Feeling in Gujarati Short Stories by Mrugzal books and stories PDF | અહેસાસ

The Author
Featured Books
Categories
Share

અહેસાસ

                   !! વિચારોનું વૃંદાવન !! 

                      !! અહેસાસ !!
શહેરના છેવાડાના એક ગામડાંમાં મારો જન્મ થયેલ. શિક્ષણનું મહત્વ તો એ સમયમાં ખૂબ જ ઓછું પણ મને ભણવાનો લાભ મળ્યો. વિશાળ આ દુનિયાના ખજાનામાંથી અઢળક મિત્રો મળ્યા. સુખ અને દુઃખમાં સાથે આપે એવા મળ્યાં. મારી લાગણીને વાંચી શકે, સમજી શકે અને અનુભવી શકે તેવા અહેસાસ વાળા મિત્રોથી હું જીવનમાં હંમેશા રાજીપો અનુભવું છું. 
           
     મારા કોલેજ કાળમાં અમે પાંચ મિત્રોનું એક ગ્રુપ હતું. અમારા ગ્રુપની ખાસિયત એ હતી કે સામાજિક જીવનની ગરીબ થી અમીર સુધીની માળાના મણકામાં અમારા બધાનો સમાવેશ થઈ જતો. એકબીજાને મદદરૂપ બની ભણતરનો ભાર હળવો કરતા. કોલેજનો અભ્યાસ પૂર્ણ કરી સૌ પોતપોતાની જવાબદારીના ભાર તરફ ધકેલાતા ગયેલા. સમય તેની સફરનો સમય ક્યાં ધીમો પાડે છે. બસ સમયનું તો એક જ કામ છે કે સતત વહેતું રહેવું. કોઈને સુખનો સાથ હોય કે દુઃખનું દર્દ તે તેની ફરજ પૂરી નિષ્ઠાથી નિભાવે છે. આ બધાય વચ્ચે સમય ક્યારે અને ક્યાં પસાર થઈ જાય છે તે કોને ખબર રહે છે!! 

                વિકાસની હરણફાળ તરફ આગળ વધતા સુંદરપુરમાં મારી ઓફિસનું નવું સોપાન સામેલ થવાનું હતું. ઉદઘાટનના આખરી પડાવમાં બસ એક કોમ્પ્યુટર સેટ જ બાકી હતો. તે આવી જાય એટલે બિલ અને હિસાબમાં સરળતા સાથે સગવડ રહે. આજે સવારે હું મારી ગાડી લઈને તે લેવા નિકળી ગયો. ઓફિસ માટે કોમ્પ્યુટર, પ્રિન્ટર જેવી જરૂરી વસ્તુઓ લઈ લીધી. લગભગ બધું જ આવી ગયું હતું એટલે હું ઘરે જવાનો વિચાર કરતો હતો. ઘર તરફ જવા ગાડી ચાલુ કરી નીકળ્યો ત્યારે યાદ આવ્યું કે એક સરકારી કચેરીમાંથી એક દાખલો કઢાવવાનો છે. હજી મારી પાસે સમય છે તો સાથેસાથે તે કામ પુરું કરતો જાવ તેવા વિચાર આવતા મેં ગાડી તે તરફ હંકારી મૂકી. કચેરીમાં થોડી ઘણી ભીડ વચ્ચે માંડ મારો વારો આવ્યો. વારો તો આવ્યો પણ દાખલાની કોમ્પ્યુટરમાંથી પ્રિન્ટ કાઢે તો નીકળે નહીં. પ્રિન્ટરના રંગ રૂપથી એવું લાગતું કે તેણેય ઘણા વર્ષોની તપસ્યા કરી હશે. ઓપરેટર ભાઈએ ઘણી મહેનત કરી પણ પ્રિન્ટરે પકડેલી જીદ ન છોડાવી શકયા. તેના ઉપર ટાપલીઓથી હુમલા કરવામાં આવ્યા તો પણ એકનું બે ન થયું. ખરેખર, ત્યારે એક વાત તો સમજાણી કે નિર્જીવ વસ્તુ જેટલી માર સજીવ તો ન જ સહન કરી શકે!!. ઓપરેટરની ટાપલીઓના મારનો અવાજ લોકોની નજર ખેંચી રહ્યો હતો. પ્રિન્ટરની બાજુમાં ઝીણા અક્ષરથી અને થોડા ભૂંસાયેલ નામ પર મારી નજર ગઈ. નિરખીને જોવો તો ખ્યાલ આવે કે તેમાં કંઈક નામ લખેલ છે. હું વાંચવા નજીક ગયો અને જોયું તો લખેલ હતું કે - "પાયલ પંજાબી તરફથી સપ્રેમ ભેટ..." નામ જોઈને તો હું અવાચક બની ગયો. મારા કોલેજ સમયની મિત્ર અને વર્ષો પહેલા મેં એને ભેટમાં આપેલુ પ્રિન્ટર એ આ પ્રિન્ટર હતું. તેનું નામ જોઈ હ્રદય ગર્વથી ગદગદ ફુલી ગયું. તેના પ્રત્યે વધુ એક લાગણીનું મોજું ફરી વળ્યું. હજી તેના જુના સ્મરણો મનમાંથી હટે એ પહેલાં તો ઓપરેટરની ટાપલીઓ અસહજ મહેસૂસ કરાવતી હતી. હું તરત ત્યાંથી નીકળી મારી ગાડીમાં રહેલ નવું પ્રિન્ટર લઈને ઓપરેટરની આપ્યું. કોમ્પ્યુટરમાં "પાયલ પંજાબી તરફથી સપ્રેમ ભેટ..." તેવું લખીને પ્રિન્ટ કાઢી ટેસ્ટ પણ કરી લીધું. કાઢેલી નામવાળી પ્રિન્ટને વ્યવસ્થિત કરી નવા પ્રિન્ટર પર ચોંટાડી દિધી. થોડીવારમાં તો એનું કામ રાબેતા મુજબ ચાલુ થઈ ગયું. 
             
       નવા પ્રિન્ટરનો એક ફોટો પાડીને પાયલને મોકલી આપ્યો. તેનો વળતો જવાબ હતો "મરુભુમીના માનવી" ને એક મીઠો અહેસાસ....
                               - મરુભુમીના_માનવી- મૃગજળ