Untold stories - 7 in Gujarati Fiction Stories by Tapan Oza books and stories PDF | Untold stories - 7

Featured Books
Categories
Share

Untold stories - 7

UNFINISHED WORDS

રજત અને તાન્યા—બન્ને કોલેજકાળથી જ એકબીજાના અત્યંત ગાઢ મિત્ર. તેમનાં સ્વભાવમાં ઘણો ફરક હોવા છતાં, તેમની મિત્રતા એવી મજબૂત કે જાણે જીવનનું એક અવિભાજ્ય અંગ. રજત હંમેશા દરેક વાત સ્પષ્ટ કહેતો, દિલમાં કંઈપણ રાખતો નહિ. જયારે તાન્યા થોડું શાંત સ્વભાવની, થોડી વ્યસ્ત રહેતી અને ઘણી વાર ચેટ કે કોલ નો જવાબ આપવાનું ભૂલી જતી અથવા અવગણતી. છતાંપણ, બન્ને વચ્ચે વિશ્વાસ, સન્માન અને નિર્ભય વાતચીત ક્યારેય ઓછી પડતી નહોતી.

દિવસે રોજ તેઓ એકબીજાને જીવનની નાની-મોટી વાતો કહેતા, ઓફિસની વાતો હોય કે ઘરનો માહોલ, આનંદ કે તકલીફ, દરેક વાત શેર કરતા. રજત માટે તાન્યા માત્ર મિત્ર ન હતી; તેને લાગતું કે તાન્યા તેની જીવનયાત્રામાં એક દિશાસૂચક મીટર જેવી છે. તાન્યાને પણ રજતના વિચારોમાં, તેની નિર્વિવાદ સચ્ચાઈમાં અને તેના મિત્રતાભર્યા સ્વભાવમાં એક અનોખો વિશ્વાસ હતો.

પરંતુ તાન્યાની એક જ ટેવ, વારંવાર વિલંબથી જવાબ આપવાની, ઘણીવાર રજતને અડચણ પેદા કરતી. ક્યારેક રજત લાંબા મેસેજ મોકલે અને તાન્યા માત્ર “હમમ...!, ઠીક” કહીને વાત પૂર્ણ કરતી. ક્યારેક તો એકાદ દિવસ સુધી જવાબ જ ન આપતી. રજત મનમાં વિચારતો કે, “ચાલો, કામમાં વ્યસ્ત હશે,” અને ફરી સામાન્ય રીતે વાતચીત આગળ વધારતો. મિત્રતામાં નાની બાબતોને સ્થાન આપવાનું તે જરૂરી માનતો નહોતો.

એક સાંજે, રજત ગભરાયેલું મન અને ડરમાં તાન્યાને મેસેજ મોકલે છે:

“તાન્યા, મને કોઈ અજાણ્યા નંબર પરથી ફરીથી ધમકી આવી છે. કદાચ હું મુશ્કેલીમાં છું. તાત્કાલિક વાત કરવી છે તારી સાથે.”

મેસેજ મોકલ્યા પછી રજત તેના જવાબની રાહ જોતો રહ્યો. ફોન હાથમાં લઈને બેઠો. પરંતુ તાન્યાએ માત્ર મેસેજ વાંચ્યો, જવાબ ન આપ્યો. તેના મનમાં તે ક્ષણે વિચાર આવ્યું: “હાલમાં મૂડ નથી… પછી જવાબ આપી દઈશ.”

તે  “પછી” ક્યારેય આવ્યું જ નહીં.

બીજા દિવસે રજતનો ફોન સ્વિચ ઑફ મળ્યો. તાન્યાએ વિચાર્યું હશે કે નેટવર્કની સમસ્યા હશે. ત્રીજા દિવસે પણ એમ જ. ચોથા દિવસે ચિંતા શરૂ થઈ. પાંચમા દિવસથી તાન્યાનું મન ધબકવા લાગ્યું. અને છઠ્ઠા દિવસે...! જ્યારે રજતનો મેસેજ મોકલ્યા પછી ૨૦ દિવસ વીતી ગયા...! તાન્યાના હાથથી ફોન છૂટી પડ્યો. રજતનો કેટલોક દિવસથી પત્તો ન હતો.

તાન્યાએ અગણિત વાર કોલ કર્યા, મેસેજ કર્યા, સોશિયલ મીડિયા ચેક કર્યું, પણ ક્યાંય રજતની હાજરીનું કોઇ નિશાન નહીં. તે તેના ઘર સુધી પણ બે-ત્રણ વખત જઇ આવી, પરંતુ દરવાજે તાળું ઝૂલતું હતું. પરિવારજનો શહેર બહાર રહેતા હોવાથી સંપર્ક ન થયો. જાણે રજત ધરતીમાંથી ગાયબ થઈ ગયો હોય.

તાન્યાનું મન દરરોજ પસ્તાવાથી ઘેરાતું ગયું. મનમાં ફક્ત એક જ વાક્ય ગુંજતું... “એ દિવસે હું જવાબ કેમ ન આપ્યો? રજતે લખ્યું હતું કે તેને જીવને જોખમ છે… અને મેં વાંચીને અવગણ્યું!”  કોઇને કહેવાની હિંમત નહોતી. પોતાને માફ કરવાની હિંમત પણ તાન્યામાં નહોતી.

સમય પસાર થતો ગયો. ત્રણ મહિના બાદ તેમના કોમન મિત્રોએ એક get-to-gather રાખેલું કે જેમાં તાન્યાને પણ આમંત્રણ હતું જેથી તાન્યા પણ હાજર રહી. સૌ સહજ વાતચીત કરી રહ્યા હતા, પરંતુ તાન્યા મૌન, મનમાં રજતનું ખોવાયેલું પ્રતિબિંબ લઈને બેઠી હતી.

અચાનક એક મિત્ર- શશાંક બોલ્યો, “તમે લોકો ને ખબર છે? રજત વિશે થોડું સાંભળ્યું હતું…”

તાન્યા ચોંકીને તેને જોતાં પૂછે છે, “શું સાંભળ્યું? રજત ક્યાં છે? મજામાં તો છે ને?”

શશાંક ધીમે અવાજમાં કહે છે, “રજતને થોડા મહિના પહેલા કોઇ અજાણ્યા નંબર પરથી ધમકી મળી હતી. કદાચ કોઈ વિવાદમાં ફસાયો હતો. જે દિવસે તેને કૉલ આવ્યો તે અંગે તે કોઈને કંઈ કહી શકે, એ પહેલા તો તે જ રાત્રે તેને અપહરણ કરી લેવાયો. ઘણા દિવસ સુધી તેને બંધક રાખવામાં આવ્યો હતો. પછી એક રાત્રે, મોકો મળતાં તે ભાગી શક્યો. તેની હાલત ખરાબ હતી. જાણે જીવન અને મૃત્યુની વચ્ચેથી આવી ગયો હોય.” તે પછી રજત આપદા શહેરમાં ત્રીસેક દિવસ હતો, મેં તેને ૨-૩ વખત એના ઘરની આસપાસ જોયેલો. પછી અચાનક જ ક્યાંક જતો રહ્યો. એ જ્યાં રહેતો હતો તેની આસપાસના લોકોને મેં પૂછપરછ કરી તો જાણવા મળ્યુ કે, જે દિવસે રજતને થ્રેટ કોલ આવેલો તેની જાણ તેણે કોઇક મિત્રને કરેલી પણ એ મિત્રએ રજતને જવાબ પણ ન આપ્યો અને મદદ પણ ન કરી, એટલે રજત અંદરથી સાવ ભાંગી પડ્યો, અને એણે માની લીધુ કે, મિત્રો માત્ર નામ ના જ હોય છે, ખરેખર મદદની જરૂર હોય ત્યારે જ મદદે નથી આવતા. એટલે એ શહેર છોડીને દૂર જતો રહ્યો. તેનું નવું ઠેકાણું કે કોઇ સંપર્ક નથા આપ્યો કોઇને.

શશાંક થોડી ક્ષણ થંભીને આગળ કહે છે, “તે ત્યારથી ગાયબ થઈ ગયો. જૂના મિત્રો, કામ, બધું છોડી દીધું. લાગે છે કે તે હવે કોઈ સાથે ફરી સંપર્ક નથી કરવા માંગતો.”

આ સાંભળતાં તાન્યાનો ચહેરો પીળો પડી ગયો. આંખોમાં પાણી ભરાઈ આવ્યા. દરેક શબ્દ હૃદયને છરીની જેમ વીંધતા હતા. રજતના મોકલેલા મેસેજની યાદ ફરી તાજી બની...! તે ‘ગંભીર’ મેસેજ, જેનો તેણે જવાબ આપ્યો નહોતો.

તાન્યા મનમાં રડતા રડતા વિચારવા લાગી:

“જો એ દિવસે મેં રજત સાથે વાત કરી હોત… જો મેં તેને અવગણ્યું ન હોત… જો મેં તેની પરિસ્થિતિને ગંભીરતાથી લીધી હોત… તો કદાચ તે એકલો ન પડ્યો હોત, કદાચ તેને મદદ મળી હોત, કદાચ આજે બધું અલગ હોત.... રજત આજેપણ મારી સાથે હોત.... રજતને મિત્રતા પરનો વિશ્વાસ તૂટ્યો નહોત...!”

તે સાંજ તાન્યા માટે જીવનભરની ચોટ/દર્દ બની ગઈ. મિત્રતાનો આધાર “વાતચીત” છે અને તે દિવસે તેણે એ જ આધાર તોડી નાખ્યો. ક્યાંક દિલમાં લાગ્યું કે રજત તેના પર ગુસ્સો હશે, કે કદાચ તેણે વિચાર્યું હશે કે તાન્યા તેની ચિંતા કરતી નથી, કે કદાચ તે એ કારણે જ બધા સંપર્ક બંધ કરી દીધા. તે રાત્રે તાન્યા એકલી રૂમમાં બેઠી રડી પડી. મનમાં પીડા, પસ્તાવો અને એક અગમ્ય શૂન્ય.

તેણે પોતાની ડાયરીમાં લખ્યું:

“મિત્રતા એ ફક્ત હાસ્ય અને ખુશીઓથી નથી બનેલી; મુશ્કેલીના સમયમાં આપેલો સાથ, સાંભળવાની નાની ક્ષમતા અને દરેક શબ્દની કિંમત હોય છે. ક્યારેય કોઈ વાતચીતને અધૂરી રહેવા ન દેવી, કારણ કે ક્યારેક એ અધૂરી વાતચીત કોઈના જીવથી પણ મોટી બની જાય છે.”

તાન્યાને એ દિવસ પછી એક જ સંકલ્પ થયો ક્યારેય કોઈ મેસેજ અવગણવો નહીં, ક્યારેય કોઈ વાત અધૂરી ન મૂકવી. કારણ કે જીવનમાં કોણ કઈ ક્ષણે શું સહન કરી રહ્યું છે, તે દેખાતું નથી.

લેખકની કલમે - વાતચીત એ સંબંધોનું જીવનરક્ત છે. સમયસર આપેલો જવાબ, એક ક્ષણનું ધ્યાન અને મિત્રના અવાજને સાંભળવાનું મહત્વ અજાણ્યા જોખમને પણ ટાળી શકે છે. ક્યારેય કોઈ વાતચીત અધૂરી ન છોડવી. કદાચ તે જ સમયે કોઈને સૌથી વધુ તમારી જરૂર હોય..!