વાક્ય પૂરું થતાં પહેલા જ મમ્મી બોલ્યા કે એમાં શું ? દિકરો ઈનામ લાવ્યો એમાં શું ? એ તો એની મમ્મીને સમય મળે એટલે તૈયારી કરાવે પણ મારી દિકરીને ક્યાં એવો સમય મળે કે એ ભાણાને કે ભાણીને કંઈ પણ તૈયારી કરાવે. એ લોકોને કોઈ આની જેમ તૈયારી કરાવે તો એ લોકો પણ ઈનામ લાવે જ. મમ્મીની આ વાતનો કોઈએ કોઈ જવાબ ન આપ્યો. બસ બધા વારાફરતી ત્યાંથી નીકળી ગયા. મમ્મીની વાત ખોટી ન હતી. પણ એકવાર મારા મનમાં વિચાર તો આવ્યો જ કે બેન તો આખો દિવસ ઘરે જ હોય છે. વળી એમને ત્યાં તો બધા જ કામ માટે માણસ હાજર હોય. એમણે તો ફક્ત રસોઈ કરીને ખસી જવાનું. રસોડું પણ સાફ ન કરવાનું તો પછી બેનને સમય કેમ ન મળે ? હું માનું છું કે મારે પણ ઘરમાં કંઈ કામ નથી કરવું પડતું પણ દિકરાને લઈને જવાનું આવવાનું મારી શાળાની નોકરી એ બધું પણ કંઈ સહેલું નથી. વળી મનમાં એક જાતનો અપરાધભાવ હંમેશા રહે કે મમ્મી એક પણ કામ કરવા નથી દેતા. કંઈક અંશે મારી પોતાની જાતને હું કોસતી હોઉં કે મારામાં એવી આવડત કેમ નથી કે હું મમ્મીને મનાવી શકું કે મને કંઈક કામ કરવા દે. પણ આ બધું હું વિચારી જ શકતી હતી. કોઈને કંઈ કહી શકતી ન હતી. આમ ને આમ વેકેશન પૂરું થઈ ગયું. બેન ચાલ્યા ગયા એમના ઘરે. પણ મને મારા ઘરે રહેવા જવાનું ન મળ્યું. કારણ કે બેન આખું વેકેશન રહ્યા હતા. ફરી પાછી રોજની દોડધામ શરૂ થઈ ગઈ. શિયાળો શરૂ થઈ ગયો હતો એટલે મમ્મીએ કહી દીધું હતું કે પાપડી માટે ચોખા લાવીને દળાવી દેજો એટલે પાપડી કરી નાંખીએ. મારે પાપડી કરવા માટે શાળામાં રજા મૂકવી પડે કારણ કે આપણે તો બેનના ઘરે પણ પાપડી મોકલવાની હોય એટલે લગભગ ત્રણેક દિવસ થાય પાપડી કરતાં. આમ તો એમ કહે કે બેન આવશે પાપડી કરવા પણ બેન આવીને કંઈ કરે તો નહીં જ. હું તો ત્યારે શાળાએ રજા પાડું જ પણ દિકરાને પણ રજા પડાવવી પડે. આમ તો હજી એ બાળમંદિરમાં એટલે કંઈ વધારે ફરક ન પડે. પાપડી કરીએ ત્યારે મમ્મી બેનને એમ જ કહેતા હોય કે તું લેવા માટે જમાઈને બોલાવી લેજે એટલે પાપડી ગાડીમાં પહોંચી જાય. પણ ક્યારેય એવું થતું નહીં કે બનેવી ગાડી લઈને લેવા આવે અને પાપડી લઈ જાય. દર વખતે એ કંઈ ને કંઈ બહાનું કાઢીને આવે નહીં ને પછી મમ્મી તમને કહે કે તું સ્કૂટર દિકરીને મૂકી આવ અને પાપડીનો એક કોથળો સ્કૂટર પર આગળ મૂકીને લઈ જજે એટલે એ લોકો પાપડી ખાતા થાય. બીજી પછી ગાડી માં આવીને એ લોકો લઈ જશે. પણ એવું થતું જ નહીં ને પાછળથી આપણે જ સ્કૂટર પર પાપડી આપવા જતા. હું તો ત્યારે પણ કંઈ બોલતી જ નહીં બસ મનમાં વિચારીને બેસી રહેતી. આમ કરતાં દિકરાનું બાળમંદિરનું બીજું વર્ષ પણ પતી ગયું. ફરી દિકરાનો વર્ગમાં પ્રથમ નંબર આવ્યો ને ફરી કોઈના કંઈ પણ કહ્યા વગર મમ્મી એમ બોલ્યા કે એ તો એની મમ્મી એને ભણાવે એટલે આવે. મારી દિકરીને સમય જ ન મળે છોકરાઓને કંઈ કરાવવાનો. મને ખબર હતી કે મમ્મી આવું જ કંઈ બોલશે એટલે મેં એમની વાતને ધ્યાન પર જ ન લીધી. દિકરાને રજા પડી ગઈ હતી પણ મારી શાળા ચાલુ હતી. હવે મમ્મીએ મારી ગેરહાજરીમાં દિકરાને સાચવવો પડતો હતો. આમ તો વેકેશન એટલે મારો શાળાનો સમય પણ બપોરનો થઈ ગયો હતો. હું મોટે ભાગે દિકરાને જમાડીને જ જતી ને બપોરનો સમય એટલે દિકરો સૂઈ પણ જતો. મમ્મીને વધારે એની પાછળ રહેવું પડતું ન હતું.