Bhool chhe ke Nahi ? - 86 in Gujarati Women Focused by Mir books and stories PDF | ભૂલ છે કે નહીં ? - ભાગ 86

The Author
Featured Books
Categories
Share

ભૂલ છે કે નહીં ? - ભાગ 86

દિકરા સાથે હું ઘરે આવી. દિકરો તો ખૂબ ખુશ થતો થતો ઘરે આવ્યો ને મમ્મીને કહ્યું બા હું કંડકટર બનીને ગયો તો મને ઇનામ આપ્યું. એને હજી હરીફાઈ શબ્દનો અર્થ ખબર ન હતી. બસ એમ જ કે હું કંડકટર બનીને ગયો ને મને ઈનામ આપ્યું. મમ્મી પણ ઈનામ જોઈને ખુશ તો થયા પણ એમની ખુશી ફળિયામાં જ્યારે દિકરો બધાને ઈનામ બતાવતો હતો ત્યારે ખોવાઈ ગઈ. રોજ એવું થતું કે અમે ઘરે આવીએ ત્યારે ફળિયામાં બધા જમી પરવારીને બહાર ઓટલા પર બેઠા હોય. એટલે દિકરો બધાને ઇનામ બતાવતો હતો. ને એ જ સમયે મમ્મી એમ બોલ્યા કે ઈનામ તો લાવે જ ને એની પાછળ એની મમ્મી કેટલી મહેનત કરે છે અને વળી ત્યાં શહેરમાં કોઈને કંડકટર શું છે ખબર જ ન હોય ને એટલે નંબર આવી જાય. એમની વાત પરથી ખબર જ ન પડી કે એ દિકરાના વખાણ કરતા હતા કે કંઈક દુખી થઈને આ વાત કરતા હતા. પણ મેં વધારે વિચાર્યા વગર દિકરાને કહ્યું કે ચાલ તું પહેલા ઘરમાં ચાલ જમી લે ને પછી બધાને વાત કર્યા કરજે. દિકરો તમે ઘરે આવે એની રાહ જોતો હતો ને તમે આવ્યા કે તરત જ એણે તમને ઈનામ બતાવ્યું. તમે પણ ખુશ થઈ ગયા. આમ જ થોડા દિવસ થયા ને જન્માષ્ટમી આવી. તમે દિકરાને લેવા ગયા હતા ને એના વર્ગ શિક્ષકે તમને કહ્યું કે જન્માષ્ટમી ના દિવસે દિકરાને કનૈયો બનાવીને મોકલજો. તમે એમ કહીને આવ્યા કે કોશિશ કરીશું. ને તમે મને વાત કરી હતી. મેં કહ્યું કે હવે પાછી મને રજા નહીં મળશે. દિકરાને કનૈયો બનાવીશું તો સાથે જવું પડશે શાળાએ. ને તમે કહ્યું હતું કે કંઈ વાંધો નહીં તું એને તૈયાર કરી જજે પછી હું એને લઈને શાળાએ જઈશ અને છૂટે એટલે તરત લઈ આવીશ. મેં કહ્યું કે પણ એ માટે કપડા ભાડેથી લાવવા પડશે અને કપડાનું ભાડું આપવું પડશે. પણ તમે કહ્યું કંઈ વાંધો નહીં દિકરા માટે પૈસા ખર્ચી કાઢીશું બીજા ખર્ચમાં જોઈ લઈશું. અને દિકરાને જન્માષ્ટમી ના દિવસે કનૈયો બનાવીને મોકલ્યો હતો. ને એ દિવસે તમે ત્યાં દિકરા સાથે ત્યાં શાળામાં રહ્યા અને ત્યારે તમે આખો તહેવાર ત્યાં ઉજવ્યો તે જોયું અને સાથે જ દિકરા ને પણ વર્ગ શિક્ષકે કેટલી સારી રીતે ત્યાં કનૈયા તરીકે રજૂ કર્યો તે જોયું. તમને પણ સારું લાગ્યું કે દિકરાને અને દરેક બાળકને શાળામાં કેટલું માન આપવામાં આવે છે. શાળામાંથી દરેક બાળકને પ્રોત્સાહન રૂપે ઈનામ આપવામાં આવ્યું હતું. કોઈપણ બાળકને ઈનામ મળે એટલે ખુશ તો થઈ જ જાય. આપણો દિકરો પણ ખુશ હતો. આ વખતે દિકરો ઈનામ લઈને આવ્યો ત્યારે તમે સાથે હતા એટલે ઘરે આવીને તમે ખુશીથી મમ્મીને વાત કરી કે દિકરાને આજે ફરી ઈનામ મળ્યું છે. પણ એ સાંભળીને મમ્મીએ સરસ એટલું જ કહ્યું. તમને પણ એ સમયે એમનું વર્તન અજુગતું લાગ્યું. પણ તમે કંઈ જ ન બોલ્યા. ને આમ કરતાં કરતાં દિવાળી આવી ગઈ. દિવાળીની રજામાં બેન ઘરે રહેવા આવ્યા. આપણે એમની આગતા સ્વાગતામાં કંઈ પણ ઉણપ આવવા ન દેતા હતા. આપણી પાસે ગાડી તો હતી નહીં પણ છતાં એમને બસમાં બધે ફરવા લઈ જતા અને જે ખાવું હોય તે ખવડાવતા ને ઘરે પણ રોજ નવી વાનગી ખવડાવતા. આમ જ વેકેશનમાં એક દિવસ બહાર ઓટલા પર બધા ફળિયાવાળા સાથે બધા બેઠા હતા ને આપણો દિકરો ભાણી ભાણો બધા ત્યાં રમતા હતા. ગામડાના લોકોનો સ્વભાવ કેવો કે કોઈના પણ ઘરમાં કંઈક તણખલું નાંખી આપે ને પછી એમાં આગ ચાંપે. એ દિવસે પણ એવું જ થયું. એક જણ ભાણાને એમ બોલ્યું કે તું તો મોટો છે તો પણ કંઈ ઈનામ નથી લાવ્યો જો આ ( એટલે કે આપણો દિકરો) કેટલાં બધાં ઈનામ લાવ્યો. હજી તો એ વાક્ય પૂરું થાય એટલે તરત જ મમ્મી બોલ્યા.