ધારાવાહિક:- મારા અનુભવો
ભાગ:- 57
શિર્ષક:- શ્રી હરિરામ શુકલ
લેખક:- શ્રી સ્વામી સચ્ચિદાનંદ
રજૂ કરનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાની
🤷 મારા અનુભવો…
🙏 સ્વામી શ્રીસચ્ચિદાનંદજી
📚 પ્રકરણઃ 57. "શ્રી હરિરામ શુક્લ"
કાશી એટલે પંડિતોની નગરી. ભારતના અનેક ભાગોમાંથી આવીને વિદ્વાન કુટુંબો અહીં વસેલાં. આ કુટુંબો વંશપરંપરાથી ખાસ ખાસ વિષયોનું પાંડિત્ય ધરાવતાં હોય છે. બહુ ઓછા પગારમાં તથા ઓછી જીવનજરૂરિયાતોથી આ વિદ્વાનો વિદ્યાવ્યવસાય કરતા રહે છે. તેમનો જીવનસ્તર ઘણો સસ્તો હોવાથી, સ્વચ્છતા તથા બાહ્ય વ્યક્તિત્વ ઉપર પણ તેની સ્પષ્ટ અસર જોઈ શકાય છે. બહુ થોડી દક્ષિણા (બે-પાંચ રૂપિયા) આપીને વિદ્વાનોને રાજી કરી શકાય છે, તથા જગદ્ગુરુ”, “ધર્મમાર્તંડ” વગેરે પ્રકારની ઉપાધિઓ મેળવી શકાય છે. સંસ્કૃત તથા શાસ્ત્રો ભણવાથી માણસ પ્રામાણિક, નૈતિક અને સચ્ચરિત્ર થાય છે તેવી માન્યતાનાં ચીંથરાં ઊડતાં અહીં સારી રીતે જોઈ શકાય છે.
નૈતિકતાને ધર્મશાસ્ત્રો સાથે કશો સંબંધ નથી. તેને ખરો સંબંધ તો નૈતિકતા સાથે જ છે. અર્થાત્ નૈતિકતાથી નૈતિકતા વિકસતી, પ્રસરતી તથા સ્થિર થતી હોય છે. માતાપિતામાં પૂર્ણ નૈતિકતા હશે તો વગર ઉપદેશે પણ બાળકોમાં તે ઊતરી આવવાની. પણ જો માતાપિતા નૈતિકતા વિનાનાં હશે તો ઘરમાં રોજ ગંગાસ્નાન, દેવદર્શન, ગ્રંથોનાં પૂજાપાઠ થતાં હશે તોપણ બાળકો, અરે, નોકરો સુધ્ધાં અનૈતિક થઈ જશે. પંડિતોમાં જ્ઞાતિવાદ પણ ચરમ કક્ષાનો. સરયૂપારિણ અને કાન્યકુબ્જ બ્રાહ્મણો પરસ્પરમાં વિખવાદ રાખે. જેનો જ્યાં પ્રભાવ હોય ત્યાં પોતાની જ જ્ઞાતિના પંડિતને સ્થાન આપે- અપાવે. કદાચ બીજો આવી ગયો હોય તો તેને ટકવા ન દે.
આ બધામાં કેટલાક ભદ્ર તથા ખરેખર ઉત્તમ કહી શકાય તેવા પણ ખરા. પણ સૌથી વધુ મુશ્કેલી એ કે આ પંડિતો મોટે ભાગે પોથીપંડિત વધારે. પોતપોતાની પોથીઓ સિવાય બાહ્ય જગતમાં શું ચાલી રહ્યું છે તેનું ભાગ્યે જ કોઈને ભાન હોય. સવારથી રાત સુધીની પોતપોતાની પોથી. રટવું ગોખવું-ગોખાવવું અને મુળ ગ્રંથો ઉપર ટીકાઓની ટીકાઓમાં રચ્યા-પચ્યા રહેવું. એક તરફ તેમની પાસે પ્રકાંડ પાંડિત્ય હોય પણ બીજી તરફ તદ્દન કોરાપણું હોય. તેનું કારણ સમાચાર પત્રો, રેડિયો, મૌલિક પુસ્તકો વગેરેથી અલિપ્તતા તથા પ્રાચીન ગ્રંથોમાં જ પૂર્ણતાની સમજણ કહી શકાય.
ભારતના ચાર-પાંચ વિદ્વાનોમાં જેનું નામ મૂકી શકાય તેવા અત્યંત વિદ્વાન એક પંડિતની વાત કરું, તે સમયે રશિયાએ સર્વપ્રથમ અંતરિક્ષમાં રૉકેટ મોકલેલું. મેં આ સમાચાર વૃદ્ધ પંડિતજીને આપ્યા. મારી વાત સાંભળતાં જ તેઓ હસ્યા અને બોલ્યા, “જૂઠ હૈ સબ, ઐસા હો હી નહીં સકતા. આજકલ દક્ષિણાયન ચલ રહા હૈ. અંતરિક્ષનેં જાને કે લિયે તો ઉત્તરાયનમેં માર્ગ ખૂલતા હૈ. અભી તો માર્ગ બંધ હૈ.' પ્રાચીન ગ્રંથોમાં આત્માના ઉત્ક્રમણની પ્રક્રિયામાં લખ્યું છે કે ઉત્તરાયણમાં અંતરિક્ષમાં રથની નાભિ જેવું કાણું થાય છે, તેમાંથી આત્મા સ્વર્ગાદિ લોકમાં જાય છે. દક્ષિણાયનમાં આ કાણું બંધ થઈ જાય એટલે દક્ષિણાયનમાં મરનાર સ્વર્ગાદિ લોકમાં જઈ શકતો નથી, વગેરે. આ માન્યતા તેમના મસ્તિષ્કમાં એટલી દૃઢ અને સચોટ બેઠી હતી કે રશિયાની સિદ્ધિને તે હંબગ માનતા હતા.
મેં તેમને સમાચારપત્ર બતાવ્યું તો કહે કે, ઇસ કલિજૂગી વેદમેં સબ જૂઠ ભરા પડા હોતા હૈ, મેં કભી પઢતા નહીં, ઔર અગર દિમાગ ખરાબ ના કરના હો તો આપ ભી પઢના નહીં.' આ વિદ્વાન વિદ્વાનોના પણ ગુરુ તથા આદરણીય હતા. જો તેમની બૌદ્ધિક દશા આવી હોય તો બીજાની તો વાત શી કરવી? તેમણે નવું મોટું મકાન બનાવડાવ્યું. પણ વીજળી કનેક્શન ન લીધું. મને કહે કે “બીજલી આદમી કો ખીંચ લેતી હૈ, સો મૌત કો ઘર મેં કૌન બુલાયે?" ફરી પાછા બોલ્યા, “અગર નહીં ખીંચનેવાલી નઈ બીજલી નીકલેગી તબ કનેક્શન લેંગે.’
આ જ માણસો પ્રજાના ધાર્મિક ભવિષ્યનો નિર્ણય કરનારા હતા. તે જે કહે તેનું નામ ધર્મ, તે વિરોધ કરે તેનું નામ અધર્મ. આમાંથી જ કોઈ કોઈ ધર્મગુરુ જગદ્ગુરુ સંન્યાસી થાય. મોટાં સિંહાસનો ઉપર બેસી ધર્મના ફતવા આપે. આવા લોકો કાશીમાં કરવત મુકાવવાનું નામ પણ ધર્મમાં ગણે તો નવાઈ શી ? શાસ્ત્રજ્ઞ હોય પણ દેશજ્ઞ, કાલજ્ઞ અને યુગજ્ઞ ન હોય તો તેમના નિર્ણયો પ્રજાને અંધકારમાં ધકેલનારા ન થાય તો બીજું શું થાય?
આવા મોટા પંડિતજી યુનિવર્સિટીનો બે હજાર જેવો પગાર લેતા પણ કદી સમયસર આવે જ નહિ. પ્રથમના એક-બે પિરિયડ તો હોય જ નહિ, મોડા મોડા આવે. વિદ્યાર્થીઓ ભણવા માટે તેમની રાહ જોઈ રહ્યા હોય. આવે, ગાદીતકીયામાં આડા પડીને ભણાવવાનું શરૂ કરે, દશ જ મિનિટમાં નસકોરાં બોલવા માંડે. થાકીને વિદ્યાર્થીઓ ચાલ્યા જાય. તેમને કદી એમ ન થાય કે હું કર્તવ્યભ્રષ્ટ થઈ રહ્યો છું. જે કર્તવ્ય માટે મને સરકાર પગાર આપે છે તે તો હું કરતો નથી. એટલે હું કહું છું કે નૈતિકતા અને શાસ્ત્રોના પઠન- પાઠનને કાંઈ સંબંધ નથી.
બીજા કેટલાક વિદ્વાનો ખરેખર ઉત્તમ કહી શકાય, તેમાં કેટલાકને તો ખરેખર ભણાવવાની પૂરી ખંત પણ ખરી.
આવા વિદ્વાનોમાં એક સ્વનામધન્ય શ્રી હરિરામ શુક્લ. દૂબળીપાતળી, થોડી શ્યામવર્ણી, નિસ્તેજ કાયા. બાહ્ય વ્યક્તિત્વનો તદ્દન અભાવ પણ સરસ્વતીના ચારે હાથ તેમના ઉપર. જેટલી વિદ્વત્તા તેટલી જ આદર્શનિષ્ઠા. આ આદર્શોના કારણે જ તેમણે જીવનભર દરિદ્રતા સ્વીકારી લીધી. તેમના ગુરુએ કહ્યું કે, “વિદ્યા વેચાય નહિ.' બસ વાત પકડી લીધી. તેમનાથી ઘણા ઊતરતા વિદ્વાનો મોટા મોટા પગારની નોકરી કરે, પણ આ શાસ્ત્રીજી નોકરી ન કરે. પોતાના ઘરમાં જ વિદ્યાર્થીઓને નિઃશુલ્ક ભણાવે. ભણાવવાની શૈલી એટલી સુંદર તથા એટલી તન્મયતા કે કોઈ પણ શાસ્ત્રગ્રંથ જોયા વિના જ ધડધડાટ ભણાવ્યે રાખે. ભણનારા અહોભાવથી અભિભૂત થઈ જાય. પંદરથી અઢાર પિરિયડ ભણાવે. ભણનારા પણ દરિદ્ર બ્રાહ્મણ વિદ્યાર્થીઓ. એટલે પંડિતજીની દરિદ્રતાને કોણ દૂર કરે?
જૂનું જીર્ણ ઘર, ચારે તરફ અભાવસૂચક અભાવ. ગરીબ અને ક્ષીણકાય પત્ની, તેવાં જ બાળકો, ચારે તરફ અભાવ જ અભાવ. પણ આવા અભાવમાં વિધાનો વિરાટ સમુદ્ર ઉત્તુંગ તરંગો સાથે સવારથી સાંજ સુધી ઘુઘવાટા માર્યા કરે. જાણે અમાવાસ્યાની રાત્રે સૂર્ય ઊગ્યો હોય. દરિદ્રતારૂપી અમાવાસ્યાની રાત અને સુર્ય બંનેને એકસાથે જોવા માટે પંડિતજીનું ઘર યોગ્ય કહેવાય. ભણાવતી વખતે ખાવાપીવાનું ભૂલી જાય. ભાવવિભોર થઈને ભણાવે વિદ્યાર્થીઓને ખડખડાટ હસાવે. યુક્તિ – તર્ક તો બસ તેમનો જ. ભલભલાની જીભ બંધ કરી દે. સ્વાભિમાની ખરા પણ અભિમાની નહિ. વિચારોમાં પૂરા જુનવાણી, રૂઢિચુસ્ત મહારાષ્ટ્રીય બ્રાહ્મણ પણ નૈતિકતા તથા ચારિત્રમાં જરાય ઢીલા નહીં. કોઈની ખુશામત કે ચાપલૂસી ના કરે. એટલે શેઠીયાઓ તથા મહન્તો બીજા માખણિયા પંડિતોને ન્યાલ કરી નાખે પણ આપને કોઈ યાદ પણ ના કરે. તેમને પોતાની દરિદ્રતાનું દુઃખ ન હતું, તે તો સહર્ષ સ્વીકારેલી હતી. ખબર નહિ આવાં કેટલાં રત્નો ભારતમાં રિબાતાં હશે.
અમારી યુનિવર્સિટીમાં શ્રી આદિત્યનાથ ઝા વાઇસ-ચાન્સેલર થઈને આવ્યા. આઈ.સી.એસ. ઑફિસર હોવાથી ખૂબ સૂઝબૂઝવાળા. તેમણે ઉત્તમ વિદ્વાનોનો સંગ્રહ કરવા માંડ્યો. હરિરામ શુક્લને પણ યુનિવર્સિટીમાં લાવવા પ્રયત્ન કર્યો, પણ ‘વિદ્યા વેચાય નહિ' એ સૂત્રે જવાબ અપાવ્યો કે મારે નોકરી નથી કરવી. ઘણું સમજાવ્યા ત્યારે અંતે કેટલીક શરતે તૈયાર થયા : (૧) પગાર નહિ લઉં, (૨) નોકરી માટે અરજી નહિ કરું, (૩) કોઈના પણ હાથ નીચે નહિ રહું. તેમની બધી શરતો સ્વીકારી, તેમને સાંખ્યયોગનો સ્વતંત્ર વિભાગ અપાયો. અને આગ્રહ કરીને પગારના રૂપમાં નહિ પણ દક્ષિણાના રૂપમાં કાંઈક જીવનનિર્વાહ માટે સ્વીકારવા વિનંતી કરાઈ.
જીવનમાં કદી ન ભુલાય તેવી વ્યક્તિઓમાં શ્રી હરિરામજી હતા. હું વર્ષો સુધી તેમની પાસે ભણ્યો. મારો વિભાગ ન હોવા છતાં તેઓ મને પૂરતી સમય આપતા. પાંચ વાગ્યે યુનિવર્સિટી બંધ થાય પણ શુક્લજી ભણાવતા જ હોય. તેમને તો જ્યારે કોઈ વિદ્યાર્થી ન હોય ત્યારે ઓરડો બંધ કરવાનો. સાંખ્ય, યોગ, ન્યાય અને વેદાન્તના ગ્રંથો તેમની પાસે ભણવામાં અનહદ આનંદ આવતો. તેઓ તદ્દન જુનવાણી વિચારવાળા અને હું સુધારક દૃષ્ટિવાળો. ઘણી વાર અમારે મતભેદ થાય, પણ તેમણે કદી મારા પ્રત્યે અણગમો ના કર્યો. આજે પણ ઘણા જુનવાણી વિચારવાળા સાથે મારે સારા સંબંધો છે. આધુનિકતાથી અલિપ્ત રહેનાર, દૂર રહેનાર રૂઢિવાદી થાય તે સ્વાભારિક છે. મને આવા માણસો પ્રત્યે નફરત નથી થતી. હું જાણું છું કે તેમનો સર્વાંગીણ વિકાસ નથી થઈ શક્યો, એકાંગી વિકાસે તેમની આ દશા કરી છે.
શ્રી હરિરામજી યુનિવર્સિટીના સમયથી આગળ-પાછળના સમયે ઘરમાં પણ ભણાવે. કાશીમાં અત્યંત ગરમી પડે. એક વાર 'રાલીસ'નો એક ટેબલ પંખો લઈને હું એમને ભેટ આપવા ગયો. કારણ કે આવી ગરમીમાં પણ ઘરમાં પંખો ન મળે. કેટલો આગ્રહ તથા આજીજી કરી ત્યારે માંડ સ્વીકાર્યો. શેવાળમાં કમળની માફક કાશીની વિદ્વત્નગરીનાં કમળોમાં તે એક સુંદર, ભવ્ય તથા વંદનીય કમળ હતું. રૂઢિચુસ્ત એવા કે પોતાના બંને બાળકોને તેમણે અંગ્રેજી ના ભણાવ્યું. મ્લેચ્છ ભાષા ભણાય જ નહિ, આવી તેમની માન્યતા. મને થાય છે કે જો કાશીવાસ દરમ્યાન મને આ પંડિતજી ન મળ્યા હોત તો શાસ્ત્રીય જ્ઞાનપ્રાપ્તિ માટે મને ઘણો અસંતોષ રહી જાત.
આભાર
સ્નેહલ જાની