અવનિલ : "તારી આવી બધી વાતોથી એક વાત યાદ આવી રહી છે. જો તું ખરેખર સમુદ્રમાંથી આવી હોય તો એક વસ્તુ હું પણ તને કહેવા માગું છું. નાનેથી જ હું અરબ સાગરની નજીક જતાં એક ખેંચાણ અનુભવતો હતો. એ ખેંચાણ તું નથી ને? જાણે એવો અનુભવ થતો હતો કે, કોઈ આ સમુદ્રની સપાટીથી પૃથ્વીને જોવા જાણવા સમુદ્રથી બાર નિકળવા મથી રહ્યું હોય એવો આ સમુદ્રનાં મોજાંમાંથી મને અહેસાસ થતો રહેતો. ક્યારેક ક્યારેક તો રાતનાં અંધારામાં હું ફાનસ લઈને એ ખેંચાણ શું છે? એ શોધવા નીકળી આવતો હતો. આ અંધારી રાતોમાં પણ હું ભટકતો હતો. એ અહેસાસ હું સમજી શકતો ન હતો. હું નાનેથી મોટો થયો ત્યાં સુધી સમુદ્ર પ્રત્યેનો મારો લગાવ એવો રહ્યો. હું મોટા થયા પછી પણ વારંવાર આ સમુદ્રનાં મોજાંઓમાં એ જ ખેંચાણ અનુભવતો રહ્યો. આ સમુદ્રની લહેરો મને એના તરફ ખેંચીને રાખતી. આમ, નાનેથી મોટો થયો ત્યાં સુધીમાં મને સમજાઇ ગયું હતું કે, હું જેણે શોધી રહ્યો છું એ પૃથ્વી પર નથી. તેથી હું સમુદ્ર પાસે આવી કલાકો સુધી બેસી રહેતો. મને અહીં સમુદ્ર પાસે આવીને શાંતિ મળતી હતી. જાણે અજાણે હું તારાથી નજીક જ હતો. હું આમ પોતાને શોધવામાં ઘણો સમય ગુમાવી બેઠો છું. તારી સાથે જ કંઈક મારા જીવનનું પણ રહસ્ય છુપાયેલુ છે. કાલે તને મળ્યા પછી મારે સમુદ્ર પાસે જવું જ ન પડ્યું. હું આ બે દિવસથી દરિયા કિનારે ગયો જ નથી. મને જે ખેંચાણનો ત્યાં જઈને અનુભવ થતો એજ ખેંચાણ હું તારા પ્રત્યે અનુભવી રહ્યો છું. મને સમજાતું ન હતું આ શું થઈ રહ્યું છે. જે હું દરિયા પાસે જઈને એનાં ઊંડાણમાં શોધી રહ્યો હતો એ જ વસ્તુ હું તારામાં પામી રહ્યો છું. હું તને પુછવા માગું છું કે, એ ખેંચાણનો અનુભવ થતો ત્યારે તું આસપાસ હતી ને? આજ તને મળ્યા પછી એ વાત પુર્ણ રીતે સમજાય ગઈ છે કે, હું એ દરિયાઈ ઉંડાણમાં તને જ શોધી રહ્યો હતો. બસ, ફરક એટલો હતો કે, હું આ વાતથી અજાણ હતો."
નિલક્રિષ્ના : "હા, મેં જે હેત્શિવા પાસેથી દરિયાઈ જ્ઞાન મેળવ્યું હતું. એ દ્વારા મારી આસપાસ સુરક્ષા ગોઠવી હું રેતમહેલમાંથી ક્યારેક છાની છુપી રીતે બહાર નીકળી જતી હતી. પરંતુ હું માથી વિરુદ્ધ જઈને પૃથ્વીની નજીક આવવાની કોશિશ ક્યારેય કરતી ન હતી. કેમ કે, નિયમ મુજબ મારે વીસ વર્ષ પછી જ પૃથ્વી પર આવવાનું હતું. હું પૃથ્વીથી ઘણી દૂર હતી. હું પૃથ્વીને ક્યારેય જોઈ પણ ના શકતી. પરંતુ જે તું કહે છે એ અહેસાસ હું પણ અનુભવી રહી હતી."
અવનિલના ચહેરા પર અનેકગણી ખુશી વધી રહી હતી. પોતે જે સવાલનો જવાબ શોધવા સમુદ્ર તરફ ખેંચાતો હતો, એ જવાબ અહીં પૃથ્વી પર હુબહુ એની સામે જ નિલક્રિષ્નાના રૂપમાં હતો.
આ બંને જીવ એકબીજાથી દૂર હોવા છતાં અનાયાસે બ્રહ્માનુભવ થતો રહેતો હતો. જાણે બન્ને કોઈ ખાસ અવતાર ધારણ કરી પૃથ્વી પર જન્મ લીધો હોય એવું લાગતું હતું. હવે અહીંથી પોતાની સફરે નીકળેલાં બે દઢ નિશ્ચય વાળા દેહ "આ પાર કાં પેલે પાર" એવું નક્કી કરી પોતાની જિંદગીનું રહસ્ય, કર્મ દ્વારા શોધવા નીકળી રહ્યા હતાં. "નિશ્ર્ચય બળથી કોઈ પણ કાર્ય સિદ્ધ થય જાય છે. પછી ભલે ગમે તેવો કાળ સામે આવે, એ શું કરી શકવાનો...!" આજ રીતે દ્ઢ મનોબળ રાખી એ બન્ને અહીંથી આગળ નીકળ્યાં.
નિલક્રિષ્ના: 'સેન્ટિનલ' પ્રજા જે સદીઓથી દરિયાઈ કબીલાની પ્રજા તરીકે ઓળખાય છે. એનાં સુધી મારે પહોંચવું છે. અહીં આ સુહાન જંગલમાં વસતી જનજાતિ એનાં સુધી પહોંચી ગઈ છે. પરંતુ એ કેમ શક્ય બન્યું ? આગામી વરસોમાં 'સેન્ટિનલ' દળનો નાયક કોઈપણ માણસને પોતાની આસપાસ ફરકવા પણ ન દેતો. અને હવે કેમ અહીંથી ત્યાં જતાં આદિવાસીઓને એ સ્થાન, માન આપવા તૈયાર થયા છે, એ મને સમજાતું નથી. એ જાણવા માટે એનાં મૂળ સુધી પહોંચવું જરૂરી છે. પરંતુ, ત્યાં સુધી પહોંચવા શું આપણે સમર્થ છીએ ? "
અવનિલ : "ના, ના એ શક્ય નથી...! સેન્ટિનલ પ્રજા આફ્રિકાનાં સેન્ટિનલ આઈલેન્ડમાં રહે છે. 60 હજાર વર્ષ જૂની રૂઢીથી આ લોકો જીવતા આવ્યાં છે. એનામાં આજની આધુનિકતા એ પ્રવેશ કર્યો નથી. જે જીવન એ જીવે છે એ જ જીવનને એ હજુ પણ સર્વશ્રેષ્ઠ જ માને છે. એને આ આધુનિક યુગની એકપણ વસ્તુ સાથે સંપર્ક નથી. એમ કહીં તો પણ ચાલે કે, આ બાહ્ય દુનિયા સાથે એ લોકો સંપર્ક કરવા ઈચ્છતા જ નથી."
" તું જે કહે છે એ પુર્ણ સત્ય નથી. આ એને રચેલો એક પ્રકારનો ઢોંગ છે. આપણે એને જાણી ન જાઈએ, એ માટે એ લોકો આપણી નજીક નથી આવી રહ્યાં. એ કોઈ મોટું ષડયંત્ર રચી રહ્યા છે. જે વાતથી પૃથ્વીનાં લોકો સાવ અજાણ છે. પરંતુ મેં જાણ્યું છે કે, એ લોકો ત્યાંથી દરિયાઈ માર્ગે ચાલીને આ ઓડિશાના અંધાર્યા ટાપુ તરફ વસવાટ કરવા આવી ગયા છે."
"પરંતુ ત્યાં પણ જવાની કોઈ કોશિશ કરતું જ નથી. કેમકે એ લોકો પાસે ભાલા તલવાર હંમેશા હાજર જ હોય છે. એ ગમે ત્યારે ગમે એને મોતને ઘાટ ઉતારી દેતાં જરાકેય સંકોચાતા નથી."
"તારી જાણકારી મુજબ કેટલે દૂર કંઈ જગ્યામાં એ ટાપુ છે, એ તો તું જણાવી શકે ને ?"
" આદિવાસી પ્રજા આખાં વિશ્વ કરતાં ભારતમાં વધારે છે. પરંતુ તું જે કહે છે એ અંધાર્યા ટાપુમાં વસવાટ કરતી જ્ઞાતિ છે. એ ટાપુ ઓડીસાનાં સમુદ્ર વિસ્તારમાં આવેલો છે. પૃથ્વીમાં આદિવાસી સમુદાય અલગ અલગ જનજાતિમાં વહેંચાયેલા છે. આ અનેક જ્ઞાતિની પણ પેટા જાતિઓ છે. હું એનાથી માહિતગાર છું. એ જનજાતીઓની સંસ્કૃતિ રિવાજો બધું અલગ હોય છે. આપણે જાણીએ છીએ ત્યાં સુધી આદિવાસી લોકો ખૂબ સારાં હોય છે. સોમનાથનો ઈતિહાસ જોઈએ તો આદિવાસી ભીલ વેગડાએ સોમનાથને બચાવવા પોતાનાં પ્રાણ પાથરી દીધા હતાં. ઈતિહાસ આ વાતની સાક્ષી પુરાવે છે કે, આદિવાસીઓ ખુબ જ સારાં અને ભગવાનનાં ભક્ત હોય છે."
" એ ઈતિહાસ હું પણ જાણું જ છું. પરંતુ કબીલા કબીલામાં ફેર છે. આ જે હું કહું છું. એ સત્ય હકીકત છે. જો તું સાથ આપી શકે તો આ કાર્યમાં આપણે સફળ થઇ જશું. અને આપણી પૃથ્વીને બચાવી શકશું."
અવનિલ થોડું વિચાર્યું અને પછી નિલક્રિષ્નાની વાતને સમર્થન આપી એ કાર્યમાં આગળ વધવા સાથે પોતાની સંમતી આપતાં કહ્યું કે,
" પણ ત્યાં જવા કોઈ સમર્થ નથી...!"
નિલક્રિષ્ના : " અત્યારે એનાથી પૃથ્વીને ખતરો છે. કેમ કે, આજ સુધી એ લોકોના વિચાર, સંસ્કૃતિ, વારસો આ બધામાં ભગવાનનો અંશ છે એવું આપણે જાણતા હતાં. આપણે એવું ક્યારેય વિચારતાં ન હતાં કે, એ લોકો સારાં નથી. આ જે સેન્ટિનલ આદિવાસી છે એ તો શૈતાનો સાથે જોડાયેલા છે. પરંતુ ધીમે ધીમે એ લોકો બીજી જાતીઓ સાથે જોડાઈને શૈતાની શક્તિ જગાવી રહ્યા છે. બધાં આદીવાસી એવાં નથી. પરંતુ આ સેન્ટિનલ જ્ઞાતિનાં કબીલા બધી આદિવાસી પ્રજાને એનાં જેવાં શૈતાન બનવા મજબૂર કરી રહ્યા છે."
"રામાયણમાં નૈષધ જાતિનો ઉલ્લેખ આવે છે. એટલે એમ માની શકાય કે, આ આદિવાસી જનજાતિઓનો ઉદભવ કદાચ હજારો વર્ષો પહેલાં જ થયો છે. તેઓની પરંપરા, રીત રીવાજો બધું જ અલગ છે. એ પ્રકૃતિને જ દેવતા માને છે. તેઓ "નોન જ્યુડિશિયલ"માં માને છે. એટલે કે એનાં કાયદામાં કે, કોઈ કામ કારીગીરીમાં ભગવાન આવતાં જ નથી. એ હવા, પાણી, આકાશ, વનસ્પતિ આ બધી કુદરતી વસ્તુઓને અલૌકિક શક્તિઓના દેવ માને છે. પરંતુ આ ભગવાનને પૂજા ન કરતાં સેન્ટિનલ જ્ઞાતિનાં કબીલાનાં લોકો શૈતાન સાથે મળીને આપણા વિરુદ્ધ યોજના કરતાં હોય એવું લાગે છે. એનાં વિષે એક વાત ક્યારેય કોઈને સમજ નથી આવતી કે, ખરેખર આ કબીલા ભગવાનને ભજે છે ? , "નોન જ્યુડિશિયલ" છે? કે, શૈતાનોની પુજા કરે છે ?"
(ક્રમશઃ)
- હેતલ ઘેટીયા "કૃષ્ણપ્રિયા"✍️