આમ, જોવા જઈએ તો હું એકદમ વ્યસ્ત થઇ ગઈ. સવારથી નીકળું તે છેક સાંજે ઘરે શાંતિથી બેસું. પણ આપણી આર્થિક પરિસ્થિતિ સુધરતી ગઈ. મારા ટ્યુશનના પૈસા અને શાળાની નોકરીના પૈસા, એમ ધીમે ધીમે આપણે પૈસાની તંગીમાંથી બહાર આવવા લાગ્યા. એ અરસામાં આપણે ત્યાં ટેલિફોન ન હતો. મમ્મી ઘણીવાર કહેતા કે બેનનું કંઈ કામ હોય ને કંઈ ખાનગી વાત કરવી હોય તો પણ આપણાથી ન કરી શકાય કારણ કે ફોન કરવા બાજુમાં કાકાને ત્યાં જવું પડે. પૈસાની થોડી રાહત થતાં મેં તમને કહ્યું હતું કે આપણે ટેલિફોનની લાઇન લઇ લઈએ જેથી મમ્મીએ બેનનું કામ હોય તો બાજુમાં કાકાને ત્યાં ન જવું પડે. અને આપણે ફોનની લાઇન લઈ લીધી હતી. શાળા અને ટયુશન કરતાં કરતાં ત્રણ મહિના ક્યાં નીકળી ગયા ખબર જ ન પડી. આ ત્રણ મહિનામાં મારે પૈસા સંબંધી કોઈ પણ મહેણા ટોણા મમ્મી તરફથી સાંભળવા મળ્યા ન હતા. હા, તેઓ મારા પૈસા લેતા ન હતા પણ મેં તમને કહ્યું હતું તેમ તમે દર મહિને મમ્મીને તમારો પગાર થાય એટલે અમુક પૈસા આપી દેતા હતા રાખવા માટે. અને એમને એમ પણ કહ્યું હતું કે એ પૈસા એમના પોતાને ક્યાંક વાપરવા હોય એના માટે છે કારણ કે ઘરનું કરિયાણું કે દૂધ શાકભાજી બધું જ આપણે લાવતા હતા. શાકભાજી તો હવે હું સાંજે શાળાએથી છૂટું પછી ત્યાંની બજારમાંથી જ લેતી આવતી હતી કારણ કે ત્યાંનો ભાવ ઓછો હોય. સાંજે જમીને પરવાર્યા પછી હું દિકરા સાથે બેસતી અને એને એની શાળામાં જે કરાવ્યું હોય તે કરાવતી. આમ જ દિકરાની વાર્ષિક પરીક્ષા વહેલી થઈ ગઈ. એને વેકેશન પડી ગયું પણ મારા ટયુશન અને શાળા ચાલુ હતા. હવે, પ્રશ્ન એ હતો કે દિકરાને આખો દિવસ ઘરે મૂકી જવો પડે પણ ઘરે તો મમ્મી કામ જ કર્યા કરે દિકરાને કેવી રીતે સંભાળે ? પણ તમે કહ્યું કે કંઈ વાંધો નહીં તું તારે જજે એ તો મમ્મી સંભાળી લેશે. ને આમ પણ એ ઘરમાં તો બેસશે જા નહીં ફળિયામાં રમ્યા કરશે અને એ રમતો હોય ત્યારે જોવા માટે ફળિયાવાળા તો છે જ. મારી પાસે આ વાત માનવા સિવાય બીજો કોઈ રસ્તો જ નહોતો. આમ, હવે મારે દિકરાને મૂકીને જવું પડતું હતું જરા અઘરું તો લાગ્યું પણ કરી લીધું. જ્યાં ટયુશન કરાવતી હતી ત્યાં જવાનું પણ વાર્ષિક પરીક્ષા ચાલુ થવાની હોવાથી હવે બંધ થવાનું હતું. ત્યાંના આચાર્યએ મને કહ્યું કે મારે તો તમને જવા જ નથી દેવા કારણ કે જે વિદ્યાર્થીઓ તમારી પાસે ભણ્યા છે એમનામાં ઘણો જ સુધારો છે અને તેઓ તો આગળ તમને અહીં જ રાખવાનું કહે છે પણ ઉપરથી ઘણી તપાસ આવે છે એટલે હવે હું શાળામાં ટ્યુશન કરવાની પરવાનગી હવે ન આપી શકું અને મારી શાળા બપોરની છે જે સમય તમને ફાવે એમ નથી પણ તમને કયારેય કંઈ પણ જરૂર હોય તો મારો સંપર્ક કરજો હું મારાથી બનતી બધી જ મદદ કરીશ. હું એ આચાર્યનો દિલથી આભાર માનીને ત્યાંથી નીકળી ગઈ અને વિચારતી રહી કે મેં એમની શાળામાં ટયુશન કરાવ્યા, એ ટ્યુશનના પૈસા તો હું જ લેતી હતી એવું પણ ન હતું કે એ લઈને મને આપતા પણ આ તો હું જ લેતી એટલે એમને તો એમાંથી કંઈ પણ મળ્યું હોય એ શક્ય જ ન હતું અને છતાં આટલો નિ:સ્વાર્થ ભાવ. મેં ક્યારેય કોઈનો જોયો નથી. મને એ આચાર્ય ખરેખર ભગવાને જ મોકલ્યા હોય મારી માદ કરવા માટે એવું લાગ્યું. ને પછી મારી હવે ફક્ત જ્યાં આખો દિવસ જતી હતી એ જ શાળામાં જવાનું હતું. હવે મને થોડી રાહત થઈ. હવે હું સીધી બપોરે જ જતી અને સાંજે આવી જતી. ને દિકરાનું રિઝલ્ટ આવ્યું. એના ૯૮% આવ્યા હતા અને વર્ગમાં બીજો નંબર. હતો એ નર્સરીમાં જ. પણ દિકરાની પ્રગતિ માતા પિતા માટે ખૂબ જ મહત્વની હોય. આપણે પણ ખુશ થઈ ગયા એનું એ રિઝલ્ટ જોઈને.