આહીરનાં દિકરાની સામે યુદ્ધમાં વિજય થવું હોય તો પીઠ પાછળ જ ઘા કરવા પડે. યદુવંશી ક્ષત્રિય સમાજ વીર દેદામલ ગોહિલની વીરતા ભરી કહાની આપ સમક્ષ મુકવી છે. આજ પણ કુંવારી કન્યાઓ દેદામલ આહીરની વીરતા પર અષાઢી બીજનાં દિવસે અશ્રુભીની શ્રધાંજલિ આપતાં દેદો કુટે છે.
આપા દેદામલ ગોહિલ સૌરાષ્ટ્રનાં લાઠીનાં યદુવંશી ક્ષત્રિય આહીર હતાં, જેઓ મહમદ બેગડાની સેના સામે લડીને વીરગતિને વર્યા હતા.
જુનાગઢ ઉપર ચૂડાસમા રાજવંશના રાજા રા' માંડલીકે ઇ.સ. ૧૪૫૧ થી ૧૪૭૦ સુધી રાજ કર્યું. રા' માંડલીકના લગ્ન અરઠીલા(લાઠી)ના રાજા દુદાજીની કુંવરી સાથે થયા હતા. રા' માંડલીકને તેમના સસરા દુદાજી સાથે વાંધો પડતા થયેલ લડાઈમાં દુદાજી મરાતા અરઠીલા ધણી વગરનું થઈ ગયું. એ વખતે અમદાવાદમાં ગુજરાત સલ્તનતનું શાસન દિન-પ્રતિદિન મજબુત બની રહ્યુ હતુ અને આ સલ્તનતની ધૂરા સંભાળતા મહમદ બેગડાએ સૌરાષ્ટ્રમાં ઇસ્લામ ધર્મનો પ્રસાર કરવાના ઇરાદાથી સોરઠ પર આક્રમણો શરૂ કર્યા. બેગડાએ ઇ.સ. ૧૪૬૭ અને ૧૪૬૯ દરમિયાન ઉપરાઉપર બે વખત સોરઠ ઉપર આક્રમણ કરી રા' માંડલીકને કારમો પરાજય આપી. જુનાગઢનાં ખંડીયા રાજા તરીકે ચાલુ રાખ્યો હતો. ત્યારબાદ બેગડાએ ફરી આક્રમણ સાથે રા' માંડલીકને ઇસ્લામ કે મોત બેમાંથી એક પસંદ કરવાના છેલ્લાં સંદેશા સાથે ત્રીજી વખત ચડાઈ કરી. રા' માંડલીકને ધર્મભ્રષ્ટ થવાનો ડર હોવાથી તેને જૂનાગઢના અભેદ કિલ્લામાં આત્મરક્ષણની નીતિ અપનાવી. જ્યારે બાદશાહ મહમદ બેગડાએ તેમના વફાદાર જલાલુદ્દીન સાથે આરપાર યુદ્ધ કરવાની તૈયારી સાથે તેમની સેનાએ ઉપરકોટને ઘેરો ઘાલ્યો. ઉપરકોટના અભેદ કિલ્લાને લગભગ ત્રણેક વર્ષ સુધી ઘેરો ઘાલ્યા બાદ મહમદ બેગડાની સેના કંટાળી હતી. બાદશાહે લાંબા સમયગાળાથી કામકાજ વગર નવરી બેઠેલી સેનાને કંટાળેલી જોઈ તેમને સોરઠની પ્રજાને લુંટ અને કત્લેઆમની છૂટ આપી. રા' માંડલીક ઉપર માનસીક દબાણ લાવવાની કોશીશ કરી હતી. સૈનિકોને લૂંટવાની છૂટ મળતા તેઓ ઉભા ખેતરો અને ઘરબાર સળગાવી લોકોને લૂંટવાનું શરૂ કરતા અને જે સામે આવે તેની કતલ કરી દેતા જેથી સોરઠમાં ચારેબાજુ હાહાકાર વ્યાપી ગયો હતો. સૈનિકો દ્વારા સોરઠનાં નિર્દોષ લોકોની નિર્દય હત્યાઓ અને યુવાન સ્ત્રીઓનુ અપહરણ કરી જવા જેવા અધમ કૃત્યોથી પ્રજા ત્રાહીમામ પોકારવા લાગી.
યુદ્ધ:-
રા' માંડલીક સાથેની લડાઈમાં રાજા દુદાજી મરાતા અરઠીલાની રાજસત્તા નબળી પડી અને રાજા વગરનું રાજ્ય બન્યું હતું પરંતુ અરઠીલામાં આહીરોની મોટી વસ્તી હોવાથી આ સ્વમાની પ્રજાને છંછેડવાથી મુસ્લીમ સેના દૂર જ રહેલી. જોકે જલ્લાલુદ્દીનની નજરમાં અરઠીલા ચડી ગયું હતું. એક દિવસ જલ્લાલુદ્દીન પલટન સાથે છાવણીમાં બેઠો હતો, ત્યારે તેના એક ખબરીએ અરઠીલા વિશે સમાચાર આપ્યા કે અરઠીલાનો પુરુષવર્ગ મરણ પ્રસંગે ઉત્તરક્રિયામાં હાજરી આપવા બહારગામ જવાનો છે. આ જાણકારી મળતા મુસ્લિમ સેના તેમને મળેલા આ સુવર્ણ મોકાને ગુમાવવા માંગતી ન હોવાથી ગામ લૂંટવાની તૈયારી આદરી. નિયત દિવસે આહીરો બહારગામ જતા અરઠીલા નજીક છાવણી નાંખી પડેલા સરદાર જલ્લાલુદ્દીને સમાચાર સાંભળી સૈનિકોને અરઠીલાને બેફામ લૂંટવાનો આદેશ આપ્યો હતો. પૂરતી સલામતી વ્યવસ્થા વગરનાં લાઠીમાં દાખલ થઈ જલ્લાલુદ્દીનના સૈનિકોએ લૂંટફાટ શરૂ કરી દીધી. સ્ત્રી કે પુરુષ જે સામે થયા તેને મોતને ઘાટ ઉતારી બાદશાહની સેનાએ ધન-સંપત્તિ લૂંટવા સાથે કુંવારી દીકરીઓને ઘરમાંથી ઉઠાવી ધણી વગરના લાઠીના દરબારગઢમાં પૂરતા હાહાકાર મચી ગયો. દરબારગઢમાં પૂરાયેલી કન્યાઓએ રોક્ક્ળ કરી મૂકતા તેને છાનું રાખનાર લાઠીમાં કોઈ ન હતું. વિજયના ઉન્માદમાં બેફામ લૂંટ સાથે કુંવારી કન્યાઓને કેદ કરનાર બાદશાહની સેનાએ અરઠીલામાં જુલમ કરવામાં કોઈ કસર છોડી ન હતી. જલ્લાલુદ્દીન અને તેના સૈનિકો દરબારગઢમાં કેદ કરેલ કન્યાઓ ઉપર અત્યંત ત્રાસ ગુજારી રહ્યા હતા.
બરોબર સાંજની આરતીનો સમય થતા આપા દેદા આહીર બહારગામથી સૌ પહેલા લાઠી પાછા ફર્યા. લાઠીમાં દાખલ થતા જ આપાને આજે લાઠીની સૂમસામ બજાર જોઈ નવાઈ લાગી. તેને બજાર, શેરીઓ અને ચોક ભેંકાર જણાતા કંઈક અમંગળ બન્યું હોવાના એંધાણ આવતા દેદો સાવધાન થઈ ગયો. લાઠી સંકટમાં હોવાનો આભાસ થતા ગામનો લાડકવાયો દેદો આહીર સાવધાનીથી આગળ વધતા દરબારગઢ પાસે આવી ચડ્યો.
દરબારગઢ નજીક પહોંચતા જ દેદાના કાને ગામની દિકરીઓનાં હીબકા ભરેલ રૂદન સંભળાયા. આખો દિવસ રોકકળ સાથે કલ્પાંત કરી થાકેલી કન્યાઓ દરબારગઢમાં હીબકે ચડી હતી, રુદન સાંભળી દેદા આહીરે ચોકડું ખેંચી દરબારગઢની બારી આગળ ઘોડો ઉભો રાખી દીધો. દેદા આહીરે દરબારગઢની બારીમાંથી ડોકીયું કરતા બાદશાહના સૈનિકો વચ્ચે ઘેરાયેલી લાઠીની બેન-દીકરીઓને નિ:સહાય હાલતમાં જોતા તેનું લોહી ઉકળી ઉઠ્યું. પોતાની મા-જણી બેન જેવી ગામની દીકરીઓને કેદ કરેલી જોઈ દેદો આહીર એક પળનોય વિલંબ કર્યા વગર દરબારગઢમાં કુદી ગયો અને લાઠીના દરબારગઢમાં કેદ કરેલી દીકરીઓને મુક્ત કરવા મુસ્લીમ સૈનિકોને પડકારતા ખૂંખાર જંગ ખેલાયો. એકલા હાથે આપા દેદાએ અનેક સૈનિકોને મોતના ઘાટ ઉતારી દિધા અને લાઠીની દીકરીઓને કેદમાંથી મુક્ત કરી. કન્યાઓને મુક્ત કરી દેદાએ લાઠીમાં ઘૂસી આવેલ મુસ્લીમ સૈનિકો સાથે એકલા હાથે યુદ્ધ કરતા અરઠીલા ગામની બહાર તેને ધકેલી મૂક્યા.
વીરગતિ:-
અરઠીલા ગામની બહાર છાવણી નાંખી પડેલ મહમદ બેગડાના સૈનિકોએ આપા દેદા આહીરને એકલા હાથે કત્લેઆમ કરતો જોઈ તેને મારવા ઉમટી પડ્યા. અરઠીલા કિલ્લાની બહાર દેદા આહીર અને બાદશાહની સેના વચ્ચે જીવ સટોસટનો જંગ ખેલાયો. દેદો આહીર બંને હાથથી તલવાર વિંઝતો જેમ જુવારના લોથા લણતો હોય તેમ દુશ્મનોના માથાં વાઢતો એકલો મુસ્લિમ સેના વચ્ચે આગળ વધી રહ્યો હતો. જલ્લાલુદ્દીને તેની પીઠ પાછળથી સૈનિકોને આક્રમણ કરવા ઇશારો કર્યો. દેદાએ સેંકડો સૈનિકોને રહેંસી નાંખ્યા. દેદો બેય હાથથી લોહી નીતરતી તલવારોથી દુશ્મન સેનામાં કહેર વર્તાવી રહ્યો હતો. ત્યારે દેદાની પીઠ પાછળથી ગરદન ઉપર તલવારનો ઘા કરવામાં આવતા તેનું માથું ધડથી અલગ થઈ ગયું. દેદાનું માથું કપાતા ધડ ઝનૂને ચડ્યું, એમ કહેવામા આવે છે. માથા વગરનું ધડ ઝનૂને ચડતા મહમદ બેગડાની સેનામાં હાહાકાર મચી જવા પામ્યો હતો. માથા વગરના ધડને આંખો હોઈ તેમ બાદશાહની સેના વચ્ચે જઈ અનેક સૈનિકોનો કચ્ચરઘાણ બોલાવી દેતા સેનામાં ભાગદોડ મચી ગઈ. અરઠીલાનાં એક યુવાને કરેલી ખુવારી જોઈ બાદશાહની સેના ભયભીત થઈ ગઈ હતી. બેગડાની સેનાને અગમચેતીનો આભાસ થતા વિચારવા લાગી કે જો અરઠીલાનો એક યુવાન આટલાં સૈનિકોની ખુંવારી કરી શકે, તો અરઠીલાનાં હજારો આહીરો એક સાથે આવી ચડશે તો શું થશે ? એવું વિચારી સેનાને પરત ફરવું જ યોગ્ય લાગ્યું.
પરંપરા:-
આજથી આશરે સાડા પાંચસો વર્ષ પહેલા અષાઢ માસની પુનમની અજવાળી રાત્રીએ ખેલાયેલ આ જંગમાં બેગડાની સેનાને દેદા આહીરે એકલા હાથે ભગાડી હતી અને એ સાથે ગામની દીકરીઓની લાજ બચાવતા પોતે વીરગતિ પામ્યાં. દેદા આહીરની કથા-લોકકથાઓ, બારોટોના ચોપડાઓ અને દેદા ગોહિલના પાળિયા રૂપે સાક્ષી પૂરે છે. આજેય સૌરાષ્ટ્રની કુંવારી કન્યાઓ દર વર્ષની અષાઢી પૂનમે દેદા આહીરની વીરગતિને અશ્રુભરી શ્રદ્ધાંજલી આપવા ગામની ભાગોળે ભેગા થઈ દેદો કુટવાની પરંપરા જાળવતી જોવા મળે છે. જેેેેમાં કુુંવારી કન્યાઓ મરશીયા ગાય છે.