A piece of sky for me too in Gujarati Short Stories by Anghad books and stories PDF | એક ટુકડો આકાશનો મારા માટે પણ

The Author
Featured Books
Categories
Share

એક ટુકડો આકાશનો મારા માટે પણ

અંજલિ, એક સ્નેહાળ ગૃહિણી. તેનું જીવન પતિ વિક્રમ અને બે સંતાનો – દસ વર્ષની આર્યા અને સાત વર્ષના આર્શવની આસપાસ વણાયેલું હતું. શહેરની દોડધામમાં, અંજલિનું પોતાનું અસ્તિત્વ સમયના બંધનમાં કેદ થઈ ગયું હતું, જ્યાં પોતાને માટે થોભવું એ માત્ર એક સપનું બની ગયું હતું. ક્યાંક તેના હૃદયના ખૂણે એક ચિત્રકાર બનવાની મહેચ્છા અને કવિતાઓની ધૂન દબાયેલી પડી હતી.

અંજલિ અને વિક્રમનો ફ્લેટ શહેરના મધ્યમાં હતો. સુંદર હોવા છતાં, તે ભીડથી ઘેરાયેલો હતો. તેમના રસોડાની બારીમાંથી આકાશનો એક નાનકડો ચોરસ ભાગ દેખાતો. પરંતુ, છેલ્લા કેટલાક મહિનાઓથી સામેના પ્લોટમાં એક મહાકાય બિલ્ડિંગનું નિર્માણ થઈ રહ્યું હતું.
એક સાંજે, અંજલિ ચા બનાવતી હતી. તેણે બારી બહાર જોયું. મજૂરોએ બિલ્ડિંગનો છેલ્લો સ્લેબ ભરી દીધો હતો. હવે તો બારીમાંથી દેખાતો આકાશનો ટુકડો પણ કપાઈ ગયો. ફક્ત એક પાતળી, લાંબી ફાંટ જ બાકી રહી ગઈ હતી.
અંજલિના હાથમાંથી ચાનો કપ ધીમેથી પ્લેટમાં મુકાયો. તેના ચહેરા પર એક અકળ અને ગહન ઉદાસી છવાઈ ગઈ. આ એ જ આકાશ હતું, જ્યાં એ રોજ સવાર-સાંજ પોતાના મનને મોકળું મૂકી દેતી.
તેના હોઠ ધીમેથી ફફડ્યા: "મારું આકાશ પણ છીનવાઈ ગયું... હવે તો બસ દીવાલો જ દીવાલો રહી."

રાત્રે, જમીને વિક્રમ સોફા પર આરામ કરી રહ્યા હતા અને બાળકો પોતાનું ગૃહકાર્ય પતાવી રહ્યા હતા. અંજલિ પાસે આવીને ચૂપચાપ બેસી ગઈ. તેના ચહેરા પરની ઉદાસી વિક્રમે તરત પારખી લીધી.
વિક્રમ: "શું થયું અંજલિ? આજે તું બહુ શાંત છે. તબિયત તો સારી છે ને?"
અંજલિએ ધીમેથી માથું હલાવી 'ના' કહી. "ના, તબિયત સારી છે... બસ આજે બારીમાંથી આકાશ દેખાતું બંધ થઈ ગયું."
વિક્રમ સહેજ હસ્યો. "એમાં શું મોટી વાત છે? સામે બિલ્ડિંગ બને તો દેખાવાનું બંધ થાય જ ને! હવે દીવાલો જ દેખાશે."
વિક્રમની વાત અંજલિને તદ્દન હળવી લાગી. તેના ગળામાં ડૂમો ભરાઈ ગયો.
અંજલિ (ધીમા, પણ દ્રઢ સ્વરે): "તમારા માટે એ માત્ર દીવાલ છે, વિક્રમ. પણ મારા માટે એ આકાશ... એ મારી બારી હતી. મારી એકલતાની, મારા અધૂરા સપનાઓની..."
વિક્રમ અચાનક ગંભીર થઈ ગયો. "સપના? કેવા સપના?"
અંજલિ (આંખોમાં આંસુ સાથે): "યાદ છે? મને ચિત્રકામ કેટલું પ્રિય હતું? ક્યાં છે હવે એ બ્રશ? ધૂળ ખાય છે પેલા જૂના કબાટમાં. રોજ સવાર પડે અને શરૂ થાય 'વિક્રમની ચા, આર્યાનું દૂધ, આર્શવનો નાસ્તો'. હું બુધી જવાબદારી હોંશે હોંશે નિભાવું છું, પણ ક્યારેક તો લાગે છે કે આ ઘરમાં બધું છે... બસ, 'અંજલિ' જ નથી."
તે ઊભી થઈને બારી પાસે ગઈ, જ્યાં હવે માત્ર સિમેન્ટની દીવાલ હતી.
અંજલિ: "મારે બહુ મોટું આકાશ નથી જોઈતું, વિક્રમ. ફક્ત 'એક ટુકડો આકાશનો મારા માટે પણ'... જ્યાં હું થોડો સમય મારી સાથે જીવી શકું. મને મારો પોતાનો સમય, મારો શોખ, મારી ઓળખ પાછી જોઈએ છે."
વિક્રમે ઊભા થઈને અંજલિના ખભે હાથ મૂક્યો. તે સમજી ગયો કે આ માત્ર આકાશ દેખાવાની વાત નહોતી, આ તો એક પત્ની અને માતા તરીકે જીવતા જીવતા પોતાનું અસ્તિત્વ ગુમાવી દેવાની અકથ્ય પીડા હતી.
વિક્રમ (નરમાશથી): "મને માફ કરજે, અંજલિ. હું ક્યારેય સમજી જ ન શક્યો કે તારી અંદર આટલું દુઃખ ભરેલું છે. તે ક્યારેય ફરિયાદ નહોતી કરી, એટલે મને લાગ્યું કે તું ખરેખર ખુશ છે."
અંજલિ (રડતા સ્વરે): "હું ફરિયાદ નહોતી કરતી, પણ શું તમને ન દેખાવું જોઈતું હતું? શું મારી આંખોમાં એ ખાલીપો તમને ક્યારેય ન દેખાયો?"

વિક્રમે તે રાત્રે એક ગંભીર નિર્ણય લીધો. બીજા દિવસથી તેમની સવાર બદલાઈ ગઈ.
વિક્રમ (સવારે ઉઠીને): "સાંભળ, અંજલિ, આજથી સવારની ચા હું બનાવીશ. તું તારા રૂમમાં બેસીને તારા ચિત્રકામનો અડધો કલાક પાછો લઈ લે."
આર્યા અને આર્શવ પણ આ સાંભળીને અંજલિ પાસે દોડી આવ્યા.
આર્યા: "મમ્મી, આજથી મારા શૂઝ હું જાતે પોલિશ કરીશ અને આર્શવને દૂધ પીવડાવવામાં પણ મદદ કરીશ."
આર્શવ: "હા મમ્મી! તું તારા ચિત્રો દોર. અમે બહુ અવાજ નહીં કરીએ."
અંજલિની આંખોમાંથી આંસુ વહેતા હતા, પણ આ વખતે તે પીડાના નહીં, પણ અપાર સ્નેહ અને હૂંફના હતા.
અંજલિ (ગદગદ અવાજે): "બસ આ જ... આ જ મારે જોઈતું હતું. મારો એક નાનકડો ટુકડો આકાશનો... તમે બધાએ ભેગા મળીને મને આપી દીધો."

બારીમાંથી ભલે આજે એક સિમેન્ટની દીવાલ જ દેખાતી હતી, પણ અંજલિના જીવનમાં હવે આખું આકાશ હતું. તેના જૂના કબાટમાંથી તેના બ્રશ અને કેનવાસ બહાર આવી ગયા હતા. હવે તે માત્ર 'વિક્રમની પત્ની' કે 'આર્યા-આર્શવની માતા' નહોતી, તે ફરીથી 'અંજલિ' બની ગઈ હતી.
એક સાંજે, વિક્રમ ઓફિસેથી આવ્યો ત્યારે અંજલિએ પોતાને માટે દોરેલું એક નવું ચિત્ર તેને બતાવ્યું. એમાં વિશાળ આકાશ હતું, અને એના એક ખૂણામાં એક નાનકડો પણ ખૂબ જ તેજસ્વી તારો ચમકતો હતો.
વિક્રમ: "આ તારો કોણ છે, અંજલિ?"
અંજલિ પ્રેમથી હસી. "એ તારો... હું છું. તમારા બધાની વચ્ચે, ચમકતો મારો પોતાનો 'એક ટુકડો આકાશનો'."
તેમનો સંસાર આજે વધુ ઉષ્માભર્યો લાગતો હતો, કારણ કે અંજલિની અંદરની દુનિયાને પણ મુક્તપણે શ્વાસ લેવા માટે જગ્યા મળી ગઈ હતી.