક સમયે રેડિયો આખાંયે ભારત ઉપખંડનો આત્મા હતો. સુગમ સંગીત, સીતાર વાદન, સમાચાર, ગ્રામજનો માટેના કાર્યક્રમોં, ભજનો દ્વારા રેડિયો ઘરઘરમાં ગુંજતો. સાંજે 7 વાગ્યાનો સમય એટલે સમાચારનો પ્રાઈમ ટાઈમ.


     તે જમાનામાં રેડિયો એટલે મોટો વૈભવ.જેની પાસે રેડિયો એ તો જાણે મોટો જાગીરદાર. રેડિયો હોય તેના માનપાન વધી જતા. ગામમાં કોઈ રેડિયો લાવે એટલે લોકો ટોળે વળી જોવા ઉમટી પડતા. એ જમાનામાં સાઇકલમાં લોખંડનું સ્ટેન્ડ અને તેમાં બેસાડેલ પૌત્ર કે પૌત્રીને લઈને દાદા રેડિયો સાંભળતા ગામની શેરીઓમાં નીકળતા.જયારે બધાના ઘેર રેડિયો ના હોવાથી લોકો કોઈ દુકાને કે ચાની હોટલે કે પછી  ગામના ચોરે ફરતા કુંડાળામાં બેસી વચ્ચે રેડિયો રાખી સાંભળતા.


       અત્યારે એ રેડિયો ભલે અસલ જીંદગીમાંથી ગાયબ થઈ ગયો હોય, પણ તેના નવા સ્વરૂપ (એફ. એમ.)ને આજની પેઢીએ સ્વીકાર્યું છે. શહેરના લોકો ભલે એ રેડિયોને ભૂલી ગયા હોય, પરંતુ દૂર દૂરના ગામડાઓમાં, પહાડી વિસ્તારોમાં તથા દ્રીપોમાં આજે પણ લોકો સાંભળે છે. વર્ષો બાદ ભારતના માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ રેડિયો પર "મન કી બાત " દ્વારા રેડિયોને ફરી પુનઃજીવીત કર્યો છે.

   

        રેડિયો ઘણા માટે આજે પણ અભિન્ન અંગ છે. જેમાં હું પણ આવી જાઉં છું. કારણકે રેડિયો સાંભળવાની જે મજા છે તે શબ્દોમાં વર્ણવી નથી શકાતું, પણ જાતે રેડિયો સાંભળી અનુભવી જરૂર શકાય છે.