તેહરાન
-રાકેશ ઠક્કર
હિટ ફિલ્મો આપનાર ‘મેડોક ફિલ્મ્સ’ ની જોન અબ્રાહમ સાથેની ફિલ્મ ‘તેહરાન’ (2025) લાક્ષણિક બોલિવૂડ ફિલ્મોના દર્શકો માટે ન હોવાથી કદાચ થિયેટરને બદલે સીધી OTT પર રજૂ કરવામાં આવી છે. કારણ એ છે કે એમને આ ફિલ્મ થોડી ભારે પડી શકે એમ હતી. મનોરંજનના મસાલા વગરની વાર્તા ખૂબ જટિલ છે. એમાં એક્શન દ્રશ્યો એવા નથી કે મોટા પડદા પર જ જોઈ શકાય. એમાં ઈરાની અને ઇઝરાયલી ભાષાનો ઉપયોગ અને રાજકીય ગતિરોધ મૂંઝવણ પેદા કરી શકે એવા છે. અને આ કોઈ 'દેશભક્તિનો હોબાળો' મચાવતી ફિલ્મ નથી. પરિપક્વ દર્શકો માટે ઊંડાણપૂર્વક રજૂ કરાયેલી વાર્તા છે. એને સમજવા માટે ભારત, ઈરાન અને ઇઝરાયલ વચ્ચેના સંબંધોની મૂળભૂત જાણકારી હોવી જોઈએ.
એક ખતરનાક બોમ્બ ધડાકાની આ વાર્તા છે. જેમાં એક નાની બાળકીનું મોત થાય છે. એના હત્યારા શોધવાની જવાબદારી જોનને મળે છે. જેમાં તેને એસઆઈ દિવ્યા રાણા (માનુષી છિલ્લર) અને શૈલેજા (નીરુ બાજવા) સાથ આપે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે મોટા રાજકીય કાવતરા તેહરાનમાં પણ જોવા મળે છે. જેમાં ભારતીય પોલીસ અધિકારી અને તેની ટીમ શિકાર બને છે. મોટા ખેલને કારણે રાજીવકુમારને સત્ય શોધવા માટે મોટું બલિદાન આપવું પડે છે. ફિલ્મમાં કોઈ સાચું છે અને કોઈ ખોટું છે એવું બતાવવાનો પ્રયાસ થયો નથી.
જોન અબ્રાહમે પાત્રને બખુબી નિભાવ્યું છે. એના અભિનયમાં કોઈ ખામી કાઢી શકાય એમ નથી. ગંભીર ભૂમિકામાં તે હંમેશા સારો લાગે છે. એક્શન અને દેશભક્તિપૂર્ણ ભૂમિકાઓમાં તેણે નિપુણતા મેળવી છે. તેની ‘મદ્રાસ કાફે’ કે ‘ધ ડિપ્લોમેટ’ પ્રકારની હોવાથી અહીં પણ તે એ જ શૈલીમાં જોવા મળે છે. એને ફરી એ સાબિત કરવાની તક મળી છે કે તે ફક્ત એક્શન જ કરતો નથી અભિનય પણ કરે છે. આમ પણ જોન અબ્રાહમ કોઈ મિશન પર એકલો હોય છે ત્યારે પડદા ઉપર તે શાનદાર પરિણામ સાથે બહાર આવે છે. જોન સિવાય નીરુ બાજવા કે માનસીને જ નહીં કોઈ સહ કલાકારને સરખી તક મળી નથી.
ફિલ્મનું શુટિંગ ઇરાનમાં થયું છે અને અડધા પાત્રો ઈરાની છે. તેથી હિન્દીની સાથે ફારસી ભાષા પણ સાંભળવા મળે છે. એમાં ઘણા દ્રશ્યો બહુ ભયાનક લાગી શકે છે. બોમ્બ વિસ્ફોટ પછીના કેટલાક દ્રશ્યો જોઈ શકાય એવા નથી. ખૂન ખરાબાના દ્રશ્યો હોવાથી બાળકો માટે તો આ ફિલ્મ નથી જ. ફિલ્મનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ એની 2 કલાકની લંબાઈ છે. એમાં કોઈપણ પ્રકારનો ડ્રામા નથી કે કોઈ ગીત નથી. સીધી મુદ્દા પરથી શરૂ થાય છે અને પૂરી થાય છે. નિર્દેશક વાર્તામાં એક મહત્વપૂર્ણ મુદ્દો સ્થાપિત કરવામાં નિષ્ફળ રહે છે. જોન નાની છોકરીના મૃત્યુથી પૂરતો પ્રભાવિત થતો નથી. જ્યારે તે દુશ્મનને મારવા માટે ઈરાન સુધી ખતરનાક મુસાફરીનું મોટું પગલું ભરે છે ત્યારે એ વાતને પચાવવાનું મુશ્કેલ બની જાય છે. એટલું જ નહીં એના માટે ઘણી બધી વસ્તુઓ અનુકૂળ રીતે બને છે. તે સરળતાથી એવા લોકો મેળવે છે જે વિવિધ દેશોમાં તેના મિશનમાં મદદ કરવા માટે પોતાનો જીવ જોખમમાં મૂકે છે.
સૌથી મોટી તકલીફ એ છે કે આ એક હિન્દી ફિલ્મ હોવા છતાં ઘણી વખત એના સબટાઈટલ્સ જોતાં રહેવું પડે છે. કેમકે અંગ્રેજી ઉપરાંત ઈરાની ભાષામાં સંવાદ વધુ છે. અને હિન્દી સિવાયની ભાષામાં 10 મિનિટ લાંબા દ્રશ્યો પણ છે. જો એનું હિન્દી ડબિંગ કરવામાં આવ્યું હોત તો વધુ સારી રીતે સમજી શકાય એમ હતું. એમાં કોઈ શંકા નથી કે દિગ્દર્શક અરુણ ગોપાલન દ્વારા ફિલ્મને વાસ્તવિક રાખવા આમ કરવામાં આવ્યું છે. એમણે સામાન્ય એક્શન અને કોરિયોગ્રાફ કરેલા સ્ટંટને છોડીને એક બુદ્ધિશાળી સામગ્રી આધારિત થ્રિલર બનાવી છે. 2012 માં ભારતમાં ઇઝરાયલી રાજદ્વારીઓ પર થયેલા હુમલા પર 'તેહરાન' ની વાર્તા રચયેલી છે. સત્ય ઘટનામાં કેટલાક મોટા ફેરફારો કરવામાં આવ્યા છે પરંતુ તેમ છતાં નિર્દેશક વાર્તાને પ્રામાણિક રહ્યા છે. નિર્દેશકનું સંપૂર્ણ ધ્યાન વાર્તા દર્શાવવા પર છે. એ ધ્યાન ખેંચે તેટલી રસપ્રદ છે. પટકથા ઝડપી છે અને મોટાભાગના સમયગાળા દરમિયાન દર્શકને જકડી રાખે છે.