Fun 4 in Gujarati Film Reviews by Rakesh Thakkar books and stories PDF | મસ્તી 4

Featured Books
  • Operation Mirror - 5

    जहां एक तरफ raw के लिए एक समस्या जन्म ले चुकी थी । वहीं दूसर...

  • मुर्दा दिल

    कहानी : दीपक शर्मा            ...

  • अनजाना साया

    अनजाना साया लेखक: विजय शर्मा एरी(लगभग १५०० शब्द)गाँव का नाम...

  • नेहरू फाइल्स - भूल-83-84

    भूल-83 मुफ्तखोर वामपंथी—‘फिबरल’ (फर्जी उदारवादी) वर्ग का उदय...

  • The Professor

    अध्याय 1: मैकियावेली और एक ठंडी चायस्थान: दिल्ली यूनिवर्सिटी...

Categories
Share

મસ્તી 4

મસ્તી 4
- રાકેશ ઠક્કર 

        ફિલ્મ ‘મસ્તી 4' જોવી એ મનોરંજન નથી પણ એક એવી સજા છે જે છેલ્લી ખરાબ ફિલ્મ જોવાના ભૂતકાળની યાદ અપાવે છે. હવે એવું લાગે છે કે આ ત્રણ ભૂલાયેલા મિત્રોની વાર્તા નથી પણ ચાર કંટાળી ગયેલા નિર્માતાઓની મજબૂરી છે! ત્રણ મિનિટનું ટ્રેલર સહન કરી શકાય એવું ન હતું તો ફિલ્મ તો કેવી રીતે કરી શકાય? અને આટલી ખરાબ ફિલ્મ હશે એની કોઈને કલ્પના ન હતી.

         ફિલ્મને એટલા બધા ચાબખા મારવામાં આવી રહ્યા છે કે જેટલા એમાં જોક્સ નહીં હોય! ‘મસ્તી ૪' એ એક એવું કડવું સત્ય છે કે દરેક ફ્રેન્ચાઇઝીને સમયસર સન્માનજનક નિવૃત્તિ આપી દેવી જોઈએ. એડલ્ટ કોમેડીના ઝોનરનું સત્યાનાશ કરી નાખ્યું છે. એમાં કશું વાસ્તવિક જ નથી. એમાં જે છે તેને કોમેડી કહી શકાય એમ નથી. અને એડલ્ટ કોમેડી તો બહુ દૂરની વાત છે. 2025 ની સારી ફિલ્મ પસંદ કરવાનું સરળ નથી પણ જો ખરાબ ફિલ્મ વિશે પૂછવામાં આવે તો કહેવાતી એડલ્ટ કોમેડી ‘મસ્તી 4' નું નામ આપવામાં કોઈ શરમ આવે એમ નથી!

         સમીક્ષકોએ તેને વખોડી કાઢી છે. અને તે પણ એટલા માટે કે આ ફિલ્મે તેમને સમીક્ષા કરવાનું તેમનું કામ યાદ કરાવવા સિવાય બીજું કંઈ કર્યું નથી. આ ફિલ્મ ત્રણ મિત્રોની વાર્તા નથી પણ ત્રણ અભિનેતાઓ (આફતાબ શિવદાસાની, અરશદ વારસી અને વિવેક ઓબેરોય) ની બોક્સ ઓફિસ પર પાછા ફરવાની નિષ્ફળ કોશિશ છે. જે હવે એટલા કંટાળી ગયેલા લાગે છે કે તેમની પાસેથી જોક્સની અપેક્ષા રાખવાને બદલે તેમને વહેલી નિવૃત્તિ માટે અરજી લખી આપવાનું મન થાય. આખી ફિલ્મમાં 'કોમેડી'ના નામે માત્ર એક્સપોઝર અને મોટેથી ચીસો છે.

       કોમેડી એટલી નીચી કક્ષાની છે કે તેને જોયા પછી ૨૦૦૪ની 'મસ્તી'ની યાદો માટે પણ દુઃખ થશે. કારણ કે આ ચોથા ભાગે તેના ઉપર પણ પાણી ફેરવી દીધું છે. 'મસ્તી' ફ્રેન્ચાઇઝીની સફળતા ૨૦૦૦ના દાયકાના શરૂઆતના સમયની છે. તે સમયની 'સેક્સ-કોમેડી' ની શૈલી હવે ખૂબ જ વાસી અને સામાન્ય બની ગઈ છે. આજે દર્શકો માત્ર બેવડા અર્થના સંવાદો અને મૂર્ખામીભરી પરિસ્થિતિઓથી હસતા નથી. જ્યારે ફ્રેન્ચાઇઝીનો ચોથો ભાગ આવે ત્યારે દર્શકોને ખબર જ હોય છે કે ત્રણ મિત્રો ફરી મુશ્કેલીમાં મુકાશે અને ગેરસમજણ ઊભી થશે. આ અનુમાનિત પ્લોટ દર્શકોને થિયેટર સુધી ખેંચી લાવવામાં નિષ્ફળ રહે છે.

        ત્રણ પતિઓ છે જે ફરી એકવાર તેમની પત્નીઓથી બચવા માટે મૂર્ખામીભરી યોજનાઓ બનાવે છે, જે હંમેશાની જેમ ઊંધી પડે છે, અને પછી પત્નીઓ તેમની પાછળ દોડે છે. આ પ્લોટ હવે એટલો ઘસાઈ ગયો છે કે ફિલ્મનો અંત શું હશે તે જાણવા માટે તમને જ્યોતિષીની નહીં, પણ ઇતિહાસના જ્ઞાનની જરૂર પડે!

        ફિલ્મમાં આવતા જોક્સ WhatsAppના ૨૦૧૦ના ફોરવર્ડ મેસેજ જેવા લાગે છે, જેનું હ્યુમર મૂલ્ય ક્યારનું સમાપ્ત થઈ ચૂક્યું છે. આ ફિલ્મના જોક્સ એટલા જૂના છે કે કદાચ ઈતિહાસના પુસ્તકોમાં પણ જોવા ન મળે! ડિરેક્ટરે કદાચ વિચાર્યું હશે કે જો ફિલ્મને રંગીન બનાવો અને કલાકારોને જોરથી બોલાવો, તો દર્શકો હસી પડશે, પણ દર્શકો હવે વધુ હોશિયાર થઈ ગયા છે. 'મસ્તી 4'માં સંવાદોનું સ્તર એટલું નીચું છે કે જાણે લેખકોએ નક્કી કરી લીધું હોય કે દર્શકોના બુદ્ધિઆંક (IQ) ને ઘટાડીને જ તેમને હસાવવા છે. અહીંના સંવાદોમાં કોઈ અસલ મજાક કે હ્યુમર નથી, માત્ર શબ્દોનો અણઘડ ઉપયોગ કરીને બેવડા અર્થ કાઢવાનો નિષ્ફળ પ્રયાસ છે.

        પાત્રોમાં કોઈ વિકાસ કે પરિવર્તન ન આવવું એ ડ્રામા કે કોમેડી બંને માટે નકારાત્મક છે. અત્યંત નબળી સ્ક્રીપ્ટ છે. લેખકો પાસે પાત્રોને વિકસાવવા અથવા નવી પરિસ્થિતિઓ બનાવવાનો કોઈ રસપ્રદ વિચાર નથી. 'મસ્તી 4'ની નિષ્ફળતા એ સંકેત છે કે જૂની ફિલ્મી વાર્તા કહેવાની પદ્ધતિને આધુનિક દર્શકો હવે સ્વીકારવા તૈયાર નથી. તેમને માત્ર કોમેડી નહીં પણ નવીનતા, તર્ક અને વાર્તાનું વજન પણ જોઈએ છે.

        કોઈ દ્રશ્ય પર હસવું આવતું નથી પણ પાત્રોની સ્થિતિ પર દયા આવે છે. એવું લાગે છે કે કલાકારોને પરાણે સ્ક્રીપ્ટ વાંચવા માટે કહેવામાં આવ્યું છે. કારણ કે તેમના ચહેરા પરનો થાક સ્પષ્ટપણે દેખાય છે. 'મસ્તી 4'નું બેકગ્રાઉન્ડ સંગીત જોક્સ કહીને તમને યાદ કરાવે છે કે 'ભાઈ, અહીં હસવાનું છે!' નિર્દેશકે કદાચ વિચાર્યું હશે કે જો ફિલ્મને રંગીન બનાવો અને કલાકારોને જોરથી બોલાવો તો દર્શકો હસી પડશે. દર્શકો હવે વધુ હોશિયાર થઈ ગયા છે. ફિલ્મની હીરોઈનોના કપડાં ખરાબ છે કે હાવભાવ એના પર લાંબી ચર્ચા થાય એમ છે. સેન્સર બોર્ડને પણ ચર્ચામાં લેવામાં આવ્યું છે. જેને એડલ્ટ શબ્દો સામે વાંધો હોય છે ત્યારે આ તો આખી ફિલ્મમાં બેવડા અર્થના સંવાદો છે.

      OTT પ્લેટફોર્મ્સ અને નવા જનરેશનના કોમેડી શૉએ દર્શકોને વધુ સ્માર્ટ, વ્યંગાત્મક અને બ્લેક હ્યુમરથી પરિચિત કરાવ્યા છે. 'મસ્તી ૪' જેવી આઉટડેટેડ કોમેડી આ આધુનિક ઓડિયન્સ સાથે કનેક્ટ થઈ શકતી નથી.