Savaimata - 72 in Gujarati Motivational Stories by Alpa Bhatt Purohit books and stories PDF | સવાઈ માતા - ભાગ 72

Featured Books
Categories
Share

સવાઈ માતા - ભાગ 72

રમીલા ત્રણેયની નજીક આવતી હતી અને તેઓએ પણ રમીલા તરફ આગળ વધવા માંડ્યું.

એકદમ નજીક આવી જતાં રમીલા બોલી, "અરે! મને એમ કે તમે બધાં કેબીન આગળ કે બેઝમેન્ટમાં મારી રાહ જોશો. પછી તમને ન જોતાં મેં ઉપર પ્યુન અંકલ અને નીચે વોચમેનને પૂછ્યું. તેમણે તમને જોયાં ન હતાં એટલે હું બહાર નીકળી. પણ મને ઊંડે ઊંડે લાગતું જ હતું કે તમે મળશો જરૂરથી."

દેવલ બોલી ઊઠ્યો, "તને કાંઈ કામ હોય એટલે અમે ડિસ્ટર્બ કરવા માંગતાં ન હતાં. અહીં ઊભા રહીને જ તારી રાહ જોવાનું નક્કી કર્યું, જેથી મળીને જ જવાય."

રમીલા બોલી," અરે! એમ મળીને થોડું જ જવાનું છે. ઘરે ફોન કરી દો. મારાં ઘર નજીક મજાનું આઈસ્ક્રીમ પાર્લર છે - આઈસ્ક્રીમ ઓન ધ ટોપ. આપણી સામે જ આપણી પસંદનો આઈસ્ક્રીમ બનાવે છે. ત્યાં બેસીને ખાઈએ અને પછી છૂટાં પડીએ. ઘરે ફોન કરવો હોય તો કરી દો."

સ્વાતિ બોલી, "ઓકે, એમાં કાંઈ વધુ મોડું નહીં થાય. દેવલ તું તારાં મમ્મીને જણાવી દે. હું પણ મમ્મીને ફોન કરી દઉં છું કે મારી અને આતિથ્યની ચિંતા ન કરે."

આતિથ્ય બોલ્યો, "હા, એ બરાબર છે. અને કાલથી તો કૉલેજ નથી જવાનું. આપણે પણ કાર લઈને સીધાં ઓફિસ આવીશું તેથી કશે જવું હોય કે વહેલું - મોડું થાય તો કારમાં સરળતાથી ઘરે જવાય."

દેવલ અને સ્વાતિએ ઘરે ફોન કરી દીધાં જેથી મમ્મી ચિંતા ન કરે. આ તરફ રમીલાએ ઘરે ફોન કરી મનુને કહ્યું કે ઘરનો બેઠકખંડ થોડો સાફ કરી રાખે. પોતે પોતાનાં ત્રણ મિત્રોને લઈને આવી રહી છે. મનુએ આ વાત સમુને જણાવી અને બેયે મળીને બેઠકખંડ સુવ્યવસ્થિત કરી દીધો. પોતાનાં આમતેમ ફેલાયેલાં પુસ્તકો ઉપાડી અભ્યાસનાં ટેબલ ઉપર મૂક્યાં અને નાસ્તો આપવાં ડબ્બા ફંફોસી લીધાં. બેય વાતો કરતાં બેઠાં કે દીદી પહેલી જ વખત પોતાનાં મિત્રોને લઈને આવી રહી છે તો ઘર અને પોતે બેય સુઘડ લાગવાં જ જોઈએ. 

સમુએ ઘરનું ફ્રોક બદલી નવાં સલવાર કમીઝ પહેર્યાં અને મનુ પણ ટી - શર્ટ અને આખું પેન્ટ પહેરી, વાળ ઓળીને આવી ગયો. બેય ભાઈ-બહેને શહેરી રીતભાત ખૂબ જ ઝડપથી સ્વીકારી લીધી હતી. અને તેમને ભણીને રમીલાની જેમ સુંદર પદ ઉપર નોકરી પણ કરવી હતી એટલે બેય ક્યાંયથી પણ કચાશ રાખવા માંગતાં ન હતાં.

આ તરફ રમીલા કાર ચલાવીને પોતાનાં ઘર નજીક આવેલ આઈસ્ક્રીમ પાર્લર પહોંચી. તેઓ બધાં કારમાંથી ઊતર્યાં અને પાર્લરમાં ચાર વ્યક્તિનું ટેબલ જોઈને બેઠાં. વેઈટર મેનુકાર્ડ આપી ગયો. આ પાર્લર હજી એક જ મહિનાથી ખૂલ્યું હતું પણ આઈસ્ક્રીમ અને કુલ્ફીની શોખીન રમીલાને તેનાં પિતાએ પાંચ-છ વખત અહીંનો આઈસ્ક્રીમ ખવડાવી દીધો હતો. આ એક જ શોખ હતો રમીલાનો જે તેના પિતાને તેનાં ચહેરામાં એ નાનકડી, ચાર-પાંચ વર્ષની રમીલા દેખાડી જતો. 

રમીલાએ મેનુકાર્ડ લઈ તેમાંથી ટીડીએચ આઈસ્ક્રીમની વિશેષતા જણાવી. આ આઈસ્ક્રીમનું પૂરું નામ થોડું અટપટું હતું - ટૉલ, ડાર્ક એન્ડ હેન્ડસમ. સાંળીને ત્રણેય હસી પડ્યાં. તેમાં એંસી ટકા ડાર્ક ચોકલેટ સાથે ચોકલેટનાં ઝીણાં ટુકડા, ચોકલેટ સેવ રહેતાં. તેની આસપાસ હૂંફાળો ચોકલેટ સોસ રેડાતો. બીજો એક હતો રેઈનબો ગર્લ. એમાં સપ્તરંગી આઈસ્ક્રીમની સ્ટ્રીપ્સ એક પ્લેટમાં ખૂબ કલાત્મક રીતે પથરાતી અને તેમાં મિન્ટની ઠંડક મોખરે રહેતી. મિત્રોએ પોતપોતાની પસંદ દર્શાવી પછી રમીલાએ પણ રાજભોગ કુલ્ફી વીથ બેરી સ્પેશિયલ આઈસ્ક્રીમનો ઓર્ડર આપ્યો. 

તેઓએ કાઉન્ટર નજીક જઈ પોતપોતાનો આઈસ્ક્રીમ કેવી રીતે બની રહ્યો છે તે પણ જોયું. આઈસ્ક્રીમ ટેબલ ઉપર પીરસાયો. બધાંને ખૂબ જ ભાવ્યો. પછી ફરી એક રાઉન્ડ આઈસ્ક્રીમનો થયો. રમીલાએ બિલ ચૂકવવા કાર્ડ આપ્યું એટલે ત્રણેયે આગ્રહ રાખ્યો કે આ પાર્ટી તો તેમનાં તરફથી જ રહેશે. પણ રમીલાએ તેમને ફૂલ ડિનરપાર્ટી આપવા કહ્યું અને આજનું બિલ પોતે ચૂકવ્યું. બહાર નીકળતાં તેણે પાર્સલ પણ લીધું - પોતાના પરિવાર માટે. 

કારમાં બેસતાં જ તેણે વાત મૂકી, "મિત્રો, ઘરે મોડા આવવાની વાત કરી જ છે તો આજે મારાં ઘરે આવો. અહીં જ બાજુની ગલીમાં છે."

આટલું નજીક આવ્યાં પછી તેઓ પણ રમીલાની વાતને ખાળી ન શક્યાં. બધાંએ સંમતિ દર્શાવી અને રમીલાએ ઘર તરફ કાર દોડાવી. એપાર્ટમેન્ટનાં પરિસરમાં પોતાની જગ્યાએ કાર પાર્ક કરી અને બધાંને દોરતી લિફ્ટ તરફ લઈ ગઈ. એ દરમિયાન દેવલે બરાબર નોંધ્યું કે રમીલાએ એપાર્ટમેન્ટનાં ગેટકીપર, અંદર ફરી રહેલ બેય વોચમેન તૈમજ લિફ્ટની નજીક બેઠેલ એટેડન્ટને હળવું સ્મિત આપ્યું હતું અને સામે એ ચાયરેય જણે તેને અદબથી ઝૂકીને સ્મિત આપ્યું હતું. લિફ્ટમાં બિલ્ડીંગની જ પુખ્ત વયની વ્યક્તિ હોય તો લિફ્ટમેન સાથે ન આવતાં. એટલે લિફ્ટમાં તેઓ ચારેય જ દાખલ થયાં. લિફ્ટમેને પણ બહાર નીકળતાં રમીલાને સ્મિત આપ્યું અને અદબથી થોડો ઝૂક્યો. રમીલાએ તેને વળતું સ્મિત આપી લિફ્ટને પોતાના ફ્લોર ઉપર લઈ જવાનું બટન દબાવ્યું

દેવલ બોલ્યો, "આતિથ્ય, આપણાં બિલ્ડીંગનાં વોચમેન અને લિફ્ટમેન તો આપણને જોતાં જ ગુસ્સે ભરાય છે. આ મેડમનો તો વટ છે અહીં!" 

સ્વાતિ વચ્ચે બોલી, "તેં રમીલાનું વર્તન જોયું? એ કેટલી સૌમ્ય છે! જરૂર એ આ લોકોની મદદ પણ કરતી રહેતી હશે. તો જ આ લોકો એની સાથે આટલું સારીર રીતે વર્તે ને, કેમ રમીલા, બરાબર ને?"

રમીલા સસ્મિત બોલી, "હા, એમનેય આપણાં જ જેવાં માણસ સમજીએ ને તો કોઈ સમસ્યા જ ન થાય. મારાં પિતા પણ એક દુકાનમાં સેલ્સમેન તરીકે કામ કરે છે અને માતા એક ચેરિટેબલ ટ્રસ્ટની હોસ્પિટલમાં પૌષ્ટિક નાસ્તો બનાવે છે. હું સાવ ગરીબ અને છેવાડાનાં કહેવાય એવાં અક્ષરજ્ઞાનહીન મજૂર પરિવારનું એક ભાગ્યશાળી સંતાન છું, જેને કેટલાંક સંપન્ન કુટુંબે હાથ ઝાલી શાળા અને કૉલેજ સુધી પહોંચાડી."

લિફ્ટ રમીલાનાં ઘરનાં ફ્લોર પર અટકી અને ત્રણેયનાં મોં આશ્ચર્યનાં ભાવ સાથે ત્યાં જ જામી ગયાં. રમીલાએ તેમને લિફ્ટની બહાર આવવા કહ્યું. ત્રણેય યંત્રવત્ બહાર આવ્યાં. રમીલાએ ફ્લેટનો ડોરબેલ વગાડ્યો. મનુ સામાન્ય રીતે વર્તે એથી વધુ ગંભીરતા ધારણ કરી બારણું ઉઘાડી ઊભો રહ્યો. રમીલાએ ત્રણેયને તેની ઓળખાણ કરાવતાં કહ્યું, "આ મારો નાનો ભાઈ, મનુ. અને બહેન સમુ પણ છે."

મનુએ ત્રણેયને સસ્મિત હાથ જોડી આવકાર આપ્યો. એક જ વર્ષમાં મનુનાં વાણી, વર્તણૂંક અને અભ્યાસમાં ઘણો જ સકારાત્મક ફરક આવી ગયો હતો. બધાંએ રમીલાની પાછળ દોરાતાં સોફા ઉપર સ્થાન લીધું. ટેલિવિઝન ઉપર ટોમ એન્ડ જેરીનો એનિમેશન શો ચાલી રહ્યો હતો. એટલામાં સમુ ટ્રેમાં પાણીનાં ગ્લાસ લઈને આવી. બધાંએ પાણી ભરેલ ગ્લાસ ઉઠાવ્યાં. સમુએ હળવું સ્મિત આપ્યું. રમીલાએ તેની ઓળખાણ કરાવી આઈસ્ક્રીમની બેગ તેનાં હાથમાં આપી. ટ્રેમાં ગ્લાસ પાછાં લઈ સમુ રસોડામાં ગઈ. આઈસ્ક્રીમ પાર્લરનાં નામવાળી બેગ જોઈ મનુની ગંભીરતા ઓગળી ગઈ. તે સમુની પાછળ પાછળ રસોડામાં ગયો. 

રમીલા તેની હરકત સમજી ગઈ પણ મોટેથી બોલી, "મનુ-સમુ, અમે ઓફિસથી જમીને જ આવ્યા છીએ. તમે ખાલી મમ્મીએ બનાવેલ નાસ્તો હોય તો થોડો લાવજો. અને હા, આઈસક્રીમ પણ અમે ખાઈને જ આવ્યાં છીએ."

સમુએ રમીલાને હોંકારો દીધો અને નાસ્તાની પ્લેટસ ગોઠવવા લાગી. મનુ દ્વિધામાં હતો કે શું કરે- આઈસ્ક્રીમ ખાઈ લે કે સમુને મદદ કરે. 

તેને ઊભો રહેલ જોઈ સમુ બોલી, "ભાઈ, તું આઈસ્ક્રીમ જ ખાઈ લે. નાસ્તો હું લઈ જઈશ. તારી હાલત તો એવી લાગે છે કે જાણે આ આઈસ્ક્રીમ નહીં મળે તો તું અહીં જ બેભાન થઈ જઈશ." પછી હસતીહસતી નાસ્તો લઈ બહાર ગઈ. 

તેણે પ્લેટસ ટિપોય ઉપર મૂકી. રમીલાએ આગ્રહ કર્યો કે તેની મમ્મીએ જાતે જ ઘરે બનાવેલ થેપલી અને ઘસિયો છે. ખૂબ જ સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યવર્ધક છે. કોઈને ભૂખ ન હતી પણ દેવલ ચાર-પાંચ થેપલી અને એક વાટકી ભરીને ઘસિયો ખાઈ ગયો. આતિથ્ય અને સ્વાતિએ બંને વાનગીઓ ચાખી. ત્રણેયને આ નવી જ વાનગીઓ ખૂબ જ ભાવી. થોડી અલપઝલપ વાતો કરી તેમણે ઘરે જવાની રજા માંગી. રમીલાએ ફોન કરી તેમનાં જાણીતા રિક્ષાવાળા ભાઈને બોલાવી લીધાં. રમીલા અને મનુ નીચે સુધી ત્રણેયને મૂકવા ગયાં. બીજા દિવસે મળવાનાં આનંદ સાથે બધાં છૂટાં પડ્યાં. 

🙏🏻

વાર્તા વાંચવા બદલ આપ સૌ વાચકમિત્રોનો ખૂબ ખૂબ આભાર. 

આપને આ વાર્તા ગમે તો તેને પાંચ સિતારાથી જરૂરથી વધાવશો.