સત્ય ના સેતુ ૧
મુંબઈ પોર્ટ પર સાંજનું મધુર, છતાં કંઈક વિચિત્ર શાંતિપૂર્ણ વાતાવરણ છવાયું હતું. પરદેશી વેસલ્સ એક પછી એક બોર્ડ થતી હતી જ્યારે કિનારા ને સ્પર્શતી અને નરમ અવાજે બ્રેક લગાવતી અને તે બધાની વચ્ચે પોતાની જ ગતિમાં ચાલતો એક અનુભવી કસ્ટમ્સ સુપ્રિટેન્ડેન્ટ આરવ દેસાઈ.
આરવ સાહેબના વાળમાં થોડી સફેદી, પરંતુ ચહેરા પરનું તાજાપણું કહેતા કે એ હજી પોતાની ફરજમાંથી થાકેલા નથી. એમણે પોતાની કારકિર્દીના ઇરાદા વીસ વર્ષ પહેલાં નક્કી કર્યા હતા. દેશની સીમા ને નિર્દોષ, સ્વચ્છ રાખવી. કોઈ ગેરકાનૂની માલ, નશીલા પદાર્થો અથવા જોખમી સામાન પસાર ન થાય, એ તેમની ફરજ, અને એ જ તેમની ઓળખ.
એ સાંજ એના માટે સામાન્ય હોવી જોઈતી હતી… પરંતુ મનની પાછળ કંઈક ભારે દબાણ, એક અજાણી બેચેની, એક ફોન કોલનું ઝેર જે છેલ્લા ત્રણ દિવસથી એની વિચારોમાં ભટકતું રહ્યું.
ત્રણ દિવસ પહેલાં એક અજાણી સ્ત્રીનો ફોન આવ્યો હતો. અવાજ ધ્રૂજતો, પરંતુ હિંમતભર્યો.
“સાહેબ, હું… એક કાર્ગો કંપનીમાં કામ કરું છું. અમારા બોસ છેલ્લા ઘણા મહિનાથી મેડિકલ અને ઇલેક્ટ્રોનિક્સ ના કન્ટેનરમાં ડ્રગ્સ છુપાવીને બહાર મોકલે છે અને મંગાવે પણ છે. કાલે રાત્રે દુબઈથી આવતો એક કન્ટેનર બહુ જ શંકાસ્પદ છે.”
ફોન કાપતા પહેલાં તેણીએ ફક્ત આટલું જ કહ્યું હતું: “મને નોકરી ગુમાવવાનો ડર છે… પરંતુ દેશમાં ઝેર ન આવે એ વધારે મહત્વનું છે.”
આરવ સાહેબે એ રાતે તે ફોનને માત્ર માહિતીનો કેસ તરીકે લીધું નહોતું. તેણે મનમાં વિચારી ને કહ્યું કે આ કોઈ વ્યક્તિની વ્યથા છે, ફક્ત ફરિયાદ નથી. કોઈ વ્યક્તિ મોટી મુશ્કેલીમાં છે અને એણે માત્ર દેશ માટે જોખમ લીધું છે.
તે રાત્રે આરવ સાહેબ થોડા વધારાના સજાગ હતા. કાર્ગો બેલ્ટ પરથી પસાર થતા દરેક કન્ટેનર પર તેમની નજર સામાન્ય કરતાં વધારે તીક્ષ્ણ હતી.
કાર્ગો ટર્મિનલ તે સમયે ખાસ જ સક્રિય લાગતો હતો. ભારે ટ્રૉલી-લોડર, ફોર્કલિફ્ટ્સ, ક્રેનની ઝૂલતી હૂક્સ અને એ બધાની વચ્ચે સિક્યોરિટી ડૉગ્સ તેમની ચેન્સ ખેંચતી. કાર્ગો મેનિફેસ્ટ તેમના હાથમાં હતો. પાનાં ફેરવતા અચાનક એક લિસ્ટિંગ પર નજર અટકી:
"Medical Equipment – High Value"
વજન દસ્તાવેજ કરતા વધારે હતું. ઈનશ્યોરન્સ નંબર અને મેનિફેસ્ટની વિગતો વચ્ચે પણ કંઈક અલગ અલગ વિગતો હતી.
બહોળો અનુભવ તરત જ એલાર્મ વગાડે: આ કંઈક તો ગડબડ છે.
આરવ સાહેબે પોતાનું સૂઝબૂઝ થી સ્મિત છુપાવ્યું. તેમને ખબર હતી કોઈ મોટા રેકેટને ઝડપથી કામ ખતમ કરવું હોય છે, એટલે તે “હાઈ પ્રાયોરીટી” લખાવીને કન્ટેનર પસાર કરાવવા માગશે.
જેમતા, એસિસ્ટન્ટ ઓફિસરે આવીને કહ્યું,
“સર, એક એજન્ટ ખાસ કહે છે કે આ કન્ટેનર હોસ્પિટલ માટેનું તાત્કાલિક સાધન છે. ઝડપથી ક્લિયરન્સ જોઈએ.”
આરવ સાહેબે હળવી આંખોથી તેને જોયું,
“જો ખરેખર દર્દીઓ માટે છે, તો પાંચ મિનિટ વધારે રાહ જોઈ શકશે.”
સરળ, શાંત, અને દૃઢ વાણી.
કોઈ બોસની લાલચમાં નહીં, કોઈ ભયમાં નહીં. ફક્ત ફરજ.
એક ક્ષણ માટે આસિસ્ટન્ટને લાગ્યું કે કદાચ એજન્ટોનું દબાણ પડશે… પણ આરવ સાહેબને ઓળખનારા જાણતા હતા કે તેઓ પર દબાણ કામ કરતું નથી.
કન્ટેનરને એક્સ-રે સ્કેનમાં મોકલવામાં આવ્યું. સ્ક્રીન પર દેખાતા શેડો સાવ સાદા લાગતા મશીનો, ઇક્વિપમેન્ટ્સ, લોહીની બોટલો માટેના સ્ટેન્ડ… પણ મશીનોની પાછળ, એક ખૂણે ઘન બ્લોક્સ જેવી રચના દેખાઈ. સામાન્ય મેડિકલ સામાનમાં આવું કૈંક સ્થાન પામતું નથી.
શંકા હવે માત્ર શંકા નહીં રહી; તે વિશ્વાસ બની ગઈ.
આરવ સાહેબે નિર્ણય લીધો
“સીલ તોડીને સંપૂર્ણ તપાસ.”
અગાઉ તેઓએ ઘણી વખત જોયું હતું કે ગેરકાયદેસર સામાનનું સ્માર્ટ હાઈડઆઉટ બનાવવામાં આવે છે — પણ આ કદમ બહુ જ સુંદર રીતે તૈયાર હતો.
સીલ તૂટતાં જ અંદરથી ઠંડો હવા-કંટ્રોલ્ડ એક અલગ માહોલ મળ્યો. મશીનો સુંદર રીતે ગોઠવેલા… કોઈને જોઈને લાગશે કે આ ખરેખર હોસ્પિટલ માટે છે. પરંતુ પાછળ એક દિવાલ જેવી રચના પાછળ ત્રણ ક્રેટ ફિક્સ કરેલા હતા. જેમ ખાસ કોઈને દેખાય નહીં, એવી ગોઠવણી.
ક્રેટ ખોલતા પ્લાસ્ટિકના પારદર્શક પેકેટ્સ…
તેમા રાખેલો સફેદ ઝાંખો પાઉડર…
નાર્કોટિક્સ ઓફિસરે તરત ટેસ્ટ કર્યું.
પરિણામ: ભારે કિંમતનું ગેરકાયદેસર નશીલા પદાર્થ.
આરવ સાહેબે ઊંડો શ્વાસ લીધો.
આ ફક્ત એક સ્મગલીંગનો કેસ નહોતો —
આ એક નેટવર્ક હતું.
થોડી જ ક્ષણોમાં એજન્ટ રમેશ વર્મા દોડતો આવ્યો, કપાળ પર પરસેવો.
“સર, હું… મને કઈ જાણ નહોતી. હું ફક્ત કાગળો તૈયાર કરું છું.”
આવાજમાં ભય, પણ આંખોમાં ગૂંચવણ.
આરવ સાહેબે શાંત સ્વરે પૂછ્યું,
“બેટા, આ વસ્તુને ‘હાઈ પ્રાયોરીટી’ લખવા કોણે કહ્યું?”
રમેશ અટકી ગયો.
સ્વર કંપ્યો.
આંખો નીચે થઈ ગઈ.
કેટલાંય પ્રશ્નોત્તરી બાદ બહાર આવ્યું કે કાર્ગો કંપનીનો માલિક – નિખિલ મહેતા, વર્ષોથી ડ્રગ્સ મોકલતો અને લાવતો. કસ્ટમ્સમાં પણ કેટલાક કર્મચારી તેની પેરોલ પર હતા.
મોટું માળું પાંગરે પાંગરે સર્જાતું હતું.
પણ આરવ સાહેબનાં મનમાં એક પ્રશ્ન સતત ધબકતો રહ્યો
તે અજાણી સ્ત્રી કોણ?
એક એવી માહિતી આપી જે ફક્ત અંદરનો કોઈ જ આપી શકે.
સાંજે તપાસ કરતા એક નંબર વારંવાર કસ્ટમ્સ હેલ્પલાઇન પર મળતો હતો.
નામ: નીના શાહ
કાર્ગો કંપનીમાં કલાર્ક.
બીજાઓ જેટલું વેતન નહીં… પણ જવાબદારી બહુ. એ દસ્તાવેજો તૈયાર કરતી.
આરવ સાહેબ તેના ઘેર પહોંચ્યા.
સાદું, નાનું ઘર, દિવાલ પર કોલેજમાં ભણતી દીકરીના પ્રમાણપત્ર.
નીના દરવાજે આવી ચહેરા પર ભય અને આંખોમાં પાણી.
“સાહેબ, મેં કઈ ભૂલ કરી?”
આરવ સાહેબે કહ્યું,
“તમે દેશને બચાવ્યો છે. તે ફોન તમારો હતો ને?”
નીના એ ધ્રૂજતા સ્વરે કહ્યું,
“હા સાહેબ… મારી પાસે એ લોકોના ફાઈલ્સ આવતી. શરૂઆતમાં તો ધ્યાન ન આપ્યું, પછી એક કન્ટેનર ગુમ થયું… અને થોડા દિવસમાં ખબર પડી કે યુવાનો નશામાં ડૂબ્યા હતા. ત્યારે લાગ્યું કે મૌન પાપ સમાન છે. તેથી તમને કહ્યું… પરંતુ મને ડર હતો કે નોકરી જશે.”
આરવ સાહેબે શાંતથી કહ્યું,
“વ્હિસલ બ્લોઅરની સુરક્ષા કાયદામાં છે. તમારું નામ ગુપ્ત રહેશે. અને તમને સન્માન મળશે.”
નીનાની દીકરી દોડી આવી,
“મમ્મી, તમે સાચું કામ કર્યું!”
આરવ સાહેબે મકાનમાંથી નીકળતા અનુભવ્યું કે સત્ય હંમેશા મોટું નથી — ક્યારેક તેનું વજન નાની વ્યક્તિઓના હૃદયમાં છુપાયેલું હોય છે.
(વધુ આવતીકાલે)