જીવમાત્ર સુખને શોધે છે. કીડીને સાકરના ટૂકડામાં સુખ લાગે છે. ફૂદાને મીણબત્તીના પ્રકાશમાં સુખ લાગે છે. ભૂખ્યા પ્રાણીને ખાવાનું મળતા સુખ લાગે છે. મનુષ્યોને પાંચ ઇન્દ્રિયોના સુખોમાં સુખ લાગે છે. સુખ મેળવવા માટે મનુષ્યએ ભૌતિક સાધનો જેવાકે, લક્ષ્મી, જમીન, ઘરબાર, મોટરગાડી, સંપત્તિ, સંબંધો, સંતાનો વગેરે પાછળ આંધળી દોટ મૂકી છે. પછી એમાંથી સુખ નથી મળતું તો અન્ય સાધનો જેવા કે ખાણીપીણી, ગોસિપ, મ્યુઝિક, પાર્ટી, ડ્રિન્ક્સ, વ્યસન, ટી.વી. ચેનલો, ઈન્ટરનેટ સર્ફિંગ અને સોશિયલ મીડિયા દ્વારા સુખ મેળવવા ફાંફાં મારે છે. આ બધા સાધનો દ્વારા સુખ મળ્યું એમ લાગે છે, પણ શું એ સુખ કાયમ ટકે છે?
એક વ્યક્તિને લાડવા ખાવામાં સુખ લાગતું હોય, જયારે બીજી વ્યક્તિને લાડવા ના ભાવતા હોય તો તેને સુખ નથી લાગતું. એકને પંખામાં ઠંડા પવનમાં સુખ લાગે, અને બીજાને એમાં જ શરદી થઈ જાય અને દુઃખ લાગે. સહેજ વિચાર કરીએ, તો આ સાધનો દ્વારા મેળવેલું સુખ એકને સુખનો અનુભવ કરાવે છે, જયારે બીજી બાજુ એ જ સાધન બીજાને દુઃખનો અનુભવ કરાવે છે. તો પ્રશ્ન થાય કે જે સુખ બધાને સ્વીકાર્ય ના હોય, તેને સાચું સુખ કેવી રીતે કહેવાય?
એટલું જ નહીં, સુખ ભોગવવાના સાધનોમાં અતિરેક થાય તો એ જ સાધન દુઃખનું કારણ પણ બની જાય છે. ભજિયા ભાવતા હોય તેને ભજિયા ખાવામાં સુખ લાગે. પણ પ્રમાણથી વધારે ભજિયા ખવડાવે તો? પૈસા કમાવામાં આખી દુનિયાએ સુખ માન્યું છે. છતાં, જરૂરિયાત કરતા પૈસા ખૂટી પડે તોય દુઃખ, અને જરૂરિયાત કરતા પૈસા ખૂબ વધી જાય તોય દુઃખ કારણ કે, તેને સાચવવાની ચિંતા વધી જાય. તો વિચાર આવે કે જે સુખનું પ્રમાણ વધી જવાથી કે ઘટી જવાથી દુઃખ થાય. એ સુખ કહેવાય જ કેવી રીતે?
બાહ્ય સાધનોથી મેળવેલા સુખ અવલંબનવાળા સુખ છે. તમે કોઈ થ્રીલર નોવેલ કે ઇન્ટરેસ્ટિંગ પુસ્તક વાંચવામાં ગળાડૂબ હો અને કોઈ અચાનક આવીને પુસ્તક ઝૂંટવીને લઈ જાય તો? ટી.વી. ઉપર તમારો ફેવરિટ પ્રોગ્રામ જોવા બેઠા હો અને કોઈ ચેનલ બદલી નાખે તો? આ સુખ સાપેક્ષ સુખ છે. એક માણસ પોતાના ચાર રૂમના ફ્લેટમાં સુખેથી રહેતો હોય અને તેના મિત્રનો બંગલો જુએ તો એને અંદર થાય કે "મારી પાસે પણ બંગલો હોય તો કેવું સારું?" એટલું જ નહીં, ઘરે આવીને પત્ની કહે કે, "તમારા મિત્ર જેવો બંગલો મને પણ જોઈએ!" ત્યારથી એ ચાર બેડરૂમવાળો ફ્લેટ દુઃખ આપવા માંડે. અને બંગલાવાળા મિત્રને જોઈએ તો એના ઘરમાં એક ઘાટી, એક દરવાન, એક રસોઈયો અને પતિ-પત્નીનો પરિવાર હોય, પણ સુખનો છાંટો ન હોય. સતત અંતરદાહ બળ્યા કરતો હોય, રાત્રે ઊંઘની કે બ્લડ પ્રેશરની દવા ખાવી પડતી હોય. તો પ્રશ્ન થાય કે, જે સુખ અપેક્ષિત હોય, આધારવાળું હોય, તે સુખ કેવી રીતે કહેવાય?
હજુ વિચારીએ તો, સુખના દરેક સાધનો છેવટે તો અંતવાળા જ છે. બહાર ઈન્ટરનેશનલ ટ્રીપ ઉપર ફેમિલી સાથે ફરવા ગયા હોઈએ તેમાં સુખ લાગે, પણ પાછા આવીને ફરી એ જ રૂટિન જિંદગીની ચિંતા! સફળતા મળે તો સંતોષ થાય. પણ સફળતા મળ્યા પછી જમવાનું ના મળે, ઊંઘવાનું ના મળે તો ચાલે? સુખ એનું નામ કહેવાય કે જેનો અંત ના આવે.
જો સુખની વ્યાખ્યા કરવી હોય તો સુખ એવું હોવું જોઈએ કે જેના પછી ક્યારેય પણ દુઃખ ના આવે. ભૌતિક સુખ તો ઘણું ભોગવ્યું, જેનાથી ક્ષણિક સંતોષ થાય છે પણ તૃપ્તિ થતી નથી. ખરેખર આ કળિયુગમાં અત્યારે નવ્વાણું ટકા દુઃખ ને એક ટકો સુખ છે, સાંસારિક સુખ છે. સત્યુગમાં સુખ હતાં, તેમ છતાં રાજા મહારાજાઓ અઢળક સંપત્તિ, રાજપાટ, રાણીઓ બધું ત્યાગીને સાચું સુખ શોધવા જંગલમાં નીકળી પડ્યા હતા.
સાંસારિક સુખો ટેમ્પરરી (ક્ષણિક) છે, અને એ સુખ આવ્યા પછી પાછું જતું રહે છે એટલે મનુષ્ય 'પરમેનન્ટ' (સનાતન) સુખ માગે છે. ક્યાંય સુખ ન મળતા છેવટે થાકીને તે ધર્મ તરફ વળે છે. તેમાં શાંતિ મળે છે, પણ શાશ્વત સુખનો અનુભવ થતો નથી. અંતે શાશ્વત સુખની શોધમાં ભટકતો મનુષ્ય અધ્યાત્મ તરફ વળે છે. અધ્યાત્મ એટલે પોતે ખરેખર કોણ છે તેનો અનુભવ કરવો, "હું કોણ છું?" એનું ભાન થવું. આપણે ખરેખર આત્મસ્વરૂપે જ છીએ, અને સાચું સુખ પોતાની અંદર જ છે, આત્મામાં જ છે. આત્મા પ્રાપ્ત કરે તો સનાતન સુખ જ પ્રાપ્ત થાય.