!! વિચારોનું વૃંદાવન!!
|| પાંગરેલા પર્ણ ||
ગામડાંના એક સાવ એવા મધ્યમ પરિવારમાં મારો જન્મ થયેલો. ગામડાની શાળામાં બાલવાટીકાથી લઇ માધ્યમીકના અંત સુધીની સફરમાં હું અને પાયલ સાથે ભણ્યા હતાં. ઉચ્ચતરમાં તે બાયોલોજીની બાહુબલ્લી અને હું મેથેમેટિક્સનો મહારથી બનવાના સપના સાથે અમે નહીં પણ અમારા પ્રવાહ અલગ થયેલા. હંમેશા શિક્ષણને જ પ્રાધાન્ય આપી એકબીજા સાથે જોડાયેલા રહ્યા. પરંતુ આ બધાય વચ્ચે અમારી પરસ્પર સમજુતી અને લાગણી તો અતુટ જ હતી. યુવાનીના ઉંબરે પહોંચ્યા ત્યારે એટલા તો સમજદાર થયા હતા કે જિંદગીભર એકબીજા સાથે જીવવાની અઢળક ઈચ્છાઓ અવતરી જાય. લાગણીથી ઘેરાયેલું એ આવરણ કાયમને માટે ઢંકાયેલું રહે તેવી બન્નેની તીવ્ર ઈચ્છાઓ હતી. પરંતુ લાગણીના તણાયેલા એ તંબુમાં જિંદગીભરના જીવનસાથી બનીશું કે નહિ તે તો ભગવાનને જ ખબર હતી. જગતમાં પથરાયેલી સમાજની જાતિ અને વર્ણ વ્યવસ્થામાં અમે ગોઠવાઈ જશું કે કેમ એ ભીતિ તો કાયમને માટે હતી. સમાજ- સમાજ વચ્ચે હોય કે જાતિ- જાતિ વચ્ચે ચિતરાયેલા ભેદ અને તેની રેખાઓ ઓળંગીને કેટલા ખુશ થયા છે? એજ સમાજની ભેદ રેખાને અમે ભેદી ન શક્યા. અમારા બન્નેના પરિવારને સમજાવટના અઢળક પ્રયાસો કર્યા છતાંય એ રેખાના બિંદુ અમે એક ન કરી શક્યા. યુવાનીના ઉંબરા સુધીની સફરમાં એક વિશ્વાસ પર લાંગરેલું વહાણ વિપરીત દિશા તરફ ફંટાઈ ગયું. વખથી વિખુટા પડેલાના લીસોટા તો કાયમ રહે જ છે પણ સાથોસાથ તેની ગેરહાજરીની પણ અનુભુતી અવિરત થતી રહે છે. આખરે થાકીને સાથે જીવન જીવવાની બાજી હારીને અમે એકબીજાથી છુટા પડ્યા. સજાવેલા શહેર તરફ મુરજાયેલ મનનો માનવી બની હું શહેર તરફ નીકળી ગયો.
ઘણાંય વર્ષો બાદ એક દિવસ મારી આંખ ખુલ્લી અને મેં જોયું તો હું એક હોસ્પીટલના આઈસીયુ રૂમમાં દવાની બોટલો વચ્ચે ઘેરાયેલો પથારીમાં પડ્યો હતો. આંખ ખોલતા જ મારો મિત્ર રાજુ તેના નિખાલસ હાસ્ય સાથે મારી સામે હાજર થયો. મારી નજર બીજી બાજુ ફેરવું એ પહેલા જ તેની આંખો ભરાય ગઈ હતી. તેના ચહેરાના ભાવ જોઇને જ અંદાજ આવી ગયો કે હું કઈ પરિસ્થતિમાં દાખલ થયો હોઈશ. ધીરે ધીરે તેને મારી સાથે બનેલ ઘટના જણાવી. એક મહિનાની સારવાર બાદ મેં આજે આંખ ઉઘાડી હતી. રાજુએ મારી સાથે થોડી વાતચીત કરી ડોક્ટરને તપાસ માટે બોલાવવા નીકળી ગયો. દવાઓનો નશો એટલો હતો કે મારી આંખો ઘેરાતી હતી. અચાનક ડોકટરે આવીને તપાસવા માટે મારો હાથ પકડ્યો. તેનો સ્પર્શ વર્ષો પહેલા વિખુટા પડેલા સ્પર્શ સાથે સામ્યતા ધરાવતો હતો. ઘેરાયેલી આંખો થોડી ખુલ્લી પરંતુ ચહેરો સ્પષ્ટ દેખાતો ન હતો. જેવી આંખો થોડી વધુ ખોલી તો મોંઢા પર માસ્ક સાથે સફેદ સાડીમાં ડોક્ટર મારી સામે ઉભા હતા. માસ્કના લીધે હું તેમનું મોં તો ન જોઈ શક્યો પણ તેમની નેમ પ્લેટ પર નજર ગઈ અને તેમાં લખેલ હતું “ડૉ. પાયલ પંજાબી.” વર્ષો પહેલા હ્રદયમાં પડેલા ઘાવ તાજા થયા. તેની આંખમાંથી પડતા એક એક આંસુ મારા પગને સ્પર્શી પથારી તરફ પ્રયાણ કરતા હતા. તે આંસુનો સ્પર્શ મારી આંખના આંસુને પણ ન રોકી શક્યો. તેની લાગણીસભર સારવારથી જ હું સાજો થયો હોઉં તેવું મને લાગે છે.
હોસ્પીટલના શણગારેલ જનરલ વોર્ડમાં જનતાનો જમાવડો તાળીઓના ગાજથી ગુંજવા લાગ્યો. ફૂલડાની ફોરમથી મહેકતા એ માહોલમાં તેને મારા ગળામાં અને મેં તેના ગળામાં ફૂલડાંનો હાર પહેરાવી દીધો. મંગળ સમયમાં મંગળસૂત્ર પહેરાવી તેની સફેદ સાડીની સફર પૂર્ણ કરાવી. ગામડાની ગલ્લીઓમાંથી છુટેલો એ સાથ આજે જીવનભરનો સંગાથ બની ગયો.
હ્રદયે પડેલા ઊંડા એ ઘાવ ક્યાં રુજાઈ છે.
મનથી માનેલા એ માનવી ક્યાં ભુલાઈ છે.
- મરુભુમીના_માનવી- મૃગજળ